તમે આધુનિક જમાનાની કે પહેલાં જમાનાની વાર્તાઓ વાંચો કે ફિલ્મો અને નાટકો જુઓ, તેમાં તમને સ્ત્રીનાં બે જ રૂપ જોવા મળશે. એક રૂપ અત્યંત સરળ, સુશીલ અને સભ્ય સ્ત્રીનું છે, તો બીજું કુટિલ, ઉગ્ર અને ઝઘડાખોર સ્ત્રીનું છે.
ઘણીવાર એવો પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે કે દયા અને પ્રેમની મૂર્તિ એવી સ્ત્રી આટલા ઉગ્ર મિજાજની કેમ બની જાય છે? એની વાણીમાં રહેલી મૃદુતા કર્કશતા કેમ થઇ જાય છે? અગાઉના જમાનામાં તો સ્ત્રી-પુરૂષ બંને ગમાર ને અસભ્ય હતા. પુરૂષ સ્ત્રીને મારઝૂડ કરતો અને પ્રત્યુત્તર રૂપે સ્ત્રી પણ અસભ્યતાથી સામા જવાબ આપતી તથા ગાળો પણ બોલતી. સ્ત્રીનાં બંને રૂપોનાં અસંખ્ય ઉદાહરણ તમને મુનશી પ્રેમચંદની વાર્તાઓ અને નવલકથાઓમાં જોવા મળશે, પરંતુ સામાજિક વિકાસ અને શિક્ષણનો પ્રચાર થવા છતાં આ સ્થિતિમાં જોઇએ એવું પરિવર્તન નથી આવ્યું. તેનું શું કારણ?
આજે સ્ત્રી સુશિક્ષિત એ ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હોવા છતાં પતિ અને સાસરિયાં દ્વારા એનું વારંવાર અપમાન થાય છે. એના માટે 'મુર્ખ', 'ગમાર' જેવા શબ્દપ્રયોગ થાય છે. એસ્વાવલંબી હોવા છતાં પણ પોતે પરાધીન અને અસ્તિત્ત્વહીન છે. એ વિચાર અને આંતરિક રીતે તોડી નાખે છે. પરિણામે, ક્યારેક એ અંદરખાને જ અકળાતી રહીને હાઇ બ્લડપ્રેશર અને હૃદયરોગનો ભોગ બને છે, તો ક્યારેક મનમાં બદલાની ભાવના દબાવીને મૌન સાધી લે છે. ક્યારેક એ સામો વિરોધ ઉઠાવે છે, જવાબ આપે છે, જતાં આવતાં મહેણાં-ટોણાં સંભળાવીને પતિને શાંતિથી જીવવા નથી દેતી. આ બધાંથી એને માનસિક સંતોષ મળે છે.
કેટલીક સ્ત્રીઓ એવી હોય છે, જે શિક્ષણના અભાવથી કુસંગતે ચડીને અવળા માર્ગે દોરાઇ જાય છે. નિતનવી ફેશન અને કોટા દેખાડા એમને બરબાદ કરી મૂકે છે. એ બીજાની કાનભંભેરણીથી ઉશ્કેરાઇને પતિને પોતાના હાથ નીચે દબાવવાનો પ્રયત્ન કરે છે. પતિ જ્યારે બિનજરૂરી ખર્ચ કરવાને અસમર્થ હોય, ત્યારે એ એના પૌરૂષને પડકારે છે. છેવટે એક દિવસ એવો આવે છે કે જેની કાનભંભેરણીથી ઉશ્કેરાઇને સ્ત્રી આ બધુ કરતી હોય છે, તે જ એને છોડીને બીજા માર્ગે ચડી જાય છે. ત્યારે આવી સ્ત્રીઓની સ્થિતિ 'ધોબીના કૂતરા' જેવી થાય છે.
સુમનની જ વાત કરીએ. એ પણ આવી જ ભૂલ કરી રહી છે. એને કીટી પાર્ટીઓમાંથી નવરાશ જ નથી મળતી કે પતિની આવક કે ઘરના ખર્ચ વિશે વિચારે. એ તો દર મહિને નવી સાડી જોઇએ એટલે જોઇએ જ. સુમનના આવા વર્તનને કારણે એના પતિ અમરના મનમાં ઘર પ્રત્યે ઘૃણા જાગી છે.
