ભારત કદાપી વિસ્તારવાદી કે એકાધીકારવાદી (ડીક્ટેટોરીઅલ) બન્યુ નથી. ઇન્દીરા ગાંધીએ ૧૯ મહીનાની કટોકટી પણ ભારતના બંધારણની એક જોગવાઈ હેઠળ લાદી હતી. ભારતે ૧૯૫૧માં પંચવર્ષીય યોજના હેઠળ પોતાની આર્થિક યાત્રા શરૂ કરી તો ચીને ૧૯૮૦થી તેની શરૂઆત કરીને દુનિયાને ચકીત કરી નાંખ્યું. આજે ચીનની જીડીપી અમેરિકાની જીડીપી પછી બીજા નંબરે છે. ભારતની ૨૧૦૦ ડોલર્સની માથાદીઠ આવકની સરખામણીમાં ચીનની માથાદીઠ આવક ૧૦,૦૦૦ ડોલર્સથી કાંઇક વધુ છે. ભારત અને ચીનમા સરાસરી માનવ આયુષ્યમાં પણ તફાવત જોવા મળે છે. ઇ.સ. ૨૦૨૦માં ભારતીયજનનું સરાસરી આયુષ્ય ૬૯.૨૭ વર્ષ હતું જ્યારે ચીનના નાગરીકનું સરાસરી આયુષ્ય ૭૫ વર્ષથી પણ કાંઇક વધારે હતું. ચાઈનીસ પુરુષ સરાસરી જીવન ૭૩ વર્ષ તો ચાઈનીસ સ્ત્રીનું તે ૭૭ વર્ષ હતું. ઇ.સ. ૨૦૨૦મા ચીનનુ ડીફેન્સ બજેટ ૧૭૮ બીલીયન ડોલર્સ હતુ જ્યારે ભારતનું તે ૭૦ બીલીયન ડોલર્સ હતું. ચીનનું ડીફેન્સ બજેટ ભારતના ડીફેન્સ બજેટ કરતા અઢી ગણાથી પણ કાંઈક વધારે છે.
વિકાસના અન્ય સૂચકાંકો
૨૦૨૦માં ભારતનો બેરોજગારી દર ૨૪ ટકા હતો જ્યારે ચીનમાં બેરોજગારીનો દર ૨૦૨૦મા માત્ર ૪.૩ ટકા હતો. અહીં એ ભૂલવાનું નથી કે ચીનમાં ફોર્સ્ડ લેબર હોવાથી કામ કરનાર શ્રમીકને ક્યા કામ કરવું તેની છૂટ બહુધા હોતી નથી. ભારતનો શ્રમિક આ બાબતમાં (કામ કરવું કે નહીં, કરવું તો ક્યાં કરવું વગેરે) સ્વતંત્ર છે. ભારતમા બેરોજગારીનો આટલો મોટો દર ૨૦૨૦નું વર્ષ કોવીડની મહામારીને કારણે હતું તે સ્વયંસ્પષ્ટ બાબત છે. ભારતમા લોકડાઉનને કારણે ૨૦ થી ૩૦ વર્ષની ઉમર વચ્ચેના ૨.૭ કરોડ યુવાનોએ પોતાની નોકરી ગુમાવી દીધી હતી. ચીનમા આ કારણસર કેટલા લોકોએ પોતાની નોકરી ગુમાવી તેના આંકડા પ્રાપ્ત નથી. સૌથી રસ પમાડે તેવા ભારત અને ચીન અંગેના આંકડા આર્થિક માળખાને લગતા છે. ભારતના જીડીપીમા ખેતી ક્ષેત્રનો ફાળો લગભગ ૧૬ ટકા છે. જ્યારે ચીનના તે માત્ર ૯.૭ ટકા છે. ભારતની જીડીપીમા ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો માત્ર ૨૯.