વોટ વુમન વોન્ટ? .

- પથારીમાં સ્ત્રીની ભીંસથી આનંદ લેતા પુરુષને સ્ત્રીના હકના અવાજની ચીસથી પણ એટલી પીડા થાય તો સમાજ સંતુલિત થાય!


ઓ પુરૂષ,

તારા સામર્થ્યથી પરીચિત છું હું

થથરે છે આખું જંગલ :

તારી પહોંચ છેક સીમાડા સુધી

પણ જરા મારી પાંખો સામે પણ જો.

એનો વિસ્તાર, જંગલથી પણ આગળ છે

ચતુર કાગડાએ મને આપેલું મોતી

મેં સાચવી રાખ્યું છે.

એ હું તને ક્યારેય નહીં આપું.

જરા ધ્યાનથી જો મારી આંખમાં.

મારી બુદ્ધિ મારી પાનિમાં નથી.

લખ... શાસ્ત્રો, નવેસરથી

એના થકી જ ઉખડી ગઈ છે -

મારા પગની બેડી.

હવે તું સાંભળ્યા કર પડઘા

તારા ક્રોધના.

તારા મનોરંજન અર્થે હવે નથી બચી

કોઈ મેનકા, રંભા કે ઉર્વશી...

એ બધીએ ભેગા મળી

નવી રોજગારી ઉભી કરી લીધી છે.

હવે તારા પગ તું જાતે જ દબાવી લેજે

અને...

તો...

તું મારા રસ્તા પરથી

તારી પથારી હટાવી દે!

હે પ્રિય પુરૂષ,

તારું સ્વર્ગ મારા ચરણમાં નથી

મેં મારા ખોળામાં

એને અકબંધ રાખ્યું છે.

યોનિમાર્ગના ટૂંકા રસ્તેથી

નહિ આવતો મને મળવા.

હું તને ત્યાં નહિ મળું.

મારા ગમા- અણગમાને

ધ્યાનથી સાંભળ પ્રથમ.

પછી હું મૂકી દઉં મારું સૌંદર્ય

તારી બે હથેળીમાં...

ને યૌવનને તારી મૂછો પર

અર્ધનારીશ્વરની પરિકલ્પના

જૂની થઈ ગઈ હવે.

નથી એવી કોઈ શક્યતા.

જુદી-જુદી દિશામાં ફેંકાયેલા બે ફાડા

પૂર્વવત્ ન થઈ શકે.

ચાલ, રાંધીએ એમાંથી સ્વાદિષ્ટ ખીચડી.

માંડીએ વાર્તા ચકાચકીની.

શીખીએ સાલસા નૃત્ય!

તું રોટલી ખાઈ ખાઈને થાકી ગયો છે,

મને ખબર છે, તને બ્રેડ પસંદ છે.

પણ તારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખજે.

પ્રિય... એમ તો હું પણ ખાઈ લઉં છું,

ખાટીમીઠી કેરી

પેલા આંબેથી ચોરીને.

હું નથી કોઈ શબરી

તું નથી કોઈ રામ

બોર સાથે જ ચાખીને

જુદાંજુદાં તારવીએ

આપણાં સંતાન માટે.

પેટનોખાડો અખંડ છે,

ચાલ જોતરી લઈએ,

પૃથ્વીને આ ખભા પર

બંને.

(રાધિકા પટેલ)

