- એક વાર ભીતરમાં સત્યપ્રાપ્તિની ઝંખના જાગી પછી 'એ જ તમને સત્યનિષ્ઠ વ્યક્તિઓ પાસે લઇ જશે. એ જ તમારા જીવનનું પરમ સત્ય પામવાની જિજ્ઞાાસા સતત જગાડતું રહેશે
જે જાગી જાય, તેનો બેડો પાર. જેને 'એ' સંભળાય, એનું જગત બદલાઇ જાય.
એનો સાદ એ કોઇ ધીમો સૂર હોતો નથી. એનો અવાજ એ કોઇ બૂમ હોતી નથી, પરંતુ એ તો એક ચીસ હોય છે જે વ્યક્તિના સમગ્ર માનસને રફેદફે કરી નાખે છે.
સંત કબીર આને તમારી ભીતરમાં બેઠેલો 'સાંઈ' માને છે. કોઇ એમાં તમારા અંતરનો તરફડાટ જુએ છે, તો કોઇ જીવનમાં સત્ય દ્રષ્ટિ જાગતા સર્જાયેલું ક્રાંતિકારી પરિવર્તન માને છે. આમ ભીતરમાં સત્યદ્રષ્ટિ જાગે અને પછી એનામાં પરમ સત્યને પામવાની અતિ પ્રબળ જિજ્ઞાાસા જાગે એટલે સાધકના ભીતરમાં વર્ષોથી ધરબાયેલો ઊર્ધ્વ ચેતનાના જ્વાળામુખીનો લાવા બહાર વહેવા લાગે છે. આવો સત્યદ્રષ્ટિનો 'ધક્કો' અનુભવનાર બીજી દુનિયામાં રમવા લાગે છે, ભમવા માંડે છે અને જીવવા લાગે છે.
બસ, ભીતરનો એક અવાજ સંભળાય અને તેના તરફ 'યા હોમ કરીને ઝૂકાવી દીધું' એટલે જુઓ અતિ પ્રબળ જિજ્ઞાાસા જાગશે. આ જિજ્ઞાાસા ઉપર તો આપણાં શાસ્ત્રો રચાયેલાં છે. આ જિજ્ઞાાસાને આધારે માનવીએ અધ્યાત્મ ક્ષેત્રમાં દોડ લગાવી છે. આવી અધ્યાત્મજિજ્ઞાાસા એના ભીતરને 'પજવતી' રહે છે. એ ભ્રમ જિજ્ઞાાસા હોય કે આત્માની જિજ્ઞાાસા. તમારા ભીતરમાં જાગેલી આવી જિજ્ઞાાસાને લઇને તમે ક્યારેય અધ્યાત્મ માર્ગે દોડયા છો ખરા ? કે પછી આંતરજગતને ઓળખવાને બદલે તમે કોઇ માર્ગદર્શકની પાસે માર્ગ પૂછવા દોડી ગયા છો ? સત્યસન્મુખતા જાગી એટલે માર્ગ તો તમને મળી ગયો છે, તેમ છતાં તમે માર્ગદર્શક કે ગુરુ પાસે દોડી જાવ છો. ખરું ને ?
ક્યારેક એવું પણ જોવા મળે છે કે આંતરજગતના અવાજને પામીને આગળ વધવાને બદલે માર્ગદર્શક સામે નજર ઠેરવીને એની પાસે માર્ગ માગતા હોઇએ છીએ. એક વાર ભીતરમાં સત્યપ્રાપ્તિની ઝંખના જાગી પછી 'એ જ તમને સત્યનિષ્ઠ વ્યક્તિઓ પાસે લઇ જશે. એ જ તમારા જીવનનું પરમ સત્ય પામવાની જિજ્ઞાાસા સતત જગાડતું રહેશે.
પૂ. શ્રી વિમલા ઠકારે આ જગત, જીવન અને આત્મતત્ત્વને બરાબર જાણી લીધું હતું. ઈશ્વરને જીવનનું સનાતન સ્પંદન સમાન માનતા હતા. યુવાવસ્થાથી સાધુસંતોના સત્સંગની સાથોસાથ તેઓ સંત વિનોબાજીનું પણ સાન્નિધ્ય પામ્યા. વિદેશના પ્રવાસે જીવનને વૈજ્ઞાાનિક અભિગમથી નિહાળવાની દ્રષ્ટિ આપી, તો બીજી બાજુ માનસશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તર્કશાસ્ત્રના અભ્યાસે નવું વૈચારિક દર્શન આપ્યું. અને એ દર્શનમાંથી એક નવી સૃષ્ટિ સર્જાય છે અને એથી જ એમના વિચારો માનવજીવનને માટે એક નવું આકાશ સર્જી જાય છે અને તેઓ ભીતરમાં જાગતી એ જિજ્ઞાાસા પર ભાર મૂકીને દર્શાવે છે કે આ જગતમાં તો જિજ્ઞાાસુઓની જમાત છે. તમારા ભીતરમાં એ પરમ સત્ય માટેની જિજ્ઞાાસા જાગી એટલે તમે વિશ્વભરના જિજ્ઞાાસુઓની જમાત સાથે જોડાઇ જશો અને તમે ક્યારેય એકલા નહીં રહો.
