- ગાંધીજીએ અંગ્રેજ સરકાર દ્વારા લાદેલા કાયદાઓનો વિરોધ કર્યો હતો અને કહી દીધું હતું કે તમારા કાયદા પાછા લઇ લો, નહિતર હું સમાજ વિરોધી કાયદાઓનો અનાદર કરીશ
દુ નિયાનું સર્જન થયું ત્યારથી એના વિસર્જન માટે કયામત ખડી કરી દેવામાં આવી! કયામતની ભયાનકતા એટલી બીહામણી દર્શાવવામાં આવી કે લોકો એનું રટણ કરતા થઇ ગયા! લાખો વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે કયામત આવશે લોકો સાંભળી સાંભળીને ટેવાઇ ગયા. કયામતનું નામ સાંભળીને ધુ્રજી જવાતુ હતું એવું હવે થતુ નથી.
કયામત કોને કહેવાય જે હવે સમજાઇ ગયું છે. નાદુરસ્ત તબિયતના કારણે વિખુટા થઇ જવું પડયું. મિત્રો, ચાહકો, શુભેચ્છકો એવા તમારાથી પણ વિખુટો પડી ગયો, એ ઘટના કયામતથી કમ નથી? આપ્તજનોથી વિખૂટા પડી જવું એનાથી મોટી કયામત બીજી શું હોઇ શકે? આપણી રૂચિ અને આપણા કર્તવ્યથી પણ વિમુખ થવું પડયું.
ક્યારેક ખુલ્લા બારણે ટકોરા મારવા અળવિત્રા સ્વજનના ઘરે દોડી જતો અને ક્યારેક ત્રિકોણનો ચોથો ખૂણો શોધવા કોઇ મિત્રને ત્યાં પહોંચી જતો. નાદુરસ્ત તબિયતે એ લહાવો પણ ઝૂંટવી લીધો અશક્તિને લીધે એકએક શબ્દ લખતા હાંફી જવાય છે તેેમ છતાં કોશિશ કરી રહ્યો છું ત્યારે શું લખવું, એ સૂઝતું નથી.માંદગીના કારણે ઘણોબધો શારીરિક ફેરફાર થઇ ગયો. બહાર આવીને જોયું તો ખૂબ જ અચંબો થયો. દુનિયાની આબોહવામાં સ્હેજ પણ ફેરફાર જોવા મળ્યો નહિ! કોરોનાના એક વર્ષ જૂના ચૂંથાઇ ગયેલા સમાચારોને ઇસ્ત્રી કરીને ફરી એના એજ રોદણા રડવાના?
આવા કપરા સમયે ભારતની આઝાદી અંગે અમૃતમહોત્સવની ઉજવણી થઇ રહી હોવાના છાપામાં સમાચાર વાંચીને એટલો બધો આનંદ થયો કે સમગ્ર ચળવળનો થાક ઊતરી ગયો. પાછા ગાંધીજી જીવતા થઇ ગયા. ગાંધી જીવનની ઝીણીઝીણી વાતો પણ લોકો ખૂણે ખાંચરેથી શોધી લાવ્યાં એમાં નોંધપાત્ર બે વાતો જોવા મળી. ગાંધીજીની અહિંસા અને સત્યાગ્રહની પુષ્કળ વાતો થઇ.
''દેદી હમેં આઝાદી બીના ખડઘ બીના ઢાલ,
સાબરમતિ કે સંત તુને કર દિયા કમાલ''
ગાંધીજીના વિરોધીઓએ પણ ગાંધીજીના એટલા બધા વખાણ કર્યા કે એમના બાપદાદાનુ ં પણ દેવું ચૂકવી દીધું! ગાંધીજીએ અંગ્રેજ સરકાર દ્વારા લાદેલા કાયદાઓનો વિરોધ કર્યો હતો અને કહી દીધું હતું કે તમારા કાયદા પાછા લઇ લો, નહિતર હું સમાજ વિરોધી કાયદાઓનો અનાદર કરીશ. દાંડી કૂચ યાદ છે ને? એક મુઠ્ઠી નમક અને દાંડીકૂચ વગર ગાંધીજી અધૂરા લાગે. પણ બાપુ એક વાત કહું? તમારી આ બધી ખુમારી પ્રજાના સમર્થનમાંથી તમને પ્રાપ્ત થઇ હતી.
