- આજની ભારતીય નારી : મંગળ પર રોવરનું ઉતરાણ કરાવે અને રીક્ષા પર બેસીને સૌંદર્ય સ્પર્ધાના વિજયની ઉજવણી કરતી પરેડ પણ કાઢે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- દેશમાં હોય કે વિદેશમાં ભારતીય મહિલા સિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ પરિવાર, પરંપરા, સંસ્કૃતિ અને સભ્યતાને અકબંધ રાખે છે
મં ગળ ગ્રહની સપાટી પર 'જેઝારો' નામનો એક ખાડો (crater)છે. તેની આજુબાજુ બે વર્ષ સુધી ફરતા રહીને પૃથ્વી પર એટલે કે અમેરિકાની અવકાશ સંસ્થા નાસાને મોટર કાર સાઈઝનું ૧૯ કેમેરા અને બે માઈક્રોફોનથી સજ્જ રોવર તસ્વીરો અને અવાજ મોકલતું રહેશે.'નાસા'નાં કેન્દ્રથી ગત ૩૦ જુલાઈ.૨૦૨૦નાં રોજ આ રોવરનું મંગળ પર ઉતરાણ કરાવવા માટે પ્રસ્થાન થયું હતું અને ૧૮ ફેબુ્રઆરી,૨૦૨૧નાં રોજ રોવર મંગળને સ્પર્શ્યું. પૃથ્વીથી મંગળ વચ્ચેનું અંતર ૩૦ કરોડ માઈલ્સ એટલે કે ૪૮ કરોડ કિલોમીટર થાય.રોવરને પૃથ્વીથી મંગળ સુધી પહોંચાડવાનો રસ્તો-નકશો તૈયાર કરવાથી માંડી તેનું નેવિગેશન સફળતાપૂર્વક પાર પાડી રોવરને મંગળ સુધી પહોંચાડી તસ્વીરો ક્લિક કરીને 'નાસા'નાં હેડક્વાર્ટર સુધી પહોંચાડવાનો સમગ્ર પ્રોજેક્ટ મૂળ ભારતીય એવી ૩૯ વર્ષીય વિજ્ઞાાની સ્વાતી મોહનનાં નેતૃત્વ હેઠળની ટીમે પાર પાડયો છે. જો કે હજુ આ મિશન બીજા બે વર્ષ પછી પૂર્ણ થશે.
સ્વાતીની ટીમમાં બીજી આઠથી વધુ ભારતીય મહિલા વિજ્ઞાાનીઓ છે. સ્વાતીએ ભારતીય વેશ પરિધાન અને કપાળે બિંદી સાથે તેની વિશ્વભરમાં સીમાચિન્હ સમાન જે તસ્વીર 'નાસા'થી મૂકી તેને કારણે ભારતની શાન ઓર વધી ગઈ હતી. વતન સાથે પગ મંડાયેલા છે અને ઉડાણ આસમાનથી પણ ક્યાંય પાર છે.સ્વાતી ૨૦૧૩થી આ પ્રોજેક્ટ પર કાર્યરત હતા.
ડો.સ્વાતી મોહને કોર્નેલ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જીનિયરીંગ અને એમ. આઈ. ટી.માંથી તે જ વિષય પર પી, એચ.ડી. કર્યું છે જ્યારે પતિ ડો સંતોષ નાદીપુરમ બાળ રોગોના નિષ્ણાત છે. બંને મૂળ બેંગ્લોરનાં છે.સુખી દામ્પત્ય જીવન વિતાવે છે.બીજી પુત્રીનો જન્મ તો 'નાસા'એ ૨૦૧૩માં 'મુન રોવર'નાં પ્રોજેક્ટની ટીમ લીડર બનાવી તે પછી થયો. સ્વાતી મોહન કહે છે કે 'બાળ વયે 'સ્ટાર ટ્રેક' ટીવી શ્રેણી જોઇને અંતરીક્ષ અને બ્રહ્માંડની દુનિયામાં ખેડાણ કરવાની ખેવના જાગી હતી 'હવે તે તેના સંતાનોને પણ આ જ રીતે આપણી સંસ્કૃતિ અને સંસ્કારની સાથે નવી દુનિયાના કૂતુહલ જોડે જોડશે.
