માનસા અને માન્યા આ બંને શબ્દોમાં 'મા' અને 'ન' આ બંને અક્ષરો સામાન્ય છે.ે જ્યારે આ બેઉ અક્ષર ભેગાં કરીએ ત્યારે 'માન' શબ્દ બને છે. અને ભારતની બે પુત્રીઓ માનસા અને માન્યાએ ખરેખર પોતાની મહેનત અને લગન દ્વારા મહિલાઓન માન અપાવ્યું છે. તાજેતરમાં યોજાયેલી 'ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૨૦' સૌંદર્ય સ્પર્ધામાં માનસાએ વિજેતાનો તાજ ધારણ કરીને અને માન્યાએ રનર અપ બનીને પુરવાર કરી બતાવ્યું છે કે 'મન હોય તો માળવે જવાય'.પ્રબળ ઇચ્છાશકિત અને લગન તમારો પ્રારબ્ધ સુધી પહોંચવાનો પંથ બની શકે. આજે આપણે આ બંને યુવતીઓ વિશે વાત કરીશું.
સૌથી પહેલા આપણે વાત કરીએ રનર અપ માન્યા સિંહની. મૂળ ઉત્તર પ્રદેશની અને મુંબઇના ઉપનગર કાંદિવલીના એક ઓરડાના ઘરમાં માતા મનોરમા અને પિતા ઓમપ્રસાશ સિંહ સાથે રહેતી માન્યાએ યુવાન વય સુધીમાં જ પુષ્કળ સંઘર્ષ કરી લીધો છે. ઓટોરિક્ષા ચાલકની પુત્રી માન્યાએ માતાપિતા પાસેથી મળેલા ખિસ્સાખર્ચીના પૈસામાંથી પણ બચત કરીને શાકભાજી ખરીદી છે. આ પૈસા બચાવવા તે પગપાળા ચાલી છે. આ સૌંદર્ય સ્પર્ધામાં રનર અપનો તાજ ધારણ કર્યા પછી તેનું સન્માન તેની કાંદિવલી સ્થિત ઠાકુર કોલેજમાં થવાનું હતું ત્યારે તે બહુ ગર્વ સાથે તેના પિતાની ઓટોરિક્ષામાં બેસીને જ કોલેજ ગઇ હતી.
માન્યાની માતા કહે છે કે અમે રોજિંદા ખર્ચ માટે તેને ૧૦૦ રૂપિયા આપતાં તેમાંથી તે રિક્ષાભાડું બચાવવા પગે ચાલતી અને બચેલા પૈસામાંથી શાકભાજી ખરીદી લાવતી. જ્યારે હું તેને કહેતી કે આ રીતે તારા ઘૂંટણ ઘસાઇ જશે તો તે કહેતી કે જ્યારે કાંઇ થશે ત્યારની વાત ત્યારે. બાકી જિંદગી સંઘર્ષનું નામ છે. તેથી આપણે સંઘર્ષ કરતાં રહેવું જોઇએ. વધારાનો ખર્ચ ન થાય તેથી તે ઝાઝું કોઇની સાથે ભળતી પણ નહીં. તે કોલેજમાં ગઇ ત્યારે તેને મોડેલીંગ અને સૌંદર્ય સ્પર્ધાઓ ઇત્યાદિ વિશે ખબર પડી. ત્યાર પછી તે પોતાની બેગમાં એક જોડી કપડાં, જૂતાં અને મેકઅપ માટેનો પાયાનો સામાન સાથે રાખતી. જો તેને મોડેલિંગનું નાનુંમોટું અસાઇનમેન્ટ મળતું તો તે કરી લેતી. તેમાં તેને માંડ ૧૫,૦૦થી ૨૦૦૦ રૂપિયા મળતાં. પોતાના શિક્ષણનો ખર્ચ કાઢવા તેણે એક રેસ્ટોરાંમાં પણ કામ કર્યું હતું. વાસ્તવમાં ત્યાં તેને દરરોજ ૧૦ કિલો ગ્રામ લીંબુ સમારીને તેનો રસ કાઢવો પડતો. તેણે લોકોની એંઠી ડીશો પણ ધોઇ છે. પણ તેઘરમાં ે કહેતી કે મને લોકોને પીરસવાનું કામ આપવામાં આવ્યું છે જેથી અમને દુ:ખ ન થાય. પછીથી તેણે કોલ સેંટરમાં પણ કામ કર્યું હતું. તેના પિતા મને બહાર કામ કરવા જવાની ના પાડતાં. પરંતુ માન્યા કોલેજમાં ગઇ ત્યાર બાદ તેની વિચારસરણી બદલાઇ અને તેણે તેના પિતાને સમજાવતાં તેમણે મને બ્યુટીપાર્લરમાં કામ કરવાની પરવાનગી આપી હતી.
