- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક માનભરી સલામ ભારતમાં શેરડી વડે મીઠી ક્રાંતિ લાવનાર ડૉ. જાનકી અમ્મલને!
- એક નજર આ તરફ-હર્ષલ પુષ્કર્ણા
- સવાસો વર્ષ પહેલાં ભારતીયોના રસોડામાં રીફાઇન્ડ સુગર નામનું દુર્લભ તત્ત્વ ભાગ્યે જ જોવા મળતું. ડૉ. જાનકી અમ્મલે ભારતનાં ખેતરો શેરડીથી લહેરાતાં કરી દુર્લભ તત્ત્વને લોકભોગ્ય બનાવ્યું
બો ટનિ અર્થાત્ વનસ્પતિ-શાસ્ત્રમાં રસ પડે?
જવાબ હકારમાં હોય તો બહુ સારી વાત છે. પરંતુ ઝાડપાનના 'ઘાસફૂસ' કહેવાતા વિષયમાં વળી શું જાણવા જેવું હોવાનું? એ પ્રકારની લાગણી થતી હોય આટલું વાંચો જરા: જલેબી, પેઠા, માલપૂઆ, ગુલાબજાંબુ, રસગુલ્લા, રસમલાઈ, શાહી ટુકડા, મોતીચૂર લડ્ડુ, ઘેવર, રબડી, કુલફી...
આ બધી અને આવી તો બીજી સેંકડો ગળચટ્ટી, રસદાર ચીજોને બોટનિના નિરસ જણાતા વિષય જોડે સીધો સંબંધ છે. ગળ્યું એ ગળ્યું, બાકી બધું બળ્યું! એ ગુજરાતી કહેવતને સાર્થક બનાવવામાં પણ બોટનિ કહેવાતા વનસ્પતિ વિજ્ઞાાનનો મોટો ફાળો છે એટલું જ નહિ, પણ આજે પ્રત્યેક ભારતીય વર્ષે સરેરાશ ૧૯ કિલોગ્રામ સાકર ખાવાની લક્ઝરી ભોગવી શકતો હોવા પાછળ પણ બોટનિનો જ કમાલ છે.
હવે થોડોક રસ પડયો? તો વાંચો જાનકી અમ્મલ નામના મહિલા વનસ્પતિશાસ્ત્રીની કથા કે જેમણે વિજ્ઞાાનની જાદુઈ છડી વડે દેશમાં શેરડીના પાકની હરિયાળી (કહો કે મીઠી) ક્રાંતિ સર્જી-અને તે પણ આજથી લગભગ એક સદી પહેલાં કે જ્યારે હિંદુસ્તાનના રૂઢિચુસ્ત સમાજે સ્ત્રી શિક્ષણ પર પાબંદીઓ ઠોકી બેસાડી હતી. સ્ત્રીની દુનિયા ઘરની ચાર દીવાલો પૂરતી સીમિત હતી.
આ પ્રકારના ગૂંગળામણભર્યા માહોલમાં નવેમ્બર ૪, ૧૮૯૭ના રોજ જાનકી અમ્મલનો વર્તમાન કેરળના તેલ્લીચેરી ગામે જન્મ થયો. નગરની કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા જાનકીના પિતા સ્વભાવે પ્રકૃતિપ્રેમી હતા. નિવાસસ્થાનના વિશાળ પ્રાંગણમાં તેમણે સ્વહસ્તે સરસ મજાનો બગીચો ઊભો કર્યો હતો, જેમાં મલબાર પ્રાંતના વૈવિધ્યપૂર્ણ છોડ-વેલા તેમજ સપુષ્પ વનસ્પતિઓ હતી. પિતાને બાગાયતમાં હાથવાટકો કરાવવાની આદતે જાનકીમાં નાની વયે વનસ્પતિના અભ્યાસ પ્રત્યે આકર્ષણ જન્માવ્યું. આથી તેલ્લીચેરીમાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને બોટનિ ભણવા માટે મદ્રાસ જવાની ઝંખના થઈ. વીસમી સદીની આરંભના તે અરસા દરમ્યાન હિંદુસ્તાનમાં સ્ત્રી શિક્ષણનો દર ૧ ટકા કરતાં વધુ નહોતો. વળી ઘરની કન્યાઓએ ૧૦મા ધોરણથી આગળ ન ભણવું એવો વણલખ્યો નિયમ હતો. ઊલટું, દસમું ભણી રહ્યા પછી છોકરીએ સંસાર માંડવાનો થતો કે જ્યાં તેનું શેષ જીવન ઘર-ગૃહસ્થીમાં વીતી જતું.