આ કવિતા સ્ત્રી સન્માનનો 'પુરૂષાર્થ'નથી. એ છે આજનું વાસ્તવ. રિયાલિટી બાઇટ્સ. સ્ત્રીને સીતા ને સાવિત્રી રૂપે ય જોઈ ભારતે અને મંથરા ને પૂતના સ્વરૂપે ય. નારીને નારાયણી ય કહી અને નરકની ખાણ પણ. શક્તિ કહીને ભક્તિ કરી ને વળી પાંવ કી જૂતી કહીને કચડી. લક્ષ્મીથી લાંછન સુધીનું બધું જ કહ્યું, પણ માત્ર એક વાત સ્વીકારી નહિ. સ્ત્રી આ અંતિમોમાં નથી. એ છે એક્સ એક્સ ક્રોમોઝોમની મધ્યમાં. એ મનુષ્ય છે ને મનુષ્ય, માનવ, માણસ માત્ર પુલિંગ શા માટે? જે મન ધરાવે છે એ માનવી એ નવી વ્યાખ્યા થઈ. માત્ર મનુના સંતાન મેન નહિ. એક શતરૂપા ય હતી, જેના થકી મનુજ સંતાનો જન્મ્યા. ઇવનું ભારતીય વર્ઝન- શતરૂપા. સો સો રૂપ યાની મૂડ ઝીલી શકતી. વુમન વિથ હન્ડ્રેડ શેડ્સ ઓફ મૂડ્સ.

મૂળ પંજાબણ પણ ધારદાર અંગ્રેજી કવિતાઓથી ઇન્ટરનેશનલી ફેમસ (રિહાના જેવા એના ફેન્સ છે, ને એ ય કારણ છે એનો ભારતના પંજાબી કિસાનમાં રસ હોવાનો) રૂપી કૌરની ક્વોટનુમા કવિતા છે : અવર બેક ટેલ સ્ટોરીઝ, નો બૂક્સ હેવ સ્પાઇન ટુ કેરી! આ એણે બ્લેક/ કલર્ડ કાળી- ઘઉંવર્ણી સ્ત્રીઓના સંદર્ભે લખ્યું છે. પુસ્તકના બાઇન્ડિંગવાળા ભાગને ય પીઠ કહેવાય (અંગ્રેજીમાં સ્પાઇન યાને કરોડરજ્જુ એની સીલાઈને ય કહેવાય પુસ્તકો સ્ત્રીઓની વેદનાઓની વાર્તાઓ કહે છે. લેખકો કહે છે પણ રૂપી કહે છે - અમારી (પરંપરા પુરૂષપ્રધાન માનસિકતાનો બોજ ઉંચકતી) પીઠને પૂછો જીવનની થાકની કથાઓ, જે ઉંચકવાનું ગજું કોઈ સાહિત્યની કરોડરજ્જુનું નથી. અમારું છે.

બેનમૂન ફીલિંગ્સ કંડારીને ય સાચી ઓળખ કે તસવીરથી ગુમનામ રહેવા માંગતી સી. જોયેબલ સી. યાદ આવી જાય. એણે એક આલાતરીન ઓબ્ઝર્વેશન આપેલું : ઇટ્સ હાર્ડ થિંગ્સ ધેટ બ્રેક, સોફ્ટ થિંગ્સ ડોન્ટ બ્રેક! ક્યા બાત. હજારો ટૂકડાઓ થઈ શકે કોઈ ભવ્ય મૂર્તિના પણ એક ફૂલપાંદડીના ન થાય! તમે જેસીબી લઈને મહેલો ભાંગી શકો, પણ પીંછું નહિ! પેરન્ટસ, ટીચર્સ બધા ઉપદેશ આપ્યા કરે, હાર્ડ બનો. હાર્ડ બનો. કડક, મજબૂત. પણ એનું બોડી-બિલ્ડિંગ કરનાર હીરોલોકો ય માનસિક મુંઝવણમાં કચડાઈને આપઘાત કરી શકે. આપણને સોફ્ટ, નરમ, સંવેદનશીલ, હળવા બનવાનો બોધ જ નથી અપાતો. એટલે આટલી હિંસા ને નફરત આસપાસ છે. કળા, સાહિત્ય, સર્જકતા અને સાચી સાધુતા આપણને નરમ બનતા શીખવાડે છે. ને નરમ હોય અને ઇલાસ્ટિક હોય, ઝટ બટકી ન જાય. સ્ત્રી લાગણીના અતિરેકમાં પાણીમાં ભૂસકો મારે એ નહિ, પણ જળ બનીને હળવે હળવે પથ્થરને ઘસીને ટીપેટીપે લિસ્સો કરે એ! સોફ્ટનેસ સ્ત્રીઓની નેચરલ આઇડેન્ટીટી કુદરતે આપી છે. પુરષના ગઠીલા લાગતા બદન પાછળ એક ગમતી છોકરી સાથે ખુલીને વાત કરવામાં ય ભયભીત થઈ જતું ચિત્ત હોય છે. પણ વીફરે એ નારી વાઘની માફક ફાડી ખાય.