ઓફિસ બંધ થવાનો સમય થવા આવ્યો હતો. અમરના તમામ સહકર્મચારીઓ પોતાની ફાઇલો વ્યવસ્થિત મૂકતા હતા. કેટલાક ચૂપચાપ કોઇનું ધ્યાન ન જાય એમ ચાલ્યા જવાની પેરવી કરતા હતા. બધાંના મનમાં ઘેર પાછા જવાનો ઉમંગ અને ઉત્સાહ હતો. અમરે ઘડિયાળ તરફ એક નજર કરી. તો છ વાગવામાં પાંચ મિનિટ જ બાકી હતી. એ નિસાસો નાખી પાછો પોતાનું કામ કરવા લાગ્યો. ઘડિયાળનો કાંટો જેમ જેમ આગળ ખસતો હતો, તેમ તેમ એની બેચેની અને અકળામણ વધતી જતી હતી. વાસ્તવમાં, ઘેર જઇને પત્નીનાં મહેણાં-ટોણાં સાંભળવાની કલ્પનામાત્રથી જ એ ધ્રુજી ઉઠતો હતો.
છેવટે પટાવાળાએ આવીને અમરને કહ્યું, ''સાહેબ, બધા માણસો ઘેર ગયાં. તમે પણ કામ બંધ કરો. મારે ઓફિસ બંધ કરવી છે.''
અમર અનિચ્છાએ પોતાની બેગ કરી ઓફિસની બહાર નીકળ્યો. રસ્તા પર ઊભો-ઊભો એ વિચારવા લાગ્યો, 'હજી તો છ વાગ્યા છે, ક્યાં જાઉં?' એનામાં એટલી હિંમત નહોતી કે આટલો વહેલો ઘેર જઇને ૪-૫ કલાક સુધી સુમનનું ભાષણ સાંભળે. એની ઓફિસની સામે બગીચો હતો. અમર ત્યાં ગયો. બગીચામાં પ્રવેશતાં જ એની નજર ખૂણામાં પડેલા ખાલી બાંકડા પર પડી. બેગનું ઓશીકું બનાવી બાંકડા પર સૂતાં સૂતાં એ વિચારમાં ડૂબી ગયો.
'કોણ જાણે સુમનના વર્તનમાં આટલો ફેરફાર કેમ થવા લાગ્યો છે? ઘરમાં પગ મૂકતાંની સાથે જ સુમનની ફરિયાદો, મહેણાં-ટોણાં અને નિતનવી ફરમાઇશો સાથે એનું ભાષણ શરૂ થઇ જાય છે. મેં કેટલીયવાર એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ એ તો મને મોં કોલવાની તક જ નથી આપતી. પોતાનાં જ રોદણાં રડયે જશે.
મને ઘણીવાર ઇચ્છા થાય છે કે બે ઘડી એની સાથે પ્રેમથી હળીમળીને બેસું. એને કુટુંબીજનો વિશે, ખર્ચા વિશે અને મારા વિશે અનેક વાતો કહેવાની ઇચ્છા થાય છે. મારી પરેશાનીઓથી હું એને વાકેફ કરાવવા ઇચ્છુ છું. જેથી એને પરિવાર જવાબદારીઓનો ખ્યાલ આવે અને સમજાય કે નિતનવી સમસ્યાઓનો સામનો કરતાં કરતાં હું કેટલો કંટાળી ગયો છું અને સાવ એકલો પડી ગયો છું.'
અમર જ્યારે પણ સુમનને પોતાની પાસે બેસવાનું કહેતો ત્યારે સુમન પ્રત્યુત્તર આપતી, ''તમારી મોં-માથા વિનાની વાતો સાંભળવા માટે મારી પાસે નવરાશ નથી. હું આખો દિવસ તમારી માફક ખુરશી નથી તોડતી. સવારના પાંચ વાગ્યે ઉઠું છું તો રાતે અગિયાર વાગ્યે માંડ માંડ પથારીમાં પડવા મળે છે. મને તો શ્વાસ લેવાની પમ ફુરસદ નથી.''
''તું સાંભળ તો ખરી...''
''શું સાંભળું? તમારો પ્રેમાલાપ? અરે? એ સાંભળીને પણ હવે કંટાળી ગઇ છું. માત્ર વાતો કરવાથી પેટ નથી ભરાતું. આજ સુધીમાં ક્યારેય કોઇ વસ્તુ લાવી દીધી હોય એવું યાદ છે? છ મહિનાથી કહું છું કે એક સાડી લાવી આપો...''
''હજી ગયા મહિને તો...''
