ફરવા નીકળ્યા સતી અને શિવ!

- જિંદગીમાં કોઈક વાર તો પતિ-પત્નિએ ફરવા નીકળવું જ જોઈએ ને!

- ચાલો ઘરે પાછા સતી પાર્વતીજીએ કહ્યું અને તરત જ શિવજી બોલી ઊઠયા : ''ચાલો ત્યારે.''


''ઓ તાપસ!'' સતી પાર્વતીએ નારાજ થઈને શિવને કહ્યું : ''આમ એક પગ અધ્ધર કરીને તપસ્યા જ કર્યા કરવી હતી તો મારી શી જરૂર હતી? કોણ તમને ચોખા મૂકવા આવ્યું હતું? તમારે આંખ મીંચીને તપ કર્યા કરવું હતું તો મને ના જ કહી દેવી હતી ને?''

શિવ જ્યારે તપ કરતા હોય ત્યારે કોઈનું કંઈ સાંભળતાં જ નહિ. તેઓ પોતાની જ અલખ નિરંજન દુનિયામાં ખોવાઈ જતાં.

પણ આ બોલનાર ઢંઢોળનાર 'કોઈ' ન હતું. સાક્ષાત્ પાર્વતી હતા. તેઓ કહે: ''મારે એકલીએ આમ પડી રહેવાનું? અહીં આ હિમપ્રદેશમાં વળી કરવા જેવું ય શું છે? ન કોઈ સાથે બોલવાનું, ન કોઈ સાથે ચાલવાનું! હરવા ફરવાનું ય  કોની સાથે? ઓ તપેશ્રી! સાંભળો છો? મને કોઈ દિવસ ફરવા લઈ જાવ છો?''

''ચાલો'' એકદમ જ શિવશંકરે કહ્યું : 'કોઈ નારાજ થાય તે નીલકંઠને ગમતું નહિ. તેમાં પાર્વતીજીનું નાખુશ કરવાનું તો ફાવે જ નહિ. તેમણે ઝટ ને પટ કહી દીધું : ''ચાલો.''

અને પોતે આગળ આગળ ચાલવા લાગ્યા. જેવા સ્વરૂપમાં હતા, તેવા જ.

પાર્વતીજી ખુશ થઈ ગયા. આટલી જલદી રીઝી ગયા આ ભોળાશંભુ!

તે કહે : ''ઊભા રહો ઘડીક. હું તૈયાર થઈ જાઉં. ખરેખર તૈયાર થયા સતી. આજે વળી માંડ સજોડે ફરવા મળ્યું છે ત્યાં વિલંબ ક્યાં કરે?''

સાચેસાચ ફરવા લાગ્યા બન્ને.

મળી ગયા કુબેર ભંડારી. જોડીને જોઈને જરા હસવા લાગ્યા. કહે : ''ઓહોહોહો! આજે તો કંઈ સૂરજ પશ્ચિમમાં ઊગ્યો છે કે શું? પણ.. પણ...''

બેમાંથી કોઈ 'પણ'નું તર્પણ કરે, તે પહેલાં જ કુબેરશ્રીએ કહ્યું : ''આ વળી કેવું? એક ગૃહિણિ અને એક તાપસ! એક સંસારી, એક સંન્યાસી!! એક રમણી અને એક ભ્રમણી!! એક વરણાગી અને એક ત્યાગી!!!''

શિવજી જેવા હતા તેવા જ હતા અને સતી પાર્વતીજી તો આજે ખરેખર ઠાઠમાં આવી જઈને ગૃહરાણી જ નહિ, સ્વર્ગીય રૂપરાણી બન્યા હતા!

સતીને જરાક ઝાટકો લાગ્યો.