કન્યા શબ્દની સંસ્કૃત ધાતુ કમ્ એટલે કામના, ઇચ્છા. જેને ઇચ્છાઓ થાય એ કન્યા. તરૂણીની ધાતુ તૃ છે. જેમાંથી તારવું પણ આવ્યું યાને ઓળંગીને આરપાર જવું. જેણે રમવા- રમાડવાનું બચપણ ઓળંગી પાર કરીને યૌવનનો સામો કાંઠો પકડયો છે એ તરૂણી. સ્ત્રી શબ્દની ધાતુ સૃ છે. સર્જન કરી શકે તે. ગર્ભ ધારણ કરી જન્મ આપી ઉછેરવા જેવી પરિપકવ એ સ્ત્રી! મહાભારતમાં ગાલવ- વિશ્વામિત્રનું આખ્યાન નારદ દુર્યોધનને કહે છે. એમાં એક ઇન્ટરેસ્ટિંગ સીન છે. મિત્ર વિષ્ણુવાહન ગરૂડ સાથે ઋષિ ગાલવ આઠસો અશ્વ ભેગા કરવા નીકળે છે, ત્યારે તપસ્વિની શાંડિલીને ત્યાં વિશ્રામ કરે છે. ઉઠીને જુએ છે તો ગરૂડને પાંખો જ નથી રહી. માંસના લોચા જેવી ગરૂડની આ સ્થિતિ જોઈને ગાલવ પ્રશ્ન કરે છે તો શાંડિલી કોપાયમાન થઈને કહે છે : તમે કોઈ અશુભ વિચારનો અપરાધ કર્યો હશે. ગરૂડ કહે કે, 'મેં તો તમારા આતિથ્યથી પ્રસન્ન થઈને એવું વિચારેલું કે તમે અહીં શું વનમાં ફરો છો. તમારું સ્થાન તો બ્રહ્માની જોડે મહેલમાં હોવું જોઈએ. તમારું હિત વિચારેલું અહિત નહિ!'

શાંડિલી હસે છે. અને થોડો બોધ આપી કહે છ કે એક સ્ત્રીએ શું કરવું અને શું નહિ, એનો તમે એના વતી નિર્ણય લઈ લો મનોમન, એ પણ નિંદા જ છે. અને મારી સિદ્ધિઓ સાંખી ન શકી. પૂર્વવત્ પાંખો આપી એ ઉચ્ચારે છે : નદાયુષ્મનખગપતે યેથેષ્ટં ગમ્યાતામિત, ન ચતે ગર્ણીયાપિ ગર્હિતવ્યા: સ્ત્રિય કવચિત - હવે તમે સ્વતંત્ર ઉડી શકો એવા પક્ષીરાજ છો. તમારી મરજી પડે ત્યાં જાવ પણ કદી સ્ત્રીઓની નિંદા કરવી નહિ. સ્ત્રી નિંદાયોગ્ય નથી! અહીં નિંદા એટલે કોઈ ગોસિપ કે કૂથલી કે અપશબ્દો તો આગળનું સ્ટેપ થયું, ભાવ એ છે કે સ્ત્રીને તમારી વ્યાખ્યા કે ચોકઠામાં બાંધવાનો વિચાર પણ એની નિંદા છે. ભલે ને એ આને વધુ સુખસગવડ અપાવવાનો હોય!

