- પ્રભાસ પુન્ની અને અભિનવને અનેકવાર ફિલ્મ જોવા અથવા જમવા માટે પણ લઈ જતો હતો અને ત્યારે ક્યાં જવું અને શું ખાવું એ પુન્ની પર છોડી દેવાતું હતું, કારણ કે ફાઈનલ પરીક્ષા માથા પર હતી, એટલે પ્રભાસ સાથે એકલા જવાનો મોકો મળ્યો નહોતો, પરંતુ પરીક્ષા પછી એવો કાર્યક્રમ બનાવવાનો તેનો પાકો વિચાર હતો..
- પુન્ની સ્તબ્ધ બની ગઈ. તો આ હતું પ્રભાસનું અસલી રૂપ. પલ્લવી સાચું કહે છે, બંધ એવી અંધારી ગલીમાં પડછાયા પાછળ એકલાં ભટકવા કરતાં કોઈ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવું જોઈએ. તેની નજર સામે અભિ અને દિવ્યાના ઝંખવાયેલા ચહેરા પર તરવરી ઊઠયા. તે તરત તેમના રૂમ તરફ દોડી ગઈ.
'આ છે મારો મિત્ર પ્રભાસ. મારી સાથે કામ કરે છે અને નવો પાડોશી પણ છે.'' અભિનવે પોતાની સાથે આવેલા એક ખૂબ જ દેખાવડા સૌમ્ય યુવાનનો પરિચય કરાવ્યો, ''આ મારી નાની બહેન, આઈઆઈપીએલમાંથી એમ.બી.એ. કરી રહી છે. અમે તેને પુન્ની કહીએ છીએ. આમ તો તેનું નામ છે પૂર્ણિમાં.''
''ઘણું સુંદર નામ છે.'' પ્રભાસના મોંમાંથી શબ્દો સરી પડયા.
પુન્નીને લાગ્યું કે તેણે ઉચ્ચારેલા શબ્દોથી તેના નામને એક નવી ગરિમા મળી ગઈ છે.
''આભાર. તમે પણ મને પુન્ની કહીને બોલાવી શકો છો.''
''એ તો કહેશે જ, પરંતુ પહેલાં તેની જરા ખાતરબરદાસ કરો, ચા-નાસ્તો તો બનાવો.'' અભિનવે કહ્યું.
સવારે જ માએ મઠિયાં તળીને રાખ્યાં હતાં, છતાં પુન્નીએ ગરમાગરમ ભજિયાં બનાવ્યાં તેને પ્રભાસમાં કશું અજીબ પ્રકારનું આકર્ષણ અનુભવાતું હતું. સારો તો હશે જ. નહીં તો અભિભાઈ તેમના મિત્રોને બહુ ભાગ્યે જ ઘરે લાવે છે. ચા-નાસ્તો મોકલ્યા પછી તે પોતાના રૂમમાં આવી. થોડા સમય પછી અભિનવે તેને બૂમ મારી. પ્રભાસ જવા માટે ઊભો થયો હતો.
''ભજિયાં બહુ સ્વાદિષ્ટ હતાં. જ્યારે પણ ખાવાનું મન થશે ત્યારે આવી પહોંચીશ.''
''એ પહેલાં પણ જો ઘરમાં ભજિયાં બનશે તો આવવા માટેનો સમન્સ મોકલી આપીશું.'' પુન્ની હસી.
''હા, સમન્સ મોકલવો બરાબર રહેશે, કારણ કે તેના ઘરે તો કોર્ટ શરૂ થવાની છે, લગ્ન થવાનાં છે અને તે પણ વકીલાત કરનારી સાથે.'' અભિનવે હસીને ટાપસી પૂરી.
આ સાંભળી પુન્નીના શરીરમાં કંપારી થઈ આવી. હજુ તો ઘરનું સપનું જોયું હતું ત્યાં અભિનવે તેના પર વીજળીનો ઝાટકો લગાવી દીધો.
''તું પણ યાર, જરા બટનની વાત કરી તો તું તેને ઓવરકોટ બનાવી દે છે.'' પ્રભાસ જરા છણકા સાથે બોલ્યો, ''મારા માટે વકીલાત ભણતી છોકરીનું કહેણ આવ્યું છે, ત્યાં પુન્ની અને અભિનવે તો મારાં લગ્ન પણ પાકાં કરી દીધાં. જ્યારે હાલ તો એવો કશો ઈરાદો નથી.''
પુન્નીને મનમાં શાંતિ થઈ. સંબંધોમાં વળી શું છે, કમાતાધમાતા છોકરા મળે તો કહેણ આવતાં જ રહે છે. આજકાલ છોકરીઓ વકીલો સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી ત્યારે પ્રભાસ જેવો સ્માર્ટ છોકરો તો કાળો કોટ પહેરનારી છોકરી સાથે લગ્ન કરવાથી બચશે. તેની સાથે તો પુન્ની જેવી સ્માર્ટ એમ.બી.એ. કંપની એક્ઝિક્યુટિવ જ ચાલે. હજુ તે ભણે છે. તો શું થયું ? પ્રભાસને પણ કશી ઉતાવળ નથી. બસ, તેને માની નજરમાં લાવવો પડશે.
