- નડિયાદમાં ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું : રાત્રે તેમનું ભાષણ સાંભળવા લાખોની મેદની ઉમટી પડી હતી ઃ મિ. નરીમાન અને અંતેવાસી મહાદેવ દેસાઈ મળવા આવ્યા હતા
નડિયાદ
આજે ૧૨મી માર્ચ એટલે ઐતિહાસિક દાંડીયાત્રાની ૯૦મી વર્ષગાંઠ. ૧૯૩૦માં આજના જ દિવસે ગાંધીજી તેમના ૭૯ સાથીદારોને લઈને અમદાવાદથી દાંડીની કૂચ પર નીકળ્યા હતા. દાંડીયાત્રા સાથે ચરોતર પ્રદેશનું આગવું મહત્વ ઈતિહાસમાં અંકિત થયેલું છે. ૧૨મી માર્ચે નીકળેલા દાંડીયાત્રિકો પછીનું આખું અઠવાડિયું ચરોતર પ્રદેશમાંથી પસાર થયા હતા. ૮ જિલ્લા અને ૪૮ ગામોને આવરી લેતી દાંડીયાત્રાએ ગુજરાતભરમાં જ નહીં દેશભરમાં દેશભક્તિનો જુવાળ ફેલાવી દીધો હતો.
અમદાવાદ સાબરમતી નદી કાંઠે ગાંધીજીએ કૂચની આગલી સાંજે પ્રાર્થનાસભામાં આશરે ૬૦,૦૦૦ જેટલા લોકોને સંબોધિત કર્યા હતા. મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની ગાંધીજીએ કરેલી ૧૧ મહત્વપૂર્ણ માગણીઓને વાઈસરોયે ૧૯૩૦ના માર્ચ મહિનાની શરૂઆતમાં જ ફગાવી દીધી એ સાથે જ ગાંધીજી કૂચની તૈયારી માંડી મીઠાનો કાનૂન તોડવાની જાહેરાત કરી દીધેલી. ૧૨મી માર્ચે સવારે આશ્રમથી નીકળેલો યાત્રિકો ૨૧ કિલોમીટરનું અંતર કાપીને અસલાલી ગામે રાત્રિરોકાણ માટે રોકાયા હતા.
ગાંધીજી અને સાથીદારો દાંડીકૂચમાં નીકળ્યા તેના બીજા જ દિવસે એટલે કે ૧૩ માર્ચથી તેઓ ચરોતર પ્રદેશમાં પ્રવેશી ગયા હતા. ૧૩મી તારીખે ગાંધીજી અને સાથીદારોએ ૧૪ કિલોમીટરનું અંતર કાપ્યું હતું તે દરમિયાન બારેજા ખાતે મધ્યાહન રોકાણ અને નવાગામ ખાતે રાત્રિરોકાણ કર્યું હતુૂં.ત્રીજા દિવસે ૧૪મી માર્ચે દાંડીયાત્રિકો ૧૬ કિલોમીટર ચાલ્યા હતા. ત્રીજા દિવસના મધ્યાહન રોકાણની વ્યવસ્થા વાસણા ખાતે અને રાત્રિરોકાણની વ્યવસ્થા માતર ખાતે કરવામાં આવી હતી. ૧૫મીએ માર્ચે ગાંધીજીના કાફલાએ ૨૫ દિવસની યાત્રામાં એક દિવસમાં સૌથી વધારે ૨૪ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ દિવસે ડભાણમાં મધ્યાહન રોકાણ કરી કાફલો સાક્ષરનગરી નડિયાદમાં રાત્રિરોકાણ માટે આવી પહોંચ્યો હતો.
અમદાવાદથી નીકળ્યા પછી નડિયાદ એ પહેલો મોટો પડાવ હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો તો ભેગા થયા જ હતા, સાથે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન પણ નડિયાદ પર હતું. નડિયાદમાં આગલા દિવસથી જ ગાંધીજી અને તેમના સાથીદારોના આગમનની આતુરતાથી રાહ જોવાતી હતી અને સ્વાગતની તૈયારીઓમાં આખું શહેર શણગારવામાં આવ્યું હતું. નડિયાદમાં પ્રવેશતાં જ ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતરામ મંદિરના ત્રીજા દરવાજે યાત્રિકોના રાત્રિરોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ગાંધીજીના રાત્રીના ભાષણને સાંભળવા લાખોની મેદની ઉમટી પડી હતી. બાપુના અદના સેવક મિસ્ટર નરિમાન અને અંતેવાસી મહાદેવ દેસાઈ પણ ગાંધીજીને મળવા માટે નડિયાદ આવ્યા હતા.
નડિયાદ બાદ બોરિયાવી, આણંદ, નાપા અને બોરસદ વગેરે સ્થળો પર રોકાણો કરતા-કરતા દાંડીયાત્રિકોએ આખું અઠવાડિયું ચરોતર પ્રદેશમાં પસાર કર્યું હતું. વચ્ચે ૧૭ તારીખનો એક દિવસ યાત્રિકોએ આણંદ ખાતે આરામ કર્યો હતો. આ વરસે દાંડીયાત્રાના ૯૦મા વર્ષની ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા પણ દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દાંડીયાત્રાના જે રૂટ પરથી ગાંધીજી અને તેમના સાથીદારો પસાર થયા હતા તે જ રૂટ પરથી આજથી શરૂ થનારી દાંડીકૂચની સ્મૃતિરૂપ યાત્રા પસાર થવાની છે.
આણંદ જિલ્લામાં આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાશે
જિલ્લાના કરમસદ, આણંદ, રાસ અને બોરસદમાં ઉત્સવની વિશેષ ઉજવણી કરાશે
અમદાવાદના સાબરમતી આશ્રમથી તા.૧૨મી માર્ચના રોજ આઝાદીના અમૃત મહોત્સવ-૭૫ના ભાગરૂપે દાંડીયાત્રા નીકળનાર છે ત્યારે આજ દિવસે આણંદ જિલ્લામાં પણ આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લાના કરમસદ, આણંદ, રાસ અને બોરસદ ખાતે વિશેષ ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ તા.૧૨મી માર્ચના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી નીકળનાર દાંડીયાત્રા વિવિધ દાંડી માર્ગ ઉપર ફરશે. તા.૧૨મી માર્ચના રોજ આણંદ જિલ્લાના કરમસદ, આણંદ, રાસ અને બોરસદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઉજવણી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે કરમસદના સરદાર પટેલ મેમોરીયલ હોલ ખાતે આઝાદી અમૃત મહોત્સવનો વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્ય સરકારના ઉર્જા વિભાગના મંત્રી સૌરભ પટેલ ઉપસ્થિત રહેશે જ્યારે રાજ્ય સરકારના મંત્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આણંદના ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાશે. રાસ ગામે હાઈસ્કુલ સંકુલમાં યોજાનાર અમૃત મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ હાજરી આપશે. ઉપરાંત બોરસદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય ઉપસ્થિત રહેશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ewdxgH
ConversionConversion EmoticonEmoticon