બ્રોડકાસ્ટિંગ દુનિયાના 'કિંગ'ની ચિરવિદાય

- રેડિયો જોકી બનવાના સ્વપ્ન સાથે રેડિયો સ્ટેશને કચરા-પોતાં કરવાનું કામ સ્વીકાર્યું અને... રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી

- વિવિધા-ભવેન કચ્છી

- 63 વર્ષની રેડિયો, ટીવી અને ડિજીટલ કારકિર્દી : તેના ગેસ્ટ બનવા અમેરિકાના પ્રમુખો અને વિશ્વ સેલિબ્રિટીઓ 'લોબિઈંગ' કરતા

- સીએનએન પર 'લેરી કિંગ લાઈવ શો...' નોન સ્ટોપ 6000 મહાનુભાવોના ઈન્ટરવ્યુના એપિસોડનો વર્લ્ડ રેકોર્ડ

- માર્લોન બ્રાન્ડો આફ્રિન : બંનેએ 'કિસ' કરી!


બ્રો ડકાસ્ટિંગની દુનિયાની અગાઉ ક્યારેય ન હતી તેવી બોલબોલા વચ્ચે લેરી કિંગે આપણા વચ્ચેથી ૮૭ વર્ષની વયે કોરોનાની બીમારી બાદ વિદાઈ લીધી.

મીડિયાના આ યુગમાં માત્ર મીડિયાકર્મીઓએ જ નહીં સૌએ એક ન્યૂઝ આઈટમ કરતા વધુ તેમના માટે જાણવું જોઈએ તેવી હસ્તી તો લેરી કિંગ હતા જ.

તેમના સમગ્ર જીવનની ઝાંખી મેળવીએ તો એક રોચક અને કારકિર્દી માટેનું જૂનૂન કઈ હદે હોઈ શકે તેની પ્રેરણા જરૂર લઈ શકાય. 

જેઓ 'દેશ-વિદેશની ન્યૂઝ ચેનલો સર્ફ કરવા ટેવાયેલા હતા તેઓએ તો લેરી કિંગની તસવીર જોઈને જ કહી દીધું હશે કે ''અચ્છા, આ લેરી કિંગ તેમને તો સીએનએન પર ઈન્ટરવ્યુ કરતા ઘણી વાર જોયા છે. શર્ટ પર બંને ખભા ફરતો પટ્ટો હોય ત્યાં સુધીનું પેન્ટ (જેને સસ્પેન્ડર્સ કહેવાય) તે તેમનો ટ્રેડમાર્ક. તેમની ઈન્ટરવ્યુ લેવા દરમ્યાન બેસવાની પણ જીવનપર્યંત એક જ અદા. સીએનએનની ટીઆરપી 'લેરી કિંગ લાઇવ' વખતે લગાતાર ૧૫ વર્ષ (૨૦૧૦ સુધી) એ હદે ટોપ પર રહી કે તે સ્લોટ વખતે અન્ય ચેનલોમાં દર્શકોની રીતે કાગડા ઉડતા હોય. ૧૯૩૩માં અમેરિકાના ન્યૂયોર્કમાં જન્મેલા લેરી કિંગે ૫૨ વર્ષની વયે સીએનએનની ઇનિંગ શરૂ કરી અને ૭૭ વર્ષની વય સુધી ધૂમ મચાવી. ન્યુઝ ચેનલો અને રેડિયો જોકીની યુવા ફોજ વચ્ચે લેરી કિંગ નિવૃત્તિની વય નજીક હોય તે અરસામાં છવાયા. ૨૦૧૦માં અમેરિકામાં ડિજીટલ યુગ મીડિયામાં છવાતો ગયો અને 'લેરી કિંગ શો'નું રેટિંગ ત્રીજા ક્રમે ગયું. સીએનએન છોડીને નવા જમાના સાથે કદમ મીલાવતા લેરી કિંગે ૭૭ વર્ષની વયે ઓરા ઈન્ફોટેઈનમેન્ટ કંપની ખોલી અને તેમાં ટૉક શો, રેડિયો-ટીવી ચેનલ્સ અને ડિજીટલ પ્લેટફોર્મ માટે 'કન્ટેન્ટ' પૂરા પાડતી કંપની સ્થાપી હતી. ભલે લેરી કિંગનો આ સમયગાળામાં દબદબો ન હતો પણ છેક સુધી એટલા કર્મશીલ તો રહ્યા કે તેમના નિધનની વૈશ્વિક જાહેરાત તેની કંપનીના માધ્યમથી થઈ.