માની નજરમાં તો ઘણીવાર પ્રભાસ આવતો જ હતો અને એ પણ સ્પષ્ટ રીતે જાહેર હતું કે તે મમ્મીપપ્પાને પસંદ છે, કારણ કે અભિનવ ટૂર પર હોવા છતાં તેઓ પ્રભાસને ઘરે બોલાવતા હતા, પરંતુ તેની સાથે સંબંધ જોડવા જેવી કોઈ વાત નજરે દેખાતી નહોતી. કેમ્પસ સિલેક્શન દરમિયાન પુન્નીની પસંદગી થઈ અને એક ઇન્ટરનેશનલ કંપનીમાં જોડાઈ ગઈ. ત્યારે અભિનંદન આપવામાં પ્રભાસ પણ હતો.
''જાણે છે, આ કંપનીની એક બીજી પણ ખાસિયત છે?'' પ્રભાસે મજાકમાં હસીને પૂછ્યું, ''તે પોતાને ત્યાં કામ કરનારાઓનાં અંગત જીવનમાં કશા પ્રકારની દખલ કરતી નથી. એવો પણ કોઈ નિયમ નથી કે તમે કોઈ સાથે કામ કરનારા કે ટ્રેનિંગ દરમિયાન લગ્ન ન કરી શકો.''
''સારો નિયમ છે, પરંતુ પુન્નીને તેનાથી કશો ફરક પડશે નહીં, કારણ કે એમ.બી.એ. જોઈ ન કરતાં પહેલાં તેણે મારી પાસેથી વચન લીધું છે કે જ્યાં સુધી નોકરીમાં સ્થિર ન થઈ જાય અને તેને ઓછામાં ઓછું એક પ્રમોશન ન મળે ત્યાં સુધી અમારે તેનાં લગ્ન માટેનો વિચાર કરવો નહીં.'' પપ્પાએ કહ્યું.
''આમ પણ અભિનાં લગ્ન પહેલાં તેના લગ્ન માટેનો સવાલ ઊભો થતો નથી.'' મા બોલી, ''અને તે હાલ તો લગ્ન માટે તૈયાર નથી.''
પુન્નીને મમ્મીપપ્પા પર ઘણો ગુસ્સો આવ્યો કે શી જરૂર હતી આ બધું પ્રભાસને કહેવાની ? હજુ તો તેણે ઇશારો માત્ર જ કર્યો હતો અને મમ્મી પપ્પાએ તેનો પ્રેમપ્રસંગ શરૂ થાય એ પહેલાં પૂર્ણવિરામ મૂકી દીધું.
''તારો શો ઈરાદો છે લગ્નનો, પ્રભાસ ?''
''નેક જ છે, અંકલ. લગ્ન જરૂર કરીશ, પરંતુ આટલાં વહેલાં પણ નહીં.''
''આટલાં વહેલાંનો શો અર્થ છે ?'' માએ જરા ઉતાવળે પૂછ્યું, ''સરસમજાની નોકરી છે. અભિ તો ઘરમાં જ રહે છે એટલે લગ્ન ઠેલી શકાય તેમ છે, પરંતુ તું તો એકલો રહે છે અને તે પણ ઘરથી દૂર.''
''ઘરથી દૂર ક્યાં રહું છું આન્ટી?'' પ્રભાસે વાત કાપી કહ્યું, ''મહામુશ્કેલીએ ૧૦ મિનિટ અહીં આવતાં થાય છે અને હું આ ઘરને પણ મારું જ સમજું છું.''
પુન્નીને નિરાંત વળી. આનાથી પ્રભાસ વધુ શું કહે ? આ પછી તો વાતને આગળ ધપાવવાની જવાબદારી તો પુન્નીની હતી અને વાતને આગળ વધારવાનું કામ પણ મુશ્કેલ નહોતું, કારણ કે પ્રભાસનું ઘરમાં આવવા જવાનું તો કાયમ હતું જ અને જમવામાં તેને કઈ વાનગી પસંદ છે તેની જાણ પણ તેને થઈ ગઈ હતી. એટલે પુન્ની તેના આવતાં તેની મનગમતી વસ્તુ બનાવતી રહેતી અને પ્રભાસ તેની પ્રશંસા કરતો રહેતો હતો.
