- કેન્દ્રિત, એકાગ્ર કે ધ્યાનસ્થ કરેલા મનની શક્તિ અપાર હોય છે. તે વધુ ને વધુ બળવત્તર બને છે તેમ મહાસિદ્ધિઓને પ્રાપ્ત કરતું જાય છે.
વી સમી સદીના મહાન યોગી અને અધ્યાત્મ ગુરુ સ્વામી રામે પૂર્વ અને પશ્ચિમના લોકોને યોગનું સુવ્યવસ્થિત જ્ઞાાન પ્રદાન કર્યું. ૧૯૭૧માં સ્વામી રામે યુ.એસ.એ.ના ઉત્તર પૂર્વીય પેન્સીલ્વેનિયા પોકોનો પર્વતોની ટેકરીઓમાં હોનેસ્ડેલ ખાતે 'ધ હિમાલયન ઈન્સ્ટિટયૂટ' નામની યોગ સંસ્થા સ્થાપી યોગનો પ્રસાર અને પ્રચાર પશ્ચિમના લોકોને માટે શરૂ કર્યો હતો. તેમણે 'લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ' નામનું પુસ્તક પણ લખ્યું છે જેમાં હિમાલયના સિદ્ધ યોગીઓ સાથેના એમના સ્વાનુભવોનું રસપ્રદ નિરૂપણ કરેલું છે. તે કહે છે કે યોગ એ જીવનનું સંપૂર્ણ વિજ્ઞાાન છે. યોગ તે પોતાના શરીર, મન અને આત્મા ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરી આત્મ-પરિવર્તન અને પ્રબુદ્ધતા મેળવનારું અદ્ભુત વિજ્ઞાાન છે.
મહર્ષિ પતંજલિએ યોગની વ્યાખ્યા આપતાં કહ્યું છે - યોગ : ચિત્તવૃત્તિ નિરોધ : - યોગ એટલે મનની વૃત્તિઓનો અટકાવ, મનની વૃત્તિઓને રોકી રાખવી. યોગ એટલે મનનો સંયમ. સ્વામી રામ કહે છે - મન એ અગણિત શક્તિઓનું સંગ્રહસ્થાન છે. તેની અંદર રહેલી શક્તિના સ્રોતનો ઉપયોગ કરીને કોઇપણ માનવી જગતની ગમે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જો મન યોગ દ્વારા પ્રશિક્ષિત થયેલું હોય, એકાગ્ર, તન્મય, એકાવધાની અને અંતર-અભિમુખ બન્યું હોય તો તે આપણા અસ્તિત્વના ઊંડા આયામોમાં પ્રવેશી શકે છે. તે અદ્ભુત અને અભૂતપૂર્વ સાધન છે જેનાથી સાધક ગમે તેવી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. યોગસાધક પૂરેપૂરા ધ્યાનથી તેના ચેતન મનને કેન્દ્રિત કરી કોઇના તરફ દ્રષ્ટિપાત કરે તો તે વ્યક્તિ જરૂર પ્રભાવિત થાય છે.
જ્યારે હું નાનો હતો ત્યારે એક સ્વામીએ મને આ શીખવ્યું હતું. ભારતના ખ્યાતનામ ગણિત શાસ્ત્રી ચક્રવર્તીએ જણાવ્યું હતું કે કોઇપણ બાહ્ય વસ્તુ પર પ્રભાવ પાડવા માટે તથા એકાગ્રતા મજબૂત કરવા માટે ત્રાટક ખૂબ જ શક્તિશાળી સાધન છે. જ્યારે મનને બાહ્ય રીતે કોઇ પદાર્થ પર કેન્દ્રિત કરવામાં આવે ત્યારે તેને ત્રાટક કહેવાય છે, જ્યારે તેને આંતરિક રીતે કેન્દ્રિત કરવામાં આવે ત્યારે તેને એકાગ્રતા કહેવાય છે. આ એકાગ્રતાનું જ બીજું નામ ધ્યાન છે.
