- એન્ટેના : વિવેક મહેતા
- નાની ફાર્મા કંપનીઓને તૂટી જતી અટકાવવા માટે સરકારે તેમની સમસ્યાનો વહેલો ઉકેલ આપવો જોઈએ
ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરની સમસ્યા નડી રહી છે. ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરમાં દવા બનાવવા માટેના કાચા માલ પર ચૂકવવામાં આવતા ગુડ્સ એન્ડ સવસ ટેક્સ કરતાં ઓછો ટેક્સ ફિનિશ્ડ ગુડ્સ પર લાગે છે. તેની અસર હેઠળ ફાર્માસ્યૂટિકલ્સના ક્ષેત્રની નાની નાની કંપનીઓએ રા મટિરિયલની ખરીદી કરતી વેળાએ જમા કરાવેલા જીએસટી સામે તેમને ફિનિશ્ડ પ્રોડક્ટ પર ભરવાના થતાં જીએસટીની રકમ ઓછી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કાચા માલ પર તેમણે ૧૨ ટકાના દરે જીએસટી ચૂકવ્યો છે.
તેની સામે તૈયાર થયેલી દવા પર તેમણે ૫ ટકાના દરે જ જીએસટી ચૂકવવાનો આવે છે. હવે સાત ટકા રકમ કાયમને માટે સરકારની તિજોરીમાં પડી રહી છે. આ રકમ કાયમને માટે જીએસટીના લેજરમાં જમા પડી રહે છે. આ ડયૂટી તેઓ ક્યારેય ઉપયોગમાં લઈ શકતા નથી.
તેમના પૈસા સરકારની તિજોરીમાં બ્લોક થઈ જતાં તેમણે વ્યાવસાયિક જરૂરિયાત માટે નવી મૂડી ઊભી કરવી પડે છે. આ નવી મૂડીનો બોજ સતત વધ્યા જ કરે છે. આ બોજ નીચે નાના નાના એકમો કચડાઈ જવાનો ખતરો રહેલો છે.
પરિણામે નાની અને મધ્યમ કદના મેન્યુફેક્ચરિંગ એકમોએ ગુડ્સ એન્ડ સવસ ટેક્સ કાઉન્સિલમાં ધા નાખી છે. ફાર્માસ્યૂટિકલ્સના સેક્ટરની કંપનીઓને કનડી રહેલી આ સમસ્યાઓનો સત્વર ઉકેલ આપવાની માગણી તેમણે કરી છે. આ સમસ્યા આજકાલની નથી. પહેલી જુલાઈ ૨૦૧૭ના દિને ગુડ્સ એન્ડ સવસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો ત્યારથી તેમને આ સમસ્યા નડી રહી છે. ભારતભરના નાના અને મધ્યમ કદના ફાર્માસ્યૂટિકલ્સ એકમોનું પ્રતિનિધિત્વ કરતાં એસોસિયેશનનું કહેવું છે કે આ બાબતમાં જીએસટી કાઉન્સિલે તત્કાળ ઉકેલ આપવો જોઈએ. કારણ કે તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ-આઈટીસીનો ક્લેઈમ મેળવી શકતા નથી. તેથી તેમની પાસે ફંડની સતત અછત રહેતી જોવા મળે છે. ભારત સરકાર એક તરફ મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માગે છે. બીજી તરફ તેમની આ મોટી સમસ્યાનો ઉકેલ આપતી નથી. તેની અસર હેઠળ ભારતમાંથી થતી દવાની નિકાસ પર ખાસ્સી અવળી અસર પડી શકે છે. ફિનિશ્ડ પ્રોડક્ટ તૈયાર કરવા માટે ખરીદવામાં આવતા કાચા માલ પર ચૂકવેલા ઊંચા વેરાને કારણે આ સમસ્યા નડી રહી છે. તેની સીધી અસર ભારતમાંથી કરવામાં આવતી નિકાસ પર પણ પડી શકે છે.
બીજું એક ઉદાહરણ આપીને વાત કરીએ. દવા બનાવવા માટેના પાયાના મટિરિયલ ગણાતા એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ પર ૧૮ ટકાના દરે ડયૂટી ચૂકવવામાં આવે છે. તેની સામે તૈયાર દવા પર તેમણે ૧૨ ટકાના દરે ડયૂટી જમા કરાવવાની આવે છે. આમ છ ટકા જેટલી ડયૂટી જમા પડી જ રહે છે. જેટલો બિઝનેસ વધતો જાય તેટલી જમા પડી રહેનારી રકમમાં વધારો થતો રહે છે. નાની નાની ફાર્મા કંપનીઓ દ્વારા દવામાં કરવામાં આવતી મૂલ્ય વૃદ્ધિ ૫૦ ટકાથી વધારે નથી. તેથી ટેક્સની જવાબદારી ઓછી આવે છે અને જમા પડેલી રકમ વધારે છે.
નાના કદની કંપનીઓમાં પણ સારુ ટર્નઓવર ધરાવતી કંપનીઓના રૂ. ૧૦થી ૧૫ કરોડ જેટલા રિફંડના નાણાં સરકારની તિજોરીમાં જમા પડી રહે છે. પહેલી જુલાઈ ૨૦૧૭ પહેલાના એક્સાઈઝ ડયૂટીના ક્લેઈમ પણ હજી સુધી સેટલ કરવામાં આવ્યા નથી. ઘણી કંપનીઓના ૩થી ૬ કરોડ કે તેથીય વધુ રકમ સરકારની તિજોરીમાં છેલ્લા ત્રણ વર્ષથી વપરાયા વિના પડી રહેલી છે.
બીજું, જીએસટીની થનારી આવક ઉપરાંત તેમના નફાની રકમની ત્રિરાશી માંડયા પછી તેમણે તેના પર આવકવેરો પણ ચૂકવવાનો આવે છે. કારણ કે જીએસટી મજરે મળતી હોવાથી તેને ખરીદી માટે કરવામાં આવેલા ખર્ચનો હિસ્સો ગણવામાં આવતો નથી. જીએસટીની જંગી રકમ તેઓ ભૂલી જાય કે જતી કરી શકે તેવી સ્થિતિમાં જ નથી. તેમને આ રકમ વહેલી ન મળે તો તેઓ તેમના વહેવારો તૂટી જવાની સંભાવના છે. દવાના ઉત્પાદનના ક્ષેત્રના નાના અને મધ્યમચ કદના એકમો તૂટી ન જાય તે માટે તેમની આ સમસ્યાનો વહેલો ઉકેલ લાવવો અનિવાર્ય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sxfBcx
ConversionConversion EmoticonEmoticon