આ જની ભારતીય નારીએ પોતાની મર્યાદાઓ અને સીમાઓ નવેસરથી નક્કી કરી છે. તેની સાથે તેણે પુરુષોના કહેવાતા પરંપરાગત સ્થાન ઉપર પણ કબજો જમાવ્યો છેે. પોતાના આગવા વ્યક્તિત્ત્વ ઉપરાંત જીવનમાં અનેક જવાબદારીઓ નિભાવતી મહિલા આજે એ મુકામે પહોંચી છે, જે તેની ઉંમરની પાછલી પેઢીની સ્ત્રીઓ માટે કદાચ સ્વપ્નવત્ વાત હતી.
અમેરિકામાં વસેલી એક ભારતીય મહિલા મુંબઇમાં પોતાની સ્કુલમાં ભણતી સહેલીને મળે છે. શીના (નામ બદલ્યું છે) મુંબઇમાં એક મોટી મલ્ટીનેશનલ કંપનીના માર્કેટિંગ ડિવિઝનની હેડ છે. પણ પોતાની કંપનીના નવા ઉત્પાદનનાં લોન્ચ માટે તે મુંબઇથી દિલ્હી, કોલકાતા જેવા મોટા શહેરોમાં પ્લેનમાં અવરજવર કરે છે, વિદેશમાં ફોરેન ક્લાયન્ટ્સ સાથે ચર્ચા કરવા જાય છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગમાં માર્કેટિંગ વિશેના જુદા જુદા વિચારો રજૂ કરે છે અને ડેડલાઇન ધરાવતા પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રાત્રે એકાદ-બે વાગ્યા સુધી ઑફિસમાં રોકાવાનું તેના માટે તદ્દન સામાન્ય છે. તેની ઉચ્ચકક્ષાની લાઇફસ્ટાઇલ, તેના ડિઝાઇનર જીન્સ, હાઇલાઇટેડ હેરથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તરના, તેના ઘરની દીવાલોને શોભાવતાં પેઇન્ટીંગ્સ અને કીચનમાં રહેલા રસોઇનાં અનોખા સાધનોથી જાણી શકાય કે આજના ગ્લોબલાઇઝ્ડ થયેલા વિશ્વમાં ભારતીય સ્ત્રીએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
એટલે જ, શીનાની અમેરિકાથી આવેલી સહેલી ચિંતાતુર થઇને તેને પૂછે છે, ''તો પછી તું તારું ઘર કેવી રીતે સંભાળે છે?'' કારણ કે શીનાને આઠ વર્ષની દીકરી છે અને અમેરિકાથી આવેલી સહેલીને પોતાના ૧૦ અને ૧૩ વર્ષના બે બાળકો છે. જેઓ હ્યુસ્ટનમાં પપ્પા પાસે છે અને રોજ ફરિયાદ કરે છે કે શાળાએ જવાનું મોડું થાય છે, ફ્રોઝન ફૂડ માઇક્રોવેવમાં નાખતાં ધડાકાભેર ફાટયું, ધોયા વગરનાં કપડાંઓનો ઢગલો થઇ ગયો છે, વગેરે વગેરે. પણ શીનાને આવી કોઇ ચિંતા નથી. ''નો પ્રોબ્લેમ યાર. હું જ્યારે બહારગામ હોઉં ત્યારે મારા સાસુ અહીં રહેવા માટે આવી જાય છે. મને તેનો ખૂબ ટેકો રહે છે. ઉપરાંત, મને એવું લાગે છે કે અમુક સમય માટે તેને મારા ઘરમાં પોતાની રીતે ઘર ચલાવવાનો હક મળે છે તેથી તેનો અહમ્ પણ સંતોષાય છે.
ઓફકોર્સ, ઘરનાં નોકરો તેમને મદદ કરે છે. અમારો ડ્રાઇવર છેલ્લા ૨૦ વર્ષથી છે અને એ વિશ્વાસુ છે, જે બેબીને લાવવા-લઇ જવાનું કામ કરે છે. મારે તો માત્ર એ ધ્યાન રાખવાનું હોય છે કે રાત્રે સૂતા પહેલાં બેબીને ગુડનાઇટ કહેવું અને હું બહારગામથી પાછી આવું ત્યારે તેના માટે કોઇને કોઇ ગિફ્ટ લઇ આવું.'' અમેરિકાની સહેલી શીનાને આહોભાવથી સાંભળતી રહે છે. ભારતીય સ્ત્રીને ખરેખર સ્વતંત્રતા મળી છે. સામાજિક સ્વીકૃતિ સાથેની સ્વતંત્રતા, સફળતા અને એવી વ્યવસ્થા, જેમાં તેણે પોતાના વ્યવસાયમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લેવાની જરૂરત નથી અને છતાં પણ પોતાના કુટુંબના મૂલ્યોને જાળવીને તે દરેક ક્ષેત્રે સફળ થઇ શકી છે.
