આણંદ
આણંદ જિલ્લામાં શનીવારે કોરોનાના વધુ ૧૬ કેસ નોંધાયા હતા. કોરોનાના કુલ દર્દીઓનો આંક ૩ હજારની નજીક પહોંચી ગયો છે. બીજી તરફ જિલ્લામાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓમાં ભારે ઉછાળો નોંધાતા જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. દિન-પ્રતિદિન વધી રહેલ કોરોનાના કહેરને લઈ જિલ્લામાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.
સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાની બીજી ઈનીંગ શરૂ થઈ ચુકી છે. જો કે આ બીજી ઈનીંગમાં કોરોના ખૂબ ઝડપથી વકરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પારિવારિક સંક્રમણની સાથે સાથે સીધા સંપર્કમાં આવતા લોકો કોરોનાના ભોગ બની રહ્યા હોવાના કિસ્સા વધવા પામ્યા છે. તેમાંય ખાસ કરીને આણંદ તથા આસપાસના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે. તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ માટે શહેરમાં ડોમ ઉભા કરાયા છે. જેમાં પણ અનેક શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.
શુક્રવારે જિલ્લામાં નોંધાયેલ કોરોનાના કુલ ૧૫ દર્દીઓ પૈકી ૧૧ દર્દીઓ આણંદ તથા આસપાસના વિસ્તારના છે. શુક્રવારે આણંદ પાસેના ચિખોદરાની આઈ હોસ્પિટલ નજીક, શહેરના માંગલિક પાર્ટીપ્લોટ નજીક ગર્વમેન્ટ સોસાયટી, બોરીઆવીની જયહિંદ સોસાયટી, પંચશીલ સોસાયટી નજીકના ક્રિષ્નાકમલ એપાર્ટમેન્ટ, વિદ્યાનગરના નાના બજારના તાપીવાસ નજીક, કરમસદ સંદેશર રોડ ઉપરની પ્રાંજલ સોસાયટી, આણંદની જય દ્રારકેશ સોસાયટી, માનીયાની ખાડના પ્રિયાપૂજન ફલેટ સામે, કરમસદ રેલ્વે સ્ટેશન રોડ પરની અર્થ હાઈટ્સ તેમજ જિલ્લાના વત્રા, બોરીયા, સુણાવ અને ગાડા ગામેથી કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતા.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૩૮૫૦૨ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૯૮૪ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૯૩ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૨ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૯૧ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આણંદના સાંસદ પણ કોરોનાથી સંક્રમિત
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે નેતાઓ પણ કોરોનાની ચપેટમાંથી બાકાત રહ્યા નથી. આણંદ લોકસભાના ભાજપના સાંસદ મિતેશભાઈ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલ સાંપડયા છે. તેઓએ સોશ્યલ મીડીયા થકી આ અંગે જાણકારી આપી હતી અને ર્ડાક્ટરની સલાહ મુજબ તેઓ હોમકોરોન્ટાઈન થયા હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા તેઓ દ્વારા આજે કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેઓનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
વિરસદ ગામમાં એક સપ્તાહ માટે લોકડાઉન
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બોરસદ પંથકમાં પણ પોઝીટીવ કેસોની સાથે સાથે શંકાસ્પદ કેસોમાં વધારો નોંધાતા ભારે ફફડાટ વ્યાપ્યો છે. જેને લઈ વિરસદ ગ્રામ પંચાયત દ્વારા આગામી એક સપ્તાહ માટે ગામમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦ થી વધુ શંકાસ્પદ કેસો મળી આવતા ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત આગામી એક સપ્તાહ સુધી બપોરના ૧ઃ૦૦ વાગ્યા સુધી જ વેપાર-ધંધા ચાલુ રાખી શકાશે ત્યારબાદ લોકડાઉન રહેશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rprTSJ
ConversionConversion EmoticonEmoticon