કરમસદના યુવકને ઓનલાઇન ટ્રેડિંગમાં નફાની લાલચ આપી 16.40 લાખની ઠગાઇ


આણંદ : આણંદ પાસેના કરમસદ ગામના 1 યુવકને 3 ભેજાબાજોએ ઓનલાઈન ટ્રેડીંગમાં રોકાણ અંગે લોભામણી લાલચ આપી જુદા-જુદા પ્લાન બતાવી કુલ્લે રૂા.૧૬.૪૦ લાખની છેતરપીંડી કરી હોવાના બનાવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે ભેજાબાજ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કરમસદ ખાતે રહેતા રમેશભાઈ ગોકળભાઈ શાપરા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત જાન્યુઆરી, ૨૦૨૧માં તેઓના મોબાઈલ ફોન ઉપર મ્યુસુ ટ્રેડીંગ નામની કંપનીના ગીરીશભાઈએ રમેશભાઈને ફોન કરી અમારી કંપની શેર માર્કેટને લગતી રિસર્ચ કરી ગ્રાહકોને ફાયદો કરાવી ઉંચુ વળતર અપાવવાની લાલચો આપી હતી. તેઓની લોભામણી વાતોમાં આવી જઈ રમેશભાઈએ પ્રોફાઈલ ફી પેટે રૂા.૧.૨૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ગીરીશભાઈની ટીપ મુજબ તેઓએ જરોધા સ્ટ્રોક બ્રોકરને ત્યાં ઓનલાઈન ટ્રેડીંગ કર્યું હતું. જો કે તેઓને કોઈ ફાયદો થયો ન હતો. જેથી આ અંગે રમેશભાઈએ ગીરીશભાઈને ફોન દ્વારા જાણ પણ કરી હતી. દરમ્યાન ગીરીશભાઈએ જે.એસ.ટ્રેડર્સના ગોવિંદભાઈનો સંપર્ક કરાવ્યો હતો અને ગોવિંદભાઈએ તમારું જે નુકસાન થયેલ છે તે ભરપાઈ કરવું હોય તો હાલના સંજોગો જોતા ઈન્ટરનેશનલ ટ્રેડીંગમાં ફાયદો થાય તેમ છે તેમ કહી આસીસ્ટન્ટ અશોકભાઈ ત્યાગીએ ફોન ઉપર વાત કરી પોતે એસજીએક્સ ઈન્ટરનેશનલ ટ્રેડીંગનું કામ કરે છે તેમ જણાવી ૧૨ દિવસમાં રૂા.૭.૨૦ લાખનું રોકાણ કરાવ્યું હતું. આ ભેજાબાજોએ ઉંચુ વળતર મળશેની લોભામણી વાતો કરી રમેશભાઈ પાસેથી અલગ-અલગ પ્લાન મુજબ કુલ્લે રૂા.૧૬.૪૦ લાખ પડાવ્યા હતા. બાદમાં રમેશભાઈનું એકાઉન્ટ પણ ખોલ્યું ન હતુ અને વધુ નાણાંની માંગણી કરતા રમેશભાઈને શંકા જતા તેઓએ નાણાં પરત આપવાની માંગણી કરી હતી. જો કે ત્રણેય ભેજાબાજોએ નાણાં પરત નહી આપી છેતરપીંડી કરી હોવાનું જાણવા મળતા રમેશભાઈ શાપરાએ આ અંગે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ ભેજાબાજો વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3exFgh3
Previous
Next Post »