સ્ત્રીને જે ગમે, એ કરે. આ કારણથી પ્રાચીન સમયમાં સ્વયંવર હતો. જેમાં ચા-નાસ્તાની ટ્રે લઈને ટ્રોફીની જેમ છોકરીએ લગ્નપ્રદર્શનમાં ઉભવાનું નહોતું પણ ઇચ્છિત વર જાતે પસંદ કરવાનો હતો. આજે સંસ્કાર, પરંપરા, ધર્મના નામે ઓનરકિલિંગમાં લવમેરેજની વાત કરતી યુવતીઓને, દીકરીઓને મારી નાખવાની હદે વિકૃત સમાજ પહોંચી ગયો. એમાં શાંડિલીના કેટલા શ્રાપ ખમવા પડે! નારી સ્વાતંત્ર્ય કે નારીમુક્તિ એટલે પુરૂષવિરોધ કે એનજીઓની બહેનજીઓ જેવી ઝોલાછાપ એકલતા નહિ. એ છે : ફ્રીડમ ઓફ ચોઇસ. હર એઇસ. હિસ્ટ્રી એ હિઝ સ્ટોરી છે. બળ અને પરાક્રમની. એમાં હર સ્ટોરી પણ હોવી જોઈએ. આત્મનિર્ણયનો અધિકાર એ મહિલાની મહાનતા. માનુનીનું માન. રમણીનું રાજ. વામાની વીરતા. લલનાનું લક્ષ્ય. યુવતીનો યોગ.

અંગ્રેજી ભાષાના સાહિત્યનો આદ્ય પિતામહ જ્યોફ્રી ચૌસર ગણાય. ૧૩૪૩- ૧૪૦૦ એમનો ગાળો. ત્યારે સર્જનની ભાષા લેટિન- ફ્રેન્ચ હતી. જેમાંથી શેક્સપિઅર માટે અંગ્રેજીનું ખેતર ખેડીને રાખ્યું ચૌસરે. એ યુગમાં રાજસત્તા કરતા ય મોટી ચર્ચની ધર્મસત્તા હતી. ચૌસર એ સામે બળવાખોરીના કટાક્ષ ચૂકતો નહિ. પરીઓ ને હોબિટ્સના મેજીકલ ઇંગ્લેન્ડમાં હવે વનવગડે જતી નારીને એક આંખવાળા રાક્ષસો નહિ પણ પાદરીઓનો ય ડર લાગે છે, એવું ય લખતો બિન્દાસ્ત. ઢોંગી વેશધારી બાવાઓથી બાઇમાણસે ચેતવું એવું મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં ય દેખાડયું જ છે. રાવણ જોગીનું રૂપ ધારણ કરીને ઠગાઈથી સીતાહરણ કરી ગયેલો! પણ તોય 'ભક્તચિત્ત'ની પરવશ શરણાગતિ સનાતન રહી છે, ખાસ તો સ્ત્રીઓમાં.

ચૌસરની કૃતિ હતી કેન્ટરબરી ટેલ્સ. વિશ્વભરના પ્રાચીન સાહિત્યમાં એકમાંથી બીજી નીકળે એવી વાર્તાઓની કૃતિ છે. કથાસરિત્સાગર કે પંચતંત્ર કે શુક્રસપ્તશતી હોય કે અરેબિયન નાઇટ્સ. આમાં ય એવું છે. કેન્ટરબરીના સેન્ટ બેકેટ મોન્યુમેગ્ટની જાત્રાએ નીકળેલા. ૨૯ વટેમાર્ગુઓ એક ધર્મશાળામાં આશરો લે છે. મોબાઇલ- ટીવી- નેટના અભાવે એકબીજાને વાર્તાઓ કહે છે. એમાં વૈદથી વેપારી, યોદ્ધાથી પાદરી, વકીલથી આટાવાળો, ખલાસીથી ગૃહિણી બધા પ્રકારના રંગબેરંગી લોકો છે. એમાંથી જે ગૃહિણી છે - એ વાત માંડે છે.