આ રૂઢિચુસ્ત પરંપરા જાનકીના પિતાએ પોતાની ત્રણ દીકરીઓના કેસમાં જાળવી, પરંતુ જાનકીનો વારો આવ્યો ત્યારે અપવાદ સર્જાયો. વનસ્પતિવિજ્ઞાાનને વરેલાં જાનકીએ આજીવન કુમારિકા રહેવાનો ફેંસલો લીધો. ઘરસંસાર પાછળ જીવન વીતાવી દેવાને બદલે કુદરતના ખોળે વિવિધ વનસ્પતિઓનો અભ્યાસ કરવામાં જિંદગી ખર્ચી નાખવાનું તેમને વધુ ઉચિત લાગ્યું. આથી તેલ્લીચેરીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ બોટનિ શીખવા માટે મદ્રાસ ગયાં. અહીંની પ્રેસિડેન્સી કોલેજમાંથી બોટનિની ડિગ્રી મેળવ્યા પછી સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ અમેરિકાની મિશિગિન યુનિવર્સિટીમાં બોટનિના વધુ ગહન અભ્યાસ માટે ગયાં. વનસ્પતિની હાઈ-બ્રીડ એટલે કે જાતવાન નસલ તૈયાર કરવાનું જૈવિક વિજ્ઞાાન તેમને શીખવા મળ્યું. આજે બોયોટેક્નોલોજિ તરીકે ઓળખાતા એ સાયન્સમાં જાનકી અમ્મલે મેળવેલી હથોટીનો લાભ થોડા જ વર્ષમાં ભારતને મળવાનો હતો.
ઈ.સ. પૂર્વે ૩૨૬માં મેસિડોનિયાનો એલક્ઝાન્ડર ધ ગ્રેટ (મહાન સિકંદર) જંગી સેના જોડે ભારત પર હુમલા માટે આવ્યો ત્યારે જેલમ નદીના કાંઠે તેને લાંબા, જાડા સાંઠા જેવું ઘાસ જોવા મળ્યું હતું. સિકંદરના સેનાપતિ નિઓર્કોસે તેનો સ્વાદ માણ્યો હોવાનું કહેવાય છે, કેમ કે મેસિડોનિયા પહોંચ્યા પછી તેણે નોંધ્યું હતું કે હિંદ પ્રદેશમાં મધ કરતાંય મીઠું દ્રવ્ય આપતું ઘાસ ઊગે છે. આજે તો સ્વાભાવિક રીતે સમજાય કે નિઓર્કોસે જેલમ કિનારે જોયેલા સાંઠા શેરડીના હતા. (ઘાસની લગભગ ૬,૦૦૦ જાતો છે. ઘઉં, ચોખા, મકાઈ, બામ્બુ અને શેરડીનો પણ તેમાં સમાવેશ થાય છે.) હિંદુસ્તાનમાં શેરડી થતી હોવાની તવારીખી નોંધ સેનાપતિ નિઓર્કોસે ઈ.સ. પૂર્વે ૩૨૬માં લીધી, પણ શેરડીનું અને તેના રસમાંથી બનતા ગોળનું ચલણ આપણે ત્યાં એ પહેલાંથી હતું. વીસમી સદીના મધ્યાહ્ન સુધી એ ચલણ રહ્યું પણ ખરું. માનો યા ન માનો જેવી વાત લાગે પણ આજથી સવાસો વર્ષ પહેલાં ભારતીયોના રસોડામાં રીફાઇન્ડ શુગર નામનું દુર્લભ તત્ત્વ ભાગે જ જોવા મળતું. બીજી તરફ કોઈ રસોડામાં ગોળ ન હોય એવું બને નહિ. ગોળનું ઉત્પાદન ગૃહોદ્યોગના ધોરણે થતું, જે માટે શેરડીના રસને ગરમ કર્યા પછી તેમાં ભીંડાનો ચીકાસયુક્ત રસ ઉમેરવા સિવાય બીજું કશું કરવાનું ન રહેતું.