સદીઓથી પુરુષોએ તેમના દ્વારા નિર્મિત કરાયેલા સમાજમાં સ્ત્રીઓને પોતાની મરજી મુજબ જીવવા દીધી નથી. મા બની પરિવારની સેવામાં આયખંું વિતાવી દીધું. સુખ શું છે એનો અણસાર સુધ્ધાં જાણ્યો નહીં. બહેન બની ઘરની આબરૂ બચાવવામાં લાગી રહી. પત્ની બની પતિની તરસને છીપાવતી રહી. પોતાના માટે તો સમય જ નહોતો, પરંતુ હવે સ્ત્રીઓ જાગી ગઈ છે. હવે તે પુરુષોની કોઈ વાત કાને ધરવા તૈયાર નથી.
એક જમાનો હતો જ્યારે સ્ત્રી પુરુષના ઈશારા પર નાચતી હતી. સ્ત્રીને પગની જૂતી માનવામાં આવતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. આજે કોઈ પુરુષ પોતાને સબળ કહે અથવા પોતાના પુરુષત્વની બડાશ મારે તો તે મૂર્ખ જ કહેવાશે, કારણ કે નવા જમાનાની આક્રમક અને બિન્ધાસ સ્ત્રીએ પુરુષને તેની સાચી સ્થિતિ અને સ્થાન બતાવી દીધાં છે. આજે દરેક ઘરમાં સ્ત્રીનો હુકમ ચાલે છે. શિક્ષિત, સમૃદ્ધ અને આર્થિક રીતે આત્મનિર્ભર સ્ત્રી જૂઠા સામાજિક નીતિકારોને ફૂટી કોડીનો ભાવ પણ આપતી નથી.
આજકાલ સ્ત્રી સહેલાઈથી હાર સ્વીકારી લેવા માટે તૈયાર નથી. પતિ સાથે તાલમેલ ન બેસાડી શકવાની સ્થિતિમાં તેને માટે જીવનસાથીને અલવિદા કહેવાનું સહેલું થઈ પડયું છે. આજે જે પુરુષ પોતાની પત્નીને સન્માન, પૂરી આઝાદી આપી શકતો નથી તે સ્ત્રી કોર્ટમાં એ પુરુષની આબરૂ લેવામાં જરા પણ પાછી પડતી નથી.
આજની સ્ત્રી કોર્ટમાં એવું કહેતા પણ જરા સરખો સંકોચ અનુભવતી નથી કે તેનો પતિ નપુંસક છે. તે શરીર સુખ આપી શકે તેમ નથી. તેથી હું તેની સાથે રહી શકું તેમ નથી. આ વાત જૂની પેઢીની સ્ત્રી કહેવાનું તો ઠીક વિચારી પણ નહોતી શકતી.
ઈન્દિરા ગાંધી, માર્ગરેટ થેચર, શિરામાઓ ભંડાર નાયકે એન્જલા માર્કલ, ગોલ્ડામેર, બેન્ઝીર ભૂત્તો, ખાલેદા જિયા, શેખ હસીના આંગ સુન કી એ પોતાના દેશ પર શાસન કર્યું. તેઓ જ્યાં સુધી સત્તામાં રહી ત્યાં સુધી પુરુષો તેની સામે વામણા જ રહેલા. હવે ભારતીય મૂળની મહિલા કમલા હેરિસે અમેરિકાનું ઉપપ્રમુખપદ સ્વબળે હાંસલ કર્યુ છે.
હેડમાર્ક તથા હેરાલ્ડરોબિન્સ જેવા પુરુષ નવલકથાકારોની જોનકાલિસ તથા એરિકા બીંગ્સ જેવી સ્ત્રી લેખિકાઓએ છુટ્ટી કરી દીધી છે. શોભા ડેનો જ દાખલો લો, કોણે વિચાર્યું હતું કે એક ભારતીય સ્ત્રી આટલી ખ્યાતિ મેળવશે. આવી સ્ત્રીઓ સાથે પુરુષોએ ખભાથી ખભા મેળવી ચાલવું પડશે.
