અંજલિની હત્યા માત્ર લૂંટના ઈરાદાથી થઈ?

- અંજલિએ તિજોરી ખોલી અને અંદરનું દ્રશ્ય જોઈને નાગરાજની આંખ ચમકી. રૂપિયાની નોટોની થપ્પી અને સોનાના દાગીનાના બોક્સ જોયા પછી આંખમાં લાલસાની જ્વાળા ભભૂકી


ચે ન્નાઈને મોટા ભાગના ગુજરાતીઓ હજુ પણ મદ્રાસ તરીકે જ ઓળખે છે. ચેન્નાઈના કિલ્પોક વિસ્તારમાં ગર્ભશ્રીમંત પરિવારોના બંગલાઓ વચ્ચે હવે તો અમુક ગુજરાતી પરિવારો પણ વસે છે.

ડૉક્ટર રાજામણીએ બાળકોના નિષ્ણાત તબીબ તરીકે ખ્યાતિ મેળવી હતી. એમનો બંગલો કિલ્પોકમાં મુખ્ય રસ્તા પર હતો. એમની એકની એક પુત્રી અંજલિ સાવ સાધારણ દેખાવની હતી. દીકરી પોતાનો વારસો જાળવે એવી રાજામણીની ઈચ્છા આંશિક રીતે જ પૂરી થઈ. બાળરોગ નિષ્ણાતને બદલે અંજલિ ડેન્ટિસ્ટ બની. એ જ અરસામાં વિમાન અકસ્માતમાં રાજામણી અને એમના પત્નીનું અવસાન થયું. માતા-પિતાની છત્રછાયા ગૂમાવ્યા પછી અંજલિએ સરકારી હોસ્પિટલમાં નોકરી શરૂ કરી.

હોસ્પિટલમાં નોકરીના એ સમય દરમ્યાન અંજલિને ડૉક્ટર વિર્શ્વનાથન સાથે પરિચય થયો. નબળી આથક પરિસ્થિતિને લીધે વિર્શ્વનાથન એમ.બી.બી.એસ.સુધી જ માંડ માંડ ફી ભરી શક્યો હતો. મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે બૌધ્ધિક રીતે એ સક્ષમ હતો પરંતુ ગામડે રહેતા પરિવારની આથક સ્થિતિ સાવ નબળી હોવાથી એણે આગળ અભ્યાસની ઈચ્છા દફનાવીને સરકારી નોકરી સ્વીકારી લીધી હતી. એક દિવસ અંજલિએ એની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને વિર્શ્વનાથને એ સ્વીકારી લીધો. લગ્ન પછી અંજલિએ નોકરી છોડી દીધી અને વિર્શ્વનાથન પણ એના બંગલામાં આવી ગયો. 

એમના લગ્નને આજે તો આઠ વર્ષ વીતી ગયા છે. છ વર્ષની દીકરી પણ ઘરમાં છે. બંગલાના આગળના એક ઓરડામાં જ અંજલિએ પોતાનું ડેન્ટલ ક્લિનિક બનાવી દીધું છે. જનરલ ફિઝિશિયન તરીકે વિર્શ્વનાથને પોતાનું સ્થાન જમાવી દીધું છે. બોટક્લબ પાસે એના ક્લિનિકમાં સવારે નવથી એક અને સાંજે પાંચથી રાત્રે દસ વાગ્યા સુધી દર્દીઓની લાઈન લાગેલી હોય છે.

રસોઈ માટે મહારાજ રાખવાનું અંજલિને પસંદ નહોતું. સવાર-સાંજની રસોઈ એ પોતે જ બનાવતી હતી. એના ક્લિનિકનો સમય બપોરે બારથી પાંચ સુધીનો હતો. સહાયક તરીકે રાખેલી બંને યુવતીઓ સાંજે સવા પાંચે બંગલામાંથી નીકળી જતી હતી.

આટલી પૂર્વભૂમિકા જાણ્યા પછી વર્તમાનમાં આવીએ.

'આજે તારી દશા કેવી છે?' પોતાનું ક્લિનિક સમેટી લીધા પછી અંજલિએ પતિને ફોન કર્યો. 'નવ વાગ્યે આવી જઈશ?'

'સોરી ડાર્લિંગ, દસ થઈ જશે.' વિર્શ્વનાથને સમજાવ્યું. 'દર્દીઓની લાઈન છે. દરેકની વાત શાંતિથી સાંભળવાની ટેવ છે એટલે એક પેશન્ટ પાછળ અર્ધો કલાક ફાળવવો પડે છે.'