સ્વ.કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ કે સ્વાતી તો ફ્રન્ટમાં રહી મોટા ગજાનું પ્રદાન કરનાર અવકાશ વિજ્ઞાાની છે પણ 'નાસા'માં ૩૮ ટકા વિજ્ઞાાનીઓ ભારતીયો છે અને તેમાં પણ ૧૭ ટકા મહિલા છે. અવકાશ જ શા માટે વિજ્ઞાાન, શિક્ષણ, સાહિત્ય , કલા જગત અને કોર્પોરેટ ક્ષેત્રે વિદેશમાં ભારતીય મહિલાઓ છવાતી જાય છે. મજાની વાત એ છે કે આ મહિલાઓએ પુરુષ સમોવડી કે પુરુષ પણ જે સિદ્ધીઓનું સ્વપ્ન સેવતા હોય તે સાકાર કર્યું હોવા છતાં પરિવાર અને સંતાનોના ઉછેરને ભારતીય સંસ્કૃતિ,ધર્મ અને સભ્યતા સાથે જોડી રાખીને તેમની જવાબદારી નિભાવી છે. અમેરિકા અને વિદેશમાં સિદ્ધીવંતી મહિલાઓના દામ્પત્ય જીવન પણ જળવાઈ રહ્યા છે. વિકાસ એટલે વિચ્છેદ નહીં પણ સંવર્ધન તે ભારતીય મહિલાના સંસ્કાર છે તેને નજરમાં રાખીને વિશ્વએ ભારતની મહિલાઓને 'મહિલા સશક્તિકરણ'ની રોલ મોડેલ માનવી જોઈએ.
પેપ્સીકોની ભૂતપૂર્વ સી.ઈ.ઓ. ઈન્દ્રા નુયીએ એક ઈન્ટરવ્યુમાં જણાવેલું કે ખુબ તનાવભરી બોર્ડ મીટીંગ હોય કે આટલી મોટી કંપનીના તમામ પડકારો નીપટાવી ૧૨ -૧૪ કલાક કામ કરીને ઘેર જતી હોઉં ત્યારે ગ્રોસરીમાથી દૂધ, શાકભાજી કે કરિયાણું ખરીદીને જઉં તો જ મને એક પૂર્ણ સ્ત્રીનો એહસાસ થાય છે. ત્યાર પછી તે હળવી શૈલીમાં ઉમેરે છે કે 'આમ પણ મારી માતા તો એમ જ માને છે કે હું અન્ય મહિલા કર્મચારીની જેમ ભલે નોકરી કરું પણ ગૃહિણીએ પરંપરાગત જે કાર્યો કે જવાબદારી નિભાવવાની હોય તે કરું તેમાં શું નવાઈ છે.તેના ભોગે તો મારે બીજું કંઈ કરવાની જરૂર નથી. તેમ મારી માતા માને છે. હું ઘેર આવતી હોઉં ત્યારે ફોન આવે કે વળતા દૂધ લેતી આવજે ને.'
૪૯ વર્ષીય ગીતા ગોપીનાથ નોબેલ પ્રાઈઝ વિજેતા અમર્ત્યા સેન પછીની બીજી ભારતીય છે હાર્વર્ડ ઇકોનોમિકસ વિભાગનું કાયમી સભ્યપદ ધરાવે છે.કેરાલાના ખેડૂતની પુત્રી ગીતાનો જન્મ કોલકાતામાં થયો.તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ચીફ ઈકોનોમિસ્ટ બનનાર પ્રથમ ભારતીય છે. ગીતાનું પણ દામ્પત્ય જીવન ઇકબાલ સિઘ ઢાલીવાલ જોડે સંગીન છે. ઇકબાલ સિઘ અમેરિકાની એમ. આઈ. ટી.માં અર્થશાસ્ત્રી છે. ગીતાએ એમ .એ . સુધીનો અભ્યાસ દિલ્હી સ્કુલ ઓફ ઇકોનોમિકસથી કર્યો જયારે ઇકબાલ સિંઘ ૧૯૯૫માં ભારતની યુ. પી. એસ. સી. પરીક્ષામાં ટોપર હતા અને આઈ. એ. એસ. તરીકે ફરજ બજાવી હતી. સમાન વિષયને લીધે સંપર્કમાં આવ્યા અને અમેરિકા શિફ્ટ થયા. તેઓનું લગ્ન જીવન સપરિવાર સુખી છે.
