રસિયા પાટણ શે'રને પાદર પારસ પીપળો રે લોલ
રસિયા તિયાં રે બંધાવો હાલર હીંચકો રે લોલ
રસિયા તિયાં રે હીંચકીએ આપણ બેય જણા રે લોલ
રસિયા હીંચકડો તૂટયો ને પડિયાં બેય જણા રે લોલ
રસિયા અમને વાગ્યું ને તમને ઘણી ખમ્મા રે લોલ
રસિયા રીંસે રે ભરાતી બોલું ઘણી ખમ્મા રે લોલ
રસિયા પાટણ શે'રને પાદર વાણીડાના હાટ છે રે લોલ
રસિયા ત્યાંથી રે વો'રો રે નવરંગ ચૂંદડી રે લોલ
રસિયા ચૂંદલડી ઓઢયાના અમને કોડ ઘણા રે લોલ
રસિયા પાટણ શે'રને પાદર મણિયારાના હાટ છે રે લોલ
રસિયા ત્યાંથી રે ઉતરાવો નવરંગ ચૂડલો રે લોલ
રસિયા ચૂડલો રે પેર્યાના અમને હોંશ ઘણા રે લોલ
રસિયા પાટણ શે'રને પાદર સોનીડાના હાટ છે રે લોલ
રસિયા ત્યાંથી રે ઘડાવો ઝાલ ઝૂમણાં રે લોલ
રસિયા ઝૂમણાં રે પે'ર્યાના અમને હોંશ ઘણા રે લોલ
રસિયા પીપળિયાની ડાળે બાંધ્યો હીંચકો રે લોલ
રસિયા ઈ હીંચકડે ઝૂલીએ આપણ બેય જણા રે લોલ
લો કગીત જીભનું નહીં પણ કંઠનું આભૂષણ છે કેમકે એનો અસલી સ્વાદ બોલવામાં નહીં પણ ગાવામાં છે એટલે જે ગેય નથી તે લોકગીત નથી. લોકગીતની પહેલી શરત જ એની ગેયતા છે. એ વાત જુદી છે કે પ્રાથમિક શાળાથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી લોકગીતો મોટેભાગે વાંચીને-પઠન કરીને ભણાવાય છે! સારી બાબત એ છે કે નાના-મોટા સૌના અભ્યાસક્રમમાં લોકગીતો આવે છે. હવે સિલેબસ થોડા બદલવા પડશે, રસદર્શન સાથે લોકગીતો સમાવવાં પડશે.
'રસિયા પાટણ શે'રને પાદર...' ખૂબ જ જાણીતું લોકગીત છે. પટોળાંની વાત આવે તો પાટણનું નામ આવે જ, અહીં પાદર સાથે પ્રાસ મેળવવા પાટણ મુક્યું હોય એવું બને. નાયિકા કહે છે કે પારસ પીપળે હાલર હીંચકો એટલે કે ઝૂલો બંધાવો ત્યાં આપણે બંને સાથે હીંચકા ખાશું. બંનેના ભારથી હીંચકો તૂટયો, બેય પડયાં, બંનેને વાગ્યું પણ રસિકાએ પોતાના રસિયાને 'ઘણી ખમ્મા' કહ્યું એ સંસ્કાર જ સ્ત્રીને સાતમા આસમાને બેસાડે છે! રસિયાના રાજીપામાં રાજી એનું નામ જ રમણી!
સ્ત્રીએ તો પુરુષને 'ઘણી ખમ્મા' રૂપી આશ્વાસન આપી દીધું પણ સામા પક્ષે પિયુ નિરૂત્તર છે એટલે પ્રિયાને રીંસ ચડે જ ને એ રીંસ ઉતારવાના બદલામાં નવરંગ ચૂંદડી, ચૂડલો, ઝૂમણાં વગેરેની મનોકામના વ્યક્ત કરે છે. સંભવતઃ રસિયાએ આ બધાં વસ્ત્રાભૂષણો વ્હોરીને પ્રિયાને આપ્યાં હશે એટલે તો છેલ્લે એ કહે છે કે ફરીથી હીંચકો બાંધો ને ત્યાં આપણે બંને ઝૂલીએ.
આમ જુઓ તો વાત નાની લાગે, પુરુષની નજરે જોઈએ તો સાવ ક્ષુલ્લક બાબત લાગે પણ સ્ત્રીની નજરે જોતાં સંવેદના ભરપુર છે. લોકગીતો સ્ત્રી સંવેદનાનું જ મૂર્તરૂપ હોય છે એટલે તો ભાવથી છલોછલ હોય છે. જે લોકગીતો કંઠથી ગવાય છે એ સાંભળવાં ગમે એવાં હોય પણ જે કાળજામાંથી નીકળે એ હૃદય સુધી પહોંચતાં હોય છે ખરું ને?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QFg91L
ConversionConversion EmoticonEmoticon