વગર પૈસાના જલસા..!!!


- પૈસાથી દેખાડાતો જલસો એકજાતના હવાતિયાં જ છે. અસલમાં જલસો એ માંહ્યલાની સાહબી છે. રૂદિયો રંગીન થાય તો જ જલસામાં રંગત જામે

કોક હાલચાલ પૂછે ત્યારે આપણે બહુ સહજતાથી હ..ઓ... જલસા એમ કહેતા હોઈએ છીએ. પણ, ખરેખર આપણે જલસામાં હોઈએ છીએ ખરા? કે ખાલી કહેવા ખાતર કહીએ છીએ? તો સવાલ થાય કે આ જલસા એટલે શું? શું હરવું-ફરવું, ખાવું-પીવું એ જલસો નથી? નોકરી-ધંધો કે કર્મક્ષેત્રમાં આપણો જલસો કેમ ગેરહાજર હોય છે? કેમ કંટાળી જઈએ છીએ? કે પછી અસલી જલસાની વ્યાખ્યા જ ખબર નથી..!?!

આપણે સૌ આમ-આદમીઓ એવું સમજતા હોઈએ છીએ કે જલસા કરવા તો રૂપિયા જોઈએ. દેશના ખૂણે-ખાંચરે હરવા-ફરવા રૂપિયા વગર ક્યાં ફરાય છે. અહીં જ આપણી ભૂલ થાય છે. સુખ-સમૃધ્ધિ અને પૈસાની રેલમછેલ હોય, અઢળક માન-સન્માન, પ્રતિા, પદ મળ્યા હોય એવા કેટલાય લોકોને આપણે છલાંગો મારી મોતને વહાલું કરતા જોયા છે. પ્રતિાવાળી નોકરી પણ આપઘાતનું કારણ બનતી હોય છે. જો માત્ર પૈસામાં જ જલસા હોત તો આવા લોકો શું કામ પોતાને મોતને હવાલે કરે છે..? આમ અધવચાળે કેમ જલશો પતી ગયો? ઘણીવાર સામાન્ય ખુજલીમાં પણ જલસો પડી જતો હોય છે. રસમયી જિંદગી એટલે જલસો.

ખરેખર તો માણસ હોવું એ જ જલસાનો પર્યાય છે. પરમેશ્વરની અઢળક કૃપા છે આપણી ઉપર કે માણસ બનાયા. વંદો, ગરોળી કે મચ્છર હોત તો શું ખાક જલસા કરત!!! વાસ્તવમાં આજની ચડસાચડસીની દુનિયાએ સુખ-સમૃધ્ધિ અને પદ-પ્રતિા પાછળ એવી આંધળી દોટ મૂકી છે કે જે ક્યારેય પૂરી થાય એમ નથી. અધૂરી જ રહી જાય છે. બીજા લોકોને એમ લાગતું હોય કે બાકી આ માણસ જલસા કરે છે, હોં. પણ જ્યારે જાત અનુભવ થાય ત્યારે ખબર પડતી હોય છે કે આ ઘરના દરેક સભ્યમાં વલોપાત રોકકળ કરતો હોય છે. મહેલ જેવા ઘરમાં બધા પોતપોતાની વેદનાને લઈને ફરતા હોય છે.

ઘણીવાર જે જલસો નાના ખોરડામાં જોવા મળે છે એવો જલસો આપણા કહેવાતા સુખી-સંપન્ન પરિવારોમાં પણ નથી હોતો. માણસ પોતે પોતાના કુટુંબમાં નથી રહેતો અને વંઠી જાય છે. ત્યારે એ જલસાથી વંચિત રહી જાય છે. એની અતિમહત્વાકાંક્ષા એનામાં માનસિક તનાવ, હતાશા, બી.પી., ચિડીયાપણું જેવી એક આખી જમાત ખેંચી લાવે છે. જે માણસ સખણાં રહેતા નથી શીખતો એને જલસો નસીબ નથી થતો.

આ જલસો કોઈ દિવસ પૈસાથી ખરીદી શકાતો નથી. પૈસાથી દેખાડાતો જલસો એકજાતના હવાતિયાં જ છે. અસલમાં જલસો એ માંહ્યલાની સાહબી છે. રૂદિયો રંગીન થાય તો જ જલસામાં રંગત જામે. અહીં રૂપિયાની અવગણનાનો કોઈ આશય નથી. ખૂબ કમાઓ, અઢળક કમાઓ. પણ, રૂપિયા તમારા ઉપર ચઢી બેસે ને તમે રૂંધાઈ, રૂંધાઈને જીવો એનો કશો જ મતલબ નથી રહેતો. 'શા'માંથી ક્યારે છટકવું ને ક્યારે ક્યાં અટકવું એની કલા શીખો તો જ જલસો પડે. ઈર્ષાળુ અને અદેખો માણસ ક્યારેય જલસામાં નથી રહી શકતો. જલસો કરવા જીવને સમજવો પડે. મારે આમ છે ને મારે તેમ છે, આવા ઢોલ પીટવાના જલસામાં નર્યી ગણતરીઓ અને કૃત્રિમતા જ હોય છે.

ગાઢ ઊંઘમાંથી સવારે જાગીએ છીએ એ જલસાથી કમ નથી. ઊઠતાવેંત ઘોડિયામાં જાગીને હસતું-રમતું ભૂલકું જલસો છે. સવારનો સૂર્યોદય, કબૂતરનું ચાંચનું મિલન, ગલુડીયાંની સવાલની ધિંગામસ્તી, મનગમતું સંગીત, મનચાહી યાદ, કોઈ ચોક્કસ માદક સુગંધ એટલે જલસો. કશાય લોભ-લાલચ-ડર કે દંભ વગર કેવળ કૃતજ્ઞાાતાથી કોઈપણ આલંબન વગર પરમાત્માને યાદ કરવો એટલે જલસો. કોઈ મિત્ર ગાળ બોલી ધબ્બો મારે એટલે જલસો. આપણા રૂપરંગ ને રસોઈ બાબતે વખાણ થાય એટલે જલસો. જ્યાં પ્રેમ છે, આનંદ છે, કરૂણા-દયા છે, છળકપટ નથી, પ્રામાણિકતા, સહજતા છે, સરળતા છે તથા સચ્ચાઈ છે ત્યાં જ જલસાના બેસણા થતા હોય છે. એવી કોઈપણ ક્ષણ કે પળ મળી હોય જ્યાં દિલ ખોલીને ખડખડાટ હસ્યા હોઈએ કે ધોધમાર રડયા હોઈએ એ ઘડી, એ પળ, એ ક્ષણ જલસાને પરાકાષ્ટાએ પહોંચાડે છે. જલસો એટલે જલસો. તન-મન બધું એક. જલસો પાડવા સંવેદનાથી છલોછલ હૈયું જોઈએ. કારણ કે જલસાને દિલ સાથે નાતો છે. તમારું દિલ તમને ક્યારે દગો આપશે એનું કોઈ નક્કી નથી હોતું. અનેક દર્દો પણ દિલમાં જ ઊઠતા હોય છે. આપણે આપણા દર્દમાંથી જલસો શોધવાનો છે. કિશોરકુમારે ગાયું છે તેમ ઃ-

જબ દર્દ નહીં હૈ સીને મેં...

તબ ખાક મજા હૈ જીને મેં???

- દિલીપ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tY5ON3
Previous
Next Post »