ેકેન્દ્રિત, એકાગ્ર કે ધ્યાનસ્થ કરેલા મનની શક્તિ અપાર હોય છે. તે વધુ ને વધુ બળવત્તર બને છે તેમ મહાસિદ્ધિઓને પ્રાપ્ત કરતું જાય છે. ત્રાટક કરવાની વિવિધ પદ્ધતિઓ હોય છે જેમાંની દરેક મનને અલગ અલગ સામર્થ્ય આપે છે. બન્ને ભૃકુટિ - ભમ્મરની વચ્ચે એકીટસે જોવાની પ્રક્રિયા ત્રાટકની બહુ જાણીતી પદ્ધતિ છે. આમ કરવાથી ત્યાં આવેલું આજ્ઞાાચક્ર જાગૃત થઇ એકદમ ક્રિયાન્વિત બની જાય છે - નાકના ટેરવા પર અપલક નેત્રે જોયા કરવાથી પણ ત્રાટક થઇ શકે છે, અંધારા ઓરડામાં એક દીવાની જ્યોત કે મીણબત્તીના પ્રકાશને સતત જોઇને પણ ત્રાટક થઇ શકે છે- કોઇ દેવ કે દેવીની પ્રતિમા કે ચિત્ર ઉપર પણ સાધના કરતા રહે છે. વહેલી સવારના સૂર્યનું કે રાત્રે ચંદ્રનું અપલક નેત્રે નિરીક્ષણ કરીને ત્રાટક પ્રક્રિયા કરી શકાય છે. ત્રાટક, યોગ કે કુંડલિની જાગરણની ક્રિયા યોગ્ય તકેદારી સાથે કરવી જોઇએ નહીંતર તે કરનારને શારીરિક કે માનસિક રીતે નાની-મોટી ક્ષતિ પહોંચી શકે.
પ્રબળ ભાવ, ઘનીભૂત વિચાર કે દ્રઢ સંકલ્પની શક્તિ અસંભવ લાગતા કાર્યોને પણ સફળ કરી શકે છે. 'ચક્રવર્તિઝ મેથેમેટિક્સ' પુસ્તકના લેખક ચક્રવર્તી સ્વામી રામના ગુરુ બાબાજીના શિષ્ય હતા. તેમણે ત્રાટક અને યોગથી ઘણી માનસિક ક્ષમતા વિકસાવી હતી. સ્વામી રામ નાના હતા અને યોગ શક્તિથી બહુ જાણકાર નહોતા તેવા સમયે એક દિવસ તેમણે રામને બોલાવીને કહ્યું - 'તું ઘણીવાર પૂછે છે કે મનથી કેવી રીતે બાહ્ય વસ્તુ, સ્થિતિ કે સંજોગો પર પ્રભાવ પાડી શકાય ? તેનો પ્રયોગ હું તને બતાવું. તું અદાલતમાં જઇને કોઇપણ એવો માણસ શોધી લાવ જેની સાથે અન્યાય થયો હોય અને તે ખોટી રીતે હેરાન કરાયો હોય.' સ્વામી રામ અદાલતમાં ગયા અને ઘણા વકીલોને મળ્યા. તેમની પાસેથી જુદા જુદા કેસ વિશે સાંભળ્યું. પછી એક એવો કેસ પસંદ કર્યો જેમાં એક વ્યક્તિ ઉપર અન્યાયપૂર્વક કામ ચલાવાઇ રહ્યું હતું. રામ સ્વામી, યોગી ચક્રવર્તી પાસે પાછા આવ્યા અને તેમને પેલા માણસ વિશે માહિતી આપી. સ્વામી ચક્રવર્તીએ પેલા માણસનો વિચાર કરી, પોતાના મનમાં તેનું કલ્પના ચિત્ર દોરી તેના પર ત્રાટક કરી ધ્યાન એકત્રિત કર્યું. થોડીવાર પછી ધ્યાનમાંથી બહાર આવ્યા બાદ તેમણે મને કહ્યું - 'મેં ન્યાયાધીશના મસ્તિષ્કમાં સાચી હકીકત જોવા અને જાણવાના વિચાર પ્રક્ષિપ્ત કર્યા છે. તે બરાબર તપાસ કરશે. એ માણસ નિરપરાધ જાહેર કરાશે. ન્યાયાધીશ કેવો ચૂકાદો લખશે, તેમાં કયા શબ્દોનો પ્રયોગ કરશે તે પણ હું તને કહી દઉં. હું બોલું છું તે તું લખી લે. એને તું ટાઇપ કરી લે.' તેમણે ચૂકાદો લખાયો અને રામે તે લખીને ટાઇપ કરી લીધો. સ્વામી ચક્રવર્તીએ કહ્યું - 'આ લખાણમાં મેં જાણીબૂઝીને ત્રણ ભૂલો કરી છે. ચૂકાદો મેં લખાવ્યા પ્રમાણે જ હશે. એમાં પણ આ ત્રણ ભૂલો હશે.'