જોકે, ભારતીય નારીનો સફળતા ભર્યો ચહેરો જોઇને એકદમ ખુશ થવું જોઇએ એવું જરૂરી નથી કારણ કે શીના જેવી અનેક મહિલાઓ હોય છે, જેમણે પુરુષના સંચાલિત આ સમાજમાં પોતાની આગવી છાપ અને વ્યક્તિત્વ ઊભું કરવા ખૂબ જ મહેનત કરવી પડે છે. પ્રોફેશનલ મહિલા તરીકે તેની સામે આવેલા પડકારો અગણિત છે. દરેક વખતે તેણે જાતીય શોષણથી પોતાની જાતને બચાવતાં રહેવું પડે છે. અમુક વખતે અનુભવી પુરુષોની ટીમ સામે પોતાની વાત સમજાવવા મથવું પડે છે.
કંપનીના આખરી નિર્ણય કરનારા પુરુષોની ટીમને પોતાના વિચારો અમલમાં લેવાનું જણાવવા લડવું પડે છે, જેઓ તેના દરેક નવા વિચારને શંકાની નજરે જોતાં હોય. એણે કરેલા વ્યવસ્થિત આયોજન છતાં પત્ની, માતા, દીકરી, પુત્રવધૂ, કોર્પોરેટ એક્ઝીક્યૂટીવ તરીકેના પાત્ર તેણે બખૂબી નિભાવવાનાં હોય છે. આ બધામાંથી તે પોતાની જાત માટે પણ સમય ફાળવે છે. છતાં, તે પોતાના કાર્ય માત્ર પૂરા જ નથી કરતી પણ સફળતાથી ચલાવીને દેખાડે છે, જે કદાચ તેની જ ઉંમરની પાછલી પેઢીની સ્ત્રી માટે શક્ય બન્યું હોત નહીં.
છતાં, સ્ત્રીઓની પોઝીશનનો સિનારિયો આખા દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદો જુદો જોવા મળે છે. સ્ત્રીઓ અનેક ઊંચા પદો શોભવે છે. જેમ કે, કંપનીની સીઇઓ કે યુનિવર્સીટીની ચાન્સેલર, આઇટી સ્પેશાલિસ્ટ, વૈજ્ઞાાનિક, જાસૂસ, મિલિટરી કમાન્ડો, ફાઇટર પાયલટ, મહિલા ચળવળકાર કે લેખિકા, ફિલ્મ દિગ્દર્શિકા -નિર્માત્રી, ખતરનાક કહી શકાય તેવી ન્યુઝ સ્ટોરી લાવતી પત્રકારો વગેરે.
ભારતીય સ્ત્રીની એક નવી પેઢી પણ જાગૃત થઇ રહી છે, જે પોતાને સેક્સ બાબતે સ્વતંત્ર ગણાવે છે. તેઓ પોતાના બોયફ્રેન્ડ્સ સાથે ક્લબ અને પબમાં જોવા મળે છે. એવા કપડાં પહેરે છે, જે એમટીવી ઉપર જોવા મળે. લગ્ન પહેલાંના સંબંધો કે લગ્નેતર સંબંધોમાં માને છે. કેટલાક કિસ્સાઓમાં તો તેઓ પોતાના પ્રેમી સાથે લીવ-ઇન સંબંધોથી રહે છે.
તેમના ઘરોમાં યોજાતી કીટ્ટી પાર્ટીઓ રમીની રમત પૂરતી મર્યાદિત રહેવાને બદલે મેલ સ્ટ્રીપર્સ (કેબરે નૃત્ય કરતાં પુરુષો) સુધી પહોંચી ગઈ છે. ભારતના શહેરોનાં અમુક વિસ્તારોમાં, ખાસ કરીને અમુક પ્રકારના બેકગ્રાઉન્ડ ધરાવતી મહિલાઓ ખુલ્લેઆમ બહાર આવીને કહી શકે છે, ''જુઓ, અમારી પણ જાતીય જરૂરિયાતો છે અને સમાજ તેને નકારે એ વાત અમે સ્વીકારવાનાં નથી.''
