નડિયાદ : મહેમદાવાદ શહેરની ઐતિહાસિક સ્કુલ બિલ્ડીંગ આગામી દિવસોમાં જમીનદોસ્ત થઇ જશે.આ બિલ્ડીંગ જમીનદોસ્ત થતા અટકાવવા સ્કુલના દાતાના પ્રતિનિધિઓએ વિરોધ ઉઠવ્યો છે.વળી શહેરના પ્રબુધ્ધ નાગરિકોએ પણ સોશિયલ મિડીયામાં સ્કુલની બિલ્ડીંગ બચાવવા માટે એક અભિયાન છેડયુ છે.
મળતી વિગતો અનુસાર મહેમદાવાદ શહેરમાં આવેલ શેઠ. જે. એચ. સોનાવાલા હાઇસ્કુલની નવી બિલ્ડીંગ બનતા જૂની બિલ્ડીંગ જમીન દોસ્ત કરવાની કાર્યવાહી સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરાઇ છે.સ્કુલના દાતા પ્રતિનિધિઓએ બિલ્ડીંગ ન તોડવા અંગે કોર્ટમાં રજૂઆત કરી છે.ગામના જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મિડીયાના માધ્યમથી સ્કુલની જૂની ઇમારતને બચાવવાના સંદેશાઓ વહેતા મૂકયા છે.
સોશિયલ મિડીયામાં ચાલતી મૂહિમ અનુસાર શાળાની જૂની ઇમારત વર્ષ-૧૯૪૨માં બનાવવામાં આવી હતી. ઇમારત જે તે સમયે અંગ્રેજી ઇ આકારની બનાવવામાં આવી હતી.વળી સંસ્થાનુ સુચારૂ સંચાલન કરવા માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યુ હતુ.જેમાં નગરપાલિકાના તેમજ શેઠના પ્રતિનિધિઓનો સમાવેશ પણ કરાયો હતો.હાલમાં પાલિકા દ્વારા મૂળ ઇમારતને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે.વધુમાં આ મૂળ ઇમારતને જમીનદોસ્ત કરી દેવાની સાથે ટ્રસ્ટ ડીડનો પણ અંત આવી જાય તેમ હોવાનુ ગામના શ્રેષ્ઠીઓ પાસેથી જાણવા મળ્યુ છે.સ્થાનિક નાગરિકોએ મૂળ બિલ્ડીંગ બચાવવા માટે પહેલ કરવામાં આવી હોવાનુ તેમણે ઉમેર્યુ હતુ.
અમે કોર્ટમાં દાદ માંગી છે : ટ્રસ્ટના પ્રતિનિધિ
આ અંગે સ્કુલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા એક પ્રતિનિધિનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આશરે ૮૦ વર્ષ જૂનુ આ બિલ્ડીંગ પૂર્વ વિદ્યાર્થીઓ અને શહેરની એક ઓળખ સમાન છે. તાજેતરમાં પાલિકા દ્વારા જૂના બિલ્ડીંગને તોડવાની કામગીરી શરૂ કરી છે.જેની કોર્ટમાં દાદ માંગી હોવાનુ તેમણે જણાવ્યુ છે.
કોર્ટે અરજી નામંજૂર કરી છે : ચીફ ઓફિસર
આ બનાવ અંગે મહેમદાવાદ નગર પાલિકાના ચીફઓફિસર હિતેન્દ્રભાઇ વાલેરાનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે સ્કુલના જૂના બિલ્ડીંગને છેલ્લા ત્રણ દિવસથી તોડવાની કામગીરી શરૂ કરાઇ છે.જેની સામે સ્કુલના દાતાના પ્રતિનિધિઓ કોર્ટમાં ગયા હતા પરંતુ કોર્ટે તેમની અરજી ના મંજૂર કરી છે.જેથી પાલિકા દ્વારા સરકારી ધારાધોરણ પ્રમાણે બિલ્ડીંગ ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tltFpB
ConversionConversion EmoticonEmoticon