દિવ્ય આત્માના સંબંધથી કેદારે સૂક્ષ્મ શરીર દ્વારા લોક-લોકાંતરોનું પરિભ્રમણ કરી ત્યાંના રહસ્યોનું ઉદ્ઘાટન કર્યું !


- 'તે અલગ અલગ લોકમાં લઈ જાય છે અને તે લોકની માહિતી આપે છે. પહેલાં તો એક જ દેવ પુરુષ તેને લઈ જતા હતા પણ પછી બીજા અલગ અલગ દેવ પુરૂષો પણ આવે છે.'

દે વ લોકમાં વસતા દેવો કે પરલોકમાં વસતાં દિવ્ય આત્માઓ કેટલાક પૃથ્વીવાસી મનુષ્યો સાથે સંપર્ક સાધી એમના દિવ્ય લોકના અલૌકિક જ્ઞાાનનો પ્રસાર કરતા હોય છે. એમની આધ્યાત્મિક પ્રગતિ અને સિદ્ધિ માટે મદદ કરી એમને માર્ગદર્શન પણ આપતા હોય છે. ૧૯૩૭માં કાશીમાં બંગાળી ટોલા વિસ્તારમાં રહેતા સોળ વર્ષના કેદાર માલાકરની બાબતમાં પણ આવું જ બન્યું. એક દિવસે તે દશાશ્વમેઘ બજારમાં ખરીદી કરવા ગયો હતો. તે વખતે રસ્તા પરના એક વૃક્ષ પર તેને એક દૈવી પ્રકાશ પુંજ દેખાયો. તેમાં કોઈ દિવ્ય આકૃતિનો આભાસ થયો. તે નિહાળીને તે વિસ્મય વિમૂઢ બની ગયો. તે વૃક્ષની એકદમ નજીક ગયો. પેલી દિવ્ય શરીરધારી વ્યક્તિના શરીરમાંથી પ્રકાશનો ધોધ નીકળ્યો અને કેદારના શરીરમાં પ્રવેશી ગયો. તે જ વખતે તેના શરીરમાં કંઈ અજબ-ગજબનું પરિવર્તન થતું હોય તેમ તેને લાગ્યું. તેને થયું કે આ અલૌકિક વ્યક્તિ હું બીજાને પણ બતાવું. તે રસ્તા પર બીજાના આવવાની રાહ જોવા લાગ્યો. તેની નજર બીજે ગઈ એટલી વારમાં તો પેલી દિવ્ય વ્યક્તિ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ.

કેદાર માલાકર જેમ તેમ કરીને ઘેર આવ્યો. ઘેર આવ્યા પછી તેની તબિયત બગડી ગઈ. તેને તાવ આવવા લાગ્યો અને થોડી થોડી વારે મૂર્છિત થઈ જતો. બે દિવસ આવી સ્થિતિ રહી પછી ધીમે ધીમે સુધાર આવવા લાગ્યો. તે દેવાત્મા સાથે સંપર્કનો કેદારનો એ પ્રથમ અનુભવ હતો. થોડા વખત બાદ કેદાર તેના ઘરમાં હતો ત્યારે તેને ફરી તેનું દિવ્ય દર્શન થયું. બન્નેના શરીરમાંથી પ્રરક્રૂટ થતું. દિવ્ય તેજ કેદારના શરીરમાં પ્રવેશી ગયુ. કેદારને લાગ્યું કે તે શરીર રહિત થઈ ગયો છે અને તેનો આત્મા સ્થૂળ શરીર છોડીને પેલા દેવાત્માની સાથે જઈ રહ્યો છે. થોડીવાર માટે કોઈ દિવ્ય લોકના દર્શન કરી તે પાછો પોતાના સ્થૂળ શરીરમાં આવી ગયો. આ વખતે તેને તાવ આવ્યો નહિ કે કોઈ શારીરિક પીડાનો પણ અનુભવ થયો નહિ. એ પછી તો પેલા દિવ્યાત્માનું આગમન અને તેની સાથે કેદારનું સૂક્ષ્મ દેહ ગમન વારંવાર થવા લાગ્યું. એક પ્રકારનો અનોખો ઘટનાક્રમ ઊભો થઈ ગયો. તે એનું સ્થૂળ શરીર છોડી કલાકો સુધી બહાર રહે અને પછી જાતે જ તેમાં પાછો પ્રવેશી જાય.

