નારી શક્તિ ઝિંદાબાદ .

- ટપોરીઓને ખબર ન હતી કે તેમણે વાઘના મોંમાં હાથ નાંખ્યો છે. રૂપલે પાછા વળીને હિંમતપૂર્વક ટપોરીનો હાથ પકડીને કરાટેના બે ચાર દાવ એવા બતાડયા કે તે ભોંય પર પડી ગયો

- બજાર જેવા ભરચક વિસ્તારમાં કેટલાંક લુખ્ખા ટપોરીઓ ટાંપીને જ ફરતા હોય છે અને નવી તથા અજાણી વ્યક્તિને ચાલાકીપૂર્વક લૂંટવાની તક શોધતાં જ હોય છે


પ્ર તાપનગરની 'વનિતા ગર્લ્સ હાઈસ્કુલ'નું નામ આજુબાજુના પંથકમાં ખૂબ જાણીતું હતું. પ્રતાપનગરમાં અનેક શાળાઓ આવેલી હતી, પરંતુ 'વનિતા ગર્લ્સ હાઈસ્કુલ' તેના આદર્શ નીતિનિયમો અને ઉમદા શિક્ષણ માટે આગવુંસ્થાન ધરાવતી હતી. અહીં બાળાઓને શિક્ષણની સાથે સાથે વિવિધ ઈત્તર પ્રવૃત્તિઓ શીખવવામાં આવતી હતી. અહીં બાળાઓને વોલીબોલ, હોકી, ટેનિસ જેવી રમતો, સ્વીમીંગ, ચિત્રકામ, વ્યાયામ, સંગીત અને સિલાઈકામ પણ શીખવવામાં આવતાં હતાં. માત્ર પ્રતાપનગરના પરિવાર જ નહીં, પરંતુ આજુબાજુના નાના-મોટા ગામના પરિવાર ઈચ્છતા હતાંકે તેમની દિકરીઓ 'વનિતા ગર્લ્સ હાઈસ્કુલ'માં જ ભણે. અહીં અભ્યાસની સાથે સાથે અનુશાસન પર ખૂબ ધ્યાન આપવામાં આવતું હતું. અહીં બહારગામથી ભણવા આવતી બાળાઓ માટે આદર્શ હોસ્ટેલની વ્યવસ્થા પણ હતી. રાજ્યમાં થતી અનેક સ્પર્ધાઓમાં 'વનિતા ગર્લ્સ હાઈસ્કુલ'ની બાળાઓ મેડેલ જીતીને શાળાનું નામ રોશન કરતી હતી.

રૂપલ આ શાળાની તેજસ્વી વિદ્યાર્થીની ગણાતી હતી. ભણવામાં તે અવ્વલ નંબરની વિદ્યાર્થીની હતી. તે રમતગમતમાં પણ આગવું સ્થાન ધરાવતી હતી. શાળામાં વેકેશન દરમ્યાન પણ તે વિવિધ પ્રવૃત્તિઓ કરતી રહેતી અને પોતાની સખી મિત્રોને શીખવાડતી પણ ખરી.

શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થયું. સ્વભાવિક રીતે ગરમીવાળું આ વેકેશન લાંબુ હોવાથી અકળાવનારું લાગે છે. એકવાર રૂપલે પોતાની માતા કલ્પનાબેનને કહ્યું, ''મમ્મી, આપણાં શહેરમાં માત્ર બાળાઓ માટે એક નવું જીમ શરૂ થયું છે. તેમાં બાળાઓને કરાટે અને બોકિંસગ શીખવવામાં આવે છે. મારે તે જીમમાં કરાટે અને બોકિંસગ શીખવા જવું છે... જો તું હા પાડે તો કાલે ફી...''

રૂપલ વાત પૂરી કરે તે પહેલાં માળા ફેરવતાં દાદીમાના કાને આ વાત પડી અને તેઓ તાડૂક્યા, ''કલ્પના, આ રૂપલ શું કહે છે ?... હેં... તેને કરાટે અને બોકિંસગ શીખવા છે?... ના પાડી દેજે. છોકરીઓને બહુ છૂટ આપવી સારી નહીં... નાતજાતમાં લોકો શું કહેશે ?''