વાર્તા એવી છે કે ઇંગ્લેન્ડના રાજા કિંગ આર્થરનો ચમત્કારિક જમાનો હતો. એમાં આર્થરના યોદ્ધાએ એક સ્ત્રી પર બળાત્કાર કર્યો. લોકો રોષે ભરાયા, ને સીધી એને દેહાંતદંડની સજા કરી રાજાએ. પણ રાણી ઠરેલી હતી. એણે કહ્યું, 'બળાત્કાર એ હત્યા નથી. મારી નાખવા કરતા આ પુરૂષને પાઠ ભણાવવો જોઈએ કે સ્ત્રી શું છે.' ભારતની સુપ્રીમ કોર્ટના સીજેઆઇ બોબડે સાહેબ જેવા સવાલ-જવાબ રાણીએ શરૂ કર્યા. સ્ત્રીના વ્યક્તિત્વને સમજીને, સ્વીકારીને સન્માન તો થાય પુરૂષ એના પર ક્રૂર શારીરિક હિંસક બળજબરી ન કરી શકે. રાણીએ એક વર્ષનો સમય આપીને યોદ્ધાને કહ્યું કે, 'વોટ વુમન વોન્ટ?' સ્ત્રીઓને જોઈએ શું? આ સવાલનો જવાબ જો તું શોધી આવ તો તને જીવતદાન. વોરિયરના પુરૂષ ચિત્તનો સોફ્ટવેર બદલવાની તરકીબ આ બગદાદના શહયરાસને સુધારનાર બેગમ શરહજાદી જેવી શરતમાં હતી!

જીવનની લાલચે યોદ્ધો દરબદર ભટક્યો પણ સરખો જવાબ ન જડે. એને બીજા પુરૂષો જ મળે. એક કહે કે સ્ત્રીને પૈસા જોઈએ. બીજો કહે વફાદાર અણિશુદ્ધ ચારિત્ર્ય ગમે. ત્રીજાનો તર્ક હતો સુંદરતા. ચોથો જવાબ : વસ્ત્રાભૂષણ. ફેશન, ટાપટીપ. પાંચમો : હસીમજાક ને મસ્તીભરી વાતો. આમ ને આમ વરસ વીતી ગયું.

મૃત્યુદંડ સ્વીકારવા એ સૈનિક રાજદરબાર જવા નીકળ્યો, ત્યાં સીમમાં એક કદરૂપી ડોશી જોઈ. છેલ્લો ચાન્સ માની એણે એને પૂછ્યું : 'સ્ત્રીને સૌથી વધુ શું ગમે? એ જાણવા મળે તો મારો જીવ બચી જાય.' ડોશીએ કહ્યું : 'મને હાથમાં હાથ મૂકી વચન દે કે પછી હું કહું એ કરીશ.' યોદ્ધાએ પ્રોમિસ આપ્યું. કુબ્જા ડોશીએ કાનમાં જવાબ કહ્યો.

સૈનિકે દરબારમાં જઈ રાણીને કહ્યું 'સ્ત્રીની સૌથી મોટી ઇચ્છા એ કે પતિ હોય કે પ્રેમી - એને ગમતો પુરુષ એના તાબામાં રહે, તે બધી વાતે એનું ધાર્યું જ કહ્યા મુજબ કરે!' કુંવારી કન્યાઓથી વૃદ્ધ વિધવાઓ સુધીની નારીઓ, ઉમરાવોની પત્નીઓ અને પ્રેયસી નર્તકીઓ હાજર હતી. બધાએ એકીઅવાજે આ જવાબ વખાણ્યો. જીવતદાન મળ્યું પણ કદરૂપી ડોશીએ સાદ પાડયો. આનું જીવન મારા ઉત્તરથી બચ્યું હવે કહો કે વચન પાળે. કમને એ જોવામાં દીઠી ન ગમતી સ્ત્રીને એણે પરણવું પડયું.

લગ્નની પહેલી રાત્રે એ પત્ની તરીકે કહે, 'તારો જીવ બચાવ્યો, તો ય હું તને ગમતી નથી. વાંધો શું છે? આમ શું મોઢું લટકાવી દુ:ખી થઈ બેઠો છે?' સૈનિક કહે 'તારું કુળ નીચું, ગરીબ ને પાછી કદરૂપી!'

