આણંદ જિલ્લામાં આજે શિવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણી કરાશે


આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાભરમાં તા.૧૧ માર્ચ, ૨૦૨૧ને ગુરૂવારના રોજ મહાશિવરાત્રી પર્વની ભાવિક ભક્તો દ્વારા શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રી પર્વને લઈને જિલ્લાના વિવિધ શિવમંદિરોને રોશની તેમજ ફુલઝરીથી સજાવવામાં આવ્યા છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈ જિલ્લામાં યોજાતા શિવરાત્રી મેળા મોકૂફ રખાયા છે. 

વિવિધ શિવમંદિરો ખાતે ભીડ એકત્ર ન થાય અને સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિવિધ શિવમંદિરો ખાતે લઘુરૂદ્ર યજ્ઞા, મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો કોવિડ-૧૯ની ગાઈડલાઈનના પાલન સાથે યોજાશે.

શિવજીને ઓળખવાનો ઉત્સવ એટલે મહાશિવરાત્રી. મહા મહિનાની તેરસનું વિશેષ મહત્વ છે અને તેથી જ આ દિવસને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. તા.૧૧મી માર્ચને ગુરૂવારના રોજ શિવરાત્રિ પર્વને લઈ આણંદ જિલ્લાના તમામ શિવાલયો વહેલી પરોઢથી જ બમ..બમ.. ભોલે..., હર..હર.. મહાદેવ...ના નાદથી ગુંજી ઉઠશે. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આણંદ શહેર સહિત જિલ્લાભરના તમામ શિવમંદિરો ફુલઝરી તેમજ રોશનીથી સજાવવામાં આવ્યા છે. શિવભક્તો દ્વારા ભગવાન શિવજીને દૂધ અને બીલીપત્રનો નૈવેદ્ય ચઢાવવામાં આવશે. જિલ્લાના વિવિધ શિવમંદિરોમાં શિવપૂજન, શિવ અભિષેક, રૂદ્રી, લઘુરૂદ્ર યજ્ઞા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય આણંદ જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાતા શિવરાત્રીના મેળા મોકૂફ રખાયા છે.

ભગવાન ભોળાનાથને રીઝવવા માટે શ્રેષ્ઠ ગણાતા મહાશિવરાત્રી પર્વ ટાંણે શિવભક્તો દ્વારા વિશેષ પૂજા-અર્ચનાની સાથે સાથે વ્રત પણ કરાતુ હોય છે. ઉપવાસ તથા વ્રત રાખી ભક્તો શક્કરીયા-બટાટા આરોગતા હોય છે. જેને લઈ જિલ્લાના વિવિધ બજારોમાં શક્કરીયા બટાટાના ઢગ ખડકાયા છે અને બુધવારના રોજ શક્કરીયા બટાટાની ધૂમ ખરીદી નીકળી હતી. સાથે સાથે શિવજીને અતિપ્રિય એવી ભાંગના પ્રસાદનું પણ અનેરૂં મહત્વ હોઈ વિવિધ શિવમંદિરો ખાતે ભાંગ બનાવવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

શિવરાત્રી પર્વ પર વ્રતનું મહત્વ હોઈ આજે વિવિધ ફરાળી ચીજવસ્તુઓની માંગને પહોંચી વળવા માટે વેપારીઓએ પણ તૈયારીઓ આરંભી દીધી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ciUL9P
Previous
Next Post »