''અરે દાદીમા, આજકાલ છોકરીઓ શું નથી કરતી ? પેલી સુનિતા વિલિયમ્સની જ વાત કરોને, ઉપગ્રહમાં બેસીને આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી આવી... અને બચેન્દ્રી પાલ ઠેઠ હિમાલય પર ચઢી આવી... અને પી.ટી. ઉષા ઓલમ્પિકમાં આપણાં દેશનું નામ રોશન કર્યું અને તમે...'' રૂપલે દાદીને સમજાવવા પ્રયત્ન કર્યો.

જુના જમાનાના દાદીમા આ સાંભળીને બોલ્યા, ''તમે શાળામાં જે શીખો છો તે ઓછું છે ?... હું તો કહું છું કે આ બધું પડતું મેલીને રસોડા અને ઘરનું કામ શીખો... આખરે છોકરીઓને તો ચૂલો જ કરવાનો છે ને...''

કલ્પનાબેને પોતાના સાસુને શાંત પાડી તેમને સમજાવતાં કહ્યું, ''બા, સમય બદલાઈ ગયો છે. હવે તો બધી છોકરીઓ અભ્યાસની સાથે સાથે કેટલીય ઈત્તર પ્રવૃત્તિઓ કરે છે. બાળકોને જેમાં રૂચિ હોય તે કામ તેમને શીખવા દેવા જોઈએ.''

''જેવી તમારી મરજી'' આટલું બોલી દાદી માળા ફેરવવા લાગી ગયા.

રૂપલે જીમમાં કરાટે અને બોકિંસગ શીખવા માટે ફી ભરી દીધી, અને તેના કલાસ પણ શરૂ થઈ ગયા. રોજ સવારે રૂપલ નિયમિત જીમમાં જવા લાગી. કરાટેમાં સર્વોચ્ચ બેલ્ટ મેળવવાની ઈચ્છા હોવાથી તે તનતોડ મહેનત અને પ્રેક્ટીસ કરવા લાગી. સમય વિતતો ચાલ્યો અને રૂપલ કરાટે અને બોકિંસગમાં ઉન્નતિના એકએક પગથિયા ચઢીને પારંગત થતી ગઈ.

એકવાર રૂપલ તેના ભાવનામાસીને ત્યાં લગ્નમાં પરિવાર સાથે ગઈ. કુટુંબીજનો ભેગા મળ્યા ત્યારે બધાના આનંદનો પાર ના રહ્યો. ચારેબાજુ ખુશીનો માહોલ છવાયો. ભાવનાબેને લગ્નની ઘણીખરી તૈયારીઓ પૂરી કરી નાંખી હતી. એકવાર કલ્પનાબેને પોતાની નાની બહેન ભાવનાની સમક્ષ ત્યાંની પ્રખ્યાત તિલક માર્કેટમાં આંટો મારવાની ઈચ્છા વ્યક્ત કરી, એટલે અનુકૂળતા મળતાં કલ્પનાબેન, ભાવનાબેન, શેતલબેન અને રૂપલ તૈયાર થઈને માર્કેટ જવા નીકળી પડયા.

અહીંની આ તિલક માર્કેટ ખૂબ જાણીતી હતી. ઘરવપરાશની બધી જ વસ્તુઓ, કપડાં, પ્લાસ્ટિકની વસ્તુઓ, શૃંગારની વસ્તુઓ અને વિવિધ નાસ્તાઓની અનેક દુકાનો આ માર્કેટમાં આવેલી હતી. સાડીઓના એક વિશાળ શોરૂમમાં તેઓ બધા દાખલ થયા. ભાવનાબેન અને કલ્પનાબેન સાડીઓ જોવામાં ગૂંથાયા, ત્યારે રૂપલ બોલી, ''મમ્મી, તમે બધા સાડીઓનું કામ પતાવો, ત્યાં સુધી હું અને શેતલ આન્ટી આગળ આર્ટીફિશિયલ જ્વેલરીની દુકાન છે ત્યાં જઈને આવીએ છીએ.''

''સંભાળીને જજો, અને જલ્દી પાછા વળજો'' ભાવનામાસી બોલ્યા ''ફક્ત એક મિનિટમાં આવીએ છીએ. નહીં વાર લગાડીએ.''