'ઓ.કે.' અંજલિએ થાકેલા અવાજે ઉમેર્યું. 'ઢબુને આજે પિઝા ખાવાની ઈચ્છા છે અને બે રૂટ કેનાલ કરી એટલે હુંય થાકેલી છું. પિઝા ઑર્ડર કરી દઉં છું. તારા માટે શું બનાવું?'

'તકલીફ ના લેતી. હું પણ પિઝા ઑર્ડર કરી દઈશ. તમે મા-દીકરી પિઝાનો જલસો કરો તો પછી હું કેમ બાકી રહું?' વિર્શ્વનાથને હસીને જવાબ આપ્યો અને મોબાઈલ બાજુ પર મૂક્યો.

સાડા પાંચ વાગ્યા હતા એટલે વચગાળાની રાહત રૂપે બેબીને દૂધનો મોટો ગ્લાસ આપીને અંજલિએ એને સમજાવ્યું કે ફટાફટ દૂધ પતાવી દઈશ તો સાત વાગ્યે પિઝા મંગાવીશું. પિઝાની લાલચમાં બેબીએ આનાકાની વગર દૂધનો ગ્લાસ હાથમાં લીધો.

બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પરનો બહાર પડતો જે ઓરડો હતો એમાં અંજલિનું ક્લિનિક હતું. વિશાળ ડ્રોઈંગ રૂમમાંથી ઉપર જવા માટે પહોળી સીડી હતી. સીડીની બંને તરફ જે ઓરડા હતા એમાંથી એક ઓરડો બેડરૂમ તરીકે અને બીજો ઓરડો ગેસ્ટરૂમ તરીકે વપરાતો હતો. હાથમાં ગ્લાસ પકડીને બેબી સોફા ઉપર બેસીને ટીવી ઉપર કાર્ટૂન ચેનલ જોઈ રહી હતી એ જ વખતે બહાર કમ્પાઉન્ડમાં સાઈકલ ખખડી અને ડોરબેલ રણકી.

અંજલિએ બારણું ખોલ્યું. ઘરમાં ટીવીનું કેબલ કનેક્શન હતું એનું ભાડું લેવા માટે નાગરાજ દર મહિને આવતો હતો. એને જોઈને અંજલિએ ફરિયાદ કરી. 'નાગરાજ, ગયા શુક્રવારે સાંજે ચાર કલાક પ્રોબ્લેમને લીધે ટીવી બંધ રહેલું. ડૉક્ટરસાહેબ તો ખૂબ ઉદાર છે એટલે તું માગે એટલા પૈસા ફટ દઈને આપી દે છે પણ હું ચીકણી છું. મહિને સાડા પાંચસો મફત નથી આવતા. તારા શેઠને કહેજે કે હવે ટીવી બંધ રહેશે તો પૈસા કાપી લઈશ. સમજ્યો?'

'જી, મેડમ,શેઠને વાત કરીશ.'

અંજલિ બેડરૂમમાં ગઈ. કમરમાં લટકતો ચાવીનો ઝૂડો હાથમાં લીધો અને દીવાલ સાથે જડેલી તિજોરી ખોલી. ડ્રોઈંગરૂમમાં ઊભેલા નાગરાજની નજર એ તરફ જ હતી. અંજલિએ તિજોરી ખોલી અને અંદરનું દ્રશ્ય જોઈને નાગરાજની આંખ ચમકી. રૂપિયાની નોટોની થપ્પી અને સોનાના દાગીનાના બોક્સ જોયા પછી આંખમાં લાલસાની જ્વાળા ભભૂકી. અંજલિનો ચહેરો તિજોરી તરફ હતો અને પીઠ આ તરફ હતી એટલે ધીમા પગલે આગળ વધી રહેલા નાગરાજનો એને ખ્યાલ ના આવ્યો. પૈસા હાથમાં લઈને એ આ તરફ ઘૂમી ત્યારે સામે ઊભેલા નાગરાજનો ચહેરો જોઈને એ ચોંકી ઉઠી.

'તું અહીં કેમ આવ્યો?' ગુસ્સે થઈને એણે પૂછયું તો ખરું પણ જવાબમાં નાગરાજે ચમકતો છરો એની છાતી સામે ધર્યો. નાગરાજના હાથમાં કસાઈ જેવો છરો અને ચહેરા પર પાશવી ક્રૂરતા જોઈને અંજલિએ ચીસ પાડી. એ બીજી ચીસ પાડે એ અગાઉ નાગરાજે એના મોઢા ઉપર હાથ દાબી દીધો અને ગરદનમાં છરો ભોંકી દીધો.

