લાલ, કાળો અને સફેદ એ મૂળ રંગ કહેવાય!

- હોળીમાં આપણે અનેક રંગપ્રયોગ કરીએ છીએ. પણ આપણાં વસ્ત્રો સફેદ હોય તો એ બધા રંગ એની ઉપર ખીલી ઊઠે


'લાલ પીળો ને વાદળી

એ મૂળ રંગ કહેવાય,

બાકીના બીજા બધાં

મેળવણીથી થાય.'

-પ્રાચીનોક્તિ 

વ ર્ચ્યુઅલ હોળીજ રમી શકાશે, એવો સરકારનો આદેશ છે. આપણે એનું પાલન કરવું જોઈએ. પણ રંગની વાતો કરવા પર કોઈ પ્રતિબંધ નથી. એક વર્ષનાં જાતઅનુભવ પછી આપણે કોવિડનાં કોવિદ છીએ. કોવિદ એટલે જ્ઞાાતા, વિદ્વાન, જેને  જાણકારી હોય એ. પણ આપણે આજકાલ બેફામ છીએ. રોગ વિષયક વોટ્સ એપ જ્ઞાાનનો પણ આપણે ઉપયોગ કરતાં નથી. કાયદો તોડવાની પણ એક મઝા હોય છે. કદાચ આપણાં દેશમાં અડધો અડધ ગુનાઓ બસ મઝા લેવા માટે જ થતાં હોય છે. મનોરંજન માટે કે પછી તનોરંજન..... આજે ચાલો રંગોની અર્વાચીન ઉક્તિની વાત કરીએ. 

આજે એટલે જ સત્ત્વ, રજસ અને તમસની વાત કરવી  છે. સત્ત્વનો રંગ સફેદ છે. સત્ત્વમાં સઘળું બેલન્સ હોય છે. એકરાગ, સૂરમેળાપ, સપ્રમાણ રંગવિધાન એટલે સત્ત્વ. એક અર્થ થાય છે વાસનારહિત મન. હવે જીવન છે તો વાસના  તો રહે જ રહે. મરી જઈએ ત્યારે સફેદ ચાદર ઓઢીએ ત્યારે સત્ત્વને પામી શકીએ. કદાચ એટલે જ સફેદ રંગ સત્ત્વ છે. બાકી જીવનમાં કોઈ સત્ત્વ નથી એવી આપણી ફરિયાદ તો છે જ.

સરકાર એ માટે જવાબદાર છે એવું માનનારો એક વર્ગ છે. એમની વાત સાચી હોઈ  શકે. પણ આપણે આપણાં હિસ્સાનું કામ કરીએ. બાકી સરકાર તો આપણે જ ચૂંટેલી હોય છે. ચૂંટેલી સરકારને ચૂંટી ખણવી  એ આપણો મૌલિક અધિકાર છે. સરકારને તો ચરણ ચાંપી, મૂછ મરડી-ને પણ જગાડી શકાય. પણ આજે કોની શું જવાબદારી છે?- એની વાત અસ્થાને છે. આપણે શું કરી શકીએ?- એ વાત કરીએ. 

હોળીમાં આપણે અનેક રંગપ્રયોગ કરીએ છીએ. પણ આપણાં વસ્ત્રો સફેદ હોય તો એ બધા રંગ એની ઉપર ખીલી ઊઠે. આ આપણું  સફેદ આવરણ  એટલે આપણું  સત્ત્વ. સત્ત્વ એ દેવતાઓનો ગુણ છે. પછી આવે છે રજસ. રજસનો  રંગ લાલ છે. રજસનો ગુજરાતી અર્થ ગર્વ, લોભ, કામ, ક્રોધ દર્શાવે છે. રજસ એ માનવ સહજ ગુણ છે. એ ગતિશીલતા પણ બતાવે છે. ક્રિયા, જોમ, ઉત્સાહ પણ રજોગુણ છે. આગ, લોહી, બલિદાન રજસ છે. હિંસા, ગુસ્સો અને પ્રેમ પણ, રજસ છે. એ લાલ રંગ કબ મુઝે છોડેગા?! અને છેલ્લે આવે છે તમસ. તમસ  એ દૈત્યનો ગુણ છે. તમસનો એક અર્થ થાય છે માનસિક અંધાર. રંગ અલબત્ત કાળો છે.

જડતા, નકાર, આળસ, પ્રમાદ, વિષમતા. કાળા વસ્ત્રોમાં ઓઢવાની વાત મીરાંબાઈ કરી ગયા એટલે એમ કે બીજો કોઈ ડાઘ ન લાગે, પણ અર્વાચીન ચિંતન તો કહે છે, ડાઘ અવશ્ય લાગે છે, માત્ર એ ડાઘ દેખાતો નથી. ભક્તકવિ દયારામ લખે કે શ્યામ રંગ સમીપે ન જાઉં મારે આજ સખી.. પણ છેલ્લે એવું ય કહે છે કે દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધા ેમન કહે જે પલક ના નિભાવું. કૃષ્ણ એટલે જ કાળો રંગ. શ્રી કૃષ્ણની લીલા જો કે નિરાલી છે. એટલે અર્વાચીન સમયે આપણે એવું કહી શકીએ કે શ્રી કૃષ્ણનાં અપવાદ સિવાય કાળો રંગ સાર્વત્રિક ત્યાજ્ય છે. 

ફળની અપેક્ષા વિના થયેલું કર્મ ઉર્ફે અનાસક્ત કર્મ કરવું, એવું ગીતાજ્ઞાાન છે. સફેદ રંગ છે એ. અબીલનો રંગ છે એ. પોતાનાં આનંદ માટે, સ્વનાં અર્થ માટે કરો એ રજસ  છે. લાલ રંગ છે એનો. કંકુનો રંગ છે. અને તમસ  એટલે? ખરાબ પરિણામ આવવું નક્કી તો છતાં આપણે ઠઠાર્યે રાખીએ, બીજાને કે પોતાને નુકસાન થાય એવું કાર્ય તામસિક છે. તમસનો રંગ કાળો છે. મેશનો રંગ કાળો છે.  

હવે આપણી વાત. આપણે રહ્યા સામાન્ય માણસ. આપણામાં આ ત્રણે રંગના કોમ્બિનેશન હોવાના. કોશિશ એ કે આપણે બને ત્યાં સુધી સફેદ કામ કરીએ. કાળા કામ ત્યજીએ. અને લાલ કામ કરીએ ત્યારે મળેલું ફળ વહેંચતા રહીએ. 

ઇંગ્લેન્ડની રોમેન્ટિક મૂવમેન્ટનાં મુખ્ય સૂત્રધાર કવિ લી હન્ટ કહેતા કે તમામ રંગ એ કુદરતનાં સ્મિત છે. આ ક્વોટ વિષે  વિચારીએ તો લાગે કે સ્મિત તો હમેશા આવકારદાયક હોય છે. પણ આગળ વિચારીએ તો અસંમતિ કે તિરસ્કાર હોય ત્યારે પણ તો આપણે સ્મિત કરીએ છીએ. બસ, એવું જ છે મૂળ રંગ લાલ,કાળા અને સફેદનું. બાકી બધા રંગ મેળવણીથી થાય. સફેદ અને લાલ મળે તો ગુલાબી થાય પણ લાલ અને કાળો મળે તો કિરમજી બને. બસ, આપણી  કોશિશ એ હોવી જોઈએ કે ફૂલ ગુલાબી રહીએ અથવા ઘેરાં લાલ બનીએ. રંગ દે મોહે ગેરુઆ!'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m9sPKh
Previous
Next Post »