કેમ છો? સારું છે? આમ જ પૂછવાનું કામ મારું છે?...

- આંખ જેવી સગ્ગી આંખ માણસને પૂછે કે આ પાણી જે આવ્યું છે એ તારું છે ? 


કેમ છો ?

કેમ છો ? સારું છે ?

દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ

આમ જ પૂછવાનું કામ મારું છે ?

કેમ છો ? સારું છે ?

અંકિત પગલાંની છાપ દેખાતી હોય

અને મારગનું નામ ? તો કહે : કાંઇ નહીં,

દુણાતી લાગણીના દરવાનો સાત

અને દરવાજે કામ ? તો કહે : કાંઇ નહીં;

દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં

ને કાંઠે પૂછે કે પાણી ખારું છે ?

કેમ છો ? સારું છે ?

પાણીમાં જુઓ તો દર્પણ દેખાય

અને દર્પણમાં જુઓ તો કોઇ નહીં,

'કોઇ નહીં' કહેવતમાં ઝરમર વરસાદ

અને ઝરમરમાં જુઓ તો કોઇ નહીં,

કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ

ને આંખો પૂછે કે પાણી તારું છે ?

કેમ છો ? સારું છે ?

- ચિનુ મોદી

કો ઇ આપણને કેમ છો પૂછે અને આપણે એક જ ઉત્તર આપવાનો હોય છે મજામાં. કેમ છોનો ઉત્તર ઠીક છે, મજામાં છું એ જ અપેક્ષિત હોય છે. એ સિવાયનો કોઇ ઉત્તર મળે તો પણ આપણે એ ઉત્તર, એ જવાબને યંત્રવત્ સાંભળીને આગળ વધીએ છીએ. ચિનુ મોદીનું આ ગીત કેમ છો ? સારું છે ? આ સંવાદથી શરૂ થતું હોય એવું લાગે પણ મૂળમાં તો નરી એકલતાનું ગીત છે. કોઇ સોરાતા હૃદયનું ગીત છે.દર્પણમાં આપણને આપણો ચહેરો દેખાય અને આપણે આપણા ચહેરાને જ રોજ પૂછવાનું હોય કે તું કેમ છે ? તું મજામાં છે ? આ કેવી પરિસ્થિતિ ! કોઇને આપણે કેમ છો પૂછીએ તો ઠીક છે આપણને કેમ છો પૂછનારું ય કોઇ ન હોય - એ કેવી અવસ્થા ? કે પછી એક બીજો અર્થ એવો પણ કરાય કે કોઇનો ચહેરો, કોઇની યાદ હૃદયમાં એટલા ઊંડા ઊતરી ગયા છે કે અરીસામાં ડોકિયું કરવા જાવ અને એ કોઇનો ચહેરો જ દેખાય. અને એની સાથે કોઇ વાત, વાર્તાલાપ, સંવાદનો સંબંધ નથી. માત્ર રોજ એટલું જ પૂછવાનું ઓ ! અરીસામાં દેખાયેલા ચહેરા તું કેમ છે ? સારો છે? ક્યારેક આવું પૂછતા થાક લાગે અને કંટાળો ય આવે. અને ત્યારેપૂછી બેસાય છે કે બસ આમ જ, આવું જ રોજેરોજ પૂછવાનું કામ મારું છે ? શું આટલું જ કામ મારું છે ?

કોઇના પગલાં દેખાય છે. એના પગલાંની છાપ દેખાય છે. પણ એ કયો રસ્તો છે એ ખબર નથી. અને એ મારગનું નામ પૂછો તો કોઇ નહીં. દુણાતી લાગણીઓ ચોકી પહેરા વચ્ચે જીવતી હોય ત્યારે કેવું દુ:ખ ? આમ તો કંઇ ખાવાપીવાનું હોય એ દાઝી જાય કે બળી જાય ત્યારે એને દુણાયુ કહેવાય. મનમાં ને મનમાં કશું બળી ગયું હોય એને દુણાયુ કહેવાય. આ લાગણીઓ પ્રગટયા વિના મનમાં ને મનમાં બળી ગયેલી છે. આ લાગણીઓની ચોકી કરનારા એકાદ બે નહીં, સાત-સાત દરવાનો છે. અને આ દરવાનોને દરવાજા ઉપર કોઇ કામ જ નથી. કોઇની આવ-જા હોય તો દરવાનોને કામ હોય. અહીં તો બધુંય સૂનું પડયું છે. દુણાયેલી લાગણીઓના દરવાજે દરવાન છે. એટલે કે એ કોઇ મહેલમાં રહે છે. હવેની કલ્પના બહુ સુંદર છે. પારેવા, કબૂતર એ કંઇ દરિયો ના ઉલેચી શકે. એ દરિયો ઉલેચવા આવ્યા છે. પારેવું આમેય ભોળું હોય છે. એની ચાંચથી દરિયો નથી ઉલેચાવાનો. કદાચ આ વાતની જાણ પારેવડાઓને પણ થઇ ગઇ છે. પણ કોઇ બ્હાનું તો જોઇને આ કામ અમે નહીં કરીએ એના માટેનું ! અને એટલા માટે જ આ પારેવા આંખોના દરિયાને પૂછે છે આ પાણી ખારું છે ?

