આખલો બન્યો સરસ્વતીચંદ્ર જી રે

- લંગડી ઘોડી લાલ લગામ : 4

- આખલા તથા હરીફને સાથોસાથ બહુ દોડવું પડે. એ દોડમાં જ હરીફની હાર નિશ્ચિત થઈ જાય!


દ ક્ષિણનો એક તહેવાર છે. નવજુવાનો, ખડતલ, સાહસિકો અને જોખમ ઊઠાવવાનો એ તહેવાર છે.

એને આખલાનો તહેવાર કહે છે. આખલો એટલે ખૂંટ, ગોધો, ડોલતી ઊંચી ખૂંધનો ખટ્ટલ.

એ આખલાને છેલ્લા દિવસો વાડામાં પૂરી રાખે. ખૂબ ખવડાવે, પીવડાવે! શું પીવડાવે એ તેઓ જાણે!

તહેવારને દિવસે ગીરદી ભેગી થાય. હકડેઠઠ ગીરદી. જે ખેલંદા હોય તે મલ્લ કુસ્તી માટે તૈયાર જ હોય!

સમય થાય એટલે છોડી મૂકે આખલાને બે-ચાર અકળાવનારા ફટકાય મારી મૂકે. આંધળુકિયો થઈને આખલો દોડવા લાગે. બેફામ બનીને દોડ શરૂ કરે. જે વચમાં આવે તેેેને ઊછાળી મૂકે, ફેંકી દે, ઘાયલ કરે, મારી ય મૂકે..ત્યારે...

ત્યારે જે હરીફ હોય તે તેની સાથે, તેની પાછળ દોડે. તેની ઊંચી મજબૂત ખૂંધ પકડીને તેની પર બેસી જવાનો પ્રયાસ કરે.

આખલા તથા હરીફને સાથોસાથ બહુ દોડવું પડે. એ દોડમાં જ હરીફની હાર નિશ્ચિત થઈ જાય! કદાચ જીતે, વીફરેલ આખલા પર તે સવારી કરે તો ય આખલો કાબુમાં ન જ આવે ઉછાળીને વિજેતાને ફેંકી દે. આખલો એમ જ કહે : 'વિજેતા તો હું જ.'

આ વખતે આખલો ટોળે વળેલાં લોકોને મારતો, પછાડતો, ઊછળતો, સાંકડી જગામાંથી બહાર નીકળી ગયો. દરવાજામાંથી જેવો બહાર પડયો માર્યો કૂદકો.

પડયો. પડયો એ શિંગડિયો સિંહ.

પણ ઊંધો પડયો. ટાંગાં ભાંગી ગયા. ઘૂંટણ ટીચાઈ ગયા. છોલાઈ ગયા. આહ, ઊંહ, અરરર, ઘરરર, ફરરર!

આ તે કેવો તહેવાર. વહેવારૂ હરીફો હસી હસીને વીખરાયા.

આખલાની મદદે કોણ આવે? લંગડી ઘોડી. આખલો ધીરજ, હિંમત, આશ્વાસન આપતાં કહે : ''હિંમત કરો ખૂંટભાઈ! બેફામભાઈ બેઠા થાવ!! ગોધાભાઈ ચાલો, ચાલવા લાગો!!''

બિચારો આખલો ચાલે કેવી રીતે. લંગડી ઘોડીએ જ તેને ટેકો કર્યો. ચલાવ્યો. ઘોડીની જેમ જ આખલો લંગડો ચાલવા લાગ્યો.

મહામહેનતે બે લંગડા પશુઓ એક લીલા છમ્મ ઘાસિયા મેદાનમાં ગયા.

આખલો કહે : ''હવે?''

લંગડી ઘોડી કહે : ''હવે ઘૂંટણ ઘાસમાં મૂકીને નિરાંતે સૂઈ જાવ.''

''એથી શું થશે?'' દર્દીલા અવાજે આખલાએ પૂછ્યું.

લંગડી કહે : 'હું કહું તેમ કરો. ફાયદો થશે.'

ગોઠણ ઘાસમાં દબાવી આખલો સૂતો. વેદનામાં હતો. ઊંઘી ગયો. ઊંધ્યા જ કર્યું. કેટલું ઊંઘ્યો હશે, તેનું ય ભાન રહ્યું નહિ.