હવે પત્ની બનેલી એ સ્ત્રીએ જવાબ આપ્યો : 'ગુણ વારસાગત નહિ વ્યક્તિગત હોય. ઉંચા ખાનદાનના નબીરા ય મવાલી નીકળે. તે રાજાના યોદ્ધા થઈને અપરાધ ન કર્યો? ગરીબી ને સુખી ન હોવા સાથે કોઈ સંબંધ નથી, ઇસુ ય ગરીબ હતા સાચા સંબંધો કોણ એ ગરીબીમાં જ ખબર પડે. ને તને હું વૃદ્ધ કે કદરૂપી લાગું તો ઉંમરથી જ અનુભવ વધે ને તારી કાળજી રાખી શકે એ બીજાની એનું સન્માન કરવું પડે. ને કદરૂપી સ્ત્રી વધુ વફાદાર ભાર્યા નીવડે. રૂપવતીને તો ગમાડવાવાળા બીજા મળી રહે.હું તને બે વિકલ્પ આપું છું. હું બુઢી, બદસુરત રહીશ પણ તને વફાદાર રહી સાચવીશ. ને હું યુવાન રૂપવતી થઈશ અને મનફાવે એમ બીજા પુરૂષો જોડે ય સંબંધ રાખીશ. બોલ તારે શું જોઈએ?'

હવે પાઠ ભણી ચૂકેલા સૈનિકે કહ્યુ : 'હું તને પ્રિયા માનીને સંપૂર્ણપણે તને જ સમર્પિત થાઉં છું. આપણા માટે શું સારું એ તું જ નક્કી કર. તને જે ગમે એ મને કબૂલ' સ્ત્રી હરખી પડી ને કુરૂપમાંથી અપૂર્વ રૂપવતી થઈ ગઈ ને એને વફાદાર રહી સુખી સંસાર કહ્યાગરા કંથ સાથે માણ્યો.

આઠસો વરસ જૂની વાર્તા ચિરંજીવ જ રહેવાની. આ અલ્ટીમેટ ફેન્ટેસીને લીધે જ ચેલેન્જ જેવા લાગતા 'રિપેરિંગ' માગતા નઠારા બેડ બોયઝ માટે દેખાવડી યુવતીઓને નેચરલ એટ્રેક્શન થાય છે - એમના આકર્ષણના કેન્દ્ર બનવામાં કિક લાગે છે. તરત ઝૂકી જનાર વેવલા પોચટ પુરૂષો તો એમને વળી બહેનપણી જેવા લાગે છે. સ્ત્રીને પુરૂષ જોઈએ છે, જે આધિપત્ય જમાવી રક્ષણ કરે પણ વર્તે એના રિમોટ કંટ્રોલ મુજબ. હરીફરીને ય આખરે એમના શરણે આવે. વિરાટ કોહલી કે હાર્દિક પંડયા ગ્રાઉન્ડ પર ગમે તેટલા મર્દાના ઘૂરકિયા કરે, અંતે અનુષ્કા કે નતાશા સામે કેવા રમતિયાળ ગલુડિયા થઈ જાય એ ખુદ જ શેર કરે છે! ગમે એવા સંજય દત્ત થઈને ફરો, આખરે તો કોઈ માન્યતાને જ ઘરની ચાવી સોંપી દેવાની છે. ખીખીખી.

પણ સમય ઝપાટાબંધ બદલાઈ રહ્યો છે. અગ્નિપથના ડાયલોગની જેમ 'હવા તેજ ચલ રહી હૈ દિનકરરાવ, ટોપી સમ્હાલો વર્ના ઉડ જાયેગા!' કન્યાકેળવણીની ઉંચી ઉંચી વાતો કરનારા સમાજને એ કેળવાયેલી કન્યાઓ સાથે કેમ વર્તવું એની તમીઝ નથી. ડાયરાઓના આદર્શોથી એકવીસમી સદી શાયરી ય નહિ રચાય તો ડાર્લિંગ્સની ડાયરી ક્યાંથી લખાશે? છોકરી પાણીપુરી ખાય એમાં ય કડવા થઈને જીજાબાઈના હાલરડા યાદ દેવડાવવાથી આજની ખટમીઠી ઔરત નહિ સમજાય રૂઢિચુસ્ત ચિત્તની જડતાને.

