ફેશનનો અતિરેક .


આજે આપણી સામાજિક જિંદગીમાં ફેશન, મોહકતા અને ચમકદમક વધવાની સાથોસાથ પરંપરાગત ચાલ્યા આવતા રીતરિવાજો અને આદર્શોનું અવમૂલ્યન થવા લાગ્યું છે.

આ કારણસર સ્ત્રી જાગૃતિ, સામાજિક બંધનોમાંથી મુક્તિ વગેરે બાબતોની  વકીલાત પણ કરવામાં આવી રહી છે. આ માટે કેટલીક મહિલાઓને જુદી જુદી સમિતિઓ અને સંસ્થાઓનું સંગઠન પણ બનાવ્યું છે.

આ નારીવર્ગની સમિતિઓ, ક્લબો, કિટીપાર્ટીઓના સભ્ય બનવું. એ હવે સામાજિક માનમર્યાદાઓનું પ્રતીક બની ગયું છે. અવારનવાર જ્યારે આ ક્લબો અને સમિતિઓની બેઠક હોય છે, ત્યારે ત્યાંનું દ્રશ્ય કોઈ 'ફેશન પરેડ શો'ને પણ ઝાંખુ પાડી દે તેવું હોય છે.

આમ, આ સંસ્થાઓમાં મહિલા સભ્ય પોતાની આગવી ઓળખ ઊભી કરવાના ચક્કરમાં, ખાસ કરીને ધનવાન અને અધિકારી વર્ગની પત્નીઓ પોતાનું વ્યક્તિત્વ માત્ર એક 'કામોત્તેજક સ્ત્રી' જેવું બનાવી લે છે. આવી મહિલાઓને લોકો રૂપાળી લલના કે રૂપકડી ઢીંગલીમાં ખપાવે છે. અને તેની પીઠ પાછળ વાતો કરે છે. તેમાંય સ્ત્રીની ઉંમર મોટી હોય તો તેને ઘરડી ઘોડી, લાલ લગામની ઉપમા આવે છે.

આ જોતાં મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે, ''શું આ સ્ત્રીઓ પોતાનું આવું વ્યક્તિત્વ જાણી જોઈને બનાવતી હશે? અથવા તો કદાચ તે સ્ત્રીઓને પોતાનું આવું વ્યક્તિત્વ બની જતું હશે તેનો ખ્યાલ નહીં રહેતો હોય? આ માટે ખરેખર કહીએ તો આજની સ્ત્રીઓનો પહેરવેશ અને તેમનું ઉદ્ધત વર્તન અથવા અસંતુલિત વ્યવહાર જ જવાબદાર છે.

તમને ડગલે ને પગલે જોવા મળતું હશે કે કામોત્તેજક વ્યક્તિત્વનો ભોગ બનેલી સ્ત્રીઓ નવી નવી ફેશનના ભડકીલાં વસ્ત્રો, બાંય વિનાના ખુલ્લા ગળાના બ્લાઉઝ પહેરવાનું અને કઢંગો મેકઅપ કરવાનું પસંદ કરે છે. હવે તો પાછળ પીઠ આખી ઊઘાડી દેખાય તેવા બેકલેસ પોશાકની ફેશન પણ વધી છે. તો કેટલીક યુવતીઓ બેઉ ખભા અને અડધો સ્તનપ્રદેશ ઊઘાડો દેખાય તેવા વસ્ત્રો પહેરે છે.

આવી સ્ત્રીઓ પુરુષો સાથે રહેવાનું વધારે પસંદ કરતી હોય છે. તેઓ અવારનવાર માત્ર ફેન્સી પોશાકો અને સૌંદર્ય પ્રતિયોગિતાના વિષય ઉપર  લાંબુલચક ભાષણ આપી દેતી હોય છે. આ ઉપરાંત ખરું ખોટું અંગ્રેજી બોલવાનું પણ તેમને ગમતું હોય છે. વાત વાતમાં તેઓ હાહાહીહી કરીને જોરથી હસે છે. પોતાને મોડર્ન અને નિખાલસ વ્યક્તિમાં ખપાવા તેઓ ક્યારેક વધુ પડતાં આછાકલાવડા કરે છે.

'સેક્સી સ્ત્રી' કે કામોત્તેજક સ્ત્રી'ના વ્યક્તિત્વથી જો જલદી મુક્ત ન થઈ શકીએ, તો તેનું પરિણામ ખૂબ જ નુકસાનકારક આવે છે.

આવી મહિલાઓ સાથે જ રસ્તામાં મજાક મશ્કરી અને બળાત્કારના બનાવો બનતા હોય છે. ક્લબોમાં પુરુષો આવી મહિલાઓ સામે તો તેમના વખાણ કરતા થાકતા નથી.

પરંતુ સાથે સાથે તેના શરીરના અંગો તરફ લાલચભરી નજરથી જોતા હોય છે. બધાની વચ્ચે આવી સ્થિતિ તે સ્ત્રી માટે પણ હાસ્યાસ્પદ બની જતી હોય છે.