પૂ. વિમલા ઠકાર ભારપૂર્વક કહે છે કે, 'જિજ્ઞાાસા એકલો રહી જ નથી શકતો. એનું કારણ છે, શરાબીને ગંધ આવે છે કે શહેરમાં ક્યાં ક્યાં શરાબીઓ છે. ડાકુઓને પરસ્પર સાથે પરિચય થઇ જાય છે. વાતાવરણમાં કેટલાક પ્રવાહો છે. તમારા ચિત્તમાં જે વિચાર અને વિકાર ઊઠયો, જે સ્મૃતિ જાગ્રત થઇ, તેનું એક સ્પંદન પેદા થાય છે જે પછી બહાર વિસ્તરે છે.
અંદર-બાહર એ તો તમારી જોવાની મર્યાદા છે. જીવનમાં અંદર-બાહર નથી. આ સ્પંદન પેદા થયું. આકાશમાં ફેલાયું, ઘટાકાશમાં વિસ્તર્યું અને ચિત્તાકાશમાં પણ પ્રસર્યું. અનંત પ્રવાહો છે જે ફેલાતા રહે છે, ત્યાં એ પ્રવાહોના આકર્ષણથી પછી ઉચિત પ્રાપ્તિઓ સાથે, ઉચિત પડકારો સાથે અને સુયોગ્ય પરિસ્થિતિઓ સાથે મળવાનું બની આવે છે. તમે ક્યાંક કદી એકલા રહેતા નથી.'
આમ પૂ. વિમલા ઠકાર ઊર્ધ્વદ્રષ્ટિ જાગ્રત થતાં જીવનના પરમ સત્યની થતી ખોજનો મહિમા કરે છે, પરંતુ એની સાથોસાથ કોઇ ગુરુની પ્રાપ્તિ થાય તો એને અપૂર્વ અવસર માને છે. ઈશ્વરનો એક અનુગ્રહ અવસર બનીને આવે, ત્યારે આવી આત્માનુભવ ધરાવતી વ્યક્તિનો સંયોગ થાય છે. જીવનમાં આત્માનુભવી વ્યક્તિઓના સંજોગોની ઘટના ઘણીવાર બનતી હોય છે, પરંતુ ક્યારેક એ વ્યક્તિ માનવીય દેહમાં હોવાથી એના પર નિઃશંસય રૂપે પ્રતીતિ થતી નથી. ગુરુના સાન્નિધ્યમાં વ્યક્તિ ભૂલો કરે જ નહીં એવું બનતું નથી, ભૂલો તો થયા જ કરે.
અને પછી જીવનપ્રેમી શ્રી વિમલા ઠકાર એક માર્મિક વાત કરે છે, તેઓ કહે છે કે 'ગુરુ મળવા કોઇ મુશ્કેલ વાત નથી, પરંતુ શિષ્ટ થવું અઘરું છે. એમના કહેવા પ્રમાણે જવલ્લે જ શિષ્યત્વ જોવા મળે છે. શા માટે તેઓ આમ કહેતા હશે ? આત્માનુભવી વ્યક્તિ મળે પછી એનું શિષ્યત્વ મેળવવા માટે કશું કરવું પડે ખરું ? હકીકતમાં તેઓનો શિષ્ય વિશેનો વિચાર નાવીન્યપૂર્ણ અને હૃદયસ્પર્શી છે. એ શિષ્ય કેવો હોય ? તો તેઓ કહે છે-
'જ્યાં ચેતનાને જાણવાપણાનું પ્રદૂષણ સ્પર્શતું જ નથી, જ્યાં શીખવું જ શીખવું છે, ત્યાં જાણનારો જ્ઞાાની બનવા પામતો જ નથી, જ્ઞાાન પણ બોધ બનીને સમસ્ત શરીરમાં ગંગાના પ્રવાહ જેવું પ્રવાહિત થાય છે. પણ જ્ઞાાની બનતો નથી. અનુભવોની ધારા વહે છે, પણ અનુભવી બનતો નથી. કર્મોની સરિતા વહે છે, પણ કર્તા બનતો નથી.'
