માનવ કલ્યાણ માટેનો જ્યાંથી રસ્તો બદલાય એનું નામ મંદિર છે


મં દિરે કે હવેલીએ જતા ભક્તજનો એમ જ માને છે કે મંદિરમાં પ્રવેશી પ્રથમ ઘંટ વગાડવો જોઇએ. ઘંટ વાગવાથી જ પ્રભુ જાગે છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું ઇશ્વર મંદિરમાં સૂઈ રહે છે ? મંદિરમાં જો ઘંટ ન હોય તો પ્રભુને કેમ જગાડવો ? હવેલીમાં તો ઘંટ લટકાવેલા નથી હોતા !

ના. ઇશ્વર ક્યારેય ઊંઘતો નથી. આ ઘંટારવ તોભક્તની મંદિરમાં હાજરી માટેની વસ્તુ છે. ઘંટારવ સંભળાય એટલે માની લેવું કે શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા છે.

માણસ ભલે દિવસમાં ગમે તેટલીવાર મંદિરે જાય, ઘંટારવો કરે, પણ કાયમ સુપ્ત એટલે કે સૂતેલી અવસ્થામાં પડેલી પોતાની જાતને તે જ્યાં સુધી જગાડી નહીં શકે, ત્યાં સુધી ઇશ્વર અવાજ સાંભળવાનો જ નથી. જ્યારે જાત જાગી જાય છે ત્યારે જ પરમાત્મા પોકાર સાંભળે છે. અને એ જ સાચી ભક્તિ કહેવાય છે.

સાચી ભક્તિ પરમાત્માના અનુગ્રહથી જ સધાય છે, અને તે માટે સૂતી પડેલી જાતને જગાડવી પડે છે. પરમાત્માનો અનુગ્રહ થયા વિના ભક્તિ ફળતી નથી. ભલે ગમે તેટલા દાબડા કરાય, હવાતિયાં મરાય કે ઘંટારવો કરાય. તો પણ ઇશ્વર સુધી પહોંચી શકાતું નથી.

જીવ એ સેવક છે; અને પ્રભુ સેવ્ય છે. જીવનમુક્તિ માટે ઇશ્વરનાં દર્શન અનિવાર્ય છે. ઇશ્વરના દર્શન વિના મુક્તિ મળતી નથી. પરંતુ પ્રભુની આડે કાયમ એક ટેરો (પરદો) રહેલો છે. ટેરો ખસ્યા વિના પ્રભુનાં દર્શન થતાં નથી. આ ટેરો એ કોઈ ભૌતિક ટેરો નહિ પણ માયાના પરદાનું જ આવરણ છે અને સાચાં સદગુરુ વિના એ આવરણ ખસી શક્તું નથી.

જીવ અને શિવ (પરમાત્મા) વચ્ચે રહેતો માયાનો પરદો અવિદ્યાને કારણે જ ઢંકાયેલો રહે છે. આમાં કર્મ સાધનભૂત છે. પરમાત્માના અપરોક્ષ દર્શનમાં વૈરાગ્યાદિક સાધનો છે. જે શરણાગતિ અને કર્મસંન્યાસ છે.

માનવકલ્યાણ માટેનો જ્યાંથી રસ્તો બદલા યછે તે મંદિર. મંદિરમાં કરાતી પ્રાર્થના કે પ્રભુને પામવાનો પોકાર અને ઘરમાં કરાતી પ્રાર્થના કેપોકાર ભલે એક જ હોય. પરંતુ મંદિરમાં કરાતી પ્રાર્થના એક શક્તિ છે. ઇશ્વર સુધી લઇ જતા સૂક્ષ્મ તરંગો છે. મંદિરમાં સુક્ષ્મ પ્રાર્થના છે, જ્યારે ઘરમાં કરાતી પ્રાર્થના એ સ્થૂળ પ્રાર્થના છે. સૂક્ષ્મમાં સ્થૂળ પ્રવેશી શકે નહિ !

પાયો કાચો રહી ગયો હોય તો તે મકાનનું આયુષ્ય લાંબુ ટકતું નથી. તે જ રીતે માનવજીવનમાં પણ આધ્યાત્મિક પાયો કાચો રહી ગયો હોય તો જીવનઇમારત ડગમગવા લાગે છે. જેમ મકાનનો આધાર પાયા પર છે તેમ આધ્યાત્મિક માર્ગનો આધાર સદાચાર અને સરળજીવન પર છે.

કર્મનું બરાબર અનુષ્ઠાન થવાથી જ્ઞાાનની સરવાણી ફૂટે છે. જ્યાં સુધી શુદ્ધ કર્મોના અનુષ્ઠાનથી માણસ પોતાના હૃદયને પવિત્ર નહીં કરે ત્યાં સુધી આત્મજ્ઞાાનનો પોકાર, આત્મજ્ઞાાનની પ્રાપ્તિ અસંભવ જ રહેવાની. આત્મજ્ઞાાન જાગ્યા વિના ગમે તેટલા ઘંટારવ કરાય તો પણ ઇશ્વર કદાપિ સાંભળશે નહિ. ઇસ્વર ભક્ત પ્રત્યે અનુગ્રહિત નહિ જ થાય. કોઈપણ વસ્તુ બુદ્ધિની મર્યાદા ઓળંગી હૃદય સુધી ઊંડી ઉતરે ત્યારે જ તેનો સાક્ષાત્કાર થયો ગણાય.

વૈષ્ણવ સંપ્રદાયના દ્વારકેશલાલજીએ વચનામૃત સમયે એક પ્રસંગ કહેલો કે ઘણા લોકો દર્શન કરવા જાય છે ને ઘણા લોકો ભગવાનને દર્શન આપવા જાય છે. એકભાઈએ નિયમ લીધો કે રોજ મંગળાનાં દર્શન કરીને જ કામે જવું, એટલે આખો દિવસ સારો જાય. ૨૯ દિવસ સુધી રોજ દર્શન કર્યા. ત્રીસમે દીવસે શ્રીઠાકોરજી પીઠ દઇને બેઠા. પેલા ભાઈ નારાજ થઇને કહે છે કે પ્રભુ, મારો આખો દિવસ સુધરે એટલે તો રોજ તમારા દર્શને આવું છું. પણ આજે આપ દર્શન કેમ નથી આપતા ?

ઠાકોરજી કહે : તારે જેમ આખો દિવસ સુધારવો હોય એમ મારે પણ મારો દિવસ સુધારવો કે નહિ ? તને મારાં દર્શન થાય છે પણ એની સામે મને તારાં દર્શન થાય છે એનું શું ?

આવા બગભગત મંદિરમાં જઇને ઘંટ વગાડે તો પણ ઇશ્વર જાગે નહિ. કારણ કે તેની સ્વાર્થીલી અને દંભી ભક્તિ હોય છે અને જ્યાં દંભી ભક્તિ હોય ત્યાં ઇશ્વર ન હોય.

- ચંદ્રકાંત પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30vZorF
Previous
Next Post »