પ્રભાસ પુન્ની અને અભિનવને અનેકવાર ફિલ્મ જોવા અથવા જમવા માટે પણ લઈ જતો હતો અને ત્યારે ક્યાં જવું અને શું ખાવું એ પુન્ની પર છોડી દેવાતું હતું, કારણ કે ફાઈનલ પરીક્ષા માથા પર હતી, એટલે પ્રભાસ સાથે એકલા જવાનો મોકો મળ્યો નહોતો, પરંતુ પરીક્ષા પછી એવો કાર્યક્રમ બનાવવાનો તેનો પાકો વિચાર હતો, કારણ કે અભિનવ તો મોટેભાગે ટૂર પર જ રહે છે, એટલે રજાઓમાં બોર થયાનું બહાનું બનાવીને પ્રભાસ સાથે હરવાફરવા જશે.
પરંતુ હમણાં તો આ બધું ભૂલીને પરીક્ષાની તૈયારી કરવાની હતી. એ દરમિયાન અભિનવ અને પ્રભાસે પણ અભ્યાસમાં દખલ કરી નહીં. જે દિવસે પહેલું પેપર હતું, તે દિવસે અભિનવ શહેર બહાર હતો, છતાં સવારમાં જ શુભેચ્છાની સાથે ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો હતો. તે જાણતી જ હતી કે પ્રભાસ જાતે આવશે અથવા તો ફૂલ મોકલશે, પરંતુ એવું કશું બન્યું નહીં.
પેપર ધાર્યા કરતાં સારા જતાં હતાં એટલે કશો પણ વિચાર કર્યા વિના તે બીજાં પેપરની તૈયારીમાં ગૂંથાઈ જતી હતી. છેલ્લું પેપર આપ્યા પછી તે નિરાંતે સૂતી હતી ત્યારે માએ તેને જગાડી.
''ઉઠ, કેટલું ઊંઘશે ? પ્રભાસ ક્યારનો તારા જાગવાની રાહ જોઈ રહ્યો છે.''
પ્રભાસનું નામ સાંભળતાં તે તરત ઊભી થઈ અને હાથમોં ધોઈ બહાર આવી. આજે તો પ્રભાસે તેને ક્યાંક બહાર લઈ જવી જ પડશે.
''ભર ઊંઘ આવવાનો અર્થ છે કે પેપર સરસ ગયાં છે.'' પ્રભાસ હસીને બોલ્યો.
''હા, અને તે પણ કોઈની શુભેચ્છા વિના.'' તે કટાક્ષમાં બોલી.
''તારા જેવી હોશિયાર છોકરીને શુભેચ્છાની જરૂર રહેતી નથી, પરંતુ સાચું કહું તો પરીક્ષા છે એ હું સાવ ભૂલી ગયો હતો, કારણ કે અહીં હતો જ નહીં.''
''ક્યાં ગયો હતો ?''
''ઘરે.''
''સગાઈ કરવા.'' માએ વાત કાપતાં કહ્યું, ''ફોટો પણ બતાવતો નથી. હવે તો બતાવ કેવી છે મારી વહુ.''
પુન્નીને લાગ્યું કે તે ચક્કર ખાઈને પડી જશે.
''ઘણું સરસ, ગજબની સુંદર છોકરી પસંદ કરી છે.'' પપ્પા ઉત્સાહમાં આવીને બોલ્યા, ''લે પુન્ની તું પણ જો.''
''અરે વાહ, ઘણી સ્માર્ટ છે મેડમ વકીલ.'' પુન્નીના શબ્દોમાં વ્યંગ હતો.
''વકીલ. ઉફ, ત્યાં તો વાત ચાલી જ નહીં.'' પ્રભાસ હસ્યો, ''પ્રિયા જ્વેલરી ડિઝાઈનર છે, ફ્રીલાંસિંગ કરે છે, ઇન્ટરનેટ પર.''
''ઘરે બેસીને ?'' માએ સવાલ કર્યો.
''હા મા. ક્લાયન્ટને મળવા જવું પડે છે, પરંતુ આખો દિવસ ઘરની બહાર રહેવાની મુસીબત નથી.''
''તો ઘર અને બાળકો રડશે નહીં.''
''હા. મા. નવરી બેસીને બોર પણ નહીં થાય. એટલે મેં તરત હા કરી દીધી.'' પ્રભાસ હસ્યો, ''આમ પણ જોયા પછી ના કહેવાનો સવાલ જ રહેતો નહોતો.''
નોકર ચા લાવ્યો. પુન્નીએ મૂંગા મૂંગા ચાનો કપ ઉઠાવી લીધો. માએ સક્કરપારાની પ્લેટ તેની સામે આગળ કરી.
''એક તો લઈ જ લે, પ્રભાસની સગાઈની ખુશીમાં.''
''ના મા.''
''એનું કામ સક્કરપારાથી નહીં ચાલે.'' પ્રભાસે કહ્યું, ''તેને તો પાર્ટી આપવી પડશે. એટલે સમય લઈ આવ્યો છું.''