એનાથી વિરુધ્ધ સ્ત્રી ચળવળકારોનાં કામ પણ વખાણવા જેવાં છે. મેધા પાટકર, વંદના શિવા કે મધુ કિશ્વર જેવી ખ્યાતનામ મહિલાઓ ઉપરાંત એવી અનેક સ્ત્રીઓ છે, જે ગ્રાસરૂટ લેવલ ઉપરથી એટલે કે મૂળભૂત જરૂરિયાતથી જ કાર્ય કરે છે. અમુક શહેરોમાં મહિલા પોલીસ ધરાવતાં પોલીસ સ્ટેશન ખૂલ્યાં છે,જે ઘરમાં પ્રવર્તતી હિંસા અને દહેજની સમસ્યાને કારણે થતાં મૃત્યુની બાબતે અક્સીર સાબિત થયાં છે.
આસામ રાઇફલ્સ હેડક્વાર્ટસની બહાર સ્ત્રીઓ પ્રત્યે સૈનિકો દ્વારા વધી રહેલા બળાત્કાર અને અત્યાચારની સમસ્યાને લોકો સુધી પહોંચાડવા નગ્ન અવસ્થામાં દેખાવો કરનારી મહિલાઓએ પણ ઊંઘતા સમાજને આવી સમસ્યાઓ પ્રતિ જાગૃત કર્યો છે. આવી મહિલાઓ જ સમાજમાં પરિવર્તન લાવી શકે છે.
રમતગમત ક્ષેત્રે પણ ભારતીય મહિલાનો ચહેરો બદલાયો છે. ભારતની નેશનલ હોકી ટીમ અને ક્રિકેટ ટીમ તેનો દાખલો છે. બધાં જ સભ્યો મહિલા હોય તેવી શેર પા સ્ત્રીઓની ટુકડીએ એક નહીં, પણ વધુ વાર એવરેસ્ટ સર કરીને બતાવ્યો છે. તે ટુકડીમાંની એક મહિલા દાવા યાંગઝીએ કહ્યું હતું. ''કેટલાંક મિત્રો એવું બોલ્યા હતા કે સ્ત્રીઓ એકલી એવરેસ્ટ સર કરી શકે નહીં. અને મેં આ વાત ખોટી પુરવાર કરી છે.'' આ છે, આજની આધુનિક ભારતીય મહિલાનો આત્મવિશ્વાસ.
આમ છતાં, આવી પ્રોત્સાહજનક અને પ્રેરણાજનક સ્ત્રીઓ ઉપરાંત દેશની મોટા ભાગની સ્ત્રીઓ એવી પણ છે કે દેશની સ્વતંત્રતાના ૭૪ વર્ષો પછી પણ તેમની સ્થિતિમાં કોઇ ફેરફાર ભાગ્યે જ થયો હોય. તેઓ કાદવવાળા રસ્તાઓ હજી પણ ખૂંદે છે કે ખેતરોમાં મજૂરીનું કામ કરે છે.
મુંબઇ કે બીજા મહાનગરોની સડકો અને ઝૂપડપટ્ટીમાં જીવતી, રાંધતી, કપડાં ધોતી, સૂતી, બાળકોને મોટાં કરતી સ્ત્રીઓ જોવા મળશે, જેમના જીવન એ રસ્તા પરથી પસાર થનાર વ્યક્તિ માટે ખુલ્લી કિતાબ જેવાં હોય. દેશની ઘણી ફેક્ટરીઓમાં અને બાંધકામના વિસ્તારોમાં મજૂર તરીકે અનેક સ્ત્રીઓ કામ કરી રહી છે. છેલ્લા પર્યાય રૂપે, પોતાનું શરીર વેચીને દેહ વ્યવસાય કરતી અને જિંદગી ખેંચતી સ્ત્રીઓને જોઇને તો એ પ્રશ્ન પૂછવાનું ચોક્કસ મન થાય કે નવા જમાનાની ગણાતી સ્ત્રીઓ તરફથી આ સ્ત્રીઓને કોઇ મદદ મળશે ખરી?
એ વાત સાચી છે કે દારૂણ ગરીબી, અશિક્ષિતપણું હોવા છતાં પણ આ સમાજમાં સફળતા મેળવનારી સ્ત્રીઓની કથા જાણવા મળતી હોય છે. આપણા દેશમાં ગ્રામ પંચાયતોમાં મહિલા સભ્યોની સંખ્યા વધી રહી છે. પણ એ જાણીને આઘાત સુધ્ધાં લાગે છે કે તેમાંની ઘણી સ્ત્રીઓ એવી હોય છે, જેમના પતિ અગાઉ સરપંચ હોય અને તેમને સ્થાને સરપંચરૂપે આવીને તેઓ પતિનું માઉથપીસ બની જતી હોય.