ઘરઆંગણે રીફાઇન્ડ શુગરનું ઉત્પાદન ન થતું હોવાનું અગર તો નજીવી માત્રામાં થતું હોવાનું મુખ્ય કારણ શેરડીની દેશી જાત હતી, કે જે બહુ રસદાર ન હોવા ઉપરાંત રસમાં શર્કરાની માત્રા પણ ઓછી હતી. દેશી શેરડીમાંથી ઘરઘરાઉ ધોરણે ગોળ બનાવી શકાય, પણ પુષ્કળ મૂડીરોકાણ માગી લેતી શુગર ફેક્ટરી માટે તે નકામી. નતીજારૂપે તત્કાલીન હિંદુસ્તાનમાં ખાંડનું થોડુંઘણું ઉત્પાદન કરનારી જે કોઈ શુગર ફેક્ટરીઓ હતી તેમણે પાપૂઆ ન્યૂ ગીનીથી તેમજ ઇન્ડોનેશિયાના જાવા ટાપુથી જાતવાન શેરડી આયાત કર્યા વિના આરો નહોતો.
મોંઘા ભાવની આયાતી શેરડીમાંથી છુટકારો મેળવવાની એક જ રીત હતી: ઘરઆંગણે હાઈ-બ્રીડ શેરડીનું ઉત્પાદન! ૧૯૧૨માં બ્રિટિશહિંદની ગોરી સરકારે તે માટે દક્ષિણ ભારતના કોઇમ્બતૂરમાં શેરડીનું સંશોધન કેંદ્ર સ્થાપ્યું. વિજ્ઞાાન અને ટેક્નોલોજિના પ્રચારક-પ્રસારક સ્વપ્નદ્રષ્ટા મદન મોહન માલવિયાને તેનું સુકાન સોંપવામાં આવ્યું. ઇન્ડોનેશિયાની રસદાર અને હિંદુસ્તાનની રેસાદાર શેરડીના સંવર્ધન વડે નવી વેરાઇટી વિકસાવવા માટે ટી. એસ. વેંકટરામન નામના વિજ્ઞાાની ઘણાં વર્ષ મથ્યા. ધાર્યું પરિણામ છતાં પણ દેખાતું ન હતું.
થોડા વખત પછી કોઇમ્બતૂરના શેરડી સંશોધન કેંદ્રએ જાનકી અમ્મલને યાદ કર્યા કે જેઓ ૧૯૩૧માં અમેરિકાથી બોટનિમાં ડોક્ટરેટ હાંસલ કરીને સ્વદેશ પાછાં ફર્યાં હતાં. બે નોખી વેરાઇટીના છોડનું સંવર્ધન કરી ગુણવાન નસલ તૈયાર કરવામાં તેમને ભારે ફાવટ હતી. દેશી શેરડીમાં હિંદુસ્તાનની જમીનને તથા હવામાનને અનુરૂપ જિન્સ હતા, જ્યારે જાવાની આયાતી શેરડીમાં રહેલા કુદરતી જિન્સ તેને વધુ રસદાર અને મીઠી બનાવતા હતા. આ બન્ને ગુણોનો સંયોગ લેબોરેટરીમાં નવવિકસિત શેરડીમાં થવો જોઈએ. બહુ અઘરું કામ હતું. ખાસ તો એવા યુગમાં કે જ્યારે મોડર્ન જૈવિક સાયન્સની પાંખો હજી ફૂટી રહી હતી.