''લગ્ન ક્યારે કરવાનો છે ?''
''જલદી જ. ફ્લેટ મળતાં જ ઘરનાંઓને તારીખ નક્કી કરવાનું કહી દઈશ.''
''ફ્લેટ તો તારી પાસે છે ને ?'' પપ્પાએ કહ્યું.
''એમાં તો એક જ બેડરૂમ છે અને મારે ૩ બેડરૂમ જોઈએ છે, કારણ કે લગ્ન પછી તો ઘરવાળાઓ પણ આવતા રહેશે અને ડિઝાઈનિંગ કરવા માટે પ્રિયાને પણ એક અલગ રૂમ જોઈશે. એ બિલ્ડિંગમાં ૩ બેડરૂમનો ફ્લેટ ખાલી તો છે. મકાનમાલિકને પૂછી જોઈશ.''
''મકાનમાલિકનું નામ સૂર્યાપ્રકાશ તો નથી ને ?'' પપ્પાએ રસ લેતાં પૂછ્યું.
''હા, અંકલ એ જ છે.''
''તો પછી સમજી લે તને ફ્લેટ મળી ગયો.'' પપ્પાએ ઉત્સાહ સાથે કહ્યું.
''તો સમજી લો કે લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. તમે સૂર્યાપ્રકાશને ઓળખો છો.''
''ઘણી સારી રીતે. ચાલ, હમણાં જ તેમને મળી બધું નક્કી કરી લઈએ.''
હંમેશાં તટસ્થ રહેનારા પપ્પા ન જાણે કેમ 'બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના' બનતા હતા. પ્રભાસ પણ તરત જવા તૈયાર થઈ ગયો.
પ્રભાસ સાથે લગ્ન નહીં થાય અર્થાત્ બે શરીર મળી નહીં શકે, આવો વિચાર કરીને તે દુ:ખી હતી. વિચારોમાં તો તે પ્રભાસનો સથવારો લેતી આવી છે. હંમેશાં લેતી રહેશે અને જો બધાંની જેમ તે પણ પ્રભાસના લગ્નમાં 'અબ્દુલ્લા દીવાના' બની જશે તો કોઈને પણ શંકા નહીં જાય. પ્રભાસ રોજની જેમ મળતો રહેશે. આવો વિચાર કરતાં તે તરત સહજ બની ગઈ અને ઘરે આવી. પપ્પા બોલ્યા, ''લાગે છે ખુલ્લી હવામાં થાક દૂર થઈ ગયો.''
''હા, પપ્પા. ફ્લેટનું શું થયું ?''
''મળી જશે, જો પ્રભાસને પસંદ પડશે તો.''
''પસંદ ન પડે એવી વળી શી વાત છે ?'' પુન્નીએ સવાલ કરી પ્રભાસ તરફ નજર કરી.
''સૂર્યાપ્રકાશજીએ જાતે કહ્યું કે બેડરૂમ થોડા નાનાં છે.''
''તો ? તમારે ત્યાં શું કબડ્ડી રમવાની છે ?''
પ્રભાસ ખડખડાટ હસી પડયો. પછી બોલ્યો, ''વાત તો બરાબર છે. કાલે જ્યારે સૂર્યાપ્રકાશજીને મળવા જઈશ ત્યારે હા કહી દઈશ.''
ફ્લેટ મળી ગયો, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. આ સમય દરમિયાન પુન્નીનું રિઝલ્ટ આવી ગયું હતું. તે નોકરી પર જવા લાગી. પ્રભાસ મોટાભાગે પ્રિયાની વાત કરતો રહેતો હતો અને પુન્ની રસપૂર્વક સાંભળ્યા કરતી હતી. તેને લાગતું હતું કે પ્રભાસ આ બધું તેને કહી રહ્યો છે. તેનો આગ્રહ હતો કે તેનાં લગ્નમાં બધાં આવે, પરંતુ પુન્નીને પ્રમોશન દરમિયાન રજા મળે તેમ હતી નહીં અને તેને એકલી મૂકીને મમ્મીપપ્પા પણ જઈ શકે તેમ નહોતાં.
માત્ર અભિનવ ગયો અને પ્રભાસની પિતરાઈ બહેન દિવ્યાને દિલ આપી પાછો આવ્યો. અભિનવનાં લગ્નનાં અનુસંધાનમાં પ્રિયા અને પ્રભાસનું ઘરમાં આવવાજવાનું જરા વધારે થઈ જવા પામ્યું હતું.
પુન્નીને પણ પ્રિયા સારી લાગી, હસમુખ અને સ્નેહાળ હતી. પ્રભાસ અને પ્રિયાની મજાકમશ્કરી અને ટીખળ પ્રત્યે તેનો કોઈ વિરોધ નહોતો ઉપરથી તે જાતે તેમાં ભળી જતી હતી. દિવ્યાના ભાઈ હોવાના નાતે હવે પ્રિયા અને પ્રભાસ પરિવારના સભ્ય જેવા જ બની ગયા હતા અને પુન્નીને પ્રભાસનું સાંનિધ્ય વધુ મળવા લાગ્યું હતું.
