ઓડિશી પટ્ટચિત્રો રંગ- રેખા- બિંદુ


પાત્રોની બારીક નજરવાળી આંખોમાં અભિવ્યક્તિની સમૃદ્ધિ

ઓડિશી પટ્ટચિત્ર કળાના મૂળ એટલાં નરવાં હતાં કે એક કળાવૃક્ષે જ્યારે સ્વસ્થ દેહ ધારણ કર્યો ત્યારે એને અનેકાનેક, સતત સુફળ બેસવા લાગ્યા. આરંભે જગન્નાથપુરી સહિત અન્ય મંદિરોમાં પણ દેવી- દેવતાઓની વાર્તાઓના વર્ણનાત્મક ચિત્રો ઉપલબ્ધ થવા માંડયા. સમૃદ્ધ રંગ સંયોજન, છટાબદ્ધ રંગપૂરણી અને સર્જનાત્મક બટ્ટાઓમાં મહદઅંશે સાદી થીમનું સુંદર પરિરૂપ રજૂ થતું.

જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીની કાષ્ટ પ્રતિમાઓને અહીં કાપડથી જડી દે છે જેમાં ગુંદર અને ચૉકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ચાર જ મર્યાદિત રંગો લાલ, પીળો, સફેદ અને કાળો વાપરવામાં આવે છે. ધર્મ, જીવન અને પ્રવૃત્તિની પ્રેરણા આપનાર આ દેવતા જેટલી જ પ્રાચીન પારંપારિક આ ચિત્રકળાને જાળવી લેવાઈ છે. જ્યારે નિજ મંદિરના દ્વાર ભગવાનના વિધિવત્ સ્નાનને કાજે બંધ થતા ત્યારે આ પટ્ટચિત્રોને પૂજા કરવા માટેના વિકલ્પ તરીકેનું માન મળતું. આ ચિત્ર શૈલીમાં લોકકળા અને શાસ્ત્રીય કળાનો સરવાળો છે. જો કે લોકકળા તરફ એનો વધુ ઝોક છે. પહેરવેશની શૈલી પર મુદાલ કળાનો પ્રભાવ છે.

દેવી- દેવતા કે માનવોના પૉઝ ચોક્કસ વ્યાખ્યામાં અપાયેલા છે. કદીક પુનરાવર્તન પણ જોવા મળે જે એના વર્ણનાત્મક સ્વરૂપને દ્રઢ કરે છે. આ ચિત્રોમાં રેખાઓ અતિ સ્પષ્ટ, સ્વચ્છ, કોણીય અને તીક્ષ્ણ છે જેમાં પાત્રો બોલકાં બને છે. વળાંકદાર રેખાઓ અને બિંદુ મૂળ વિષયવસ્તુને અનેરો ઓપ આપી ઉપસાવે છે. અહીં લેન્ડસ્કેપ યથાર્થદર્શન અને દૂરના દ્રશ્યોને અવકાશ નથી. બધા જ પ્રસંગો અને ઘટનાઓમાં ખૂબ સામીપ્ય દેખાય છે. પશ્ચાદભૂના પાત્રો, આકૃતિ રચનાઓ, દેખીતી રીતે જ કળાનું પ્રતિનિધિત્વ કરે છે જે ફૂલના શણગારની સુંદર રેખાઓમાં ઢળેલા દેખાય છે.