દાંત ભીંસીને એક પછી એક એમ ચાર વાર પૂરી તાકાતથી છરો મારીને નાગરાજે અંજલિની ગરદન વાઢી નાખી. લોહીથી લથબથ અંજલિ ફસડાઈ પડી અને ગણતરીની સેકન્ડોમાં આખી તિજોરી ખાલી કરીને નાગરાજે પોતાનો થેલો ખભે લટકાવ્યો અને સાઈકલ મારી મૂકી. મમ્મીની ચીસ સાંભળીને ત્યાં દોડી આવેલી બેબી ડઘાઈને બંને હાથથી મોં ઢાંકીને ખૂણામાં બેસી ગઈ.

નાગરાજને જતો જોયો એ પછી બેબી ઊભી થઈને મમ્મી પાસે ગઈ અને રડવા લાગી. 'પપ્પાને ફોન કર.' તૂટતા શ્વાસ વચ્ચે અંજલિએ એને કહ્યું. 'બાજુના આન્ટીને બોલાવ.'

છ વર્ષની દીકરી દોડી. 'પપ્પા, નાગરાજે મમ્મીને માર્યું. જલ્દી આવો.' રડતા રડતા એણે વિર્શ્વનાથનને ફોન કર્યો અને દોડીને બાજુના બંગલામાં પહોંચી. પાડોશીઓ તરત દોડી આવ્યા. પોલીસને ફોન કર્યો. કિલ્પોક પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર કૃષ્ણન પોતાની ટીમ સાથે ત્યાં આવી ગયા. એ જ વખતે વિશ્વનાથન પણ આવી ગયો.અંજલિની હાલત જોઈને એને તાબડતોબ એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી. નાગરાજે શું કર્યું એ હકીકત ડાઈંગ ડેક્લેરેશનમાં લખાવ્યા પછી અંજલિના શ્વાસ અટકી ગયા!

વિર્શ્વનાથન અને બેબી એકમેકને વળગીને રડતા હતા. ઈન્સ્પેક્ટર કૃષ્ણને વિર્શ્વનાથનને સાંત્વના આપીને સમજાવ્યું કે બેબી આઈ વિટનેસ છે એટલે એને સંભાળીને રાખજો.

ડૉક્ટર રાજામણીનું એક સમયે આ વિસ્તારમાં નામ હતું. એમની ડૉક્ટર દીકરીની આ રીતે ક્રૂર હત્યા કરવામાં આવી એને લીધે નાગરાજને શોધવા માટે આખા ચેન્નાઈની પોલીસ પૂરી તાકાતથી મચી પડી. સીસીટીવી ફૂટેજ ચકાસવા માટે ચુનંદા જવાનો એક પછી એક વિસ્તારના ક્લિપિંગ્ઝ જોઈ રહ્યા હતા. ચેન્નાઈથી મહાબલિપુરમ જવાના રસ્તે અનેક ફાર્મ હાઉસ આવેલા છે. એક ક્લિપિંગમાં એ તરફનો ઈશારો મળ્યો. સાઈકલ લઈને ભાગેલો નાગરાજ આશરો લેવા માટે કોઈ ખાલી ફાર્મ હાઉસમાં ઘૂસી ગયો હશે એ ધારણાના આધારે ઈન્સ્પેક્ટર કૃષ્ણન જીપ લઈને એ વિસ્તાર ધમરોળી રહ્યા હતા.

એમની ધારણા સાચી પડી. એક ફાર્મહાઉસની પાછળની તરફ સંતાડેલી સાઈકલ જોઈને એમણે જીપને ત્યાં જ રોકાવી દીધી. કૃષ્ણન, એક સબ ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલ-બિલ્લીપગે અંદર ઘૂસ્યા. બંને તરફ બારણાં હોવાથી સબ ઈન્સ્પેક્ટર સાથે એક કોન્સ્ટેબલે પાછળના બારણે મોરચો સંભાળી લીધો. કૃષ્ણનની સાથેના કોન્સ્ટેબલે જોરદાર લાત મારીને બારણું ખોલી નાખ્યું એની સાથે જ નાગરાજ પાછળના બારણાં તરફ ભાગ્યો. ત્યાં પણ પોલીસને જોઈને એ ભૂંરાટો થયો. ખિસ્સામાંથી દેશી તમંચો કાઢીને એણે ભાગવાનો પ્રયાસ કર્યો.