જેમ જેમ બ્રિટિશ એજ્યુકેશન વધ્યું એમ ભારતમાં ફ્રીડમ મૂવમેન્ટ વધી. જોઈ લો ઇતિહાસ. ભગતસિંહ કે સાવરકર, નહેરૂ કે ગાંધી. સુભાષ કે સરદાર. શ્યામજી કે મદનલાલ. સા વિદ્યા વિમુક્તયે. એમ એજ્યુકેશન ને ઈન્ટરનેશનલ એક્પોઝર વધતા ફ્રીડમ વધવાની જ. ગમે કે ન ગમે, તાંબાના પતરે લખી રાખો - આવતીકાલ સ્ત્રીઓની છે. ફિમેલ ઓફ ધ સ્પિશિઝ વિલ કોલ ધ શોટ્સ. સ્વતંત્ર નારીઓ હેન્ડલ ન થાય, તો એ તમારો પ્રોબ્લેમ છે. એમનો નહિ. સ્પોર્ટસથી સાયન્સ - બધે જ સ્ત્રીઓની બોલબાલા છે. ને દિવસે દિવસે પુરૂષોએ એમના કેરગિવર થવાનું છે. કમલા હેરિસના એડમિનિસ્ટ્રેશનમાં ક્લિન્ટનથી ટ્રમ્પ સુધી નહોતી એટલી સ્ત્રીઓ છે. બેસુમાર અપરાધો થાય છે સ્ત્રીવિરોધી. પણ એ શારીરિક તાકાતની જંગલીયતથી. માનસિક બળમાં સ્ત્રી ચડિયાતી પુરવાર થઈ રહી છે. હવે એ કેવળ રીઝવનારી પ્રેમિકા કે સેવા કરનારી પરિચારિકા નહિ રહે.

કોન્ફ્લિક્ટસ ટાળવા હોય તો એમની આઝાદીને આદર આપવો પડશે. એમની મુક્તમિજાજીને સલામી આપવી પડશે. એમની બ્યુટી એમનો કોન્ફિડન્સ છે. બુરખાથી બિકિની સુધી, લાજથી લવમેકિંગ સુધી, એમની ચોઇસ ઉપર રહેશે જૂના બંધનો ફગાવતી. એ જૂના ફેમિનિઝમની માફક પુરૂષવિરોધી કે શણગારવિરોધી નહિ હોય. રસિક હશે, શ્રૃંગારિક હશે, સુંદર હશે. પણ આત્મનિર્ભર હશે. જેની જોડે રહેવાનું આપણે શીખવાડવાનું દીકરાઓને છે. દીકરીઓને બદલે એમની શિખામણશિબિર કરો! આ યુગ કેન્સરગ્રસ્તો માટે માથું શેવ કરાવનાર શર્વી મોતા અને બિંદી લગાવી નાસાનું મિશન હેન્ડલ કરનાર સ્વાતિ મોહનનો છે.

આયેશાના આપઘાતનું દર્દ દરેક સંવેદનશીલ ગુજરાતીએ મહેસૂસ કરી માનવતાનું હૃદય બતાવ્યું. પણ હવે દિમાગ બતાવો. ક્યાં સુધી લગ્ન એક ફરજ અને સોદો બનાવશો પરિવારના પ્રેશરના નામે? મનગમતા પાર્ટનર જ પસંદ કરવાની ને સમાજના દેખાડા માટે પૈસાના અભરખા વિના પ્રેમ ઝંખવાની સ્વતંત્રતા નથી, તો મહિલા દિન આંતરરાષ્ટ્રીય જ રહેશે. રાષ્ટ્રિય નહિ બને!

ફાસ્ટ ફોરવર્ડ

મર્દાના કમજોરીયોં સે રંગી પડી હૈ શહર કી દીવારેં,

ઔર તુમ કહેતે હો ઔરતે કમજોર હૈ!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sTqe9e
Previous
Next Post »