નડિયાદમાં ફૂટપાથ પર રહેતા વૃદ્ધ દંપતીને સમાજસેવકે દત્તક લીધું


નડિયાદ : તાજેતરમાં વીતેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નડિયાદમાં એક સાથે બે અનોખા બનાવો બન્યા. એક તરફ શહેરના અનાથઆશ્રમમાં રહેતા એક નાના બાળકને ઈટાલીના દંપતીએ દતક લેવાનો આનંદ છવાયેલો હતો તો શહેરના બીજા ખૂણે ફૂટપાથ પર રહેતા ંવૃદ્ધ દંપતીને એક સમાજસેવકે દતક  લીધાનો ઉત્સવ ઉજવાતો હતા.

નડિયાદના માતૃછાયા અનાથઆશ્રમમાં છેલ્લાં બે વરસથી રહેતા છ વર્ષના એક બાળકને ઈટાલીનાં પીયેત્રોભાઈ અને મારીઆબહેને દતક લીધું છે. એ જ દિવસે નડિયાદમાં મહિલા દિવસને અનુલક્ષીને એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અચાનક જ શહેરના સમાજસેવકે એક વૃદ્ધ દંપતીને દતક લેવાની જાહેરાત કરી હતી. અલબત્ત, આમ કરવા પાછળનું કારણ જાણવા ત્રણ વર્ષ ફ્લેશબેકમાં જવું પડે એમ છે.

નડિયાદમાં છેલ્લાં ઘણાં વરસોથી નિઃશુલ્ક ટિફિનસેવા સહિતની સામાજિક પ્રવૃત્તિઓ કરતી જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટને એક વૃદ્ધ દંપતીની ભાળ મળી. તેમનું નામઃ કનુભાઈ અને કમળાબહેન.  બન્ને ૭૫થી વધુ વરસની ઉંમર ધરાવતાં. ત્રણેક વરસ અગાઉ પહેલીવાર ટ્રસ્ટને જાણકારી મળી કે  આ વૃદ્ધ દંપતી ડી.પી. દેસાઈના ખાંચા પાસે રહે છે અને નિઃસહાય છે. બસ, ત્યારથી ટ્રસ્ટની પ્રવૃત્તિની જેમ રોજ તેમને ટિફિન મળતું થઈ ગયું. આ ટ્રસ્ટના સ્થાપક મનુભાઈ મહારાજ અવારનવાર આ દંપતીને ટિફિન આપવા જતાં એ રીતે તેમના સાથે ઘરોબો કેળવાતો ગયો. બહાર મુખ્ય રસ્તા પર આવીને કનુભાઈ ટિફિન લઈ જાય અને દાદા-દાદી અંદર ક્યાંક રહેતાં હશે તેમ ધારતા મનુભાઈ ત્યાંથી જ વિદાય લે. બન્યું એમ કે, આટલાં વરસોથી ટિફિન પહોંચાડવામાં મનુભાઈને ૮ તારીખે જ પહેલીવાર જાણવા મળ્યું કે આ બા-બાપુજી તો ડી.પી. દેસાઈના ખાચામાં અંદર ક્યાંય નહીં, પણ બહાર ફૂટપાથ પર રહે છે. આ જાણી તેમને ખૂબ દુઃખ થયું અને તેમણે તાત્કાલિક આ વૃદ્ધ દંપતીને પોતાના સાથે ઘરે લઈ જવાનો નિર્ણય કરી લીધો. મૂળ મોરબીના વતની, પણ ૬૫ વર્ષની ઉંમર સુધી અમદાવાદમાં મિલમજૂરી કરતા કનુભાઈ અને કમળાબહેનનો એકનો એક પુત્ર આડા રવાડે ચડી ગયો હોવાથી તેમણે અમદાવાદ છોડી દીધું. ત્યારબાદ તેઓ પાંચેક વરસથી નડિયાદમાં ફૂટપાથો પર જ રહેતાં હતાંં. સાક્ષર નગરીના સેવાભાવી લોકોની મદદ અને લાગણીથી તેઓ અહીં ફૂટપાથ પર જીવીને પણ સંતોષી હતાં, તેવામાં જ હવે તેમને કાયમી સાચવણી લેવા માટે પણ પુત્ર-પુત્રવધુ સહિત આખો પરિવાર મળી ગયો હોવાથી અત્યંત આનંદિત છે.  આમ નડિયાદમાં એક તરફ નાના બાળકને સાચવી શકે તેવાં વિદેશી માતાપિતા મળ્યાં તો બીજી તરફ વૃદ્ધ માતાપિતાને સાચવી શકે તેવો પુત્ર મળ્યો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30CIzet
Previous
Next Post »