પ્રભાસના વિચારોમાં તેનો નવરાશનો સમય ઘણો સરસ રીતે પસાર થતો હતો, જોશ અને ઉત્સાહ સાથે તે કામ કરતી હતી. થોડા સમયમાં ઓફિસમાં તેને 'ટ્રબલ શૂટર'ના નામે ઓળખવા લાગ્યા અને બીજી ઓફિસોમાં કશી મુશ્કેલી પેદા થતી ત્યારે તેને મોકલવામાં આવતી. ટૂર પરથી પાછી ફરતી ત્યારે પ્રભાસ અને દિવ્યા માટે પણ ભેટ લઈ આવતી.
પ્રભાસ માટે કશું ખરીદવાનું હોય તો તેને ગમતું અને પોતાનાં ભાઈભાભીને જે ભેટ મળતી તેનાથી દિવ્યાને આનંદ થાય તે સ્વાભાવિક પણ હતું.
બધું સરસ રીતે ચાલતું હતું ત્યાં એક દિવસ દિવ્યાએ સવાલ કર્યો કે તે કોઈ વિકાસ આહૂજાને જાણે છે ખરી ?
''ઘણી સારી રીતે. આઇ આઈ પી એલમાં મારાથી ૨ વર્ષ સિનિયર છે અને હવે ઓફિસના એકાઉન્ટ્સ વિભાગમાં છે.''
''તો પછી તમારી વચ્ચે મિત્રતા તો જરૂર હશે.''
''વિકાસને બધા સાથે મિત્રતા છે, કારણ કે તે ઘણો હસમુખ અને મળતાવડો છે.''
''તને ગમે છે ?''
''હા, શરીફ બંદા સૌને ગમે છે. પણ તમે આ બધું શા માટે પૂછો છો ?''
''એટલા માટે કે શરીફ બંદાની બહેન વિનીતા તેને માટે તારો હાથ માગવા આવી હતી. તેનું કહેવું છે કે વિકાસ તેને ચાહે છે, પરંતુ પોતાના પ્રેમનો એકરાર કરી ઓફિસમાં તારા અને તેના પ્રેમને મજાક બનાવવાની ઇચ્છા રાખતો નથી, પરંતુ યોગ્ય રીતે લગ્ન કરવા ઇચ્છે છે. બધાને આ સંબંધ ઘણો ગમ્યો છે, પરંતુ પપ્પાએ કહ્યું કે જ્યાં સુધી તને પ્રમોશન ન મળી જાય ત્યાં સુધી તું લગ્ન માટે ના કહેશે. એટલે વિકાસ સાથે તારે જાતે જ વાત કરવાની રહેશે. આજે વિનીતાનો ફોન આવ્યો હતો કે વિકાસ કહે છે કે આવતા મહિને કંપનીની વાર્ષિક મીટિંગ થવાની છે તેમાં જે પ્રમોશન લિસ્ટ બહાર પડશે તેમાં તારું નામ છે જ. એટલે ત્યાં સુધી રાહ જોઈશું.''
પુન્ની આ સાંભળી પરેશાન થઈ ગઈ. બીજા દિવસે તેણે બોસની સેક્રેટરીને પૂછ્યું, ''વાર્ષિક મીટિંગ આવતા મહિને થશે તે નક્કી છે, પલ્લવી ?''
''૧૦૦ ટકા, પૂર્ણિમા અને તારું પ્રમોશન પણ.''
''એ જ તો પરેશાનીની વાત છે.'' પુન્નીએ નિશ્વાસ નાખી કહ્યું, ''પ્રમોશન થતાં જ ઘરનાં લગ્ન કરી લેવાનું કહેશે.''
''એ તો ઘણી સારી વાત છે.'' પલ્લવી ઉત્સાહથી બોલી, ''કશે વાત પાકી થઈ છે ?''
''હજુ તો થઈ નથી, પણ નક્કી કરવામાં શું વાર લાગશે ? હું લગ્ન નહીં કરી શકું પલ્લવી, કારણ કે હું કોઈને પ્રેમ કરું છું.''
''ઘરનાં જાણે છે ?''
''ઘરવાળાં જ નથી જાણતા એમ નથી જેને પ્રેમ કરું છું તે પણ જાણતો નથી.'' પુન્નીએ કહ્યું.
''પણ તને ખબર છે કે તે તને પ્રેમ કરે છે અને તારી સાથે જ લગ્ન કરશે એવો વિશ્વાસ છે ?''