હું તમારા કાયદાનો અનાદર કરીશ ને પ્રજાનું સમર્થન પ્રાપ્ત હતું. આજે આવીને કહી જુઓ, એ તો અંગ્રેજોની સરકાર હતી અને પ્રજાનું સમર્થન હતું. આજે તો હવે આપણી (?) સરકાર છે. આજે આવીને કહો કે કાયદો પાછો લો નહિતર હું એ કાયદાનો અનાદર કરીશ તરત જ તમારા માથે દેશદ્રોહીની તોહમત ફિટ કરી દેવામાં આવશે. કેમ એવું? એ પણ ન પૂછાય! આપ શાસક છો, અને સુગ્રથિત શાસન ચલાવવા માટે કાયદા કાનૂન પણ જરૂરી છે ને એનો અમલ પણ એટલી જ તિવ્રતાથી થવો જોઇએ.
એ કામ તમે નહિ કરો તો કોણ કરશે? કાયદો ઘડવાનો અધિકાર પ્રજા પાસે નથી. પણ કાયદાના કૂળને ઓળખવાની અને એની કર્તવ્ય નિષ્ઠા સમજવાની સૂઝ છે. પ્રજાને કાયદો ઘડવાનો અધિકાર નથી. પણ અનિચ્છનીય કાયદાનો વિરોધ કરવાનો તો અધિકાર છે. એ અધિકારને તમે દેશદ્રોહી અથવા નક્સલાઇઝોશનમાં લપેટી લો એ હઠીલો દુરાચાર છે. પ્રજામાંથી કોઇ કાયદો રદ કરવાની માંગ થાય એ સત્યાગ્રહ છે. અને કોઇ પણ કાળે કાયદો રદ નહિ થાય એમ કહેવું એ અતિઆગ્રહ છે.
સરકારના આ અતિઆગ્રહ સામે પ્રજાનો સત્યાગ્રહ બે મહિનાથી દિલ્લીનાં ખોળામાં આળોટે છે! આ સ્થિતિના સમાન્તરે આઝાદીનો અમૃત મહોત્સવ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. ગાંધીજીના વખાણ કરવામાં કોઇ કોઇનાથી પાછળ ના રહી જવાય એની કાળજી પણ રાખવામાં આવે છે! આપણી મતિ શું છે નીતિ શું છે? ગતિ શું છે? કંઇ સમજાતું નથી. પાગલ થઇ જવા જેવું છે! એક બાજુ ગાંધીજીના કાર્યોને વખાણવા છે પણ ગાંધી માર્ગે ચાલવું નથી ને ચાલવા દેવું નથી ગાંધીના સત્યાગ્રહના વખાણ કરવા છે પણ ગાંધી વિચારધારા પર પાબંધીઓ લગાડી દેવાય છે.
આપણા સત્તાનશીન વહીવટદારોની તુમાખી જોતાં તો દૂર દૂર સુધી લોકશાહીની ભાળ મળતી નથી છતાં દુઃખની વાત એ છે કે લોકશાહીનો ઈનકાર પણ થઈ શકે તેમ નથી ! પ્રજામતની બહુમતિથી ચૂંટાયેલી સરકાર હોય તો લોકશાહીનો ઈનકાર શી રીતે થઈ શકે ? પ્રજામતની બહુમતિના આધારે સરકાર રચાય ત્યાં સુધી લોકશાહી સર્વાંગી અણીશુધ્ધ રહે છે. સરકાર રચાયા પછી સત્તાધારકો કર્તવ્ય પારાયણતા લોકશાહીથી વેગળી ચાલે છે ! આ વેગળા ચાલનારનું કાંડુ પકડીને મુખ્યધારામાં લઈ આવવાનું કામ વિપક્ષનું છે. પણ એટલું સામાર્થ્ય વિપક્ષમાં હોવું જોઈએ.
સત્તા પક્ષનાં તોફાની તોખારને લગામ ચડાવી શાસકપક્ષના દાંત ખાટા કરી નાંખે એવો મજબૂત અને મક્કમ વિપક્ષ હોવો જોઈએ. એ આપણી પાસે નથી. મજબૂત તો ઠીક પણ વિપક્ષ જેવું કંઈ જ દેખાતું નથી. જે છે તે પણ હવે ઘેંઘેફેંફે થઈ ગયા છે. શાસકીય અવળચંડાઈનો વિરોધ કરવાને બદલે પ્રોત્સાહિત કરે છે !
