ગમે તેટલી દોડધામ કરીએ નસીબથી વધારે અને સમયની પહેલા કંઈ મળતું નથી !'


- આંખ છીપ, અંતર મોતી : આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

- ગરીબ કિસાનના દુઃખનો પાર નહોતો : પત્ની તો નસીબદાર છે રડી લે છે : હું મારી પીડા કોને કહું ?

ખેડૂત ઘરના કંકાસથી અને ભયાનક ગરીબીથી થાકી ગયો હતો. એકલો પડતો ત્યારે તે રડી પડતો હતો. તેને થતું હતું કે પોતાની પત્ની એટલી તો નસીબદાર છે કે મારી સામે રડી શકે છે. મારે રડવાય ક્યાં જવું ?

ખ ળખળ વહેતી નદીના કિનારે એક ખેડૂત રહેતો હતો. થોડીક જમીનમાં ખેતી કરતો. ક્યારેક જાળ લઈને નદી કિનારે જતો અને માછલાં પકડવા મહેનત કરતો. કિંતુ નસીબની રમત ગજબ હોય છે. એ ખેડુત કાયમ માટે સુખથી વંચિત જ રહેતો હતો. એની ગમે તેટલી મહેનત પૂરતી સગવડ આપતી નહોતી. સાંજ પડે ત્યારે એવું જ બનતું કે ઘરમાં કાંઈક ખૂટતું હોય !

ખેડૂતની પત્ની રાત પડે અને કકળાટ કરી મૂકતી.

એ ી મોટે મોટેથી બૂમો પાડતી. જોર જોરથી રડતી. ખૂબ ફરિયાદો કરતી. ખેડૂત વિલા મોએ તેને જોયા કરતો. એ ીની પીડા ખેડૂત સમજતો હતો.કિંતુ ખેડૂતને હતું કે પોતે શું કરે ? પોતે પૂરી મહેનત કરે છે. નાનકડી જમીનમાંથી કેટલો પાક મળે ? અને સારું વરસ દર વખતે ક્યાં આવે છે ? નદીમાંથી માછલાં પકડવાં પણ રોજ મહેનત કરે છે. પણ માછલાંય જાણે એની જાળ જોઈને દૂર દૂર ભાગી જાય છે !

ખેડૂત ઘરના કંકાસથી અને ભયાનક ગરીબીથી થાકી ગયો હતો. એકલો પડતો ત્યારે તે રડી પડતો હતો. તેને થતું હતું કે પોતાની પત્ની એટલી તો નસીબદાર છે કે મારી સામે રડી શકે છે. મારે રડવાય ક્યાં જવું ?

આજ સવારથી ખેડૂત નદીકિનારે આવ્યો હતો. જાળ લઈને બેઠો હતો. નદીના જળમાં વારંવાર જાળ ફેંકી હતી. પણ ચબરાક માછલાઓ જાળમાં કોઈ પકડાતાં જ નહોતાં.

સવારથી ભૂખ્યો અને તરસ્યો આવેલો ખેડુત વિચારતો હતો કે આજે આખો દિવસ ભૂખ્યા રહેવું પડે તો નવાઈ નહીં.ખેડૂત સાંજ સુધી મથ્યો. એની જાળમાં એક પણ માછલું ન પકડાયું.

ખેડૂત થાકીને ઘર તરફ પાછો વળ્યો.   ઊભી બજારમાંથી નીકળતો હતો ત્યારે ખેડૂતે એક ઠેકાણે જોયું કે ફૂટપાથની પાસે એક લારી ઉભી છે. લારીમાં કેટલીક લોટરી પડી છે. ખેડૂતને પોતાનો મિત્ર યાદ આવી ગયો. તેણે એક વાર કહ્યું હતું કે એક લોટરી ખરીદી લેવી જોઈએ. જો તેનો નંબર લાગી જાય તો બેડો પાર આખી જિંદગીનું દળદર ફાટી જાય.  ખેડૂત હસી પડયો. જો લોટરી લેવાનો પોતાની પાસે એક રૂપિયો હોત તો આખો દિવસ ભૂખ્યા રહેવું ક્યાંથી પડત ? લખપતિ થવાનું આપણું નસીબ ક્યાંથી ?

પણ ખેડૂતને મનમાં થયું. એકવાર નસીબ અજમાવવું તો ખરું. જો એકાદ રૂપિયાની સગવડ થાય તો એક વાર તો લોટરી લેવી જ છે. કદાચ નસીબનું પાંદડું ફરે અને મારો નંબર લાગી જાય તો ! તો પોતાની પાસે રૂપિયાનો ઢગલો આવી જાય.

