ગામડાની ગોરી-લલી માસીનો લપલપાટ

- વિશાલના મુખમાં તો જાણે બગાસું ખાતાં પતાસું પડયું. એના મુખ પર ખુશાલીનો ભાવ પ્રગટ થઇ ગયો. એણે રશ્મિ સામે પ્રસન્નતાથી જોઇને જરા મોઢું મલકાવ્યું.


બ હારથી આવીને બાથરૃમમાં મોં ધોવા જતાં, અંદર કોઈ લ્લચનક હચંીગ (હાફ નેકેડ) ચોળી-ચણિયા સાથે નાહી રહેલી બાઈને જોતાં ભડકી ઉઠેલા વિશાલને જોઈ રશ્મિ ઝડપથી તેની પાસે પહોંચી ગઈ. એને ગામડેથી મોટાં બાને મળવા આવેલી લલીમાસીની વાત કરી. વિશાલને હવે મનમાં ગડ બેઠી. લલી માસી, મોટીબાનાં બચપનનાં ગર્લ ફ્રેન્ડ હતાં તે જાણી તેને રમૂજ પણ થઈ. ફેન્ટાએ પણ ફોડ પાડીને લલી માસીનો જરા વિગતે ખ્યાલ આપ્યો. ગામડાનું માણસ એટલે આપણી, શહેરની રીતરસમ એ બીચારાં જાણે નહિ.

ફેન્ટાનો ઇશારો બાથરૃમની ઘટના વિશે હતો તે વિશાલ સમજી ગયો.

રશ્મિને એ મળ્યો - રૃમમાં ત્યારે એણે પણ એવી જ વાત કરી. એમના પ્રત્યેનો સમભાવ દર્શાવ્યો.

ફેન્ટા રસોડામાં ધીમું ધીમું બબડતી હતી કે ગામડાના માણસને વિવેક વહેવાર કશી ગતાગમ ના પડે. અને વધારે પરિચય આપતાં કહે: 'મોટાં બાની બચપણની ખાસ બહેનપણી હતી. બંને ઉંમરમાં સરખાં. એમને શહેરમાં એમની કોઈ ફૂઈજીને મળવા જવાનું હતું એટલે એક ખટારામાં જગ્યા મેળવી આપણે ઘેર આવી ગયા. મોટાં બા એમનાં ખાસ બહેનપણી ખરાં ને' એટલે થોડાક કલાક માટે આપણા ઘેર ઉતર્યા.

વિશાલને બધી બાજુથી લલી માસી વિશે જાણવા મળ્યું, રશ્મિનો સમભાવ સ્પષ્ટ હતો. વિશાલને પણ હવે લલીમાસી પ્રત્યે લગાવ થયો.

લલીમાસી દીવાનખાનામાં એક સોફા પર પગ પર પગ ચડાવીને નિરાંતે બેઠાં હતાં. એમનાથી થોડે દૂર પેથાભાઈ કશો પ્રતિભાવ આપ્યા વિના બેસી રહ્યા હતા.

વિશાલ સ્નેહદર્શાવતો લલીમાસીની બાજુની ખુરશી પર બેઠો: 'માસી ! મઝામાં ? ક્યારે આવ્યાં ? બહુ ગમ્યું. મોટાંબાય રાજી થયાં !'

લલી માસીને પણ બહુ ગમતું ગમતું લાગ્યું.

ફેન્ટા, રશ્મિ, લલીમાસી બધાં ભેગાં થયાં એટલે લલીમાસીનો લપલપાટ શરૃ થયો.

વિશાલને જોઇને જીભમાં વાચા ફૂટી નીકળી.

'તું કોનો દીકરો ?'

ફેન્ટાએ કહ્યું: 'મારો દીકરો છે.' અને રશ્મિનો પરિચય મળતાં કહ્યું: 'આ અમારા વિશાલની વહુ છે.'

'હજી હમણાં જ લગ્ન થયાં છે.'

'કોંય નઇ. ભગવાન રૃડો રૃપાળો દીકરો આપશે. કટમ (કુટુંબ)નો દીવો થશે.'

