કપડવંજના દાણા ગામે અતિ જર્જરિત બ્રિજ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં


કપડવંજ : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાણા ગામે આવેલા બ્રિજનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવાની લોકમાગ પ્રબળ બની છે. બ્રિજની હાલત જર્જરિત બની હોવાથી ચોમાસા પહેલા રિપેરિંગ કરાવવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યા છે.

કપડવંજ તાલુકામાં આવેલા કપડવંજ-અનારા-દાણા રોડ ઉપર દાણા ગામે આવેલા બ્રિજની સપાટી પરથી ડામર ઉખડી ગયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે બ્રિજની નીચેની બાજુ પોપડા ખરી ગયા છે અને બ્રિજ નબળો બની રહ્યો છે. બ્રિજની ઉપર બન્ને બાજુઓ તૂટીને જર્જરિત બની છે, પાસેના ગરનાળા તૂટી ગયા છે અને અનેક ખાડા પડેલા છે. ઠેરઠેર પાણી ભરાઈ રહે છે. 

ચોમાસા પહેલા સમારકામ કરાવવામાં ન આવે તો પાણી ઊતરવાથી બ્રિજને ભારે નુકસાન થવા સાથે હોનારત ઘટવાની શક્યતા પણ વર્તાઈ રહી છે. આસપાસના ૩૦ જેટલા ગામોને જોડતો અને રાજ્ય ધોરીમાર્ગમાં હોવાથી બ્રિજ ઘણો જ મહત્વનો છે. તંત્રમાં અનેક રજૂઆતો છતાં આ બ્રિજના રિપેરિંગનું કામ હાથમાં લેવામાં ન આવતું હોવાની ફરિયાદો પણ લોકો કરી રહ્યા છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rDff2A
Previous
Next Post »