શિવશંકરે કાંઈ જ જવાબ ન આપ્યો. આગળ ઉપર વળી લક્ષ્મીજી મળી ગયા. તેઓ મુક્ત રીતે હસવા લાગ્યા. પાર્વતીજીને તેમણે કહ્યું : ''ઓ સતી સાવિત્રિ! આ તારા પ્રિય પતિને જરા ઢંગનો પોશાક તો પહેરાવવો હતો? પોતે તો સજીધજીને સોળે શ્રૂંગારે ખીલ્યા છો અને ભભૂતીનાથ તો સાવ બાબા જેવા લાગે છે. જાણે કોઈ બાવો રૂપવતીનું અપહરણ ન કરી જતો હોય? પ્રેમી-પતિ તો પોશાકથી શોભે, જ્યારે પત્ની સાથે ફરવા નીકળે...''

પરી પાર્વતીજીને બીજો ઝાટકો વાગ્યો.

બન્ને પૂરબહારમાં ફરતા હતા ત્યાં ઇન્દ્ર મળ્યા. હસી ઊઠયા. કહે : ''ઇન્દ્રાણી સાથે મારે બહાર જવાનું હોય ત્યારે મારું આવી જ બને. ઇન્દ્રાણી મને એવો સજેલો ઢિંગલો બનાવે કે જાણે આજે જ અમારા લગ્ન હોય! આવું તાપસ્યું રૂપ તો સાથીદારનું ન જ ચાલવા દે. આપનું જોડું શોભતું છે પણ અપસરા કોઈક ઋષિનું તપ ભંગ કરવા જતી હોય એવું લાગે છે.''

કુબેરે, લક્ષ્મીજીએ, ઇન્દ્રજીએ તો અશોભતા અળગા લાગતા આ યુગલની વિસ્તારથી ટીકા કરી જ.

પછી તો સ્વર્ગના કંઈ દેવી દેવતાઓ આ અપ્રમાણસરના વિરોધી દંપતીને નિહાળી કંઈક ટીકા ટીપ્પણી કરવા લાગ્યા.

તેમાં પાછા નારદ મળ્યા : ''આ..આ.. તમે છો સતીજી? અને આ..આ... તમારા પતિશ્રી શિવશંકર? બહુરૂપી બાવાજીને જરા ઠઠારવા મઠારવા તો હતા! ભલેને તેમને રૂદ્રાક્ષો, સર્પો, વ્યાઘ્રચર્મો, ભભૂતો પ્રિય હોય! પણ જ્યારે સાંસારિક રીતે સજો કે ફરવા ટહેલવા, ઘૂમવા, ઘામવા, દુનિયા જોવા, દુનિયાને બતાવવા નીકળ્યા હોઈએ ત્યારે બ્રહ્માજી જેવું પિતાંબર, વિષ્ણુ જેવાં સોનેરી ઝભ્ભો, નાગપાશને બદલે સુગંધિત ફૂલોની માળા અને પગ સાવ ઊઘાડા? અશ્વિનિકુમાર પાસે એક દિવસ માટે સુવર્ણ પાદૂકા તો માગી લેવી હતી? નારાયણ... નારાયણ..!''

પાર્વતીજી ધીમે ધીમે ધૂંધવાતા ગયા. પછી એકદમ જ ફાટી પડીને બોલી ઊઠયા : ''ચાલો ઘરે પાછા...''

''ચાલો'' શિવશંકરે કહી દીધું.

આદર્શ આદરણીય યુગલ પાછું ફર્યું. ત્યારે પાર્વતીજીનો ધૂંધવાટ ચાલુ જ હતો : ''આ માણસને ઢંગથી જીવતા ય આવડતું નથી. બારે ય કલાક અને ચોવીસ ઘડી એમને તો બાવા જ બની રહેવાનું ફાવે છે. પાછું હાથમાં ત્રિશૂળ અને કમંડળ શાને સાથે લીધા હશે? કામદેવના દર્શને જવાનું હતું કે કામદેવને હણવા? હોળી જેવા શુભ દિને એમને તો કામદહન જ સૂઝે, રતિનો સતિનો પછડાટ તો નજરે ય ન પડે? શિવ શિવ શિવશિવ. હું જ ઉતાવળી બની કહો ને..!''

હજી સ્વગૃહે પહોંચ્યા નથી ત્યાં તો ભોળાનાથ તપશ્ચર્યામાં ખોવાઈ ગયા!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kPMEFt
Previous
Next Post »