કઠલાલ તાલુકાના સરખેજ ગામની સ્કૂલનાં તાળાં તોડી હજારોની ચોરી


નડિયાદ : કઠલાલ તાલુકાના સરખેજ ગામની એક હાઇસ્કુલમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.હાઇસ્કુલની ઓફિસના તાળા તોડી હજારો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે કઠલાલ પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સરખેજ ગામે આવેલ સરસ્વતિ વિદ્યા મંદિર હાઇસ્કુલ શનિ અને રવિવારના રોજ બંધ હતી. આ સમય દરમ્યાન અજાણ્યા ચોર ઇસમો શાળામાં પ્રવેશ કર્યો હતો.શાળામાં ભણતા કુલ ૩૦ વિદ્યાર્થીઓની સત્ર ફી તથા બોર્ડની પરીક્ષા ફી વર્ગ શિક્ષક પાસે જમા કરાવી હતી. જે શાળાના શિક્ષકોએ શાળાની ઓફિસમાં રૂા.૨૦,૬૯૦ જમા કરાવી હતી.તા.૬-૩-૨૧ ના રોજ શનિવારના દિવસે શાળા સવારની હતી અને હાઇસ્કુલનો સમય પૂર્ણ થતા ઓફિસ કાર્યલયમાં કોમ્પ્યુટર સેટ તથા અન્ય વસ્તુઓ તથા તીજોરીમાં મૂકેલ સત્ર ફી અને પરીક્ષા ફી ચેક કરી ઓફિસને લોક માર્યુ હતુ.

સોમવારે સવારે હાઇસ્કુલના સેવકભાઇ શંકરભાઇ રાઠોડે રમેશભાઇને ફોન કરી સમગ્ર વાત જણાવી હતી.આ બાદ રમેશભાઇ હાઇસ્કુલે આવી તપાસ કરી હતી. તપાસ કરતા તિજોરીમાં મૂકેલ સામાન તથા શાળાને લગતા અન્ય દસ્તાવેજો અસ્ત વ્યસ્ત નીચે પડયા હતા.વળી તિજોરીના ખાનામાં મૂકેલ સત્ર ફી તથા પરીક્ષા ફીના પૈસા ખાનામાં જોવા મળ્યા ન હતા. આ બનાવ અંગે રમેશભાઇ ચતુરભાઇ ડાભીએ કઠલાલ પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કઠલાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3elWvBK
Previous
Next Post »