''અરે! એ તે કંઇ સાડી કહેવાય? મેં તમને કહ્યું હતું કે મારે અદ્દલ શીલા પાસે છે એવી જ સાડી જોઇએ. તમે જે સાડી લાવ્યા છો એ તો ઘરમાં પહેરવી પણ ન ગમે, તમને તો પસંદગીની કોઇ ગતાગમ જ નથી. અમારી કિટી પાર્ટીમાં આવીને જૂઓ કે બધી સ્ત્રીઓ કેવા અફલાતૂન કપડાં પહેરીને આવે છે, એકવાર પહેરેલી સાડી બીજીવાર જોવા ન મળે... વખતે મારી પાસે નવી સાડી નહોતી, તેથી હું...''
''તારી બહેનપણી પાસેથી સાડી પહેરવા લઇ આવીને? સારું કર્યું. તને તો ખબર છે કે મારો પગાર...''
''તમારા પગાર સાથે મારે શી નિસ્બત? લગ્ન કર્યા છે તો મારી જરૂરિયાતો પૂરી કરવાની તમારી ફરજ છે. તે માટે તમે ગમે ત્યાંથી પૈસા લાવો. શીલાનો પતિ કેટલી મહેનત કરે છે? રાતે ૧૧-૧૨ વાગ્યે ઘેર આવે છે. જ્યારે તમે છ વાગ્યા નથી કે ઘરમાં હાજર થઇ ગયા નથી.''
''સુમન.''
''બૂમો પાડવાની જરૂર નથી. હું તમારા કરતાં વધુ મોટા અવાજે બોલી શકું તેમ છું. એક વાત અત્યારથી કહી દઉં. આવતા મહિને કિટી પાર્ટી માટે મારે નવી સાડી જોઇએ જ.''
''કિટી પાર્ટીમાં જવાનું છોડી દે.''
''તમને તો પસંદ જ નથી કે હું બે ઘડી ખુશ રહું. હું ૨-૪ કલાક મારી બહેનપણીઓ સાથે આનંદથી વિતાવીને આવું તે વાતની પણ તમને ચીડ ચડે છે. તમે તો એમ જ ઇચ્છો છો કે હું ઘરની ચાર દિવાલો વચ્ચે જ ગુંચવાઇ મરું.''
''તું સમજવાનો પ્રયત્ન...''
''અરે, તમે પણ આખો દિવસ બહાર જ રહો છો ને? મેં તમને ક્યારેય પૂછ્યું છે કે આખો દિવસ ઓફિસમાં કોની સાથે મોજ માણો છો? રાતે ઘણીવાર મોડા આવો છો તો શું તમે એમ માનો છો કે તમે ક્યાં જાવ છો તેની મને ખબર નથી? ઓવરટાઇમ અને સ્પેશ્યલ ડયુટી તો બહાનાં છે. ફરી ક્યારેય મારી કિટી-પાર્ટી કે બહેનપણીઓ વિશે કંઇ કહ્યું તો મારા જેવી ખરાબ કોઇ નહીં હોય.''
''બસ, હવે બહુ થયું. મેઘાને હોમવર્ક કરાવી દીધું?''
''કેમ? એક દિવસ તમે હોમવર્ક ન કરાવી શકો? બધી જવાબદારી મારી એકલીની જ છે? ખેર, જ્યારે આજે વહેલા આવ્યા છો તો લો, આટલું શાક સમારી આપો. મારે પછી થોડું કામ હોવાથી બહાર જવું છે. તમે છોકરાઓનું ધ્યાન રાખજો. કદાચ હું મોડી આવું.''
શા માટે ઘેર જાય? ત્યાં કોણ છે એનું? સામાન્ય રીતે દરેક પરિવારમાં આમ બનતું હોય છે. પરિણામે, પત્નીથી કંટાળેલા પતિ-મહાશયો મોડી રાત સુધી બગીચાઓ, ક્લબો કે હોટલોમાં ક્યારેક કોઇ સાથી સાથે તો ક્યારેક એકલા સમય પસાર કરે છે. મોડીરાતે ઘરમાં ચૂપચાપ ઘૂસી જાય છે અને સવારે વહેલા નીકળી જાય છે.
સ્ત્રીને આજ સુધી દયા, ત્યાગ, પ્રેમ અને મમતાની મૂર્તિ તરીકે જ પ્રસ્તુત કરવામાં આવી છે. સ્ત્રી ખરેખર એવી છે કે નહીં તે જરા જુદી ચર્ચાનો વિષય છે, કેમ કે વાસ્તવિકતા અને વાર્તાઓ, ભાષણો તથા ફિલ્મોમાં વર્ણિત વાતોમાં ખૂબ ફરક હોય છે. આ બાબતનો ખ્યાલ દરેક વિવાહિતાને હોય છે. કેટલીક સ્ત્રીઓને આ બાબતનો સમયસર ખ્યાલ આવી જાય છે. તેઓ પરિસ્થિતિને અનુરૂપ બનીને સુખી જીવન જીવે છે.