એક દિવસ તેના કુટુંબીજનોએ તેને પૂછ્યું કે તારા શરીરમાં આ બધું શું થઈ રહ્યું છે? તે કોઈ સાધના કરી છે કે કોઈ વિદ્યા મેળવી છે? તું જાતે જ સ્થૂળ શરીર છોડવાના કોઈ પ્રયોગો કરે છે? તેના જવાબમાં કેદારે કહ્યું હતું ઃ 'કોઈ દિવ્ય શરીરધારી આવીને મને એના પ્રકાશમય દેહ સાથે સૂક્ષ્મ શરીર થકી તેની સાથે લઈ જાય છે - તે અલગ અલગ લોકમાં લઈ જાય છે અને તે લોકની માહિતી આપે છે. પહેલાં તો એક જ દેવ પુરુષ તેને લઈ જતા હતા પણ પછી બીજા અલગ અલગ દેવ પુરૂષો પણ આવે છે.'

કેદારને એક વાર પૂછવામાં આવ્યું કે તે સ્થૂળ શરીરને છોડીને અન્ય લોકનું ભ્રમણ કરે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે? તેના જવાબમાં તેણે કહ્યું હતું કે તે સ્થૂળ શરીર છોડી સૂક્ષ્મ શરીર દ્વારા યાત્રા કરે છે ત્યારે તેને અત્યંત હળવાશ અને ભારરહિતતાનો અનુભવ થાય છે. કોઈ સ્થળે તેને વીજળીનો ઝાટકો લાગતો હોય તેવો પણ અનુભવ થાય છે. કોઈ રૂપેરી પ્રકાશનું સૂત્ર એટલે કે દોરડું તેની નાભિ સાથે સતત જોડાયેલું રહે છે જે તેને પાછું તેના સ્થૂળ શરીરમાં ખેંચી લાવે છે. એકવાર તેને પૂછવામાં આવ્યું કે મહાશૂન્યમાંથી વૈકુંઠ લોક કેવો દેખાય છે? તે વખતે કેદારે કહ્યું હતું - 'મહાશૂન્યમાંથી વૈકુંઠ દક્ષિણાવર્તી શંખ જેવા આકારનું દેખાય છે. આપણા શાસ્ત્રોમાં વૈકુંઠના આકાર વિશે આવું જ વર્ણન કરવામાં આવ્યું છે.'

કેદાર માલાકર જે લોકમાં જાય ત્યાંની માહિતી તો લાવે, પણ વિસ્મયજનક બાબત એ હતી કે ત્યાંની ભાષા પણ શીખી લેતો. આ લોકમાં પાછા આવ્યા બાદ તે એવી વિચિત્ર ભાષામાં બોલતો જે કોઈએ સાંભળી જ ન હોય! પછી તેને અનુરોધ કરવામાં આવતો નહિ તે પાછો પોતાની મૂળ ભાષામાં તેનો જવાબ આપતો. સંધ્યા સમયે વેદપાઠ કરવાનો તેનો નિત્યક્રમ થઈ ગયો હતો. પરંતુ તેનો વેદ પ્રચલિત વેદથી ભિન્ન જણાતો. તેના પાઠમાં ઉદાત્ત, અનુદ્દાત અને ત્વરિત સ્વરોનો તો ઉપયોગ થતો હતો પણ શબ્દો સાવ નિરાળા જોવા મળતા. એ સંસ્કૃત કે હિન્દીના નહોતા કે દુનિયાની કોઈ પણ ભાષાના જોવા મળતા નહોતા.

