મહુધા : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ખેડૂતો પાણીના અભાવમાં ભારે નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે. ૧૦ જેટલાં ગામોમાં પાણી ન મળતાં હજારો વીઘા જમીનમાં પાક બળી રહ્યો હોવાની ફરિયાદ ઊઠી છે. આ માટે અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે.
ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં આવેલાં વડથલ, ફિણાવ, મંગળપુર,ખૂંદજ, સાપલા, બગડું, હજાતીયા વગેરે જેવાં દસેક ગામોના ખેડૂતોએ બૂમરાણ મચાવી છે. મળતી વિગતો પ્રમાણે આ ગામોમાં મળીને કુલ ૩૦૦૦ જેટલા વીઘામાં ડાંગરનો પાક કરવામાં આવ્યો છે, કારણ કે રવિ સીઝનમાં આ ગામોમાં ઘઉંનો પાક અનુકૂળ નથી આવતો. જોકે ૧૫-૦૩-૨૦૨૧થી આ ગામોમાં નહેરનં પાણી આવતું બંધ થઈ ગયું છે. પાણીના અભાવમાં ખેડૂતોનો પાક બળી રહ્યો છે અને નષ્ટ થવાની તૈયારીમાં છે. આ બાબતે ગામના સરપંચો અને આગેવાનોએ નડિયાદ અને શેઢીશાખા, મહુધામાં જઈ કાર્યપાલક ઈજનેર ઉપરાંત એસ.ઈ. સર્કલ નડિયાદમાં રજૂઆત કરી ૨૦ ક્યુસેક જેટલું પાણી આપવા માગણી કરી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આટલી રજૂઆતો કરવા છતાં ક્યાંયથી તેમને યોગ્ય જવાબ મળ્યો નથી. પાણી વગર ખેડૂતોએ ભારે નુકસાનવેઠવું પડે તેમ હોવાથી ખેડૂતોએ પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ બાબતે મહુધા તાલુકાના ડી.ઈ.નો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે સરકારમાંથી પાણી બંધ કરવાનીં સૂચના આપવામાં આવી છે, તે જ કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sEXph3
ConversionConversion EmoticonEmoticon