જ્યારે જે સ્ત્રીઓ પરિસ્થિતિ અનુસાર પોતાનામાં પરિવર્તન નથી લાવતી. તેઓ માનસિક સંતુલન જાળવી રાખવા માટે દ્વિમુખી વ્યક્તિત્ત્વ અપનાવી લે છે. તેઓ સમાજ અને પરિવાર સમક્ષ દયા, ત્યાગ, પ્રેમ અને મમતાની મૂર્તિ બનવાનો અભિનય કરે છે, પરંતુ માનસિક રૂપે તાણગ્રસ્ત અને કુંઠિત રહે છે.
આવા નકલી અને ખોટા દેખાડાભર્યા જીવનથી તેઓ ક્યારેક કંટાળી પણ જાય છે. પરિણામે, પતિ સમક્ષ આવતાં જ તેઓ અસત્ય અને અભિનયનો અંચળો ઉતારી નાખે છે. તેમની દબાયેલી કુંઠાઓ પ્રકટ થઇ જાય છે. માનસિક સંતુલન જળવાતું નથી અને સ્વભાવ કર્કશ બની જાય છે. જ્યારે આવી સ્ત્રીઓને વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે, ત્યારે ધીમે ધીમે તેમનો આવેગ શાંત થઇ જાય છે અને તેઓ ખરેખર દયા, પ્રેમ અને ત્યાગની મૂર્તિ બની જાય છે. અસંતુષ્ટ હોવા છતાં એમના પતિ ખુશ રહે છે કેમ કે ઘર તથા સમાજમાં એમનું માન જળવાઇ રહે છે.
બદલાતા સમયની અસર:
આપણા બદલાતા જતા ભઆરતીય સમાજમાં અનેક પરિવારો એવા છે, જ્યાં સાસુ-વહુ, નણંદ-ભાભી, દેરાણી-જેઠાણી વગેરે વચ્ચે સહજ સંબંધ જોવા મળતા નથી. મમતા, ત્યાગ અને દયાની મૂર્તિ ગણાતી સ્ત્રીની છાપ ઝાંખી બનવા લાગી છે અને તેના સ્થાને સ્વાવલંબી, સ્વાભિમાની અને ભાવુક સ્ત્રીની છાપ ઊભી થઇ રહી છે. આજે પણ આ સંબંધોમાં મતભેદ અને ઝઘડા થતા જોવા મળે છે. સામાજિક ડર અને કૌટુંબિક મર્યાદાઓને લીધે પતિ-પત્ની વચ્ચે જામે એક મૂક સંધિ થાય છે કે પત્નીએ પરિવારના તમામ સભ્યોને માન આપવું. કોઇ ગમે તે કહી જાય છતાં ચૂપ રહેવું. વારંવાર ઘરમાં જે કંઇ બને તે વિશે પતિને કહે છે અને પતિ માત્ર એમ કહીને ચૂપ થઇ જાય છે કે, ''ભલે, જોઇશું. હું એમને સમજાવી દઇશ.'' પરંતુ એ ક્યારેય વ્યાવહારિક રીતે બંને પક્ષની વાત સાંભળી ફરિયાદ દૂર કરવાનો પ્રયત્ન કરતી નથી.
આમ, સંબંધોમાં અંતર વધતું જાય છે. સ્ત્રી શિક્ષિત, સ્વાવલંબી અને આર્થિક રીતે સધ્ધર હોવા છતાં સંયુક્ત પરિવારોમાં એને આજે પણ ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી. દરેક ખરાબ કામ માટે એને જ દોષિત ઠેરવી અપમાનિત કરવામાં આવે છે. વળી, પરિવાર માટે એ ગમે એટલો ત્યાગ કરે, પણ એને કોઇ કાર્યનું શ્રેય અપાતું નથી.
છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્ત્રીની સ્થિતિમાં એટલી ઝડપથી પરિવર્તન આવ્યું છે કે એ પોતે આ પરિવર્તનને પચાવી શકી નથી. જો આ પરિવર્તન ધીમે ધીમે આવ્યું હોત, તો કદાચ આટલી ખરાબ સ્થિતિ ન હોત.