પાણી જંપી ગયેલા હોય ત્યારે એ અરીસા જેવા થઇ જાય છે. પાણીમાં જુઓ તો એ દર્પણ જેવું દેખાય છે. અને દર્પણ તો સાવ સૂનું છે. જ્યાં કોઇ નથી માત્ર સૂનકાર છે માત્ર એકલતા છે એટલું જ કહેતા કહેતા તો ઝરમરતો વરસાદ આંખોમાં પડે છે. અને આ આંસુઓ કરમાતા ફૂલ જેવા છે. ફૂલ આખો દિવસ ખીલેલું રહીને સાંજે કરમાઇ જતું હોય છે. આખો દિવસ પેલા ઝરમરતા વરસાદના આંસુઓ વરસતા રહે છે અને સાંજે ફૂલની જેમ કરમાઇ જાય છે. આંખ જેવી સગ્ગી આંખ માણસને પૂછે કે આ પાણી જે આવ્યું છે એ તારું છે ? માણસ એકલો-એકલો પોતે પોતાનામાં કેવો સોરાતો હોય તેની વાત આ ગીતમાં ધીરે-ધીરે ઉઘડતી જાય છે. વર્ષો પહેલા ચિનુભાઇનું આ ગીત તેમણે લખ્યા પછી પહેલીવાર સાંભળવાનો મોકો મને મળ્યો હતો તેનો આનંદ છે.

બીજું કાવ્ય પિતાની પ્રથમ મૃત્યુતિથિ નિમિત્તે લખાયેલું છે. પિતાનું સ્થાન જીવનમાં એવું મહત્વનું લાગતું નથી. માતા વિશે ખૂબ કાવ્યો લખાયા છે પરંતુ પ્રમાણમાં પિતા વિશે ખૂબ ઓછું લખાયું છે. પિતાનું આપણા સૌના જીવનમાં સ્થાન મીઠા જેવું છે, ભોજનમાં મીઠું ન હોય તો એ ભોજન ફીક્કું થઇ જાય છે. પરંતુ મીઠું હોય તો તેની હાજરીની આપણે નોંધ નથી લેતા. પિતા મૃત્યુ પામ્યા પછી હજુ એક વર્ષ માંડ થયું છે. પહેલી પુણ્યતિથિએ ખ્યાલ આવે છે કે સમય ધીરે-ધીરે પિતાને દૂરને દૂર ધકેલી રહ્યો છે. પિતા જીવનમાંથી અને મનમાંથી ધીરે-ધીરે દૂર થઇ રહ્યા છે.

સવારે ઊઠીએ અને એમનું સ્મરણ થઇ આવતું. એમની યાદ આવે અને મોકળા મને રડી પડાતું હતું. સંબંધની કડી હજુય ઢીલી નથી પડી. આખું વર્ષ વાતચીતનો વિષય પિતાજી જ હતા. સગાવ્હાલા પણ એમના સ્મરણો જ કહેતા હતા. પણ સમય એવી રીતે વીતી ગયો કે હવે ચ્હા પી લઉં છું. તમારી યાદ ક્યારેક છલકાઈ જાય છે પણ હું પણ હવે તમારાથી દૂરને દૂર થતો જઉં છું.

પિતાની પ્રથમ મૃત્યુતિથિએ...

તમે મારાથી કાં દૂર દૂર થતા જાવ? તમને

ધકેલે ધીમેથી સમય...

સવારે ઊઠયામાં સ્મરણ થઈ આવે પ્રથમ, તો

વિના કોઈ બ્હાને અવર ઉર મોંફાટ રડતાં,

કડી સંબંધોની સહજ પણ ઢીલી થઈ ન'તી,

ઘરે વાતચીતે  વિષય પણ એ એ જ, મળતા

પથે સ્નેહીઓ તો સ્મરણ સઘળાં યાદ કરતાં

તમારી સાથેનાં.

હવે વીત્યે થોડો સમય, નથી હું યાદ કરતો

પહેલાંની પેઠે; કદીક લઉં ચા બે કપ યદિ

તમારી પેઠે તો સ્મરણ ઉરમાં જાય છલકી,

વરે ધીમે ધીમે મુજ ઉરદશાને ઘર બધું.

તમારાથી હુંયે દૂર દૂર થતો જાઉં : હળવે

મનેયે દે ધક્કો સમય...



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cxGzep
Previous
Next Post »