વિશાલના મુખમાં તો જાણે બગાસું ખાતાં પતાસું પડયું. એના મુખ પર ખુશાલીનો ભાવ પ્રગટ થઇ ગયો. એણે રશ્મિ સામે પ્રસન્નતાથી જોઇને જરા મોઢું મલકાવ્યું.

લલી માસીનો લપલપાટ ચાલુ રહ્યો. 'ભઈ, ચેટલું ભણ્યો સે ?'

'માસી ! મોટી ડિગ્રી છે. સિવિલ એન્જીનીયર છે.'

'એટલે ? મને ગમ પડી નઇ.'

ફેન્ટાએ ફોડ પાડયો: 'માસી ! એ મોટી ડિગ્રી કહેવાય ? શહેરમાં મોટાં મકાનોનાં બાંધકામ થાય તે તેમાં એણે ધ્યાન રાખવાનું, સલાહ સૂચન કરવાનાં.'

'એટલે ? કડિયાકામ ?' લલીમાસી કચવાઈ ઉઠયાં

'દીકરાના દાદા, ન્યોતમાં મોટા મોભી, એમનો દીકરો કડિયા કોમ કરે ?'

વિશાલને કહે: 'દીકરી' એવો ધંધો શીવ પસન (પસંદ) કર્યો ? દાગતર થયો હોત તો'

'માસી ! આ લાઈન પણ બહુ મોટી કહેવાય.'

મોટાં બા ય વચ્ચે પુરાયાં 'લલી ! એ મોટી ડિગ્રી કહેવાય.'

ડિગ્રી...? ઉપાધિ ? મોટી વિધિ કહેવાય ? રશ્મિ હસી પડી... ઉપાધિ જેટલી મોટી તેટલો મોભો ય મોટો કહેવાય માસી !

'બધાનો ઉપરી થજે.'

ફેન્ટાને કહે: 'મોટી ઉપાધિ એટલે'

ભલે દીકરા સુધરેલો કડિયો - ઇમજને

ભલે ભલે તારા ધંધામાં બરકત મળે.

લલી માસીએ બે હાથ ઉંચા કરી આશીર્વાદ આપ્યા.

પટલાણીને લલીની પંચાત ગમી નહિ. એનાલાડકા દીકરાને કડિયાના ધંધા સાથે જોડયો.

વિશાલને કે રશ્મિને એમના 'લપલપાટ'થી જરાય ખરાબ લાગ્યું નહોતું. ગામડાનું માણસ.

મોટી મોટી ડિગ્રી વિશે શું સમજે ?

લલી માસીનો લપલપાટ ચાલતો હતો તેવામાં પ્રોફેસર પ્યારેલાલ આવ્યા. એમને જોતાં વળી લલીમાસીનો લપલપાટ શરૃ.

'આ ભાઈ આવ્યા તે કૂણ સે ? તમારાં સગા છે'

'ના. દાદાના ફ્રેન્ડ છે.' પ્રોફેસર પ્યારેલાલ.

'પોફેસર છે ? શી ન્યોત છે ?'

'બ્રાહ્મણ. પંડયા.'

'પંડા ? પંડા !'

પ્રોફેસર પ્યારેલાલે એમને જે જે (જય જય) કર્યા. લલીમાસી નવાઈ પામીને કહે 'પંડા' એટલે તમે કથા વારતા કરવા જાવ સો ? ગોમડામાં પંડા લોકો એ ધંધો કરીને સારું કમાય સે.  દખણા સારી મળે.

પ્રોફેસર પ્યારેલાલ મુક્તમને હસી પડયા: 'માજી મારો ધંધો કથાવારતાનો જ કહેવાય. મોટા છોકરાઓ પાસે વાતો કરવાની વ્યાખ્યાનો આપવાનાં.'

લલી માસી નવાઈ પામ્યા.'કથાવારતાનો ધંધો સારો હોં ! ભાવિક લોકો દખણા મૂકે અનાજ આપે.'

પ્રોફેસર પ્યારેલાલ હસતા રહ્યા. પણ પટલાણી ચિડાઇ ઉઠયાં: 'હવે તારો લપલપાટ મૂકીશ ? ક્યારની બોલ બોલ કર્યા કરે છે.'