'એ રમકડું ફેંકી દે અને સરન્ડર થઈ જા.' હાથમાં રિવોલ્વર લઈને કૃષ્ણને સખ્તાઈથી આદેશ આપ્યો. એના જવાબમાં નાગરાજે ધ્રૂજતા હાથે ફાયરિંગ કર્યું. કૃષ્ણનની નજીકથી બુલેટ પસાર થઈ ગઈ. નાગરાજના પગનું નિશાન લઈને કૃષ્ણને રિવોલ્વરનું ટ્રિગર દબાવ્યું. નાગરાજે મૂર્ખામી કરી. ફાયરિંગથી બચવા માટે એ નીચે બેસી ગયો એટલે રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી પગને બદલે એની છાતીમાં ઘૂસી ગઈ!

ફસડાઈ પડેલા નાગરાજને ઊંચકીને જીપમાં નાખ્યો અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. રસ્તામાં એ તૂટક તૂટક બબડતો હતો. ડાક્ટરોએ દોઢ કલાક મથામણ કરી પણ નાગરાજ બચ્યો નહીં. 

ગણીને ચોવીસ કલાકમાં જ ખૂનકેસ ઉકેલાઈ ગયો અને હત્યારો પોલીસના હાથે ઠાર થઈ ગયો એની આખા શહેરમાં ચર્ચા ચાલતી હતી. 

રાત્રે અગિયાર વાગ્યે બેબી ઊંઘી ગઈ હતી એ જોયા પછી વિર્શ્વનાથને મોબાઈલ હાથમાં લીધો.

સતત અભાવ અને ગરીબીમાં ઉછરેલો વિર્શ્વનાથન હવે રૂપિયા પાછળ ગાંડો થયો હતો. પૈસા ઉપર અંજલિનો અંકુશ રહેતો હતો એ વાત એને ખૂંચતી હતી. છેલ્લા બે વર્ષથી એની બાળપણની મિત્ર પ્રિયા સાથે એ લપેટાયો હતો. પ્રાધ્યાપિકા પ્રિયા હજુ સુધી કુંવારી જ રહી હતી અને હવે એ વિર્શ્વનાથન સાથે ઘરસંસાર વસાવવાનું સપનું જોતી હતી. એ વારંવાર જીદ કરીને વિર્શ્વનાથનને છૂટાછેડા લેવા માટે કરગરતી હતી. પરંતુ છૂટાછેડા લેવાની લાંબી વિધિ અને એ પછી ભરણપોષણની જવાબદારી ઉઠાવવા માટે વિર્શ્વનાથન તૈયાર નહોતો એટલે એણે શોર્ટકટ શોધી કાઢયો હતો.અત્યારે દસ દિવસના ટ્રેઈનિંગ સેશન માટે પ્રિયા બીજા અધ્યાપકો સાથે કોડાઈકેનાલ ગઈ હતી.

'ડાર્લિંગ, નાગરાજ જેવો નીડી માણસ મળી ગયો એ આપણું નસીબ કહેવાય.' ફોન ઉપર પ્રિયાને વિગતવાર માહિતી આપતી વખતે વિર્શ્વનાથનના અવાજમાં ગર્વ હતો. 'એ મારા ક્લિનિક પર ચાલીસ હજાર રૂપિયા ઉછીના લેવા આવ્યો હતો. ત્યારે કરગરતી વખતે એણે કહ્યું કે પૈસાની એવી ખેંચ છે કે વધુ પૈસા મળતા હોય તો હું કોઈ પણ કામ કરવા તૈયાર છું. મેં એને પૂછયું કે દસ લાખમાં કોઈને મારવાનું કામ કરીશ? એ તરત તૈયાર થઈ ગયો.'

'પછી?' પ્રિયાએ ઉત્સુકતાથી પૂછયું.

'દસ લાખમાં સોદો કર્યો, એમાંથી ત્રણ લાખ એને એડવાન્સ આપેલા અને સાત લાખ કામ પતે એ પછી આપવાના હતા. પૂરી સિફતથી એણે કામ તો પતાવી નાખ્યું, પણ એ પછી પોલીસ સાથે પંગો લેવાની મૂર્ખામી કરી એમાં એ માર ખાઈ ગયો. બહાદુરી બતાવવા માટે એ બેવકૂફે પોલીસની સામે દેશી તમંચો તાક્યો અને ગોળી છોડી એમાં પોલીસે એને ઊડાડી દીધો.'  ફોન ઉપર વાત કરતી વખતે પણ જાણે પ્રિયા પોતાની સામે જ ઊભી હોય એમ એણે મોં મલકાવીને આગળ ઉમેર્યું. 'પોલીસ ફાયરિંગમાં એ મરી ગયો એમાં મને તો લોટરી લાગી ગઈ. રોકડા સાત લાખ બચ્યા પણ એનાથીયે વિશેષ તો સો ગણી માનસિક રાહત મળી. એ માણસ ભવિષ્યમાં બ્લેકમેઈલિંગ કરશે એવી એક દહેશત મનમાં હતી એ નિર્મૂળ થઈ ગઈ.' એણે હસીને ઉમેર્યું. 'મારો પ્રેમ સાચો હતો એટલે એક પછી એક તમામ અડચણ હટી ગઈ.'

