કઠલાલના લસુન્દ્રા ગામે છ વર્ષની બાળકી પર બળાત્કારથી ચકચાર


- નરાધમે માસૂમ બાળકીને ગોરસ આમલી આપવાની લાલચ આપી ઘરે બોલાવ્યા બાદ કુકર્મ આચર્યું

નડિયાદ


કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે રહેતા એક ઇસમે છ વર્ષિય બાળકી સાથે દુષ્કર્મ આચરતા બાળકીની માતાએ કઠલાલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર લસુન્દ્રા ગામની નહેર પાસે આવેલ બાજપેયનગરમાં ૪૫ વર્ષિય જયંતિભાઇ ઉર્ફે લંઘો ચીમનભાઇ સોલંકી  રહે છે. કુંવારા જયંતિભાઇ તેમની માતા મંગુબેન સાથે રહે છે. ગત્ રોજ જયંતિભાઇએ ઘરની બાજુમાં રહેતી એક છ વર્ષિય બાળકીને ગોરસ આમલી આપવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ જયંતિભાઇ તે બાળકીને ઘરની પડઘી પાછળ લઇ જઇ તેણીની એકલતાનો લાભ લઇ લલચાવી, ફોસલાવી ફસાવીને દુષ્કર્મ કર્યું હતું. સાંજના સમયે બાળકીની માતા ઘરે આવતા તેણીએ બાળકીના કપડામાં લોહીના ડાઘ જોયા હતા. આથી ગભરાયેલી માતાએ બાળકીને સમજાવી પૂછપરછ કરી હતી. આથી બાળકીએ સમગ્ર હકિકત કહી હતી. આથી તરત જ માતાએ કપડવંજ પોલીસ મથકે જયંતિભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે સાંજે પાંચ વાગ્યાના અરસામાં જયંતિભાઇની તેમના ઘરેથી જ અટકાયત કરી છે. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ મામલે ઉલટા ચોર કોટવાલ કો દંડે એ રીતે જયંતિભાઇએ પોતે નિર્દોષ હોય એમ પોતાને માર માર્યાની ફરિયાદ કઠલાલ પોલીસ મથકે નોંધાવી છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30fgCcA
Previous
Next Post »