એકવાર દેવભાષા શીખવા વિશે તેને પૂછવામાં આવ્યું તો તેણે એક અદ્ભુત રહસ્યોદ્ઘાટન કરતાં કહ્યું હતું કે લૌકિક ભાષાની જેમ દેવભાષા વાંચીને, જોઈને કે સાંભળીને શીખવી પડતી નથી. શીખવાની અને સમજવાની પ્રક્રિયા પૃથ્વી લોકની પ્રક્રિયા કરતા સાવ જુદી જ છે. જે પણ લોકમાં ધરતી પરથી કોઈ સૂક્ષ્મ શરીરધારી મનુષ્ય જાય છે અને જે પણ દેવપુરુષની સાથે વાર્તાલાપ કરવા માંગે છે એની ભૃકુટિની વચ્ચેથી એક પ્રકાશ કિરણ નીકળીને સામેની વ્યક્તિની ભૃક્રુટિના મધ્ય ભાગને સ્પર્શે છે. આટલા માત્રથી ધરતી પરથી ગયેલો સૂક્ષ્મ શરીરધારી મનુષ્ય જે તે લોકની ભાષા કે વાણીનો જાણકાર થઈ જાય છે. તે પછી તે માત્ર તે ભાષાનો જ્ઞાાતા જ નથી બની રહેતો પણ સ્વતંત્ર રૂપથી તેમની સાથે વિચાર-વિનિમય પણ કરી શકે છે. તેને જે કહેવું હોય તે બધું ત્યાંની ભાષા, શબ્દ અને ધ્વનિ ઉચ્ચારણ પ્રમાણે પ્રકટ થવા લાગે છે. પૃથ્વીની જેમ ત્યાં શબ્દો અને વાક્યોને સ્મરણ કરી રાખવાની જરૂર પડતી નથી.

યોગીપુરુષો એમની ચેતના અને મનની શક્તિથી ગમે તે વિગત જાણી શકે છે તે આ રીતે જ શક્ય બને છે. બ્રેઈન ચાઈલ્ડ, બ્રેઈની, મિડ-બ્રેઈન એક્ટિવેશન જેવી સંસ્થાઓ 'સેન્સરી એનહેન્સમેન્ટ પ્રોગ્રામ' થકી વિશિષ્ટ તાલીમ આપી બાળકોમાં આંખે પાટા બાંધી, આંખોનો ઉપયોગ કર્યા વિના જોવાની, વાંચવાની અને જાણવાની ક્ષમતા વિકસાવે છે. એમાં સાવ અજાણી ભાષામાં લખાયેલા પુસ્તકોના રજેરજ માહિતી પુસ્તક ખોલ્યા વિના જ ચૈતસિક શક્તિ વિકસાવેલ બાળકો રજૂ કરી દેતા હોય છે. યોગ સાધનાની જેમ આ પણ 'સુપર સેન્સરી ડેવલપમેન્ટ'ની એક તાલીમ જ છે. આવી તાલીમ પામેલા ટેલિપથિક કોનવર્સેશન, રિમોટ વ્યુઈંગ એટલે કે દૂરભાષ, દૂરદર્શન, દૂરશ્રવણ જેવી ક્ષમતા પ્રાપ્ત કરી એના સફળ પ્રયોગો કરી બતાવે છે.

કેદારે માત્ર પરલોકના જ નહીં. આપણા ઈહલોક (આ જગત)ના ગૂઢ રહસ્યો પણ ઉદ્ઘાટિત કર્યા હતા. એની દેહ-બાહ્ય અનુભૂતિ (Out of Body Experience)અને ઇન્દ્રિયાતીત જ્ઞાાન-દર્શન (Clairvoyance)ની સિદ્ધિ દ્વારા તેણે લોક લોકાંતરોનું જ્ઞાાન અને વિજ્ઞાાન પ્રગટ કરી ગૂઢ વિદ્યાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન પ્રદાન કર્યું છે. કાશીના 'સિદ્ધિ મા' નામના સિદ્ધ યોગિનીના ઉપદેશ અને માર્ગદર્શનથી કેદારે આત્મસાક્ષાત્કાર અને પરમાત્મ તત્ત્વની પ્રાપ્તિની સિદ્ધિ પણ મેળવી હતી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31pk3hx
Previous
Next Post »