'ટાઈમ' મેગેઝીને જેને વર્ષ ૨૦૨૦નાં વિશ્વના શ્રે તરુણ વયના બાળકનો એવોર્ડ આપ્યો તે ગીતાંજલિ રાવ કોલોરાડોમાં રહે છે. પાણીને હાનીકારક રસાયણોથી મુક્ત કરવાનું તેમજ ડીપ્રેશન અને ડ્રગનું વ્યસન ધરાવતા દર્દીઓ માટે તે સંશોધન કરે છે. તેની માતા ભારતી અને પિતા રામા રાવ તેનો ઉછેર ભારતીય શાસ્ત્રીય નૃત્ય, સંગીતની તાલીમ આપવા સાથે કરે છે.૧૫ વર્ષની ગીતાને રોટલી વણવાનું પણ શીખવાડયું છે. આપણે એવું માનતા હોઈએ કે વિદેશમાં કે ભારતમાં જે પણ મહિલાઓએ કોઈપણ ક્ષેત્રમાં તેમની કારકિર્દી જમાવવા માટે પતિ,સંતાનો કે સમાજની જવાબદારી ત્યજી દીધી છે કે પછી એક પ્રકારની તૂમાખી ધારણ કરી લીધી છે તે આપણી ભૂલ છે. ખરેખર તો જેમ જેમ તેઓ તેમના કાર્યક્ષેત્રમાં છવાયા કે કમાયા તે સાથે તેઓને લાગ્યું કે સફળતા મેળવતા સુખ સરકી ન જાય. સંતાનો આડે રવાડે ચઢી ન જાય.
દામ્પત્ય જીવનમાં પરસ્પર આત્મસન્માન કેળવાય. તમે નારાયણ મૂર્તિ અને સુઘા મૂર્તિનું જીવન જોઈ શકો છો. અધૂરા છલકાયેલા ઘડા જેવા જે લોકો છે તેઓ આપણી સંસ્કૃતિ, ભાષા, સભ્યતા , તહેવારોની ઉજવણી . પ્રાર્થના, સત્સંગ અને અનુશાસનને ત્યજીને પશ્ચિમ જગતનું ન અપનાવવા જેવું કલ્ચર અપનાવવા માંડયા અને પસ્તાયા છે. દરેક વ્યક્તિએ તેમના દેશ , સમાજ અને કુટુંબના એવા વારસાને પેઢી દર પેઢી આગળ ધપાવવો જોઈએ જેને લીધે આ સુખદ મુકામ સુધી પહોંચ્યા છીએ. આધુનિક થવાની હોડમાં જેઓએ મૂળ જોડે છેડો ફાડયો છે તેઓના જીવન,કારકિર્ર્દી અને સંસાર જમીનદોસ્ત થઈ ગયા છે.
ટેસી થોમસ ભારતના એવા પ્રથમ મહિલા વિજ્ઞાાની છે જેઓ મિસાઈલ (અગ્નિ)પ્રોજેક્ટ સાથે જોડાયા હોય. ૫૭ વર્ષીય ટેસી થોમસ રોજ પતિ સરોજ કુમાર કે જે કમાન્ડર ઇન નેવી છે તેની અને પુત્ર તેજસ માટેની તમામ જવાબદારી નિભાવી ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડી.આર.ડી.ઓ.)ની તેની ઓફિસમાં જાય છે. ટેસી થોમસ ભારતના એરોનોટીકલ સીસ્ટમની ડાયરેક્ટર જનરલ છે. એવું નથી કે આ બધી સફળ મહિલાઓને નોકર ચાકર કે ડ્રાઈવર સાથેની કાર જેવી સવલતો પ્રાપ્ય નથી. એ બધું હોવા છતાં તેઓ વ્યવહાર, વર્તનમાં કોઈ આડંબર, એટીટયુડ કે સેલીબ્રીટી જેવી અરોગન્સ નથી બતાવતા.
