
નડિયાદ : નડિયાદના પીજ રોડ ઉપર આવેલા બગીચાની હાલત ખંડેર જેવી બની ગઈ હોવાની ફરિયાદો ઊઠી છે. બગીચાનું રિપેરિંગ કરાવવાની માગણી લોકો કરી રહ્યા છે. કોરોનાને લીધે હાલ બગીચો બંધ હોવાથી આ સમયમાં રિપેરિંગ કામ પૂરી કરી દેવાની લોકોમાંગ પ્રબળ બની છે.
નડિયાદ નગરપાલિકા સંચાલિત પીજરોડ ઉપર કેનાલ પાસે આવેલા પંડિત દિનદયાલ બગીચાની હાલત બિસ્માર બની છે. છેલ્લા ઘણા સમયથી આ બગીચામાં વૃક્ષ સૂકાઈ ગયાં છે. બગીચામાં બનાવેલો વોક-વે ઠેરઠેરથી તૂટી ગયો છે. આ સ્થિતિને લીધે અત્યાર સુધી બગીચામાં મોર્નિંગ વોક માટે આવતા નાગરિકોએ ભારે હાલાકી વેઠવી પડે છે. પીજ રોડ ઉપર કેનાલ પાસે તૈયાર કરવામાં પંડિત દિનદયાલ વોક-વે અને બગીચાના નામે થોડાં વરસ પહેલાં જ આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આસપાસ રહેતા નાગરિકોના હરવા-ફરવા અને મોર્નિંગ વોક માટે આ બગીચો ખૂબ જ ઉપયોગી બન્યો છે. બગીચામાં જ યોગ અને કસરતના વર્ગો પણ ચાલે છે. જોકે બગીચાની પૂરતી માવજત ન કરાતી હોવાથી લોકોમાં અસંતોષ ફેલાયો છે.આ બગીચાનું વહેલીતકે રિપેરિંગ કરાવવાની લોકમાગણી પ્રબળ છે. આ જ વિસ્તારમાં રહેતા એડવોકેટ મહેશ મહેતાએ તાજેતરમાં નગરપાલિકામાં અરજી કરીને બગીચાની મરામત અને માવજત માટે રજૂઆત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી નડિયાદ નગરપાલિકા તંત્ર દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી છે. બગીચામાં વૃક્ષોને પાણી પણ સીંચવામાં ન આવતાં ઘણાં વૃક્ષો સૂકાઈ ગયાં છે. નાગરિકોને ચાલવા માટેના વોક-વે પરથી પથ્થરો ઉખડી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોરોનાને લીધે ફરી બગીચો હાલ બંધ રાખવામાં આવ્યો છે. આ સમયનો સદઉપયોગ કરીને બગીચાનું રિપેરિંગ કરી લેવું જોઈએ અને તેની પૂરતી માવજત હાથ ધરવી જોઈએ તેવી લોકમાગ ઊઠી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NPuOGF
ConversionConversion EmoticonEmoticon