જ્યારે ઓમપ્રકાશ સિંહ કહે છે કે માન્યાએ મારી પુત્રીઓ વિશેની માન્યતા જ બદલી નાખી છે. તેણે મને ગર્વનો અનુભવ કરાવ્યો છે. નાનપણથી જ તે અભ્યાસમાં તેજસ્વી હતી. તે ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ પાવરધી હતી. અમે ઉત્તર પ્રદેશમાં પણ ભાડાના ઘરમાં રહેતાં હતાં અને અહીં પણ ભાડાના ઘરમાં જ રહીએ છીએ. પરંતુ માન્યા હંમેશાંથી એમ ઇચ્છે છે કે ભલે એક ઝૂંપડું હોય, પણ તે પોતાનુંહોવું જોઇએ. આનું કારણ સમજાવતાં તેઓ કહે છે કે તે જ્યારે 'મિસ ઉત્તર પ્રદેશ'નું ટાઇટલ જીતી ત્યારે અમને કુરિયર મળ્યું હતું. પણ તે કુરિયલ લેવા ઘરમાં કોઇ હાજર નહોતું. અને અમારા મકાનમાલિકે તે અમારા ઘરે ડિલિવર કરવાનો સાફ ઇનકાર કરી દીધેલો. અમે ભાડાના ઘણાં ઘર બદલ્યા તેને કારણે તેણે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે.
માન્યા જ્યારે આ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઇ રહી હતી ત્યારે તેને એક તબક્કે એમ લાગ્યું હતું કે તે વિજેતા નહીં બને. તે ફોન પર તેના પિતા પાસે ખૂબ રડી હતી. પરંતુ તેના પિતાએ તેને સધિયારો આપ્યો હતો ત્યાર બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને તે રનર અપ બનવા સુધી પહોંચી હતી. હવે તેને જીવનમાં ખૂબ આગળ વધવું છે.
હવે માનસા વારાણસીની વાત પર આવીએ તો હૈદરાબાદની રાજધાની તેલંગણાની નિવાસી માનસા ફાઇનાન્શિયલ એક્સચેન્જ ઇન્ફર્મેશન એનાલિસ્ટ છે તેણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પરંતુ તેનો સંઘર્ષ માન્યા કરતાં થોડો જુદો હતો. માનસા તેના દાદી,મમ્મી અને બહેન સાથે રહે છે.આ પેજન્ટમાં ભાગ લેવા તેની મમ્મી અને દાદી પાસેથી મંજૂરી મેળવતા તેને નાકે દમ આવી ગયો હતો. તે કહે છે કે મારા દાદી પરંપરાગત વિચાર ધરાવતાં સામાન્ય મહિલા છે. તેમને આ બધી ઝાકઝમાળ પસંદ ન હોય તે સ્વાભાવિક છે. તેથી મેં આ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો તે તેમને નહોતું ગમ્યું. તે એક ઉદાહરણ આપતાં કહે છે કે આ સૌંદર્ય સ્પર્ધાનું પહેલું રાઉન્ડ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર હતું. તે વખતે પ્રત્યેક દિવસ એક પડકાર સમાન હતો. મારા વસ્ત્રો મારા દાદીને ન ગમતાં. એક વિડિયો કોલ પર હું ગંજી અને શોર્ટ્સ પહેરીને વૉક કરી હતી ત્યારે તેઓ મારી સામે ઘૂરકિયાં કરી રહ્યાં હતાં એ દ્રશ્ય મારા દિલોદિમાગમાં કોરાઇ ગયું છે. મને તેમને મનાવતાં નાકે દમ આવ્યો હતો.
