'મોડા' વિશે લખવા વહેલું ઉઠવું પડે!

- પા.. પા પગલી ચાલતા કે કાલુંઘેલું બોલતાં શબ્દો જો આપણે અન્ય બાળકોની સરખામણીમાં ભૂલે ચૂકે મોડા શીખીએ તો પડોશીઓની ચિંતામાં મા-બાપ 'બાધા' 'માનતા' રાખતાં થઈ જાય છે


લેઇટ... મોડા... દેરીસે.. વિલંબ...

રફતારથી ચાલતી જીવનની ગાડીને ઘણીવાર પાટા ઉપરથી ઉતારી મૂકે છે. જન્મની સાલ જોઇને લાગ્યું... યાર, બે વરસ સહેજ જો મોડો જન્મ્યો હોત તો 'આઝાદી'નો ટ્રેડમાર્ક એન્ટ્રી સાથે જ મળી જાત ! પા.. પા પગલી ચાલતા કે કાલુંઘેલું બોલતાં શબ્દો જો આપણે અન્ય બાળકોની સરખામણીમાં ભૂલે ચૂકે મોડા શીખીએ તો પડોશીઓની ચિંતામાં મા-બાપ 'બાધા' 'માનતા' રાખતાં થઈ જાય છે. બાલમંદિર કે કે.જી.માં એડમીશન લેવામાં વાલી જો સહેજ મોડું  કરે તો ? લેબલટીન, ફાઇવ સ્ટાર સ્કૂલ-શાળાને બદલે જનતા ક્લાસમાં કારકિર્દીની કેડી શરૂ ય થાય ! (ઘણીવાર આ અણધારી વૈકલ્પિક પસંદગી ધોરીમાર્ગ પર જલ્દી પણ લઈ જાય !) કક્કો, પલાખાં, સ્પેલીંગ બીજાંઓની સરખામણીમાં જો 'મોડા' આવડે તો શાળામાં ફૂટપટ્ટી અને ઘેર ગાલે ચૂંટલા, બરડે નાની મોટી સાઇઝનાં ધબ્બાની પ્રસાદી ચોક્કસ !

મોડા પડવાનું લીસ્ટ બનાવીએ તો કેટકેટલા પ્રસંગો કયુમાં હાજર સ્ટોકમાં મળી રહેશે !

* શાળા-કોલેજમાં સહેજ 'લેટ' થઈ જવામાં શિક્ષક-પ્રોફેસરોની 'લેંફટ-રાઇટ' યાદ આવી જાય !

* ઘરના જ સભ્યની 'બર્થ-ડે' પાર્ટીમાં સહેજ લેટ પડો પછી જોજો બેડરૂમનાં ઘાંટા-બરાડા !

(જો જો નહિ... સાંભળજો લગાતાર.. બારબાર)

* એકઝામ હોલમાં મોડા પડતા હૃદયનાં ધબકારા... પરસેવાના રેલા દસ્તાવેજી પુરાવા છે.

* બુફેમાં સહેજ મોડા પહોંચો... પછી ખબર પડશે ચાલ્લાનું કવર હેવી હતું પણ ખાસ વાનગી.. ફરસાણનાં બાઉલ ખાલી ખમ હતા ત્યારે હસબંડ-વાઇફનાં ડાયલોગ્ઝ ઠંડી સીઝનમાં ય ગરમ લ્હાય !

* પ્લેટફોર્મ પર મોડા પડયા પછી ગાડી ચૂકી ગયાનાં પ્રસંગો પીકનીકમાં કહેવા ઉપયોગી થઇ પડે છે.

* છોકરાં / છોકરી 'જોવા' જવામાં ઉતરાણના પતંગની જેમ ઢીલ રાખતા પછી સારા ઉભય પાત્ર મેળવવામાં કેવા મોડા પડી ઘણાં-બધાં સમાધાન કરવા પડે છે. (વાંધો ના હોય તો તમારા ખુદના જ તપાસોને !)

* જનરલી, મોટા કાર્યક્રમ કે સભામાં મુખ્ય નેતા... અતિથિ.. ચીફ ગેસ્ટ મોડા પડે એ શીડયુલમાં ગણાતું નથી. (ઊંચે 

લોગ ઊંચી પસંદ)

* બોલીવુડમાં લેટલતીફ ગોવિંદા હોય કે પછી શોટગન સિંહા નિર્માતા, દિગ્દર્શક... નાના મોટા અન્ય કલાકારોને આ 'એલર્જી'ની પાકી ખાતરી હોય છે. (આવા કલાકારો પછી જલ્દી ફેંકાઈ જવામાં 'મોડું' નથી થતું... એજ 

લાગના છે !)

* દર્શન દો ઘનશ્યામ નાથ મોરી, અખિયાઁ પ્યાસી રે... આડકતરી રીતે પ્રભુજીને મોડા ન પડવા માટે એક નમ્ર સૂચન જ છે ને !

.... સરવૈયું કાઢવા બેસીએ તો લાગે

અન્ય વિકસીત દેશોની હરોળમાં હજી ય આપણે 'મોડા' પડયાની ભ્રમણા લાગે છે.

'કોવિદ-૧૯'ની પ્રતિરોધક રસી ભલે મોડી શોધાય અસરકાર તો થશે જ. (કોઈ શક ?)

કવિને પણ મોડે મોડે ખબર પડે છે માતાના ચરણોમાં જ મુક્તિધામ છે. લગ્નના ૪૦-૫૦ વરસ પછી મોડેથી જીવનમાં પ્લસ-માયનસ સમજાય છે. ત્રીજા.. ચોથા સ્ટેજમાં એન્ટ્રી લેતા જીવલેણ રોગની જ્યારે ખબર મોડેથી થાય ત્યારે આપણને લાગે સમયસર 'વહેલા' જાગી જવા જેવું હતું.

રવીવારની કોલમમાં લેખ 'મોડો'ના પડે શબ્દપારખુ મિત્રો... વહેલો મોકલવો પડશે !

મરીમસાલા

'યદા યદા હિ ધર્મસ્ય...'

ધર્મની પડતી, અધર્મની ચડતી... નથી લાગતું પ્રગટ થવામાં પ્રભુ મોડું કરી રહ્યા છે ?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uhnLqx
Previous
Next Post »