રૂપલ બોલી, પછી શેતલ અને રૂપલ ઝડપથી ચાલીને જવેલરીની દુકાનમાં પહોંચી ગયા, અને મનપસંદ જવેલરી ખરીદી. એટલામાં રૂપલના મોબાઈલની ઘંટી વાગી. તેણે તરત જ ફોન ઉપાડયો. સામેથી કલ્પનાબેનનો અવાજ સંભળાયો, ''ચાલો, જલ્દી આવી જાવ. અમારું કામ પતી ગયું છે.''

''મમ્મી, બસ એક જ મિનિટ...'' રૂપલે ફોન મૂક્યો અને બન્ને જણા દુકાનમાંથી બહાર નીકળ્યા, અને ચાલવા લાગ્યા. સ્વભાવિક રીતે બજાર જેવા ભરચક વિસ્તારમાં કેટલાંક લુખ્ખા ટપોરીઓ ટાંપીને જ ફરતા હોય છે અને નવી તથા અજાણી વ્યક્તિને ચાલાકીપૂર્વક લૂંટવાની તક શોધતાં જ હોય છે. આવા બે લુખ્ખા ટપોરી શેતલ અને રૂપલને અનુસરવા લાગ્યા. ચાલતાં ચાલતાં એક ટપોરીએ રૂપલને ધક્કો માર્યો અને તેના હાથમાંથી પર્સ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો, બીજા ટપોરીએ શેતલને ડરાવવા ચેનચાળા શરૂ કર્યા. ટપોરીઓને ખબર ન હતી કે તેમણે વાઘના મોંમાં હાથ નાંખ્યો છે. રૂપલે પાછા વળીને હિંમતપૂર્વક ટપોરીનો હાથ પકડીને કરાટેના બે ચાર દાવ એવા બતાડયા કે તે ભોંય પર પડી ગયો. શેતલમાં પણ હિંમત આવી ગઈ. તેણે ટપોરીને કોલરમાંથી ઝાલીને, પગની લાતો મારીને ઝૂડવા માંડયો. બન્ને જણાએ ટપોરીઓને સારો એવો મેથીપાક ચખાડયો, ત્યારે ટપોરીઓએ ભાગવા પ્રયત્ન કર્યો, પરંતુ કરાટે પ્લેઅર આપણી રૂપલ જવા દે ખરી?!... તેણે તો ઠૂંસા મારવાના ચાલુ રાખ્યા. લોકો ત્યાં ભેગા થઈ ગયા, તેમને આખી વાતનો અણસાર આવી ગયો. પોલિસને બોલાવવામાં આવી. રૂપલે પોલિસ આવે ત્યાં સુધી ટપોરીઓને બરાબર જકડી રાખ્યા, અને પોલિસ આવી ત્યારે બન્ને ટપોરીઓને તેમને સોંપી દીધા. ભેગા થયેલા લોકો બન્નેની બહાદુરી અને શક્તિ જોઈને દંગ રહી ગયા. કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલિસ બન્ને ટપોરીને લઈને રવાના થઈ ગઈ.

લોકોનું ટોળું અને શોરબકોર સાંભળી કલ્પનાબેન અને ભાવનાબેન ત્યાં આવી પહોંચ્યા તેમણે સઘળી હકીકત જાણી ત્યારે ભાવનામાસી બોલ્યા, ''શાબાશ, તમને બન્નેને'' પછી બધા ઘરે આવ્યા. ઘરમાં બધાને આ વાતની જાણ થઈ ત્યારે છોટુદાદા બોલ્યા, ''શાબાશ, આજના જમાનામાં નારીએ પોતાના સ્વબચાવ માટે આત્મનિર્ભર થવાની જરૂર છે. મારી આ બન્ને દિકરીઓને તો હું ઝાંસીની રાણી જ કહેવાનો.'' બધા ખૂબ ખુશ થઈ ગયા. લગ્નમાં સાથે આવેલા રૂપલના દાદી બોલ્યા, ''વાહ, મારી દિકરી, તેં તો અમારા મસ્તક ઊંચા થાય તેવું કામ કર્યું છે.''

- ભારતી પી. શાહ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O9V0vL
Previous
Next Post »