ખેડૂતને આ વિચાર ગમી ગયો. એના મનમાં સુખનાં સવપ્નની શૃંખલા શરૂ થઈ ગઈ. એને થયું કે જો પોતાની પાસે રૂપિયાનો ઢગલો થઈ જાય તો પોતે શું કરે ? ખેડૂતે વિચાર્યું કે પોતે નવાં કપડાં ખરીદે, રહેવા માટે નવી રૂમ ખરીદે. ખાવાપીવાની કોઈ સગવડ ન પડે માટે ઘરમાં બધી વ્યવસ્થા ખડી કરે. પત્ની રોજ કંકાસ કરે છે અને એનાથી તો પોતે કંટાળી જ ગયો છે એકલે પત્ની બદલી નાખે !

ખેડૂતે નક્કી કર્યું કે ગમે તેમ કરીને એક રૂપિયાની સગવડ હવે કરવી જ જોઈએ.ખેડૂતે એક મિત્ર પાસેથી રૂપિયો ઉછીનો લીધો. મિત્ર એક રૂપિયો વ્યાજ નક્કી કરીને આપ્યો.

ખેડૂતે લોટરી ખરીદી. ખેડૂતે લોટરી ખરીદતી વખતે જ લારીવાળાને પૂછી લીધું કે આ લોટરી મને ક્યારે લાગશે ?

લારીવાળો કહે, 'ભાઈ, તને લોટરી ક્યારે લાગશે તે તો ઇશ્વર જ કહી શકે.'

પણ તેણે લોટરી પરથી તારીખ જોઈને કહ્યું કે આ તારીખે તપાસ કરવા આવજે જો તારો નંબર લાગ્યો હશે તો હું તને કહી દઈશ.

ખેડુત ખુશ થતો ઘરે ગયો. થોડાક દિવસ વીત્યા.

લોટરીમાં લખેલી તારીખ આવી એટલે ખેડૂત લારીવાળા પાસે પહોંચ્યો. લારીવાળાને તારીખ અને નંબર મેળવીને ખેડૂતને ઊંચકી લીધો. ખેડૂતને અભિનંદન આપ્યાં. લારીવાળાએ કહ્યું કે, 'દોસ્ત, તને એક લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું છે !'ખેડૂતના હર્ષનો પાર ન રહ્યો.એ નાચવા લાગ્યો. કૂદવા લાગ્યો.

એ દોડતો દોડતો ઘરે ગયો. જે મિત્રે એક રૂપિયાની લોન આપેલી તેના ઘરે પહેલાં પહોંચ્યો. કહ્યું કે મને એક લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું છે. તારો એક રૂપિયો જલદી પાછો આપી દઈશ. પણ અત્યારે તું મને બીજા સો રૂપિયા  આપ. મિત્રે વ્યાજ નક્કી કરીને સો રૂપિયા આપ્યા. એક કાગળ પર લખાવી લીધું અને ખેડૂતની સહી કરાવી લીધી.ખેડૂત દોડતો હતો ત્યારે એ કૂતરાની હડફેટમાં આવી ગયો. પાગલ થઈ ગયેલા ખેડૂતે એ કૂતરાની સામે લોટરીની ટિકિટ ફેંકી અને કહ્યું. જો દોસ્ત, આજે હું તને લાખ રૂપિયાની ટિકિટ નાસ્તામાં આપું છું.' અને પછી તે ખડખડાટ હસી પડયો.

ખેડૂતે બજારમાંથી નવા કપડાં લીધા. મીઠાઈ લીધી. પત્નીને કહ્યું કે આપણા ઘરમાંથી ગરીબીએ વિદાઇ લીધી છે. હવે જલસા કરી આપણા ઘરમાં એક લાખ રૂપિયા આવવાના છે.

પત્ની એ સાંભળીને હર્ષથી પાગલ થઈ ગઈ. તેની આંખોમાં હર્ષના અશ્ આવી ગયા. ખેડૂત સવારે લારીવાળાએ સમજાવેલું તે મુજબ કંપનીની ઓફીસે પહોંચ્યો. તેણે ઓફિસરને કહ્યું કે મને લાખ રૂપિયાનું ઇનામ આપો.

ઓફિસરે કહ્યું,' અમે તમારી જ રાહ જોઈએ છીએ. જેને ઇનામ લાગ્યું હોય તેને આજે આપી જ દેવાનું હોય છે. તમારી ટિકીટ લાવો એટલે નંબર મેળવીને તમને  રૂપિયા આપી દઈએ !

ખેડૂત ત્યાં જ ફસડાઈ પડયો. એણે ટિકિટ તો પેલા કૂતરાને ખવડાવી દીધી હતી ! ખેડૂત ધ્સ્કે ને ધ્સ્કે રડી પડયો. એ બોલ્યો, ગરીબનાં નસીબ પણ શું ગરીબ જ હોય છે ! ખેડૂતને થયું, ન પોતાના લાખ રૂપિયા મળ્યા, ન ગરીબી ગઈ અને પોતે સો રૂપિયાનો દેવાદાર થયો. ન જાણે એ ક્યારે ભરાશે ?

ખેડૂતને થયું, પોતાના નસીબમાં કારમી મહેનત લખેલી છે. નસીબથી વધારે અને સમયની પહેલાં કોઈને કાંઈ મળતું નથી !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31dzKIF
Previous
Next Post »