૧૯૮૫માં સીએનએન પર 'લેરી કિંગ લાઈવ' શૉ શરૂ થયો એટલે વાચકોએ એવું માનવાની ભૂલ નથી કરવાની કે ૫૨ વર્ષની વયે તેઓ જાણીતા થયા કે પછી દર્શકો સમક્ષ અચાનક ઉભરી આવ્યા.

અમેરિકામાં રેડિયો ટૉક શો, રેડિયો જોકી, સુપર બૉલ સ્પોર્ટસ કોમેન્ટેટર, કોલમ અને પુસ્તકોના લેખક તરીકે ઘેર ઘેર ગૂંજતુ નામ તો ક્રમશ: તેની ૨૫ વર્ષની વયથી બની ચૂક્યા હતા.

તેમણે તેમની કારકિર્દીમાં ૫૦૦૦૦થી વધુ ઈન્ટરવ્યુ લીધા હતા. રેડિયોના જમાનામાં બધા સ્ટેશનો તેમનો સ્ટાર આર જે (રેડિયો જોકી) સવારના ૮ થી ૧૧ બધા ઓફિસ જતા ડ્રાઈવ કરે ત્યારે લાઇવ રાખે. લેરી કિંગે માયામી રેડિયો સ્ટેશનને સૂઝાવ આપ્યો કે હું આખી રાત્રિ લાઈવ રેડિયો શૉ ચલાવું. શ્રોતાઓ જોડે સંવાદ સાધીશ. લેરી કિંગે શહેરને ઉજાગરા કરતું કરી દીધું. લેરી કિંગ મજાકમાં કહેતા કે ''હું રાતના જાગતા રહેતા ઘૂવડો માટે શો કરૂં છું.''

મૂળ ઓસ્ટ્રીયન માતા-પિતાના સંતાન એવા લેરી કિંગનું ખરું નામ લોરેન્સ હાર્વે ઝેઈગર હતું. તેઓએ લેરી ઝાઈગર તરીકે કારકિર્દીના ઘણા વર્ષો વીતાવ્યા હતા.તેમનું નામ લેરી કિંગ કઈ રીતે પડયું તે લેખમાં આગળ જોઈશું. તેમના માતા-પિતા બેલારૂસથી ૧૯૩૦ના દાયકામાં અમેરિકામાં શિફ્ટ થયા હતા.

લેરી કિંગ નવ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થયું હતું. લેરી કિંગે હાઈસ્કુલ સુધી અભ્યાસ કર્યો હતો. આમ પણ સાવ ગરીબ સ્થિતિ તેમાં પણ પિતાનું નિધન થતા માતા અને લેરીના બે ભાઈઓ સરકાર દ્વારા ચાલતી ઘેરબેઠા ભીક્ષા મળે તેવી વેલ્ફેર યોજના થકી ન્યુયોર્કની બૂ્રકલનની ઝૂંપડપટ્ટી જેવી વસાહતમાં ઉછેર પામ્યા.

લેરી કિંગને જન્મજાત રેડિયો અને ટીવીના કિંગ બનવાનું લખાયેલું હશે કેમ કે કંગાળોની વસાહતમાં કે તેઓ જ્યાં કચરા-પોતાં કરવા જતા હતા ત્યાં તે જમાના ખ્યાતનામ રેડિયો જોકી ગોડફ્રેને સાંભળીને તેના મગજમાં મક્કમ નિશ્ચય સાથે ધૂન સવાર થઇ ગઇ હતી કે આગળ જતા હું પણ રેડિયોની દુનિયામાં છવાઇ જઇશ. જો કે તે માટેની કોઇ તાલીમ, શિક્ષણ કે લાયકાત કેળવવાની હોય તેની તો ખબર જ ન હતી.