મધ્યમ વર્ગની મહિલા અને તેમના પરિવાર ને સંભાળવું, પ્રાદેશિક પહેરવેશ, શૃંગાર અને અન્ય પરંપરાને વળગી રહ્યા છે. સંતાનો આ જ રીતે ઉછેર પામે તેની ખાસ તકેદારી રાખે છે. મુકેશ અંબાણીના પરિવારનું પણ ઉદાહરણ લઇ જ શકાય. વૈભવી જીવન ચોક્કસ પણ તેઓ ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિના મૂળને વળગી રહ્યા છે. મહિલા દિન નિમિત્તે નીતા અંબાણીને પણ આજની નારી રોલ મોડેલ બનાવી શકે તેમ છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા , દર્શન, પૂજા, પ્રસંગો અને તહેવારોની ઉજવણી અને ભારતીય મૂલ્યોના સંસ્કાર, વેશ પરિધાન સંતાનો અને પુત્રવધૂ સુધી સાંગોપાંગ ઉતર્યા છે.
ભારતના મેટ્રો અને શહેરના પૈસે ટકે સુખી છોકરા -છોકરીઓએ તે વિચારવું જોઈએ કે બોર્ડની, યુ.પી.એસ.સી., સી.એ. કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉચ્ચ ક્રમાન્કોમાં ગરીબ અને ગ્રામ્ય વિસ્તારની સરસાઈ જોઈ શકાય છે. ભારતની વર્તમાન તમામ રમતોના મોટાભાગના ખેલાડીઓને ઘેર ટી.વી. પણ નહોતા. સ્પોર્ટ્સ શૂઝ પણ પરવડતા નહતા. કાચા મકાનમાં રહેતા હોય. કોઈના પિતા બસ કંડકટર હોય કે કોઈના પિતા ખેતમજૂર હોય.
આ વર્ષની મિસ ઇન્ડિયા રનર્સ અપ માન્યા સિંઘના પિતા ઉત્તર પ્રદેશમાં રીક્ષા ચલાવે છે. માન્યા ટ્રોફી સાથે તેના માતા -પિતા સમક્ષ હાજર થઇ ત્યારે માન્યાને સરપ્રાઈઝ આપવા તેના પિતાએ તેના ૧૮ રિક્ષાવાળા મિત્રોને હાજર રાખ્યા હતા. તેઓએ માન્યાને રીક્ષાની હુડ ખોલી તેમાં ઉભી રાખીને કાંદિવલી વિસ્તારમાં એક કિલોમીટર લાંબી પરેડ કાઢી. માન્યાનો હાઈસ્કુલ સુધી ઉછેર ઉત્તર પ્રદેશના હાટા ગામમાં થયો હતો. તે પછી માન્યાએ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ એજેંટની તાલીમ લેવા મુંબઈ શિફ્ટ થવાનું વિચાર્યું. પિતાએ રીક્ષા ચલાવીને ગુજરાન કાઢીશું તેમ નક્કી કર્યું, માતા વડા પાઉં વેચે. માન્યાને કારમાં પરેડ કાઢવા માટે પ્રાયોજકે ઓફર કરી હતી પણ તેણે તેના જેવી દેશની કરોડો છોકરીઓને આત્મવિશ્વાસ જાગે તે માટે રીક્ષા જ પસંદ કરી.
મહિલા દિન માત્ર જાણીતી બનેલી મહિલાઓ માટે જ નથી. ખરેખર તો આ પૂતમાં જે મહિલાઓ કે જેઓની કોઈ ઓળખ નહોતી કે નહોતા તેઓ કોઈ ઓળખ બનાવાવા માટે ભેખ ધરીને કાર્ય કરતા રહેલા તેઓને કદાચ વિશેષ સમર્પિત છે. પશુ ચરાવવા જતી મહિલા, છાણા બનાવતી કે માથા પર લાકડાનો ભારો ઊંચકી કેટલાયે કિલોમીટર ચાલતી મહિલા કે પછી બાળકને કાગળના છાપાથી ઢાંકીને ઠંડીથી હુંફ આપતી માતા,પરિવારને ઝુંપડીમાં પણ ઘર જેવી હુંફ આપતી મહિલા તે જ ભારતનું ગૌરવ છે. મહિલામાંથી આપણી સંસ્કૃતિ, સભ્યતા અને શીલતા શૂન્ય થઇ જતી હોય તેવા સશક્તિકરણની આપણે જરૂર નથી તે ખાસ ધ્યાન રાખવાનું રહશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kTwB9C
ConversionConversion EmoticonEmoticon