ઊઠયો ત્યારે જરા રાહત હતી. કળતર ઓછું હતું. વેદના દબાઈ ગઈ હતી.

તેણે પૂછ્યું : ''લંગડીબેન, આવું કેવી રીતે બન્યું?''

લંગડી ઘોડી કહે : ''આખલાભાઈ, તમે સરસ્વતીચંદ્ર બની ગયા હવે''

''તે કેવી રીતે?''

''સરસ્વતીચંદ્ર (ગુજરાતીની) મહા નવલકથા છે. તેમાં લૂંટારૂઓ આતંકવાદીઓ ગુંડાઓ તેને મારીને પછાડીને ઘાસમાં નાખીને જતા રહે છે. તેની પાસે જે હતું તે લૂંટી જાય છે. સરસ્વતીચંદ્ર ઘાસમાં બેભાન થઈને પડી રહે છે. ગોઠણમાં અને ઠેર ઠેર વાગ્યું હોય છે. પણ જાગ્યા ત્યારે રાહત!''

આખલો કહે : ''કેવી રીતે?''

લંગડી ઘોડી કહે : ''તમારી રીતે. ઘાસમાં જે ઘા-બાજરિયું હતું તેણે ઘાનો ઉપાય કરી દીધો.''

આખલો કહે : ''પણ હજી ઘૂંટણ દુ:ખે છે.''

ઘોડી કહે : ''એ પગની કસરતથી સારા થઈ જશે. આપણાં પશુઓનો આ જ નિસર્ગોપચાર. થોડા દિવસ થશે. નિયમ રાખશો. ચાલવાથી જ ચાલ સુધરશે. ચાલવા જેવો કોઈ ઉપાય નથી. આપણા પશુઓનો એ જ ઉપચાર. ચાલો, ચાલો, ચાલો! ચાલતા રહો.''

જતે દિવસે આખલાભાઈ સારા થયા.

ફરરર કરીને નાક ખરખર્યું.

લંગડી ઘોડી કહે : ''હવે શું છે?''

આખલો કહે : ''એ બધાંને ઝીંકી નાખું. ખતમ કરી નાખું. ટાંટિયાં તોડી નાખું બધાંના.''

લંગડી ઘોડીએ તેને શાંત પાડીને કહ્યું : ''રહેવા દો આખલાભાઈ. વેર વેરથી શમતું નથી. વેર માફીથી જ તેને પોતાને ઘેર ચાલી જાય છે. શાંત થાવ. શાંત રહો. શાંત જીવો.''

આખલો કહે : ''અરે લંગડી બેન! તમે તો બહુ જ્ઞાાની છો. આટલું જ્ઞાાન આવ્યું ક્યાંથી?''

લંગડી કહે : ''માણસો સાથે રહેવાથી. માણસો બધ્ધાં જ કંઈ યુધ્ધખોરો નથી હોતા! કેટલાક ગાંધી બાપુ જેવા ય હોય છે. માણસો સાથે રહીને આપણે એટલું શીખીએ એટલે બસ!''

આખલો કહે : ''એ તો ઠીક. પણ આજે તમે તમારી લાલ લગામનો ઉપયોગ તો કર્યો જ નહિ?''

લંગડી કહે : ''એનો ઉપયોગ તમારે માટે છે. તમને બાંધી રાખીશ કે પાછા તમે દોડવા ઊછળવા લાગો નહિ. પૂરેપુરો આરામ થાય ત્યાં સુધી તમે ગામમાં જ રહેશો, લગામમાં જ રહેશો, આરામમાં જ રહેશો, વિરામમાં જ રહેશો. અને જ્યારે પુરેપુરા પૂરમપુરા સાજા થાવ ત્યારે જ હરવા ફરવા નીકળશો. આ લંગડી વૈદની તમને એ જ સલાહ છે.''

માણસ સાથે રહીને લંગડી ઘોડી ઘણું શીખી હતી. લંગડી સાથે રહીને આખલાભાઈ સરસ્વતીચંદ્ર બન્યા. ગાવા લાગ્યા :

લંગડી ઘોડીના ગુણ ના હોય લંગડા જી રે

એ છે સારા પાડોશીના ગુણ

સારામાં સારા વૈદ છે જી રે

ઓ લંગડાઓ એમ જ કરજો ઉપાય

કહે છે ત્રિપગી અશ્વિનિ જી રે!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uWafch
Previous
Next Post »