વહુને મળેલી સ્વતંત્રતા સાસુને પસંદ નથી એનું કારણ એ છે કે એમના સમયમાં પરપુરૂષ સાથે વાત કરનારી, હોટલમાં જનારી, નાટક- ફિલ્મમાં કામ કરનારી સ્ત્રીઓ ચારિત્ર્યહીન ગણાતી હતી. આમ, જૂની પેઢીની સ્ત્રીઓ આ સ્વતંત્રતાને સ્વીકારી શકતી નથી અને નવી પેઢીની સ્ત્રીઓને જેટલી સ્વતંત્રતા મળી છે. તેનાથી તે સંતુષ્ટ નથી.
ઝઘડો સાસુવહુ વચ્ચેનો હોય કે નણંદભાભી વચ્ચેનો હોય, તેનો સીધો પ્રભાવ દાંપત્યજીવન પર પડે છે. પત્ની 'કંઇક વધુ' મેળવવાની લાલચમાં અવારનવાર પતિ સાથે અકારણ ઝઘડો કરે છે. ઝઘડાથી કંટાળેલ પતિ બહાર આશરો શોધતો ફરે છે.
કેટલાક પુરૂષ તો વારંવાર બીજાએ ચડાવવાથી ઉશ્કેરાઇને પોતાની ધાક જમાવે છે અથવા દારૂ પીને અકારણ પત્નીને મારઝૂડ કરે છે. પતિ ઓફિસના કામનો ક્રોધ પત્ની પર ઉતારે છે. આવી સ્ત્રીઓ છેવટે નફ્ફટ બની જાય છે. તેઓ બૂમબરાડા પાડીને, રોકકળ મચાવીને, કુટુંબીજનો અને પાડોશીઓની સહાનુભૂતિ મેળવવા ઇચ્છે છે, તેઓ મનફાવે તેમ બોલીને, મહેણાંટોણાં સંભળાવીને પુરૂષને ડરાવવા માંગે છે. તેમને આનાથી માનસિક સંતોષ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં ઘણીવાર પતિ-પત્ની પર હાથ પણ ઉપાડી બેસે છે. જ્યારે આવી સ્ત્રીઓ આટલો માર ખાધા અને રોકકળ મચાવ્યા પછી પણ સહજ લાગે છે, કેમ કે બૂમબરાડાથી અને રોકકળ કરવાથી એમને ક્રોધ શાંત થઇ જાય છે.
કેટલીક છોકરીઓનો ઉછેર જ એવા વાતાવરણમાં થયો હોય છે કે તેમનાં માતાપિતા વચ્ચે રાત દિવસ ઝઘડો અને મારઝૂડ ચાલતાં હોય. આવી છોકરીઓના મનમાં ધીમે ધીમે એ વાત ઘર કરી જાય છે કે પુરૂષ મારઝૂડ કરે તો તેના પ્રત્યુત્તર રૂપે બૂમબરાડા કે રોકકળ મચાવીને અથવા મહેણાં સંભળાવીને પુરૂષને આઘાત પહોંચાડી શકાય છે. શિક્ષણના પ્રચારને કારણે યુવતીઓમાં સમજદારી વધી રહી છે. તેમને આવી રીતે બૂમબરાડા પાડવાનું શોભાસ્પદ નથી લાગતું, પરંતુ તેની સાથોસાથ આવી સુશિક્ષિત યુવતીઓ લગ્નના નામથી જ ડરે છે. તેમના મનમાં પુરૂષ વિશે ખોટી ધારણા બંધાઇ જાય છે.
સ્ત્રી-પુરૂષ એકબીજાના પૂરક છે. પુરૂષ સ્ત્રીને મારઝૂડ કરે તે સામાજિક દ્રષ્ટિએ ખરાબ ગણાતું હોય, તો સ્ત્રી વારંવાર પુરૂષને વ્યંગ્યબાણથી વીંધ્યા કરે તો પણ ઉચિત નથી.
આપણે સભ્ય અને વિકાસશીલ સમાજનું એક અંગ છીએ. અન્ય સંસ્કૃતિઓની નકલ કરવાનું આપણને સોભતું નથી. આપણે આપણી સંસ્કૃતિમાં જે સારી બાબતો હોય, તે જાળવી રાખવાની છે અને ખરાબ બાબતોને દૂર કરવાની છે. અન્ય સંસ્કૃતિઓમાંથી જે આપણા માટે શ્રેયસ્કર હોય, તે જ આપણે સ્વીકારવાનું છે. નકલ કરવામાં આપણે આપણી આગવી ઓળખ વીસરી જઇએ, એવું ન બનવું જોઇએ.
- નીપા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rwOEFf
ConversionConversion EmoticonEmoticon