ઓડિશી પટ્ટચિત્રોની શૃંગારયુક્ત રેખાઓ, ફૂલપત્તીથી શોભિત હોય

ચિત્રના પાછલા હિસ્સાને અગ્નિ પર તપાવી તેને પાકું બનાવે છે

મહદ અંશે લાલ કેનવાસ ઉપર સમગ્ર ચિત્ર એક ચોકકસ સ્વરૂપની ઝાંખી કરાવે છે જેને રસિકો આકંઠ આત્મસાત કરે છે. આ કલાકારોને પ્રારંભિક રેખાઓ માટે પેન્સિલ, ચૉક કે કોલસા જેવા સાધનોની આવશ્યકતા નથી.  કુશળ કારીગરો સીધા બ્રશથી જ ગુલાબી, આછો લાલ કે પીળો રંગ લઈ સીધી રેખાઓની સહજ માંડણી કરે છે. રંગપુરણી અને રેખાઓ થઈ ગયા બાદ છેલ્લે લેકર કોટિંગ કરી ચિત્રને હવા, પાણી અને અગ્નિથી બચાવે છે. ચિત્રને ગ્લૉસી, ચળકાટભર્યું બનાવે છે તેને માટે રસપ્રદ ગ્લેઝિંગ અને પૉલિશ વાર્નિશિંગની પ્રક્રિયા કરે છે. ચિત્રના પાછલા હિસ્સાને અગ્નિ પર તપાવી તેને પાકું બનાવે છે. સોળમી સદીમાં ભક્તિ ચળવળ શરૂ થઈ. રાધા-કૃષ્ણના ચિત્રો વાઇબ્રન્ટ (ભભકભર્યા) રંગોમાં થવા માંડયા જેમાં ઝાંયનો ઉપયોગ શરૂ થયો. કેસરી, લાલ, પીળા રંગ ઉપરાંત રાસલીલાના પાત્રો, હાથીઓ, અન્ય જીવો અને વૃક્ષો આછા જામલી તથા કથ્થઈ રંગોની આભા સાથે જોવા મળ્યા.  અલબત્ત મૂળ પ્રણાલી મુજબની એકમેવ રંગ છટા આ ચિત્ર કળાનો પ્રાણ છે.

સમૃદ્ધ રંગ રંગીન બુટ્ટા પાત્રોના મુખ પર ઓછા રંગમાં વધુ ભાવ લાવવા સક્ષમ હોય છે. કલાકારો એમાં પોતાનો જીવ રેડી દઈ ઉચ્ચ કક્ષાનું કળાસ્વરૂપ પેશ કરે છે. લોકસાહિત્ય અને આદિવાસી કળાના સુભગ સમન્વય સમા આ પટ્ટચિત્રોમાં નવગ્રહ અંગેની વાર્તાઓ અને એમના પોતાના જીવનના પ્રસંગોના પણ નિરૂપણ હોય છે. સિંગલ ટોન, રોડ વગરના રંગો, વિશિષ્ટ કિનાર એ ઓડિશી પટ્ટચિત્રની ઓળખ છે. એની નકલ ન થાય. ધાર્મિક માન્યતાઓ અને વિધિ- વિધાનના સોપાનોને સર કરવામાં પણ પટ્ટચિત્ર કળા કેવી અદ્ભુત રીતે નિમિત્ત બને છે તેનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

પ્રસ્તુત કળામાં બૉર્ડર ચિત્રોનું પેટ્રોલિંગ - ચોકીદારી કરે છે !

આ કળા પાયેથી - એટલે કે બૉર્ડરથી જ વિકસવાનું શરૂ કરે છે. સૌ પ્રથમ કિનાર બાંધવાથી તે ચોક્કસ સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે. ત્યારબાદ કલાકાર વધુ અગત્યની આકૃતિઓને કેન્દ્રમાં સ્થિર કરવા ડગ (હાથ) માંડે. ચિત્રની રંગયોજના આધારિત મુખ્ય પાત્રને અનુરૂપ કિનાર બાંધે જે ચિત્રે ચિત્રે બદલાય. મધ્યમાં ઝીણી વિગતોની પૂરણી સાથે ફ્રીહેન્ડ ચિત્ર મૂકી દે જે કિનારની ગીચ, પત્ર- પુષ્પ, પલ્લવિત નમૂના સાથે મેળ ખાય. અલબત્ત અંદરનું ચિત્ર વધુ સાદું અને ભૌમિતિક હોય. કમળ, પોયણાં અને અન્ય જળઘાસ, ફૂલ લોકપ્રિય ભાત છે. વિવિધ બુટ્ટાઓ, સાપ, મોર અન્ય પક્ષીઓનું પણ મહત્ત્વ છે.હા, આ સમુદાય કળા એવી છે જેમાં કેનવાસ ઉપર વારંવાર મંદિર, શિખર, છાપરાં, ખાલી જગ્યામાં પ્રાણ પુરતા બિંદુઓ અને સર્વત્ર લીલાશનો સંદેશો ફેલાવતા સામાન્ય ભારતીય પોપટ પણ બહુધા જોવા મળે. અરે એને તો આ કળાનો આદર્શ નમૂનો ગણવામાં આવે છે જે વાદળી આસમાનને પોતાના ઉડ્ડયન થકી લીલું છમ બનાવી દે છે.