ગુરુપદનો મહિમા શો ? ગુરુ સદાય પાસે જ હોય એવું ન બને. એ દૂર હોય તો પણ ગુરુપદે રહે છે કે દેશ, કાળ કે પરિસ્થિતિ એમને માટે અવરોધરૂપ બનતા નથી. ભૌતિક રીતે દૂર હોય, તો પણ ગુરુપદ નજીક રહી શકે છે. એટલે કે ગુરુનું સાન્નિધ્ય વ્યક્તિ અનુભવે છે, પરંતુ એ પછી તરત જ વ્યક્તિ પોતે 'મારી શ્રદ્ધા', 'મારો ભાવ' એ માળખામાં જઇને બારીબારણાં બંધ કરીને પડી રહે છે. ગુરુ વિશે એક મહત્ત્વની વાત તેઓ એ કહે છે કે 'જે ગુરુ પોતાની જાત સાથે શિષ્યને બાંધે તે વ્યક્તિ ગુરુપદમાં સ્થિત નથી. પોતે મુક્ત થાય અને બીજાને પોતાની સાથે બાંધે, તે શક્ય નથી.'
વાચકો, આ વિચારને કોઇ ક્રાંતિકારી વિચાર ગણીને બાજુએ મૂકશો નહીં. આ વિચારમાં ગુરુપદનો મહિમા નથી, એમ માનીને એનાથી દૂર જશો નહીં, પરંતુ આ વિચારમાં રહેલા ગહન સત્યને જોવાનું છે. આ એવા શિષ્યની વાત છે કે જે પોતે જીવનમાં કર્મો કરતો જાય છે પરંતુ કર્તાભાવ અનુભવતો નથી. એક બાજુ શિષ્ય કેવો હોય તેની વાત કરે છે, તો બીજી બાજુ ગુરુ કેવા હોય, તે દર્શાવે છે. આમ ગુરુએ પોતાની જાત સાથે શિષ્યને બાંધી દેવો જોઇએ નહીં.
આપણે જોઇએ છીએ કે સામાન્ય રીતે ગુરુ શિષ્યને બાંધી રાખવા માટે પ્રયત્ન કરે છે. સતત ગુરુનનું મહિમાગાન સંભળાય છે. એમની આસપાસ ઉત્સવો અને મહોત્સવો રચાય છે.
જુદા જુદા ગૂ્રપો રચાય છે અને આ રીતે ગુરુ સાથે 'કનેક્ટ' થવાની વાત કરવામાં આવે છે. અને પછી તો એક જ ગુરુના શિષ્યો સાથે મળતાં ગુરુમહિમાનું અતિશયોક્તિથી ગાન કરવામાં આવે છે. ધીરે ધીરે પરમસત્યની પ્રાપ્તિ માટેની શિષ્યની જિજ્ઞાાસા િ ગુુરુનો મહિમાગાનમાં વિલુપ્ત થઈ જાય છે.
ગુરુને આત્માનુભવી કહેવામાં આવ્યા છે અને એવા ગુરુએ પોતાનો આત્મા વિશેના, ચૈતન્ય વિશેના, સત્ય વિશેના અનુભવની જિજ્ઞાાસા શિષ્યમાં સંક્રાંત કરવાની હોય છે, પરંતુ પોતાની જાત સાથે શિષ્યને બાંધી રાખવાના પ્રયત્નો કરવા જતાં ગુરુ આત્માનુભવ આપી શકતો નથી.
આવી રીતે શિષ્યને પોતાની જાત સાથે બાંધનારા ગુરુને પૂ. વિમલા ઠકાર તેઓ ગુરુપદમાં સ્થિત હોય તેમ માનતા નથી. એમનો ગુરુપદ વિશેનો એક આગવો ખ્યાલ છે એ જ રીતે ગુરુના કર્તવ્ય વિશે પણ આગવી દ્રષ્ટિ ધરાવે છે. તેઓ કહે છે કે ગુરુ મુક્ત થાય અને બીજાને પોતાની સાથે બાંધે એ શક્ય નથી. જેમ ગુરુ પોતે મુક્તિની આરાધના કરે છે તે જ રીતે એમણે શિષ્યને પણ મુક્તિના માર્ગે અગળ લઇ જવો જોઇએ.
આ રીતે એક નવીન જીવનદ્રષ્ટિથી પૂ. વિમલા ઠકાર અધ્યાત્મને જુએ છે. અને કહે છે, જીવન પોતે પરમાત્મા છે. જીવન અત્યંત પવિત્ર વસ્તુ છે અને જીવન જીવવું તે પ્રભુની પૂજા છે. એમાં પ્રેમ જાગ્યો નથી અને તેથી જ જીવનની પવિત્રતાની આપણને જાણ નથી. એની પવિત્રતાનો સ્વીકાર કરતા નથી. એટલે જીવવાના કર્મમાં ધગશ અને જીવવાની ઉત્કટતા કે તાલાવેલી આવતી નથી. આપણને બધું પ્રિય છે પણ જીવવું પ્રિય નથી. જીવના પડકારો એ તો દિવ્યતાના પ્રેમનો સાદ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QGokLj
ConversionConversion EmoticonEmoticon