૭ ટકા છે. તો ચીનનો ઉદ્યોગ ક્ષેત્રમાં ફાળો ૪૪ ટકા છે. ભારતની જીડીપીમા સર્વીસ ક્ષેત્રનો ફાળો લગભગ ૫૪ ટકા છે તો ચીનમા તે માત્ર ૪૬ ટકા છે. ટૂંકમા ભારત હજી ખેતી ક્ષેત્રમા મસ્ત છે તો ચીન ઉદ્યોગો મેન્યુફેકચરીંગ ક્ષેત્રમા ઘણું આગળ વધી ગયું છે. મેન્યુફેકચરીંગ ક્ષેત્ર ચીનના અર્થકારણની કરોડ રજ્જૂ છે. આ બાબતને અન્ય રીતે તપાસીએ તો ભારતના કૃષિ ક્ષેત્રે તેના કુલ વર્કફોર્સનો ૪૯ ટકા લોકો કામ કરે છે અને ઉદ્યોગક્ષેત્રે ભારતના કુલ વર્ક ફોર્સના ૨૦ ટકા લોકો કામ કરે છે. ચીનમા તેના કુલ વર્ક ફોર્સના માત્ર ૩૩.૬ ટકા ખેતી ક્ષેત્રે કામ કરે છે જ્યારે ઉદ્યોગ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે તેના કુલ વર્કફોર્સના ૩૦.૩ ટકા લોકો કામ કરે છે. ઇ.સ. ૨૦૨૦મા ચીનની વસતી ૧૪૩.૯ કરોડ એટલે કે ૧૪૪ કરોડની તદ્દન નજીક હતી જ્યારે ઇ.સ. ૨૦૨૦મા ભારતની વસતી અનુમાનીત ૧૩૮ કરોડ હતી. અહીં એ જાણવું જરૂરી છે કે ચીનની વસતીમા વાર્ષિક .૩૯ ટકાનો વધારો થાય છે જ્યારે ભારતની વસ્તીમા વાર્ષીક .૯૯ ટકા વધારો થાય છે જ્યારે અમેરિકાની વસતીમાં વાર્ષિક .૫૯ ટકા લેખે વધારો થાય છે.
ગેરસમજ ઃ ચીને આપણી એક ખેતીવિષયક ગેરસમજ દૂર કરી છે. વર્ષોથી આપણે એમ માનતા આવ્યા છીએ કે ભારતના ખેડૂતો ગરીબ છે કારણ કે તેઓના ખેતરો તદ્દન નાના છે. ૨૦૧૫-૧૬મા ચીનના સરાસરી ખેતરનું કદ .૯ હેકટર (એક હેકટર એટલે લગભગ અઢી એકર) હતુ જ્યારે તે જ વર્ષમા ભારતના સરાસરી ખેતરનું કદ ૧.૦૮ હેકટર હતું, તેમ છતાં ચીનનો ખેડૂત ભારતના ખેડૂત કરતા ત્રણ ગણો પાક મેળવે છે. જો યોગ્ય તકો અને સવલતો પૂરી પડાય તો ભારતનો નાનો ખેડૂત પણ ચમત્કાર સર્જી શકે છે. છેલ્લે સૌથી અગત્યનો મુદ્દો ગરીબ અંગેનો છે.
૪૦ વર્ષમાં ચીને સડસડાટ આર્થિક પ્રગતી કરી ગરીબી લગભગ નાબૂદ કરી. અલબત્ત લોકશાહી રાજ્યમા ભારતનો હુક્મનો એક્કો છે અને ચીન ક્રૂર સરમુખત્યારશાહી દેશ છે જેણે સામ્યવાદી અર્થકારણ ત્યજ્યુ છે અને મીશ્ર અર્થકારણ અપનાવ્યું છે. ભારતે લંગડી લંગડી પણ લોકશાહી ચાલુ રાખી છે અને ચાલુ રાખવા માગે છે તે ગૌરવની વાત છે. આપણે ચીન સાથે પંગો લેવો નથી. વિસ્તારવાદી ચીનને આપણે નાથવાનુ છે પણ તેની સાથે કદાપી યુધ્ધ કરવાનું નથી.
ચીન મીલીટરી બાબતે અર્થકારણમાં આપણાથી ઘણું બળિયું છે. તેની સામે નમ્યા વિના વાટાઘાટોથી સંબંધો બાંધવાના છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rq0Sj1
ConversionConversion EmoticonEmoticon