મો સમનો મિજાજ જેટલો ભારતવર્ષમાં છે એવો દુનિયામાં ક્યાંય નથી. અહીં દરેક ઋતુને મનભર માણી શકાય એટલો સમય કુદરતે આપ્યો છે, જે અન્ય દેશોમાં નથી. અહીં શિયાળાનો ઠાઠ, ઉનાળાનો ઉપભોગ અને વર્ષાનો ઉન્માદ ધરાઈને માણી શકાય છે. અને એટલે જ આપણે ત્યાં ઋતુઓની રાણી વર્ષાઋતુ અને ઋતુઓનો રાજા વસંતઋતુ ગણાય છે.
ખરેખર વસંતઋતુ આપણને અદ્ભૂત અને અવર્ણનીય ઉપદેશ આપે છે. વસંત એટલે આશા, વસંત એટલે વિશ્વાસ અને વસંત એટલે આપણા હોવાપણાનો અહેસાસ ખરતા પર્ણો જોઈને કોઈ ઝાડે ફરિયાદ નથી કરી કે નથી કોઈ તણખલું રીસાઈ ગયું છે. કેમકે આ બંનેને વસંતના વધામણાની તાલાવેલી હોય છે. એમને વિશ્વાસ છે કે પાનખર પછી વસંત આવવાની જ છે.
ચેતન-જડ સૌમાં નવજીવનની સંચાર કરે છે આ વસંતઋતુ પરોક્ષ રીતે માનવને સુખઃદુખ અને ચડતી-પડતી જીવનનો એક ભાગ છે એમ શીખવે છે. માણસે પેલા વૃક્ષની જેમ દુઃખ આવે કે પડતી આવે ત્યારે કુદરતને ફરિયાદ કરવાની નથી હોતી બલ્કે સપનાના સૂર્યોદયની રાહ જોવાની હોય છે. માણસે કોઈ દિવસ આશા ન છોડવી જોઈએ. રાતે ઉંઘમાં જોવાતા સપના તો સવારે ઊડી જાય છે, પણ ઊઘાડી આંખના સપનાને પકડી રાખવા અને પૂરા કરવા વસંતઋતુના મિજાજને પકડી રાખવો પડશે. પ્રતિક્ષા અને પ્રતિજ્ઞાા બંનેનો સુભગ સમન્વય છે વસંતમાં.
વસંતના આગમન ટાણે આપણે જોઈએ છીએ કે આખી વનરાજીનું જોબનિયું હિલોળે ચઢે છે. આ જોબનિયું જોતી વખતે માનવીનું મન પણ ચગડોળે ચઢતું હોય છે. વનરાજીના વસંત પ્રત્યેના ઉત્કટ પ્રેમ બાબતે પુરૂષોત્તમ ઉપાધ્યાયે સુંદર ગાયેલું છે.
મધમધની મંજરીની કાયા બદલાઈ સાંભળીને વેણું વસંતની.
પાન પાન ડાળડાળ ઝૂમી ઊઠયાને ઝૂમે.. રે આખું ઉપવન.
લીલેરા પાન સંગ, ગાતા ગુલમ્હોર. લ્હાણી કરે છે સુગંધની.
વસંતઋુતુ આપણા હૃદયના ઉલ્લાસ ઉમંગ અને ઉત્સાહને અખંડ રાખવાનું કહે છે. કુદરતનો પરમચૈતન્યનો જો કોઈ નિક્ટતાથી પરિચય કરાવતું હોય તો એ છે આપણી આ વસંતઋતું. એટલે જ ભગવાન કૃષ્ણએ હું ઋતુઓમાં વસંત છુ એમ ગીતામાં કહ્યું છે.
તથા વસંતપંચમીએ આપણે જ્ઞાાનની અધિષ્ઠાત્રી દેવી માતા સરસ્વતી મા શારદાની આરાધના કરીએ છીએ. છેવટે તો જીવનમાં વસંત લાવવા માં શારદા જ કામ લાગે છે. તમારા જીવનમાં માત્ર લક્ષ્મી જ હોય પણ જ્ઞાાન કે ડહાપણ એટલે કે સરસ્વતી જ નહી હોય તો માત્ર લક્ષ્મી જ નહીં, તમે પોતે જ ખોવાઈ જશો ને વસંતઋતુની જેમ મ્હોરી નહીં શકો. માનવજીવનમાં પાનખર જેવું કશું હોતું જ નથી. માત્ર જ્ઞાાનના અભાવે આ સંસારરૂપી ભવસાગરમાં રહેલા ભાવસાગરની ઓળખ નથી થતી. જેને પોતાના અજ્ઞાાનનું જ્ઞાાન થાય છે એનામાં જ વસંત બેસતી હોય છે. બાકી મેકઅપ કરીને શરીરને સજાવી-ધજાવી શક્શો, મનને નહિં.
મનને શણગારવા ઋતુઓ આપણી વહારે આવે છે. ખરવું અને ખિલવું એ ઋતુઓનો સ્વભાવ છે. આપણા મનમાંથી આપણે શું ખંખેરવું ને શું ખીલવવું એ વસંતઋતુમાંથી શીખવા જેવું છે. માણસ પણ કુદરતનું સર્જન છે. તેથી માણસમાં પણ શિયાળો, ઉનાળોને ચોમાસું બેસતું હોય છે. માણસ ક્યારે ગરમ થાય, ઠંડો થાય કે ભીંજાય કે પલળે એનું કાંઈ નક્કી નહીં.
વસંતના વૈભવનો જેને પરીચય થઈ જાય છે એવો વ્યક્તિ જ બીજાના જીવનમાં વસંત છાંટી શકે છે. ભણતા હતા ત્યારે કશી ગતાગમ વગર નિબંધમાં માર્કસ લાવવા વસંતનો વૈભવ ગોખી મારતા હતા. આજે પ્રત્યક્ષ અનુભવ થયો છે. વસંતે કાનમાં ઘણું બધું કહ્યું છે, સાંભળ્યું છે, અનુભવ્યું છે તોય આપણે હકારાત્મક ના બનીએ તો આપણી વસંતનો ભેટો કદાપી નહીં થાય. આપણી વસંત આપણામાં જ ખોળવાની છે. અંતમાં ફરી વસંતનું ગીત સાંભળીએ.
।। વાસંતી વાયરા વાયા, સંદેશ કોઈ લાવ્યા ।।
।। કે મન મારું નાચે- રૂમક ઝૂમ ઝૂમ ।।
- અંજના રાવલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pynFau
ConversionConversion EmoticonEmoticon