આણંદ : વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ.ના કુલપતિ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની વાતને લઈ સમગ્ર યુનિ. સંકુલમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી છે. હાલ યુનિ.ના કુલપતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં મળતી માહિતી મુજબ આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. થોડા સમય પૂર્વે શિક્ષણ નગરી વિદ્યાનગર સ્થિત સ.પ.યુનિ.ના કોમ્પ્યુટર સેન્ટરમાં ફરજ બજાવતા સાત જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેને પગલે કોમ્પ્યુટર સેન્ટર થોડા દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિ વચ્ચે થોડા દિવસ પૂર્વે યુનિ.ના કુલપતિ પ્રો.શિરીષ કુલકર્ણીની તબિયત લથડતાં તેઓએ કોરોના રીપોર્ટ કઢાવતા તેઓનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. છેલ્લા બે દિવસથી તેઓ વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હાલ તેઓની તબિયત સુધારા ઉપર હોવાના અહેવાલ સાંપડયા છે. તેઓની સાથે સાથે તેમના બે પરિવારજન પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી સ.પ.યુનિ.માં પણ કોરોનાનો ગ્રાફ ઉંચો જતા યુનિ.માં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. તો બીજી તરફ આગામી સમયમાં યુનિ. ખાતે પરીક્ષાઓનું આયોજન થનાર છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે તેવી અપીલ કરાઈ છે. સાથે સાથે યુનિ.માં ફરજ બજાવતા કર્મચારીઓ તથા અધ્યાપકગણને પણ કોવિડ-૧૯ની ગાઈડલાઈન પ્રમાણે સતર્કતા દાખવવા કુલપતિ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30D6URw
ConversionConversion EmoticonEmoticon