શેરડીની ઓછામાં ઓછી એક ડઝન વેરાઇટી પર અસંખ્ય પ્રયોગો કર્યા પછી આખરે સફળતાનું મોતી વીંધાયું. ડો. જાનકી અમ્મલના કાબેલ હાથે તૈયાર થયેલી વર્ણસંકર શેરડીના પ્રત્યેક સાઠામાં વજનના પ્રમાણમાપે ૯૭ ટકા મધુર રસ હતો. દેશી જાતની તુલનાએ કૂચાનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. આ નવી વેરાઇટીનો વિપુલ પાક દક્ષિણ ભારતમાં લેવાયો ત્યાર પછી ડો. જાનકી એક ડગલું આગળ વધ્યાં. ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા જરા સૂકી તેમજ ઠંડી આબોહવા ધરાવતા ક્ષેત્રો માટે તેમણે વધુ ચાર હાઈ-બ્રીડ શેરડીની જાતો તૈયાર કરી.
આ અભૂતપૂર્વ ક્રાંતિ હતી. બલકે, ક્રાંતિનું વાવાઝોડું હતું, જેના પગલે ૧૯૪૦ પછી હિંદુસ્તાનમાં ઘણી શુગર મિલો સ્થપાવા લાગી. અત્યાર સુધી ગળપણના નામે ગોળ વડે ચલાવી લેતા પ્રજાજનો પહેલી વાર જથ્થાબંધ ખાંડ પામ્યા. ઉત્તર પ્રદેશમાં તો શેરડીનું ઉત્પાદન એટલું મબલખ થવા લાગ્યું કે તે આખા પ્રદેશને જીેયચિ ર્મુન ર્ક ૈંહગૈચ/ સાકરનો ભારતીય કટોરો તરીકે ઓળખાણ મળી. હજી પણ તે ઓળખાણ શાશ્વત છે.
હિંદુસ્તાનને આયાતી શેરડીના બંધનમાંથી મુક્તિ અપાવી આત્મનિર્ભર બનાવનાર, દેશના ઘેરઘેર સાકરની મીઠાશ પહોંચાડનાર અને બાયોટેક્નોેલોજિ નામના સાયન્સનું હજી ઘોડિયું પણ બંધાયું નહોતું ત્યારે હાઈ-બ્રીડ વર્ણસંકર ખેતપેદાશનો નવો ચીલો પાડનાર ડો. જાનકી અમ્મલને તેમના અજોડ યોગદાન સામે શું મળ્યું? અફસોસ સાથે કહેવું પડે કે અવહેલના! વીસમી સદીની મધ્યના પુરુષપ્રધાન યુગમાં તેમને પોતાની સિદ્ધિ બદલ જોઈએ તેટલી પ્રસિદ્ધિ ન મળી. (એક સંદર્ભ મુજબ તેમની સાથે જ્ઞાાતીય ભેદભાવ પણ
આચરવામાં આવ્યો હતો.) ઊલટું, શેરડીની હાઈ-બ્રીડ જાતો વિકસાવવા બદલ તેમના સહયોગી ટી. એસ. વેંકટરામનનું નામ વધુ લાઇમલાઇટમાં આવ્યું.
ગાંધીવાદી વિચારસરણી અને સાલસ પ્રકૃતિ ધરાવતા ડો. જાનકી અમ્મલ અપમાનનો અને અવહેલનાનો ઘૂંટડો ચૂપચાપ ગળી ગયાં. કોઇમ્બતૂરના શેરડી સંશોધનને જ નહિ, દેશને પણ અલવિદા કહીને ઇંગ્લેન્ડ ચાલ્યાં ગયાં. અહીં તેમના વનસ્પતિશાસ્ત્ર વિશેના જ્ઞાાનની ખરી કદર થઈ. જાણીતા બ્રિટિશ જીવવિજ્ઞાાની સિરિલ ડાર્લિંગ્ટન નામના 'ઝવેરી'એ ચીંથરે વીંટાયેલું રતન પારખી લીધું. વનસ્પતિના રંગસૂત્રોના અત્યંત જટિલ અભ્યાસ માટે તેમણે ડો. જાનકી અમ્મલની મદદ લીધી એટલું જ નહિ, તેમના સહયોગમાં Chromosome Atlas of Cultivated Plants શીર્ષક હેઠળ દળદાર ગ્રંથ લખ્યો.સહલેખિકા તરીકે પુસ્તકના મુખપૃષ્ઠ પર ડો. જાનકી અમ્મલનું નામ પણ ચમકાવ્યું.