''એવું કશું નથી પલ્લવી.'' પુન્નીએ ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગી, ''તે મારી સાથે લગ્ન નહીં કરી શકે, કારણ કે તે પરણેલો છે.''
પલ્લવી જાણે વીંછીએ ડંખ ન માર્યો હોય તેમ આંચકો ખાઈ ગઈ.
''મેં તને આટલી મૂરખ નહોતી ધારી, પૂર્ણિમા..''
''જ્યારે પ્રેમ કર્યો હતો ત્યારે તેનાં લગ્ન થયાં નહોતાં.'' પુન્નીએ વાત કરતાં કહ્યું, ''પરંતુ તેને પ્રેમ કરું છું એવો અહેસાસ કરાવું તે પહેલાં તેનાં લગ્ન નક્કી થઈ ગયાં. મને તેનાથી કશો ફરજ નથી પડયો. હું હજુ પણ તેને પ્રેમ કરું છું, નવરાશનો સમય તેના વિચારોમાં પસાર કરું છું. રજાના દિવસે તેની પસંદગીની રસોઈ બનાવી ખવડાવું છું. તેની પસંદગીના ફૂલોથી ઘર સજાવું છું. જ્યારે પણ ટૂર પર જાઉં છું ત્યારે તેના માટે ભેટ ખરીદી લાવું છું અર્થાત્ તે બધું જ જે એક પત્ની કરે છે.''
''તેની પત્ની વાંધો નથી લેતી ?'' પલ્લવીએ આશ્ચર્ય સાથે સવાલ કર્યો.
''ના, કારણ કે તેના માટે પણ કશું લઈ આવું છું અને જમવામાં તે પણ સાથે હોય છે.'' પુન્નીએ પલ્લવીને તેના પરિવાર અને પ્રભાસના સંબંધ વિશે કહ્યું.
''આ કાલ્પનિક મિલન ક્યાં સુધી સુખ આપશે, પૂર્ણિમા ? લગ્નમાં તો ઘણું ઘણું હોય છે.''
''બાળકોને ? પ્રિયાનાં બાળકોને હું મારાં બાળકો જેવો જ પ્રેમ આપીશ. જો વધુ બાળક થશે તો ૧-૨ ને દત્તક પણ લઈ લઈશ.''
પલ્લવીના ચહેરા પરથી લાગતું હતું કે તે પોતાનું કપાળ કૂટવા ઇચ્છે છે, પરંતુ તેણે સંયમ રાખી કહ્યું, ''સારી નોકરી મળતાં બીજા શહેરમાં જવાથી પ્રિયાને તેના એક મિત્રની બહેન સાથે આટલી ગાઢ મિત્રતા રાખવામાં વાંધો તો હોઈ શકે છે.''
''ના એવું નહીં બને, કારણ કે મને મારી ભાવનાઓ પર નિયંત્રણ રાખતાં આવડે છે. આમ પણ હું પ્રભાસ સાથે એ રીતે જ વાત કરું છું, જેમ મારા ભાઈ અભિ સાથે અને જ્યારે પણ તેને મળવા જઈશ ત્યારે ખાલી હાથે તો જઈશ નહીં.'' પુન્નીના ચહેરા પર લુચ્ચું હાસ્ય ફરી વળ્યું, ''ભેટ લેવી કોને નથી ગમતી ?''
''એનાથી બહેતર રહેશે કે તું સમયસર ચેતી જા, પૂર્ણિમા, આગળથી બંધ અર્થાત્ અંધારી ગલીમાં એક પડછાયા પાછળ એકલી ભટકવા કરતાં કોઈ સાથે ઉજ્જવળ ભવિષ્યના રસ્તા પર ચાલ.'' આમ કહી પલ્લવીએ સામે પડેલી ફાઈલ ઉઠાવી, જેનો અર્થ થતો હતો કે તે આગળ વાત કરવા ઇચ્છતી નહોતી.
પુન્ની તેની કેબિન ભણી જતી હતી ત્યારે વિકાસ મળી ગયો.
''થોડી પરેશાન દેખાય છે.''
''લાગીશ જ, કારણ કે આજે કોઈ વિભાગે તેની પરેશાની મોકલી નથી.'' તે બોલીને હસી પડી, ''એવું હશે તો મારી નોકરી જોખમમાં આવી પડશે.''
''સમય હોય તો ઇન્કમટેક્સનું ફોર્મ ભરી દે. ઘણા દિવસથી તારા ટેબલ પર પડેલું છે.'' આટલું કહી વિકાસ આગળ ચાલતો થયો.