ન્યુયોર્કમાં તે 'સીબીએસ' રેડિયો સ્ટેશનની બહાર વિશેષ ઝાડૂ કામ કરતા અને ફરજ પરથી બહાર નીકળતા રેડિયો જોકી અને સ્ટાફને આજીજી કરતા કે ''મને સ્ટુડિયો અંદરથી જોવા દો ને. મારે રેડિયોમાં કામ કરવું છે.''

તેવામાં 'સીબીએસ'ના એક કર્મચારીએ તેને કહ્યું કે ''અહીં ન્યુયોર્કના કોઇ રેડિયો સ્ટેશનમાં તને તક નહીં મળે. ફ્લોરિડામાં માયામીમાં અત્યારે રેડિયો સ્ટેશનો વચ્ચે ભારે સ્પર્ધા જામી છે. નવા સ્ટેશન્સ પણ ખુલવાના છે.'' લેરી કિંગ માયામી પહોંચી ગયા. તે વખતે તેમની વય ૨૪ વર્ષની હતી. હાઇસ્કુલ સુધીનો અભ્યાસ તે જ તેમની લાયકાત અને અનુભવ ફર્શ પર કચરા-પોતા કરવાનો હતો.

રેડિયો સ્ટેશનની અંદરના આંદોલનો પામી શકાય તેથી માયામી બીચ વિસ્તારમાં અતિ લોકપ્રિય 'ડબલ્યુએમબીએમ' સ્ટેશનમાં સફાઇ કર્મચારી તરીકેની નોકરી લીધી. તે નિર્માતાઓનું અંગત કામ કરી આપતા. અવારનવાર કહેતા કે ''મને એક વાર અજમાવી જૂઓ.'' બધા તેના પ્રસ્તાવને હસી કાઢતા.

એક વખત એવું બન્યું કે સ્ટેશનના ઉદ્ઘોષક ટોમ બેયરે પગાર બાબતે કોઇ મતભેદ સર્જાતા રાજીનામુ આપી દીધું. આ ઉદ્ઘોષક (ડિસ્ક જોકી) સવારના ૯થી બપોરની શિફ્ટ સુધી કાર્યક્રમ શ્રોતાઓ માટે પીરસતો હતો. રેડિયો સ્ટેશનના જનરલ મેનેજર અચાનક ડિસ્ક જોકીના રાજીનામાથી મૂંઝાયા. શુક્રવારની સાંજ હતી અને શનિ-રવિની રજા બાદ સોમવારે સવારે ૯ વાગે નવા ઉદ્ઘોષક સાથે સવારના લાઇવ શો રજૂ કરવાનો. અચાનક જનરલ મેનેજરની નજરમાં લેરી ઝાઇગલર ચઢ્યો, જે સ્ટુડિયોનિ ટેબલ-ખુરશીની ધૂળ સાફ કરી રહ્યા હતા.

જનરલ મેનેજરે તેને ફટાફટ બોલાવીને કહ્યું કે સોમવારે સવારે નવ વાગે સ્ટુડિયોની ખુરશી પર માઇક્રોફોન નજીક બેસી જજે. તારે લાઇવ શો રજૂ કરવાનો છે.

સ્વપ્ન સમાન તક ન આવે ત્યારે આપણે ઝૂરતા હોઇએ પણ તે આવીને દ્વાર પર ઊભી રહે ત્યારે પરસેવો છૂટી જતો હોય છે. શનિ-રવિ દિવસ રાત લેરીએ જે કાર્યક્રમો સાંભળ્યા હતા  તેનું ઘેર જઇ રીહર્સલ કર્યું.

જનરલ મેનેજરને તો લેરી ઝાઇગરનું નામ પણ ખબર નહોતી. તેની રેડિયો જોકી બનવાની તીવ્ર તલબ હતી તેની તેમને ખબર હતી એટલે જ તો તેને આ રીતે ના છૂટકે આટલી મહત્વની જવાબદારી સાથે બેસાડ્યા.

