જીમી શેરગિલ : નીડર રાજકારણીના સ્વાંગમાં

- જીમી પહેલીવાર  કંઈ રાજકારણીની  ભૂમિકામાં નથી આવ્યો. જીમી લખનઉમાં  જ મોટો થયો છે અને 'ચુના'માં  એ ઉત્તર પ્રદેશના  નીડર  રાજકારણીની  ભૂમિકા  ભજવે છે.   અગાઉ,  જીમી  શેરગિલે  'સાહબ, બીબી ઔર  ગેંગસ્ટર'માં કંઈક આવી જ ભૂમિકા ભજવી  હતી


અભિનેતા  જીમી  શેરગિલે  બે શો થકી ડિજિટલ  સ્પેસ પર પદાર્પણ કરી લીધું  છે અને આ બે શો હતા 'યોર ઓનર' અને 'રંગબાજ  ફિર સે.'  હવે જીમી શેરગિલ નેટ ફ્લિક્સ  પર પદાર્પણ  કરે  છે.  'તનુ વેડ્સ મનુ' ફિલ્મના આ અભિનેતાએ શૂટીંગ  શરૂ કર્યું છે, આ શોનું  નામ છે, 'ચુના'  જેના દિગ્દર્શક  પુષ્પેન્દ્ર  નાથ મિશ્રા  છે અને તેમણે જ  આ શોનું  નિર્માણ  પણ હાથ ધર્યું  છે. 

'ચુના'  એ ઉત્તર પ્રદેશની વાર્તા  છે અને રાજ્યના  રાજકારણ  સાથે  તે સંકળાયેલી છે. આ અંગે વધુ  જાણકારી  આપતા સુમાહિતગાર વર્તુળોએ  જણાવ્યું  છે કે 'રાજકારણમાં  જીમી એક રસપ્રદ પાત્ર છે. આ શોમાં રાજકારણસાથે ક્રાઈમ  પણ ભળેલું છે અને તેની વાત સ્ટોરીને  વધુ જુસ્સાદાર  બનાવે છે. 

જો કે  જીમી પહેલીવાર  કંઈ રાજકારણીની  ભૂમિકામાં નથી આવ્યો. જીમી લખનઉમાં  જ મોટો થયો છે અને 'ચુના'માં  એ ઉત્તર પ્રદેશના  નીડર  રાજકારણીની  ભૂમિકા  ભજવે છે.   અગાઉ,  જીમી  શેરગિલે  'સાહબ, બીબી ઔર  ગેંગસ્ટર'માં કંઈક આવી જ ભૂમિકા ભજવી  હતી. સૌથી રસપ્રદ  બાબત તો એ  છે કે જીમીએ તેના પ્રથમ શો 'રંગબાજ  ફિરસે'માં ઉત્તર પ્રદેશના ગેંગસ્ટરની જ ભૂમિકા ભજવી હતી. દરમિયાન, ખુદ દિગ્દર્શક  પુષ્પેન્દ્ર  મિશ્રા  પોતે પણ લખનઉનાં  છે. તેમણે પોતાના અગાઉના ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ ંહતું  કે ઉત્તર પ્રદેશના લોકોની વિલક્ષણતા અને બોલવા-ચાલવાની  શૈલી શોની  વાર્તાનો સૌથી વધુ  સમૃદ્ધ સ્ત્રોત છે.

આ  શોનું શૂટીંગ તો લોકડાઉન  પહેલાં જ શરૂ થઈ ગયું હતું.  અત્યારે  કલાકારો અને  ક્રુ લખનઉમાં ચાલતા શૂટીંગમાં   હિસ્સેદાર  થયા  છે.

જો કે  આ શો અંગે  વધુ જાણવા  જીમી શેરગિલ અને  પુષ્પેન્દ્ર  નાથ  મિશ્રાના ઘણા પ્રયાસો કરાયા,  પણ શક્ય  બન્યા નથી.  નેટફ્લિક્સ  તરફથી પણ ટીપ્પણી  મળી નથી. દેખિતી  રીતે જ આ પ્રોજેક્ટ  અંગે બધા  હોઠ ભીડીને  બેઠા  છે. કોઈ કશું બોલતું નથી. જો કે આ શોની ઘોષણા  નજીકના ભવિષ્યમાં  કરવામાં આવે એવી શક્યતા  છે અને આ શો ૨૦૨૧ના  મધ્યમાં  નેટફ્લિક્સ  પર રિલિઝ થાય એવી શક્યતા છે. કામની  વાત કરીએ તો જીમી શેરગિલ ડી. ઝોન્ટિંગના દિગ્દર્શન હેઠળ બની રહેલી  એક  ફિલ્મમાં નજરે પડશે. દરમિયાન ફિલ્મસર્જક  પુષ્પેન્દ્ર નાથ  મિશ્રાની  છેલ્લી  દિગ્દર્શિત  કરેલી  ફિલ્મ 'ઘુમકેતૂ'  છે. એ કોમેડી- ડ્રામા ફિલ્મમાં  નવાઝુદ્દીન સિદ્દીકી કેન્દ્રસ્થ ભૂમિકામાં  છે.  આ કંઈ પુષ્પેન્દ્રનાથની  દિગ્દર્શિત   કરેલી પ્રથમ  ફિલ્મ નથી.  અગાઉ  તેમણે  ઈન્ડિયન  કોમેડી- ડ્રામા  'તાજ મહાલ ૧૯૮૯'  બનાવી હતી. 

નેટફ્લિક્સની યાદીમાં  બોલીવુડના વધુ કલાકારો  સામેલ થયા  છે,   જેમાં  કોંકણા સેન શર્મા, અદિતી રાવ હૈદરીનો પણ સમાવેશ  થાય છે.  ટૂંક સમયમાં  માધુરી દીક્ષિત  પણ ડિજિટલ  ડેબ્યૂ  કરવાની  છે. આ ઉપરાંત સૈફ અલી ખાન, બોબી દેઓલ, ઈમરાન હાસ્મી, મનીષા કોઈરાલા, કિયારા અડવાણી, વિકી કૌશલ, જ્હાન કપૂર, કરણ જોહર, રાધિકા આપ્ટે, કાજોલ જેવા કલાકારો  તો ડિજિટલ વર્લ્ડમાં આવી ચૂક્યા છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qIcuwy
Previous
Next Post »