લ્યો બોલો : કઠલાલમાં અંતિમયાત્રા રથના પૈડાં પણ તસ્કરો ઉઠાવી ગયા


- ટ્રસ્ટ દ્વારા એક વર્ષ અગાઉ વિનામૂલ્યે સેવા માટે અંતિમયાત્રા રથની સુવિધા અપાઈ હતી

કઠલાલ

કઠલાલ શહેરમાં અંતિમયાત્રા રથના પૈડા ચોરાઈ ગયા હોવાની વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. શહેરીજનોના મુખે ઘટનાની ભારે નિંદા થઈ રહી છ. ચોરી વિશે પોલીસમાં અરજી આપીને જાણ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે કઠલાલ શહેરનો વ્યાપ વધતા અંતરિયાળ વિસ્તારમાંથી મૃતદહોની સ્મશાનયાત્રા સ્મશાન સુધી લઈ આવવામાં ભારે તકલીફ પડતી હતી. આ સ્થિતિમાં નગરજનોની તકલીફ જાણીને ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ થઈ હતી. ટ્રસ્ટ દ્વારા એકાદ વરસ પહેલાં શહેરમાં મૃતદેહોન સ્મશાને પહોંચાડવાની વિનામૂલ્યે સેવા માટે અંતિમયાત્રા રથ લાવવામાં આવ્યો હતો. 

આ સુવિધા થઈ જવાથી શહેરમાં મૃતદેહોને સ્મશાને લઈ જવાની સરળતા થઈ ગઈ હતી.

જોકે ગત સપ્તાહની એક રાતે કઠલાલ-નડિયાદ રોડ પરના એક કોમપ્લેક્સમાં મૂકેલા આ અંતિમયાત્રા રથના પૈડા કોઈ કાઢીને કોઈ લઈ ગયું હોવાની વાત શહેરભરમાં પ્રસરી ગઈ છે.  શહેરમાં ચોરઈસમો દ્વારા અંતિમયાત્રા રથને પણ છોડવામાં આવ્યો ન હોવાથી આ કળિયુગમાં પણ કલંક સમાન ઘટના છે તેવું લોકો કહી રહ્યા છે. નગરજનોમાં આવા તસ્કરો પ્રત્યે ફિટકારની લાગણી જોવા મળી રહી છે. રથના વહીવટકર્તાઓ દ્વારા આ અંગે પોલીસમાં અરજી દ્વારા જાણ કરવામાં આવી છે અને પૈડા વગરના થયેલા રથને પથ્થરના ટેકા આપીને ઊભો કરવામાં આવ્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PzMNBA
Previous
Next Post »