જનરલ મેનેજરે કહ્યું કે ''શ્રોતાઓને તારી ઓળખ ઊભી કરવા નામ આપવું પડશે ? તારૂ નામ શું ?''

''લોરેન્સ ઉર્ફે લેરી ઝાઇગર'' લેરીએ કહ્યું.

જનરલ મેનેજર શો શરૂ થયાના કાઉન્ટ ડાઉન શરૂ થવાના હતા ત્યારે આવો પ્રશ્ન પૂછી રહ્યા હતા. જનરલ મેનેજરને લાગ્યું કે ઝાઇગર નામથી ઉદ્ઘોષક 'જ્યુ' છે તે શ્રોતાઓ જાણી જશે. તેઓ તેમ નહતા ઈચ્છતા. બરાબર આ જ પળે અખબારના પાના ફેરવી રહેલા જનરલ મેનેજરની નજર 'કિંગ' નામની મદ્યપાનની કંપનીની જાહેરાત ચઢી. જનરલ મેનેજરે ત્વરીત નિર્ણય લઇને સૂચના આપી કે ''આજથી તારૂ નામ લેરી કિંગ.. તારો શો એટલે લેરી કિંગ લાઇવ.''

લેરી કિંગને તો આ બધું શું બની રહ્યું હતું તે જ સમજાતું ન હતું. આટલી વાત થઇ અને સવારના નવના લાઇવ શો શરૂ થવા અગાઉ સ્ટુડિયોમા મ્યુઝિકની ડિસ્ક ધમધમવા માંડી. ફાઇવ.. ફોર.. થ્રી.. ટુ.. વન.. સ્ટાર્ટ... પણ લેરી કિંગ શું બોલે ?  તેના તો હોઠ જ બીડાઇ ગયા. ૧૫.. ૨૦.. ૩૦ સેકંડ વીતી ગઇ. લેરી કિંગના મોંમાંથી એક શબ્દ પણ નીકળી ન શક્યો. સાઉન્ડને ફરીને ફરી, ચારે મીનીટ રીપીટ કરવો પડયો.

જનરલ મેનેજરે સ્ટુડિયોમાં જઇને થોડા કડક અવાજ સાથે લેરીને કહ્યું કે ''તું કોમ્યુનિકેશનની દુનિયામાં છે.. જસ્ટ સ્ટાર્ટ.. કોમ્યુનિકેટ વીથ યોર લીસનર્સ .. લેરી કિંગ લાઈવ...''

લેરી કિંગે થોડી સ્વસ્થતા ધારણ કરી રેડિયો જોકી જેવી એનર્જી અને પ્રસન્નતા અવાજમાં ગોઠવવાનો પ્રયત્ન કરતા શ્રોતાઓને નિખાલસતાથી જણાવ્યું કે ''આ મારો પ્રથમ શો છે. હું તમારી સામે એમ જ તૈયારી વગર હાજર થયો છું. અને મારૂ નામ લેરી કિંગ પણ હમણા જ મળ્યું છે. અહીં ધરતીકંપ નથી થયો પણ મારા મોંમાંથી કોઇ શબ્દ જ નીકળી શકતા નથી. હું જે રીતે પણ કાર્યક્રમ આગળ ચલાવું મને સહન કરજો. આજે મારૂ સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે પણ મારી સ્થિતિ તમે સમજવાનો પ્રયત્ન કરજો.''

લેરી કિંગ વિદ્યાર્થીઓને પદવીદાન સમારંભ દરમ્યાન આ પ્રસંગ કહેતા અને ઉમેરતા કે ''તમે પ્રામાણિક બનો.. જેવા છો તેવી કબુલાત સાથે હાજર થાવ.'' લેરી કિંગ તેની આવી નિખાલસતાથી ભારે .... મેળવી શક્યા. તે પછી લેરી કિંગને ક્યારેય ભલભલા મહાનુભાવોની મુલાકાત, ઓચિંતા આવી પડેલા પડકારો વિચલીત નહોતા કરી શક્યા. તે દિવસથી લેરી કિંગના સેલિબ્રીટી બનવાના દ્વાર ખૂલ્યા. 

