આણંદ : વિશ્વ મહિલા દિને એક દિવસ પુરતું મહિલાઓનું સગવડીયું સન્માન કરી અન્ય દિવસોમાં મહિલાઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે મહિલા શક્તિ સેનાના વડપણ હેઠળ આણંદ જિલ્લાની આશાવર્કર બહેનો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમાન કામ સમાન વેતનની માંગ સાથે આશાવર્કર બહેનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પોતાના મળવાપાત્ર હક્ક સત્વરે પુરા પાડવામાં આવે તેવી માંગ કરી હતી.
વધુમાં આશાવર્કર બહેનો દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આશાવર્કર અને આશા ફીસીલીટેટર બહેનો પાસે તંત્ર દ્વારા તનતોડ મહેનત કરાવવામાં આવે છે. તેના બદલામાં તેઓને નજીવું વળતર આપી મહિલાઓનું આર્થિક શોષણ કરવામાં આવે છે. સાથે સાથે લાખ્ખો મહિલાઓને બંધારણીય અધિકારોથી વંચિત રખાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આરોગ્ય વિભાગની તમામ આરોગ્યલક્ષી યોજનાઓ ઘરે-ઘરે પહોંચાડવાનું કામ આશાવર્કર બહેનો કરે છે. ઉપરાંત છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી સામે ઝઝુમી આશાવર્કર બહેનોએ રાષ્ટ્રહિતમાં કામગીરી કરી છે ત્યારે છેલ્લા છ માસથી કોરોના કામગીરીનું જાહેર કરાયેલ મામુલી ભથ્થું પણ આશાવર્કર બહેનોને ચુકવવામાં આવ્યું નથી. સાથે સાથે કોન્ટ્રાક્ટ પ્રથા તથા ફીક્સ વેતન જેવી શોષણ ભરી નીતિઓમાં મહિલાઓ પીસાઈ રહી હોવાનું આશાવર્કર બહેનોએ જણાવ્યું છે. રાજ્યની તમામ આશાવર્કર બહેનોને બંધારણીય અધિકારો મુજબ વેતન ચુકવવામાં આવે તથા કોન્ટ્રાક્ટર પ્રથા તેમજ ફીક્સ પગાર જેવી નીતિઓ પણ રદ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં આશાવર્કર બહેનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યો હતો. રેલી સ્વરૂપે આશાવર્કર બહેનોએ કલેક્ટર ઓફિસે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bqEr7C
ConversionConversion EmoticonEmoticon