બીજું કોઈ હોત તો કહેત, સમય હોય તો ચાલો કોફી પીવા, પરંતુ વિકાસ વાસ્તવમાં સરળ હતો, પોતાની ભાવનાઓની જ નહીં, તેની પણ આબરૂની ચિંતા કરનારો હતો. તેણે વિચાર કર્યો, આવા શરીફ માણસને અંધારામાં રાખવો બરાબર નથી. પ્રમોશન મળે તે પહેલાં જ પોતાનો લગ્ન ન કરવાનો ઈરાદો કહી દેશે, પરંતુ કહેવા માટે યોગ્ય શબ્દો શોધવા પડશે. ઘરનરાંઓને લગ્ન ન કરવાનું કશું નક્કર કારણ પણ બતાવવાનું રહેશે.
એક દિવસ ઓફિસમાંથી પાછી ફરી ત્યારે ઘરનાં બધાં આનંદમાં હતાં તેવું લાગ્યું. પૂછવા પર અભિનવે કહ્યું કે તેને સિંગાપુરમાં નોકરી મળી ગઈ છે અને છ મહિનાનો જોઈનિંગ ટાઈમ પણ તેને આપવામાં આવ્યો છે.
''તમે આટલો લાંબો સમય શા માટે જોઈનિંગ થવા માટે માંગ્યો ?'' પુન્નીએ પૂછ્યું.
''તારાં લગ્ન માટે અને અહીંથી બધું સમેટવા માટે એટલો સમય તો લાગશે જ. મમ્મીપપ્પાને પણ સાતે લઈ જઈશ.''
''મારાં લગ્ન અને મમ્મીપપ્પાની ચિંતા છોડો અને ભાભી સાથે જઈને જલદીથી નવી નોકરી સંભાળી લો. પૈસા સિવાય તમારા મોભામાં પણ ફેર પડી જશે.''
''મમ્મીપપ્પાને એકલો છોડી, કેવી રીતે જઈ શકું ?''
''મારાં રહેતાં તો એકલાં કેવી રીતે થયાં ?''
''બે વડીલ લોકોને તું એકલી કેવી રીતે સંભાળીશ ?''
''સંભાળી લઈશ અને મુશ્કેલી આવી પડે ત્યારે પ્રભાસ અને પ્રિયા તો છે જ.''
''એ તો અમારા પહેલાં ચાલ્યા જશે. પ્રભાસને ઓસ્ટ્રેલિયામાં નોકરી મળી ગઈ છે. બસ, વિઝા મળે તેટલી વાર છે.''
''મને આ બધું પહેલાં કેમ ન કહ્યું ?''
''ક્યારે કહીએ ? તમે તો તમારા પોતાના વિચારોમાં જ ખોવાયેલા રહો છો અથવા કોઈ કામમાં વ્યસ્ત રહો છો.'' દિવ્યાએ હસીને કહ્યું. ''પ્રભાસ તેની અંગત વાતો શા માટે તને કહે ? અભિએ એટલે જ તને કહ્યું નહોતું, કદાચ તને ગમે પણ નહીં કે તારા કારણે તે આગળ જવાની તક છોડી રહ્યો છે.'' માએ બધા તરફથી સફાઈ પેશ કરી.
''મારા કારણે આગળ જવાનો મોકો છોડી રહ્યો છે ? એનો અર્થ શો મા ?''
''અભિને દુબઈમાં ઘણી સારી નોકરી મળતી હતી, પણ તે અમને મૂકીને જવા તૈયાર નથી અને અમે તારાં લગ્ન કરીને પછી જ જઈ શકીએ તેમ છીએ, જે તને પ્રમોશન મળશે તે પછી શક્ય બનશે, કારણ કે તને આપેલું વચન તારા પપ્પા રઘુવંશી કડક રીતે પાળવાનું વિચારે છે.'' માએ વિસ્તારથી વાત કરી, આગળ ઉમેર્યું, ''અભિ તો સિંગાપુરની ઓફર પણ ઠોકરે મારતો હતો. એ તો ભલું થાય વિકાસનું કે તને પ્રમોશન મળવાનું છે એ વાત કહી અને દિવ્યા પાસેથી મેં જાણ્યું કે તું પણ વિકાસની પ્રશંસા કરે છે એટલે અભિએ તેમની પાસેથી ૬ મહિનાનો સમય માગી લીધો, પરંતુ બેટા, તેં હમણાં જે કહ્યું કે તેણે તરત નોકરી જોઈન કરી લેવી જોઈએ તો તું લગ્ન માટે હા કહી દે, અમે કાલે જ વિકાસના ઘરવાળાઓને મળીને લગ્નની તારીખ પાકી કરી લઈએ, જેથી તને તારે ઘરે મોકલી અભિ પણ તેની નોકરી પર જઈ શકે.''
''લગ્ન કર્યાં વિના પણ હું મારે ઘરે ચાલી જઈશ. મા. પ્રમોશન પછી કાર અને ફ્લેટની સુવિધા મળી જશે. હું આરામથી એકલી રહી શકું છું. તમે લોકો હૈયે ધીરજ રાખી સિંગાપુર જાઓ. હું ટૂર બનાવી અથવા એમ જ તમને મળવા આવતી રહીશ.'' પુન્ની પોતાના રૂમમાં જવા માટે ઊભાં થતાં બોલી.