'મારો નહીં, આપણો પ્રેમ સાચો છે એમ બોલવું જોઈએ, ડૉક્ટર! પ્રેમ સાચો હતો એટલે આપણા મિલનનો માર્ગ મોકળો થઈ ગયો.' એની ભૂલ સુધારીને પ્રિયાએ પૂછયું. 

'મને એ નથી સમજાયું કે એની પાસે પિસ્તોલ હતી, તો પછી એણે અંજલિની હત્યા છરાથી કેમ કરી?'

'મારા આપેલા ત્રણ લાખમાંથી એ ડોબાએ આ રમકડું ખરીદેલું. એને હવે તો આ જ ધંધો કરવાના અભરખા હતા. કેબલનું ભાડું ઉઘરાવવાને બદલે કરોડપતિ બનવાની એને હોંશ હતી. ધડાકો ના થાય એ માટે મેં જ છરાની સૂચના આપેલી, એની વે, મરતાં અગાઉ આલિશાન બંગલો અને અંજલિના ઈન્શ્યૉરન્સની માતબર રકમ મને આપતો ગયો. જિંદગીભરનું તારું સાંનિધ્ય પણ એની જ મહેરબાની. એકાદ મહિના પછી આપણો ઘરસંસાર શરૂ કરીશું.' બંને પ્રેમીઓ વચ્ચેની વાત એ પછી તો કલાક સુધી ચાલી.

બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે વિર્શ્વનાથન ડ્રોઈંગરૂમમાં બેઠો હતો ત્યારે પોલીસની જીપ બંગલામાં પ્રવેશી. ચારેક કોન્સ્ટેબલ જીપમાં જ બેસી રહ્યા અને એકલો કૃષ્ણન અંદર આવ્યો.

'ગુડ મોનગ સર,' વિર્શ્વનાથને વિવેકથી એમને આવકાર આપ્યો. 'કોઈ ફોર્માલિટિ બાકી રહી છે?'

'હવે કોઈ વિધિ બાકી નથી રહી.' ઠંડકથી જવાબ આપીને કૃષ્ણને પૂછયું. 'ડાક્ટર! અંજલિ જેવી સીધી સાદી પત્નીની તમને સહેજ પણ દયા ના આવી? એ બાપડીએ તમને આશરો આપીને તમારી જિંદગી બદલી નાખી તોય એ ઉપકાર ભૂલી ગયા?' ડઘાઈ ગયેલા વિર્શ્વનાથન સામે જોઈને એમણે ઉમેર્યું. 'પ્રિયા સાથેનું લફરું ચાલુ રાખ્યું હોત તોય એ તમને માફ કરી દેતી પણ તમે તો બહુ મોટો ખેલ પાડી દીધો, ડૉક્ટર!'

'આ તમે શું બકો છો?' વિર્શ્વનાથને અકળાઈને પૂછયું.

'નસીબની નાડ પારખવામાં તમે ભૂલ કરી, ડૉક્ટર! ગમે તેટલી ચાલાકી કરીએ તોય ઠાકર ઠેકાણે રાખે છે.સમજણ પડી?' કૃષ્ણને એને સમજાવ્યું. 'ગોળી વાગી એ પછી નાગરાજ એક કલાક જીવતો રહેલો. એણે જે કબૂલાત કરી એનું વીડિયો રેકોડગ અમે કરેલું. એણે જે કહ્યું એ પછી એકેય છેડો ઢીલો ના રહે એ માટે તારો મોબાઈલ અમે સર્વેલાન્સમાં રાખેલો. તું બોલ્યો એ એકેએક શબ્દનું રેકોડગ અમારી પાસે છે.'

એમના અવાજમાં નરમાશ ભળી. 'અમે તને લઈ જઈએ એ પછી પાછા આવવાની કોઈ શક્યતા નથી. બંગલામાં તારી દીકરીની દેખરેખ માટે તારે કોઈને બોલાવવા હોય તો એક કલાક સુધી અમે અહીં બેઠા છીએ. ફોન કરીને જેને બોલાવવા હોય એને બોલાવી લે..'

એ બોલતા હતા અને વિર્શ્વનાથનની આંખ સામે અંધકાર છવાઈ ગયો હતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rhudeZ
Previous
Next Post »