14મી માર્ચે ગાંધીજીની દાંડીયાત્રાએ માતર પાસેના વાસણા ગામમાં રોકાણ કર્યું હતું


નડિયાદ : ગાંધીજીની દાંડીયાત્રા આજથી બરાબર ૯૦ દિવસ અગાઉ ત્રીજા દિવસે ૧૪મીએ સવારે ૮.૩૦ વાગ્યે ખેડા જિલ્લાના માતર નજીકના વાસણા ગામે પહોંચી હતી. ગામની ભાગોળમાં જ આવેલા આંબાવાડિયામાં ગાંધી અને તેમના સૈનિકોનો મૂકામ હતો. અહીં બાપુ માટે ઘાસની મઢુલી બનાવવામાં આવી હતી. વાસણા ગામમાં ૧૫ જેટલા પાદરીઓ ગાંધીજીને ખાસ મળવા આવ્યા હતા. વાસણામાં બપોરે સભા યોજવામાં આવી હતી. બપોરની સભામાં બાપુએ લડતનો હેતુ સમજાવતા કહ્યું કે,

'તમે  સૌએ અમારું સુંદર સ્વાગત કર્યું છે. એકે ઊણપ આવવા દીધી નથી. આ માંડવો બનાવ્યો ને મારે માટે એક ઝૂંપડી બાંધી છે, એ મને બહુ પ્રિય લાગે છે. મારી માગણી પ્રમાણે તમે કર્યું એ સારું હું બહુ રાજી થાઉં છું.  તમે મીઠાવેરો આપવાની સામે શું જવાબ આપવાના છો? તમારે સૌએ સુધરવાનું છે અને સરકારની સામે લડવાનું છે.  તમે હજી સુધી ખાદી પહેરતા નથી થયા તો હવે જાગો. આપણા ગરીબ દેશને ખાદી દ્વારા મદદ કરો. તમારામાંથી કોઇ જ ખાદી વિનાનો ન રહે. એમ હું તો ઇચ્છું. બહેનોનો તો એ જૂનો યજ્ઞા છે. તમે તો પાંચ યજ્ઞા કરતા, પહેલો તો ચૂલાયજ્ઞા. મારી મા પહેલો ગોગ્રાસ રાખતી ને યજ્ઞા કરતી. બીજો તે ઘંટીયજ્ઞા. ત્રીજો તે સાવરણી, ચોથો રેંટિયાનો ને પાંચમો પાણી ભરવાનો. આજે તો બધા યજ્ઞાો ભૂંસાવા માંડયા છે. એમાં સ્વાર્થ આવ્યો એટલે આમ થયું. તમે ધર્મનું પાલન કરવા ઇચ્છતાં હો તો રેંટિયાયજ્ઞા ફરી કરજો તથા ઇશ્વર તમને સન્મતિ આપે તે પ્રમાણે વર્તજો.'

૧૪મીએ જ બપોર પછી વાસણાથી ધૂળિયા રસ્તે ચાલીને દાંડીયાત્રિકો માતર જવા રવાના થયા હતા. અહીં તેમની સાથે હજારો લોકો જોડાયા હતા. ગાંધીજી અને સાથીદારોએ ત્રીજા દિવસનું રાત્રિરોકાણ માતરમાં જ કર્યું હતું. માતરમાં લોકસેવક માધવલાલ શાહ સતત ગાંધીજીની સાથે ને સાથે રહ્યા હતા. માતરમાં ગાંધીજીએ મોડી સાંજે સભા સંબોધિત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, 'માતરની મારી આ પહેલી મુલાકાત નથી. સને ૧૯૧૮માં ખેડાની લડત વખતે હું માતર આવી ગયો હતો. તે વખતે માતર તાલુકાની દુઃખી સ્થિતિનો ખ્યાલ લીધો હતો. અત્યારે ગુજરાત વિદ્યાપીઠ તરફથી શ્રી કુમારપ્પા અહીં આર્થિક સ્થિતિની તપાસ કરી રહ્યા છે. મોટી રેલ આવી ત્યારે પણ સરદારે અહીં કામ કરેલું. એ રીતે માતર ગામનો ઘણો પરિચય થયો છે. તમે મારું સ્વાગત હંમેશા સારુ કર્યું છે. તેથી મને નવાઇ નથી લાગતી. તમે કરેેલું સ્વાગત મારું કે સંઘનું નથી, પણ સત્યાગ્રહનું છે. મીઠા સામેની લડતનું એ સ્વાગત છે. તમે તમારી ધગશનું દર્શન કરાવ્યું છે. તમારે જે પગલું ભરવાનું છે, તે ભરવા તૈયાર છો કે નહીં, તે હવે જોવાનું છે.'' આમ કહીને ગાંધીજીએ સરકારનો ડર છોડી દેવા, મીઠાનો અન્યાયી કાયદો તોડવા અને સરકારી નોકરીને તિલાંજલિ આપવા મુખી મતાદારોને સમજાવ્યું અને સૌને ખાદી પહેરવા અને રેંટિયો કાંતવા અનુરોધ કર્યો. છેવટે કહ્યું કે ''મારી ઉમેદ છે કે તમે મારી માંગણી પૂરી કરવા સજ્જ  થશો અને સરદાર છૂટે ત્યારે ખેડા જિલ્લો ધારે તો એકલો સ્વરાજ અપાવી શકે તેમ કરશો. ઇશ્વર તમને સ્વતંત્રતતા મેળવવાની શક્તિ આપો.'



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38zraIk
Previous
Next Post »