એ પછી જ્યારે ચૂકાદો આપવામાં આવ્યો ત્યારે દરેક શબ્દ, અર્ધવિરામ ચિહ્નો અને ત્યાં સુધી કે શબ્દો વચ્ચેનું અંતર સ્વામી ચક્રવર્તીએ લખાવ્યું હતું તે પ્રમાણે જ હતું. સ્વામીએ રામને કહ્યું હતું - મારા શ્રુતલેખનને ચૂકાદા સાથે સરખાવ. મેં જે ઈરાદાપૂર્વક ત્રણ ભૂલો કરી હતી તે પ્રમાણેનું આ લખાણ છે. તું જોઇ શકીશ કે બરાબર એ જ બે અર્ધવિરામ ચિહ્નો અને બે શબ્દો વચ્ચેનો એક અવકાશ (સ્પેસ) છોડવાના રહી ગયા છે. માત્ર એ જ બે શબ્દો ભેગા ભેગા લખાયેલા છે. બીજા કોઇ નહીં ! શ્રુતલેખન ચૂકાદાને બિલકુલ મળતું હતું. આ રીતે સ્વામી ચક્રવર્તીએ ત્રાટક અને યોગ થકી દૂરની વ્યક્તિના મન પર પોતાનો વિચારોનો પ્રભાવ પાડી શકાય છે એ પ્રત્યક્ષ પુરવાર કરી બતાવ્યું હતું.
અર્વાચીન ભૌતિકવિજ્ઞાાને મન અને પદાર્થ વચ્ચે 'અતૂટ જોડાણ' પ્રસ્થાપિત કર્યું છે. ભૌતિકવિજ્ઞાાની જ્હોન વ્હીલરનો 'વોર્મહોલ્સ એન્ડ સુપર સ્પેસ'નો સિદ્ધાંત, હયુગ, એવરેટ્ટનો 'મલ્ટીપલ યુનિવર્સ'નો સિદ્ધાંત, જ્હોન એસ. બેલનો 'નોન-લોકલ હિડન વેરીએબલ'નો સિદ્ધાંત અને જેક સરફાત્તીનો 'ઈન્સ્ટન્ટ સુપર લ્યુમિનલ ટ્રાન્સફર'નો સિદ્ધાંત ઈન્દ્રિયાતીત અનુભવો અને અતીન્દ્રિય શક્તિઓને યથાર્થ સાબિત કરે છે. જેક સરફાત્તી દર્શાવે છે કે કોઇપણ માહિતી 'હાઇપર ડાયનેમિકલ કનેકશન'થી સુપર લ્યુમિનલ ટ્રાન્સફર પામી શકે છે. માનવ મન ક્વૉન્ટમ પરમાણ્વિક સ્તર પરના 'ડી બ્રોગ્લી તરંગોને સહજ રીતે પકડી શકે છે. માનવ મન જીવંત કે જડ કોઇપણ પ્રાણી કે પદાર્થ પર પોતાનો પ્રભાવ પાડી શકે છે. ત્રાટક અને યોગ મનની શક્તિને વધારે પરિષ્કૃત કરે છે. '
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m5Crp0
ConversionConversion EmoticonEmoticon