મા આશ્ચર્યમાં પડી ગઈ. દિવ્યા અને અભિના ચહેરા ઊતરી ગયા. તેણે પલંગ પર સૂઈ રોજની જેમ પ્રભાસ વિશે વિચારવાની ઇચ્છા કરી. પ્રભાસે ન કહ્યું તો ન કહ્યું, પરંતુ હું અચાનક ઓસ્ટ્રેલિયા જઈને તેને ચકિત કરી દઈશ. પ્રભાસ કયા શહેરમાં જવાનો છે એ જાણવું જરૂરી છે. એ શહેરમાં એને શોધી કાઢવાનું મુશ્કેલ નહીં બને.
પરંતુ પ્રભાસનો વિચાર આવવાના બદલે માએ જે કહ્યું તે યાદ આવવા લાગ્યું હતું, 'પ્રભાસ તને તેની અંગત વાત શા માટે કહે ?' અર્થાત્ પ્રભાસના જીવનમાં તેનું કશું મહત્ત્વ નથી ? અને જેવું પલ્લવીએ કહેલું કે કશે બીજે ગયા પછી પ્રિયાને કદાચ તેનું પોતાને ત્યાં આવવાનું ન પણ ગમે. પરંતુ ઓસ્ટ્રેલિયાના બિન્ધાસ માહોલમાં પ્રભાસને પોતાનામાં આસક્ત કરવો કંઈ મુશ્કેલ નહીં બને અને તેના મોંમાંથી અચાનક ગીત ગુંજી ઊઠયું, ''હૌલે હૌલે હો જાયેગા પ્યાર સજના, હૌલે હૌલે..''
એ ઊભી થઈ રૂમની બાલ્કનીમાં આવીને ઊભી રહી ગઈ. ત્યાં મમ્મીપપ્પાના શબ્દો સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા.
પપ્પા કહેતા હતા, ''પુન્નીને આટલી વહેલી વાત કરવાની તમારે શું જરૂર હતી ? તેને બઢતી મળતાં હું જાતે તેને વાત કરત અને તે પોતાનાં વચન મુજબ મને ના ન પાડત.''
''જલદી એ હતી કે જો તેનાં લગ્ન જલદી થઈ જાય છે તો અભિ નોકરી પર વહેલો જઈ શકે.'' ''અભિ અત્યારે પણ જઈ શકે છે. આપણે એટલાં વૃદ્ધ કે લાચાર નથી થઈ ગયાં કે આપણા શહેર અને આપણા ઘરમાં એકલાં ન રહી શકીએ. અભિ ટૂર પર જાય છે તો આપણે રહીએ છીએ કે નહીં ?''
''અભિને આ બધું પ્રભાસે પણ સમજાવ્યું હતું.''
''પ્રભાસ તો મને પણ સમજાવતો હતો કે હું પુન્નીનાં લગ્ન વહેલાસર કરું, જેથી પુન્ની પોતાની ખરીદી અને ખાવાનું બનાવવાનો શોખ પોતાના પતિ માટે પૂરો કરે, ભાઈઓ માટે નહીં. પુન્ની પાસેથી ભેટ પણ લઈ લે છે, તેણે બનાવેલી વાનગી ચટાકા સાથે આરોગે છે અને પછી તેના પ્રેમને પોતાની પત્ની અને બહેનના ક્ષેત્રમાં હસ્તક્ષેપ કહે છે.''
પુન્ની સ્તબ્ધ બની ગઈ. તો આ હતું પ્રભાસનું અસલી રૂપ. પલ્લવી સાચું કહે છે, બંધ એવી અંધારી ગલીમાં પડછાયા પાછળ એકલાં ભટકવા કરતાં કોઈ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવું જોઈએ. તેની નજર સામે અભિ અને દિવ્યાના ઝંખવાયેલા ચહેરા પર તરવરી ઊઠયા. તે તરત તેમના રૂમ તરફ દોડી ગઈ.
''ભાભી, તમે મમ્મીપપ્પાને જઈને કહો કે તેઓ વિકાસના ઘરનાં સાથે વાત કરી લે.''
અભિનવ અને દિવ્યાનાં ઊતરેલા ચહેરા ફરી ખીલી ઊઠયા. ''તો પછી વિકાસને જ માત્ર પ્રેમ નથી પુન્નીને પણ છે.'' દિવ્યા આનંદથી બોલી ઊઠી. હવે પુન્ની તેને શું કહે કે છે તો નહીં પણ ''હૌલે હૌલે હો જાયેગા, પ્યાર જનતા.. હૌલે હૌલે..''
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38hHj4X
ConversionConversion EmoticonEmoticon