કોંગ્રેસ ભલે તળીએ બેસી ગઈ હોય. કોંગ્રેસના હાલમાં ભલે ક્યાંય ઠેકાણા ન હોય છતાં પ્રજાને કોંગ્રેસ પ્રત્યે એટલી ધરપત તો છે જ કે ભાજપની કોઈ ટક્કર લઈ શકે તો તે કોંગ્રેસ જ લઈ શકે ! કોંગ્રેસને ભૂલી જવું મુશ્કેલ છે. કારણ કે ભારતની આઝાદીનાં મૂળ કોંગ્રેસમાં પડયાં છે. કોંગ્રેસની વર્તમાન સ્થિતિ એ પહેલી વાર નથી.
અગાઉ ૧૯૯૮ની આસપાસ કોંગ્રેસની આનાથી વધારે કફોડી હાલત હતી. સિતારામ કેશરી ત્યારે કોંગ્રેસનાં રાષ્ટ્રિય પ્રમુખ હતા. અને કોંગ્રેસ સાવ તળિયે બેસી ગઈ હતી. કોંગ્રેસનાં અગ્રણીઓએ સોનિયા ગાંધીને કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળવા આગ્રહ કર્યો. પરંતુ, સોનિયા ગાંધીને રાજકારણમાં જવું પસંદ નહોતું ! ઈંદિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધીને આગેવાનોએ આગળ કર્યા એનો પણ વિરોધ કરી રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવવાની ના પાડી હતી. પરંતુ, કોંગ્રેસી અગ્રણીઓના અતિશય આગ્રહને વશ થઈને ના છૂટકે વડાપ્રધાન પદ સ્વીકારવું પડયું. આ રીતે રાજીવનું વડાપ્રધાન બનવું એ પક્ષની પોતાની જવાબદારી હતી.
એમાં વંશવાદ ક્યાં આવ્યું ? ઈંદિરાની હત્યા પછી રાજીવ ગાંધી પોતાની મરજીથી વડાપ્રધાન થયા નહોતા. લોકોએ પરાણે એ પદ પર રાજીવને સ્વેચ્છાએ નિયુક્ત કર્યા તે છતાં કોંગ્રેસ પર વંશ વાદની તહોમત લગાવવાનું ચૂક્યા નહીં. રાજીવની હત્યા પછી કોંગ્રેસનું ભયંકર શૂન્યાવકાશ સર્જાયો અને કોંગ્રેસ પાતાળમાં પહોંચી ગઈ. ફરી સોનિયા ગાંધીને રાજકારણમાં જવાની ઈચ્છા ના હોવા છતાં એમને આગ્રહ કરીને પ્રમુખપદે બેસાડયા.
એમની નામરજી હોવા છતાં બધાં જ પૂર્વાગ્રહો ત્યાગીને માથે આવેલી જવાબદારી ખંતપૂર્વક ઉપાડી લીધી અને કોંગ્રેસને બેઠી કરી. એ પછી તરત જ આવેલી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય છે. અટલ બિહારી બાજપાઈનો પરાજય થાય છે. ત્યારે સોનિયા ગાંધી જ વડાપ્રધાન બનશે એવું ચારે તરફ વાતાવરણ સર્જાયું. કારણ કે ભાંગી પડેલી કોંગ્રેસને સોનિયાએ જ પછી ઊભી કરી તેથી એમનું વડાપ્રધાન થવું અજુગતું નહોતું.
પરંતુ એમણે ડો.મનમોહનસિંહને વડાપ્રધાન બનાવ્યા. એક ટર્મ પછી બીજી ટર્મમાં પણ એમણે મનમોહનસિંહને રીપીટ કર્યા. અહીં સોનિયાનાં વડાપ્રધાન થવાનું પૂરેપૂરી શક્યતાઓ હતી. એના બદલે ડો. મનમોહનસિંહને વડાપ્રધાન બનાવ્યાં, આમા વંશ-વાદ ક્યાં આવ્યો ?
હવે જ્યારે ફરીથી કોંગ્રેસ નબળી પડી ગઈ છે. રાષ્ટ્રિય પ્રમુખ પદનો પ્રશ્ન ગૂંચવાડે ચડયો છે. એમાં પણ લોકોની નજર નહેરૂ પરિવાર પર જ જાય છે. રાહુલ નહીં તો પ્રિયંકા ગાંધી પ્રમુખ બનશે એમાં પણ આગેવાનોનો આગ્રહ છે. લોકશાહીમાં વિપક્ષનો દરજજો પણ શાસક પક્ષ જેટલો જ હોય છે. અને સત્તા પલ્ટો અનિવાર્ય છે. કાલે જે વિપક્ષમાં હતા તે આજે સત્તા પર છે. અને આવતીકાલે પણ વિપક્ષમાં હશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31wpJpP
ConversionConversion EmoticonEmoticon