કાયમને માટે ક્ષિતિજે આનંદના હિલોળા લહેરાવતા હોય એવા મેઘધનુષ્યના પણ અહીં આગવા માન- સન્માન છે. ચિત્રોમાં વિગતોને ઝીણી કાંતતા કલાકારો દરેક રંગના અર્થને સમજીને બુટ્ટા કે પાત્રનિરૂપણ વળાંકદાર અને રસદાર બારીક કમનીય વળાંકોમાં ઢાળે છે. એક એક રેખામાં સ્પષ્ટતાનો સૂર રેલાય. આભૂષણની પણ વિશિષ્ટ શૈલીને તેઓ યથાવત્ રાખે છે. રાધા-કૃષ્ણનું ચિત્ર અભિવ્યક્તિ વૈવિધ્યવાળું હોઈ શકે. એ બંનેના તારામૈત્રકની વાત જુદી જ હોય તો, રાક્ષસ સામે તાકતા કૃષ્ણની આંખો ફરી જાય. એક રેખા, એક બિંદુ- આમ કે આમ ! દરેક ચોરસ ઇંચે પટ્ટચિત્રમાં કંઈક નવીન, અદ્ભુત ! વાર્તાકથન કરતા ચિત્રમાં ક્ષણે ક્ષણે નવલાં રૂપો !

આ કેનવાસ છે પર્યાવરણ મિત્ર, જીવાત સામે રક્ષણ આપનાર - ખરે જ અવિનાશી !

ઓડિશી પટ્ટચિત્રોએ પોતાની સીમા વિસ્તારવાનું કામ તો સદીઓ પહેલાં કરી દીધેલું. જે ઉત્ક્રાંતિ થઈ એમાં કેનવાસના સ્વરૂપમાં ક્રાંતિ આવી. તાડવૃક્ષના પત્ર (પાન) ઉપર જે ચિત્રો થયા તેને ઉડિયા ભાષામાં 'તાલપટ્ટચિત્ર' કહે છે. ખજૂરીના પાન પણ એમાં ઉપયોગમાં લેવાતા થયાં. પહોળા એ પાનને ઉતારી સૂકવી, કડક બનાવી બધાને જોડી કેનવાસ જેવું બનાવવામાં આવે. એને પંખાની જેમ પાટલી કે ગડીની જેમ વાળી, સહેલાઈથી નાના પેકિંગમાં મૂકી શકાય એવું કેનવાસ ટાઇપ બનાવે. સઘન થપ્પી જેવા તાડપત્રને વધુ લાંબો સમય સાચવી શકાય છે.

ઘણીવાર તો પામલીફ ઉપરના ચિત્રો વધુ વિગતવાર બનતા એની ઉપર સુપર ઇમ્પોઝ (ચિત્રો ઉપર ચિત્રો) થતા પડ ઉપર પડ બનાવતા- એક મુખ્ય સપાટ પાન ઉપર ચોંટાડતા કેટલાક વિસ્તારોમાં આવા ચિત્રો બારી ખુલતી હોય એમ ઉપરના પડ નીચેની બીજી ઇમેજ છતી થતી અનુભવાય. આવા તાડપત્રોની પટ્ટીઓ જોડાયેલી હોય એવું લાગે એની ઉપર રંગસભર ચિત્રો તો બને જ પણ એમાં ઝીણેરી કોતરણી પણ થાય. ફોલ્ડિંગ તાડપત્ર ઉપર ચિત્રો બનાવતા છ મહિના જેવો સમય લાગે. દરેક ચિત્ર અલગ, સ્વતંત્ર હોય. પાછું ફિનિશિંગ- આખરી ઓપ પણ નોખો નોખો ભાવ રજૂ કરે. વૈવિધ્યપૂર્ણ વિષયોમાં બહુરંગી અભિવ્યક્તિ આપણા મનમાં ઉત્સુકતા પણ જગવે. એ સંદર્ભે જુદા જુદા પટ કે પટ્ટચિત્રોને તેની વર્ણનાત્મક પરંપરા થકી પામી શકીએ ?

લસરકો :

પારંપારિક પટ્ટચિત્રોની નીપજ- પૌરાણિક જ્ઞાાનરંજિત મનોરંજન અને લોકસાહિત્યના ગૂઢાર્થ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bospL1
Previous
Next Post »