સારસા ગામે 7 દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો પરિપત્ર પાછો ખેંચાયો


આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ખાસ કરીને આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસો અગાઉ આણંદ તાલુકાના સારસા ગામેથી ૨૫ જેટલા કોરોનાના શંકાસ્પદ કેસો મળી આવતા પંચાયત દ્વારા આજથી સાત દિવસ માટે સારસા ગામે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. 

જો કે સ્થાનિક આગેવાનો અને વેપારીઓ દ્વારા ધંધા-રોજગારને લઈ પંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવતા આજે નમતી બપોરના  સુમારે પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો પરિપત્ર પાછો ખેંચવામાં આવ્યો હતો. આમ, સારસા ગામે સ્વૈચ્છિક લોકડાઉન ગણતરીના કલાકો ચાલ્યું હતું.

સ્ આણંદ તાલુકાના સારસા ગામે પણ કોરોનાનું સંક્રમણ વધતા તાજેતરમાં ૨૫ જેટલા શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓ મળી આવતા સમગ્ર ગામમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જેને પગલે સારસા ગ્રામ પંચાયત દ્વારા આજથી સારસા ગામમાં સાત દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. આ સાત દિવસ દરમ્યાન સવારના ૧૧ઃ૦૦ કલાક સુધી જ વેપાર-ધંધા અર્થે દુકાનો ખુલ્લી રાખવાનું નક્કી કરાયું  હતું. જે મુજબ આજે આણંદ તાલુકાના સારસા ગામે સવારના ૧૧-૦૦ કલાક સુધી વિવિધ વેપાર-ધંધા માટે દુકાનો ખુલ્લી રહી હતી ત્યારબાદ મોટાભાગની દુકાનો બંધ રહેતા ગામમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. આજે સવારના સુમારે પંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં સેનીટાઈઝીંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.સાથે સાથે સારસા ગામમાં કોરોના વધુ વકરે નહી તે માટે આરોગ્ય વિભાગની ટીમોએ પણ સઘન કામગીરી હાથ ધરી છે અને રેપીડ ટેસ્ટની કામગીરી તેજ કરી દેવાઈ છે.જો કે સારસા ગામના આગેવાનો તેમજ વડીલોના અભિપ્રાય અનુસંધાને તા.૯/૩/૨૦૨૧નો ગ્રામ પંચાયત સારસાનો પરિપત્ર આજે નમતી બપોર બાદ પરત ખેંચાયો હતો. સાથે સાથે ગ્રામજનોને ફરજીયાત માસ્ક પહેરવા તેમજ બિનજરૂરી ઘરની બહાર નહી નીકળવા માટે તાકીદ કરાઈ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lchLvm
Previous
Next Post »