તે પછી તો બપોરની શિફ્ટમાં સ્પોર્ટસ સ્પેશ્યલ અને રેડિયો ઈન્ટરવ્યુ શો શરૂ કર્યા. તેમણે સેલિબ્રીટીની જગાએ કોમન મેનના ઈન્ટરવ્યુનો નવો ચીલો ચાતર્યો જેમાં રેસ્ટોરાના વેઈટર, સફાઈ કર્મચારી, બસ ડ્રાઈવર, ઓટો મિકેનિકનો પણ સમાવેશ થતો. વાલીઓની અને સંતાનોની વ્યથાને પણ સ્થાન મળતું. નેશનલ ફૂટબોલ લીગની કોમેન્ટરી દરમ્યાન માયામી ડોલ્ફિન્સ ટીમની મેચો તેના હિસ્સામાં આવતી.

આ તમામ કવરેજ દરમ્યાન તેના નિરીક્ષણોના લેખો પણ અખબારમાં પ્રકાશિત થવા માંડયા જોકે તેણે રેડિયો સ્ટેશન વધુ શ્રોતાઓ અને ઓફર મળતા આ દરમ્યાન બદલવાનું જારી રાખ્યું. લેરી કિંગ જે રેડિયો સ્ટેશન અને અખબારમાં જોડાય ત્યાં તેના વફાદાર ચાહકો આકર્ષાતા હતા.

૧૯૮૦ના દાયકાથી ફલોરિડાને આવરતા સ્ટેશનોની જગાએ ઈસ્ટ અને વેસ્ટ કોસ્ટને આવરતા એક કરતા વધુ શોમાં 'લેરી કિંગ શો' તરીકેનો કાર્યક્રમ રજૂ થવા માંડયો.

રોજ મધરાતથી પરોઢના ૫-૩૦ સુધી તેના લાઈવ શોનો પ્રથમકલાક કોઈ મહેમાનના ઈન્ટરવ્યુના હોય. પરોઢે ૩ વાગે 'ફોન ઈન' કાર્યક્રમે ધૂમ મચાવી. ૧૯૯૪ સુધી આ રીતે રેડિયો શો, અખબારના લેખો, પુસ્તક પ્રકાશન થકી લેરી કિંગ ખુદ એક બ્રાન્ડ બની ગયા હતા.

દરમ્યાન સીએન એન જોડે ૧૯૮૫થી, 'લેરી કિંગ લાઈવ' કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો હતો. રાત્રે ૯ થી ૧૦ તે સીએનએન માટે લાઈવ ઈન્ટરવ્યુ કરે અને ત્યાંથી અમેરિકાના મોટાભાગના શહેરોમાં આખી રાત્રિ બ્રોડકાસ્ટ થતા રેડિયો શો માટે મ્યુચ્યુલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમના સ્ટુડિયો પર જતા.

લેરી કિંગે એવી શૈલી વિકસાવી કે તે જે સેલિબ્રીટીનો ઈન્ટરવ્યુ લે તેમાં કંઈક એવી વાત બહાર લાવવાની કે જે સીએનએનના બ્રેકિંગ ન્યૂઝ બને. ઉદાહરણ તરીકે ૧૯૯૨માં અમેરિકાના ધનકુબેર રોસ પેરોટે તે પ્રમુખ તરીકેની ચૂંટણીમાં ઉભા રહેવા માંગે છે તેની જાહેરાત જ 'લેરી કિંગ લાઈવ' શો દરમ્યાન કરી હતી. અભિનેત્રી પેરિસ હિલ્ટન ટ્રાફિકના નિયમોના ભંગ બદલ જેલ ગઈ હતી. જેલમાંથી બહાર નીકળતા સીધી જ લેરી કિંગ તેમને સ્ટુડિયો લઈ આવ્યા અને ઈન્ટરવ્યુ કર્યો કે જેલ કેવી હતી ?