ફેન્ટાએ બાજુમાં જઇને પ્રોફેસર પ્યારેલાલને ઓળખાણ આપી: 'મોટાં બાના બચપણનાં ગર્લ ફ્રેન્ડ છે. ગામડેથી આવ્યાં છે. એટલે શહેરની બહુ ગતાગમ નથી.'

ભલે એ ગામડાનાં. પણ જાત જાળવી રાખવી. એમાં નાનમ ક્યાં છે ?

પ્રોફેસર પ્યારેલાલે જરા હસતા હસતા પેથાભાઈને પૂછ્યું: 'તમે ય મૂળ ગામડાના જ ને ? હવે ગામડું ગમે ?'

પેથાભાઈ ડોકું ધુણાવી હસી પડયા. પછી કહેવા માંડયા: 'કોઈવાર પ્રસંગે ગામડે જવાનું થતું ત્યારે...'

ગામડાના સગા એવા ભેટે કે આપણે દબાઈ મરીએ. અને જ્યાં જાવ ત્યાં બીડી અને ચા હોય જ.

પ્રોફેસર પ્યારેલાલ કહે: 'હવે એ જમાનો લગભગ પતી ગયો છે. હવે તો ગામડિયો તમારી સાથે શેકહેન્ડ કરે તેવાં કાબેલ થઇ ગયો છે. ખરું પૂછો તો ગામડાં હવે રહ્યાં છે જ ક્યાં ? બધાંય શહેરોમાં ભળી ગયાં.'

એવામાં લલીમાસીએ એમની પતરાની પેટી ઉઘાડી. વિશાલને નવાઈ લાગી: 'આવી પતરાની પેટીમાં શું ભર્યું હશે.'

લલીમાસીએ એમાંથી જૂનો સાડલો કાઢ્યો. કંકુની શીશી કાઢી. એક દાબડી કાઢી.

વિશાલે પૂછ્યું 'માસી ! આ દાબડીમાં શું ભર્યું છે'

'દીકરા ! એમાં તો છેંકણી છે.'

વિશાલ આભો બની ગયો. લલીમાસી કહે. માથામાં દુઃખાવો થાય એટલે છેંકણી સુંઘી લેવાની. દાંત ય છેંકણી ઘસવાની.

'માસી ! તમને એનું વ્યસન છે ?'

'વ્યસન શીનું' એ તો અમારું ઘરગથુ ઓષધ છે.

છેલ્લે લલીમાસીને સ્વામિનારાયણ ભગવાનની નાની ડબી કાઢી 'જો આ સામીનારાયણગવોન મારી પેટીમાં એ સાથે ને સાથે જ હોય.'

વિશાલ કહે: ભગવાનને પગે લાગ દીકરા તારું કલ્યાણ કરશે.

વિશાલે છબી સામે હાથ જોડયા.

લલી માસીએ ખુશ થઇ આશીર્વાદ આપ્યા. એમણે તેમની પતરાની પેટી પાછી બંધ કરી દીધી. પટલાણીને કહે: 'કમરી' હવે હું જઉં ? ક્યારની આઈ છું. મારે તને મરવા આવવું હતું તું મરી ગઈ અને તમે બધા એકસોમટાં મરી ગયાં એટલે મારો ફેરો સફર થયો.

લલી માસીએ બધાંને જે સામીનારાયણ કર્યું. વિશાલે તેમની પતરાની પેટી પરાણે એમની ઘણી ના ચતાં ઊંચકી લીધી.

લલીમાસીએ છેલ્લો લપલપાટ કરી દીધો. 'દીકરા ! તું આવો મોટો કડિયા કામનો ઉપરી મારી પતરાની પેટી તારા પાસે ઉંચકાવાય ? દીકરા કડિયાના ધંધામાંય મોભી બનજે મારા આશીરવાદ છે' અને પટલાણીના બચપણનાં સાથી લલીબહેન જે સામીનારાયણ કરતાં વિશાલની સાથે જવા ઉપડયાં.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pFXNtg
Previous
Next Post »