વૃક્ષો, છોડ-વેલાં અને પુષ્પોની કુદરતી સોગાદને વરેલાં ભારતના પ્રથમ મહિલા PhD બોટનિસ્ટે ઇંગ્લેન્ડના એકાંતવાસમાં કેટલાંક વર્ષ પસાર કર્યાં. પરંતુ આઝાદીના થોડા વખત પછી તેમને વતનનો સાદ પડયો. વડા પ્રધાન પંડિત નહેરુએ વ્યક્તિગત રીતે તેમને તેડું મોકલ્યું અને ભારતમાં નવીસવી ઊભી કરાયેલી બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનું પ્રમુખપદ સંભાળવા ઇજન કર્યું. શેરડીની હાઈબ્રીડ જાત વિકસાવવા છતાં જે દેશે ઉપકારનો બદલો અપકારથી દીધો હોય ત્યાં પાછા જવા માટે પગ ન વળે. ઊલટું, મનમાં રહી ગયેલો ચરચરાટીનો જખમ ફરી તાજો થતાં ઓફર દ્રઢતાપૂર્વક નકારી દેવાનું મન થાય. પરંતુ ડો. જાનકીને આમાંનું કોઈ રિએક્શન ન આવ્યું. પંડિત નહેરુના આદેશને તેમણે નતમસ્તક ચડાવ્યો અને લખનૌમાં બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામકનું સ્થાન લીધું.
સ્વતંત્ર ભારતે ત્યારે Grow More Food બેનર તળે વધુ ફસલ લેવાનું દેશવ્યાપી અભિયાન ઉપાડયું હતું. ઘઉં-ચોખા, ફળશાક ઉગાડવા માટે વધુમાં વધુ ખેતરાઉ પ્રદેશ મેળવવા જતાં જંગલોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હતું. આ સ્થિતિ વનસ્પતિપ્રેમી ડો. જાનકી અમ્મલને સ્વાભાવિક રીતે કઠી. વનનો વિનાશ અટકાવવા માટે તેમણે બનતા પ્રયત્નો કર્યા. ભારતના વિવિધ પ્રાંતોમાં રૂબરૂ ફરીને ખેડૂતોને મળ્યા. ઓછી ખેતરાઉ જમીન પર વધુ ફસલ શી રીતે લેવી તેનું માર્ગદર્શન આપ્યું.
કૃષિ ક્ષેત્રે ડો. જાનકી અમ્મલના યોગદાનનું લિસ્ટ હજી લાંબું છે. રીંગણથી માંડીને ઔષધિય વનસ્પતિની હાઈ-બ્રીડ જાતો તૈયાર કરવામાં તેમની સાઇલન્ટ ભૂમિકા રહી છે. આમ છતાં શેરડી તથા સાકર ઉત્પાદન ક્ષેત્રે વિશ્વભરમાં ભારતને બીજું સ્થાન અપાવવામાં નિમિત્ત બનનાર એ બોટનિસ્ટ સ્નાતક-કમ-નિષ્ણાતનું નામ આજે કેટલા લોકો જાણે છે? લોકોની વાત જવા દોત ડો. જાનકી અમ્મલને ૧૯૭૭માં પદ્મશ્રી વડે નવાજી પોતાનું 'કર્તવ્ય' પૂરું કર્યા પછી ભારત સરકાર પોતે એ બોટનિસ્ટને ભૂલી ગઈ. આ છે ભારતીયોને ગળપણનું ઘેલું લગાડવામાં પરોક્ષ રીતે કારણભૂત બનનાર ડો. જાનકી અમ્મલના જીવનની કડવી વાસ્તવિકતા!'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cd0Kx3
ConversionConversion EmoticonEmoticon