જોકે માનસા વિજેતા બની ત્યાર પછી તેના દાદી બહુ ખુશ છે. આ બાબતે માનસા કહે છે કે તમારો વિજય સામી વ્યક્તિની વિચારસરણી બદલી નાખે છે. તેણે આ ક્ષેત્રે આવવાનો વિચાર શી રીતે કર્યો તેના વિશે માનસા કહે છે કે હું શિક્ષિકા બનવા માગતી હતી. પરંતુ ગયા વર્ષે મારા કેટલાંક મિત્રોએ મને કહ્યું કે તારામાં સૌંદર્ય સામ્રાજ્ઞાી બનવાના બધા ગુણો છે. તારી પ્રતિભા થકી તું આ સ્પર્ધા ચોક્કસ જીતી શકીશ. બસ, ત્યારથી મારા મનમાં આ વાત ઠસાઇ ગઇ. અને મેં તેમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. પરંતુ એક વાત ચોક્કસ છે કે મેં આ નિર્ણય માત્ર તેમના કહેવાથી નહોતો લીધો.
હું ઉચ્ચ શિક્ષિત છું. અને મને લાગ્યું કે આ ક્ષેત્રે જવામાં કાંઇ ખોટું નથી. તેથી હું તેમાં આગળ વધી. જોકે મને આ ક્ષેત્રે આવ્યા પછી સમજાયું કે ઝાકઝમાળની આ દુનિયામાં પણ પુષ્કળ મહેનત કરવી પડે છે. તે બહારથી જેટલી સુંદર છે એટલી જ સઘન તાલીમ પણ માગે છે.
આત્મવિશ્વાસથી છલકાતી માનસા કહે છે કે આ પ્રકારની સ્પર્ધઓમાં પરિશ્રમ સાથે પ્રારબ્ધ પણ કામ કરે છે. પરંતુ હું પ્રારંભિક તબક્કાથી બહુ પોઝિટિવ રહી હતી. હું હંમેશાંથી જીતવા માટે જ રમવા ટેવાયેલી છું. તેથી હું જે કરું તેમાં મારી જાન રેડી દઉં ં છું. જ્યારે હું સવાલ-જવાબના ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ત્યારે મારું મન બહુ શાંત હતું. તે વખતે જ મને એ વાતની અનુભૂતિ થઇ ગઇ હતી કે આ સ્પર્ધનો તાજ મારા શિરે જ મૂકાશે.
ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૨૦નું બહુમાન હાંસલ કર્યા પછી માનસા મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધાની તૈયારી કરવા માગે છે. આ સિવાય તેને મહિલાઓ માટે ઘણું કરવું છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે. તે કહે છે કે આપણે ત્યાં કંઇકેટલીય છોકરીઓ શાળાનો અભ્યાસ પણ પૂરો નથી કરી શક્તી. જીવનમાં કોઇપણ નિર્ણય લેવામાં શિક્ષણ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. હું મહિલા શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માગું છું. હું ઇચ્છું છું કે આપણા દેશની સ્ત્રીઓ આગળ વધે. તેઓ શમણાં જૂએ અને તે પૂરાં કરવા તેની પાછળ પડી જાય તો જ તેમના સપના સાકાર થઇ શકે.
- વૈશાલી ઠક્કર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38pFa7o
ConversionConversion EmoticonEmoticon