ઉડતી રકાબીની વાત જામી તે સાથે જ તે જેણે જોઈ તેવો દાવો કરનારને ઈન્ટરવ્યુ કરી બતાવે.

અમેરિકાના એકપણ પ્રમુખ, સેલિબ્રિટી, ખેલાડી, ટેકનોક્રેટ, ધાર્મિક આગેવાનો, વિવાદાસ્પદ વ્યક્તિ, ગુનેગાર, કોર્ટ ટ્રાયલ, કૌભાંડોના સર્જક... યુ નેમ ઈટ... તેના ઈન્ટરવ્યુમાં ભાગ લેવા રીતસરનું 'લોબિઈંગ કરતા હતા. અમેરિકા પણ પ્રવાસે આવતા મહાનુભાવો લેરી કિંગનો શોમાં સેટિંગ કરી લેતા હતા. એક જ નેટવર્ક (સીએનએન) એક જ સમયે લાઈવ કાર્યક્રમનો સ્લોટના ૬૦૦૦ એપિસોડ કરવાનો તેનો ગિનેસ બુકનો વર્લ્ડ રેકોર્ડ છે.

'ગોડ ફાધર' ફેઈમ માર્લોન બ્રાન્ડો અજ્ઞાાતમાં જ રહેતા ત્યારે લેરી કિંગે તેમને ઈન્ટરવ્યુ આપવા માટે તૈયાર કરી, માર્લોન બ્રાન્ડોએ શરત મૂકી કે લોસ એંજલસના બેવરલી હિલ્સ સ્થિત મારા નિવાસ સ્થાને લાઈવ માટે આપવું પડશે. સીએનએનએ ખાસ આ માટે નેટવર્ક ગોઠવ્યું. સ્ટુડિયો ઉભો કર્યો. માર્લોન બ્રાન્ડો એવા તો ખીલ્યા કે ટેબલ પર આંગળીઓ પછાડી ગીતો ગાવા માંડયા. હદ તો ત્યારે થઈ જ્યારે માર્લોન બ્રાન્ડો અને લેરી કિંગે હોઠ પર સામસામે મોં રાખીને કિસ કરી. આ દ્રશ્ય જીવંત દંતકથા બની ગયું.

લેરી કિંગે ૨૦૧૦માં સીએનએનથી વિદાય લીધી ત્યારે ગુડબાય કહેવા કરતા તમે મને આટલા વર્ષો પ્રેમ કર્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો.

સીએનએન ચેનલે તેના માનમાં તેની જગાએ બીજા કોઈ હોસ્ટને લઈને આવો લાઈવ શો જાહેર નથી કર્યો.

અંગત જીવનમાં લેરી કિંગે છ પત્નીને છૂટાછેડા આપ્યા હતા. આ ઉપરાંત એક પત્નીની જોડે બે વખત લગ્ન કર્યા અને છૂટાછેડા આપ્યા. તે જે પણ કમાતા તે હોર્સ રેસિંગમાં હારી જતાં તેથી બે વખત નાદાર જાહેર થયા હતા.

૧૯૮૭માં તેમને ઓપન હાર્ટ સર્જરી કરી તે પછી ૧૦ વર્ષે ફરી પ્રોસિજર કરાવવી પડી. તેમને છેલ્લા ત્રણેક વર્ષથી પ્રથમ સ્ટેજનું લંગ કેન્સર પણ હતું.

૧૯૮૭ પછી જે વ્યસ્તતાથી તેમણે બીજા ૩૩ વર્ષ કાર્ય કર્યું તેનું તબીબી જગત ઉદાહરણ આપે છે. આ માટે તેના પોતાના ઈન્ટરવ્યુ પણ થયા.

લેરી કિંગે કહ્યું કે ૧૯૮૭ બાદ મારી જીવનશૈલી, આદતો, વ્યસનથી મુક્ત થયો. લેરી કિંગને 'કિંગ' નામ અજાણતા અને આકસ્મિક જ મળ્યું હતું પણ બ્રોડકાસ્ટિંગ જગતના 'કિંગ' તરીકે જ તેઓ કાયમ યાદ રખાશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cC4xpk
Previous
Next Post »