ગ્રામીણ બેંકોની વધતી જતી સંખ્યા દેશ માટે આશાસ્પદ છે. સાથે, બિનસરકારી સંગઠનોની સંખ્યા પણ વધી રહી છે, જેઓ બિઝનેસ કરવા માટે મહિલાઓને લોન આપે છે. તેમને બરાબર સમજાયું છે કે આ મહિલાઓને આગળ લાવવા માટે તેમને આર્થિક રીતે પગભર બનાવો. સૌથી અગત્યનું છે, તેમને માનભેર પોતાનું જીવન જીવતાં શીખવો.
છતાં, અમુક ભેદભાવો તો ક્યારેય મટવાનાં નથી. રાજકીય રીતે મહિલાઓએ લોકશાહી ઉપર કબજો જમાવ્યો છે, એ દેખાતું હોવા છતાં મોટાભાગની મહિલાઓ પોતાના કાયદાકીય હકથી અજ્ઞાાન હોય છે. આ એ જ ભારત દેશ છે, જ્યાં ૧૯૯૦ પછી સૌથી મોટા પ્રમાણમાં યુવતીઓ વિશ્વની સૌંદર્ય સ્પર્ધાઓ જીતી છે અને તેમને દેશની પ્રતિનિધિઓ (નાયિકાઓ) તરીકે નવાજવામાં આવે છે. અને આ એ જ દેશ છે, જ્યાં ગર્ભમાં જ જાતિ પરીક્ષણ કરી સ્ત્રી ગર્ભની હત્યા કરવામાં આવે છે, જેને કારણે દર હજાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા માત્ર ૯૨૭ રહી ગઇ છે.
આપણા દેશમાં જ સૌથી વધુ મહિલા ડૉક્ટરો જોવા મળે છે. છતાં અહીં જ ગર્ભાવસ્થા દરમિયાન એક યા બીજા રોગનો ભોગ બની મૃત્યુનો શિકાર બનતી સ્ત્રીઓ છે. અહીં બોર્ડની પરીક્ષાઓમાં છોકરીઓ જ સર્વોચ્ચ સ્થાને આવે છે છતાં વિશ્વમાં ભારત એવો દેશ છે, જ્યાં સૌથી ઓછી મહિલાઓ શિક્ષિત છે. દર વર્ષે દેશમાં ડોક્ટર બનતી ૫૦ ટકા વ્યક્તિઓમાં સ્ત્રીઓ હોય છે, જેની સંખ્યા સવાલાખ છે. ભારતનાં ૨૪ ટકા સોફ્ટવેર પ્રોફેશનલ અને ૨૭ ટકા સાયન્સ અને એંજિનિયરીંગ ગ્રેજ્યુએટ મહિલાઓ છે. ૬.૩૮ લાખ ગ્રામ પંચાયતમાંથી ૭૭,૨૧૦ ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચો છે.
ભારતનાં ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં૧૮ ટકા મહિલાઓ કામ કરે છે. સ્વતંત્રતા પછી જુદા જુદા સમયે જુદા જુદા રાજ્યોમાં ૧૪ મહિલાઓ મુખ્ય પ્રધાન રહી ચૂકી છે. દેશની ૨૧ હાઇકોર્ટમાં ૬૪૭ ન્યાયાધીશોમાંથી ૧૯ મહિલા ન્યાયાધીશો છે તો ભારતીય મહિલાની સરેરાશ ઉંમર ૬૪.૮ વર્ષ ગણવામાં આવી છે. સ્ત્રીઓની પ્રગતિની વચ્ચે દેખાતાં આ ભેદભાવ કેવી રીતે ઓછા કરી શકાય. અમુકને દરેક જાતની સવલત અને અમુક દરેક સવલતથી વંચિત, આ ભેદભાવ કેવી રીતે મિટાવી શકાય? મહિલાઓ બાબતે ભારત સામે આ મોટો પ્રશ્ન છે, જે હંમેશા પડકારરૂપ બની રહ્યો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qnJQ3C
ConversionConversion EmoticonEmoticon