સ્ત્રીઓની બહેનપણીઓ તેમના વખાણ કરી કરીને તેમને જ પ્રથમ સ્થાન આપતી હોય છે. તેમને દરેક વાતમાં આગળ કરી પોતાનો લાભ ખાટી જાય છે.

જો સ્ત્રીઓ થોડો સંયમ જાળવી સ્ત્રીસુલભ મર્યાદાઓ ઉપર ધ્યાન આપે તો આવા વ્યક્તિત્વથી સહેલાઈથી મુક્ત પણ થઈ શકાય છે.

સૌથી પહેલાં તો તે માટે પાતળા ઝીણા કપડાંના બ્લાઉઝ પહેરવાનું છોડી દો, જેથી વક્ષસ્થળનું પ્રદર્શન ન થાય. જો તમે પાતળા જ્યોર્જેટ કે સિફોન કાપડના બાંય વિનાના કે ખુલ્લા બ્લાઉઝ પહેરતાં હો, તો તેની સાથે કાળા રંગની બ્રા ક્યારેય ન પહેરવી જોઈએ. ઝાંખા રંગના બ્લાઉઝમાં પણ કાળા રંગની બ્રા ન પહેરવી જોઈએ કેમ કે ઝાંખા રંગના બ્લાઉઝ નીચે કાળી બ્રા પહેરવાથી વક્ષસ્થળનો ઊભાર સ્પષ્ટ દેખાશે. પુરૂષો આવી સ્ત્રીને ટગરટગર જોયા કરે છે. તેમજ અંદરોઅંદર કોમેન્ટ પાસ કરે છે.

નાભિ દેખાય તે રીતે સાડી ન પહેરવી જોઈએ. તેનાથી શરીરનો વધારે પડતો ભાગ ખુલ્લો રહેવાથી તે તરફ તરત જ પુરૂષોનું ધ્યાન કેન્દ્રિત થશે અને પુરૂષ તમારી તમારી તરફ કામુક નજરે જોશે. આવી સ્ત્રીઓ વિશે પુરૂષો અંદરોઅંદર જાતજાતની ટકોર કરતાં હોય છે. કેટલીક સ્ત્રીઓને તેમનો સાડીનો છેડો નીચે ઊતરી જાય તેનું ભાન રહેતું નથી અથવા તેઓ જાણી જોઈને પાલવ નીચે ઊતરી જવા દે છે. આ ઠીક નથી.

ક્લબ અથવા તો કોઈ મિટિંગમાં જવાનું હોય તો સમયથી પાંચ મિનિટ પહેલાં જ પહોંચવું જોઈએ અને ત્યાં જાહેર થયેલા વિષયો ઉપર જ ચર્ચા કરવી જોઈએ.

કાપડ અને સૌંદર્ય પ્રસાધનોની દુકાનમાં જાવ ત્યારે પુરુષ વિક્રેતાઓથી થોડાં અંતરે ઊભી રહી મર્યાદા જાળવી હાથપગના લહેકાં કર્યા વિના જ વાત કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી પુરૂષો સાથે ઓછી વાતચીત કરો, પોતાનો મેકઅપ, વસ્ત્રો અને હેરસ્ટાઈલ ઋતુ અને પ્રસંગને અનુલક્ષીને કરો. થોડા ઘરના શોખ અપનાવીને વધારે સમય ઘરમાં જ વ્યસ્ત રહો.

ઉપર જણાવેલી બાબતો તરફ જો ધ્યાન આપવામાં આવે તો તમે પોતે તો ''કામોત્તેજક સ્ત્રી'' ના વ્યક્તિત્ત્વથી મુક્ત થશો જ. સાથોસાથ તમારા કાર્યક્ષેત્રમાં પણ લોકપ્રિય બની શકશો. કેટલીક સ્ત્રીઓ ખૂબ જ 'લો કટ' બ્લાઉઝ પહેરે છે અને નાભિથી પણ નીચે રહે તેવી સાડી પહેરે છે. વળી તેમનો છેડો વારંવાર નીચે ઉતરી જતાં છાતીનો ભાગ ઊઘાડો થઈ જાય છે.

સ્ત્રી ભલે આવું જાણી જોઈને ન કરતી હોય તો પણ આવી યુવતી વિશે સમાજમાં, પાર્ટીમાં લોકો જાતજાતની વાતો કરે છે. તેને જાતજાતના વિશેષણોથી નવાજે છે.

બને ત્યાં સુધી વધુ પડતી ફેશન કરેલાં વસ્ત્રો કે સાડી પહેરવી હોય તો પણ જે પાર્ટીમાં પતિ સાથે હોય ત્યાં જ આવો ઠાઠમાઠ કરો. મહત્ત્વની વાત તો એ છે કે લોકોની નજરનું આકર્ષણ કેન્દ્ર બનવા વધુ પડતા ગ્લેમરસ દેખાવને બદલે એવા શાલિન પોશાક પહેરો તો તમારું વ્યક્તિત્વ ગૌરવશાળી દેખાય. તમારી પ્રતિભાની લોકો કદર કરે.

- અવન્તિકા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bsa68Q
Previous
Next Post »