દેહને રાગદશાથી જોશો તો એ મોહમાર્ગ બનશે...દેહને વિરાગદશાથી જોશો તો એ મોક્ષમાર્ગ બનશે...

- ચમકી ગયેલ મૃણાલિની એ સ્વાર્થી વિચાર કર્યો કે માલવમાં તો મુંજ અનેક રાણીઓ વચ્ચે મને ભૂલી જશે. એ અહીં કેદમાં જ રહે તો મારું ઇષ્ટ થાય. 


સોફાસેટ હો કે પલંગ હો ઃ એ બરાબર વ્યવસ્થિત ટકી શકે એ માટે એને ચાર પાયા હોવા જરૂરી છે. સોફા યા પલંગના જો એનો ચારમાંથી એક પાયો ખંડિત-તૂટેલો હોય તો ન પલંગ સલામત ટકી શકે, ન એના પર બેસનાર વ્યક્તિ. અરે ? માર્ગ પર દોડતી 'કાર' પણ જો એના ચાર 'ટાયર' સહીસલામત હોય તો જ પૂરવેગે દોડી શકે છે. જો એનું એક પણ 'ટાયર'ન હોય કે હવા વિનાનું હોય તો તે 'કાર' એક તસુ ય આગળ વધી શકે નહિ.

સોફાસેટ-પલંગ યા 'કાર'ને જે વાત લાગુ પડે છે એ જ વાત સંસારને ય લાગુ પડે છે. દરેક જીવનો સંસાર-ભવપરંપરા અણથક-અવિરત ચાલ્યા જ કરે છે એનાં કારણ છે સંસારના ચાર મજબૂત પાયા અથવા 'ટાયર'. એનાં નામ છે કામિની- કાયા-કુટુંબ અને કંચન. આ ચાર બાબતો પરની તીવ્ર આસક્તિ- મોહદશાનાં કારણે જીવોની ભવપરંપરા અનવરત ચાલ્યા કરે છે અરે ? જ્યાં કામિની- કુટુંબ-કંચન સાથેનો કોઈ સીધો સંબંધ દેખાતો નથી તેવા એકેન્દ્રિયાદિ ભવોમાં અવ્યક્ત મૈથુનસંજ્ઞાાદિરૂપે એ આસક્તિ બરકરાર રહેતી હોય છે. જે કલ્યાણકામી આત્માએ ભવપરંપરાનો અંત લાવવો હોય એણે પૂર્વોક્ત ચાર બાબતોની આસક્તિ તોડવાનો સમ્યક્ સમજભર્યો પુરુષાર્થ કરવો જ જોઈએ.

આપણે જે ગ્રન્થના આધારે વૈરાગ્યભરી ચિંતનયાત્રા કરી રહ્યા છીએ તે'અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રન્થના કર્તા આ ચારે ય બાબતોની આસક્તિ ખતમ કરી શકાય તેવી પ્રબળ વિચારધારા હવેના અધિકારો દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. બીજા-ત્રીજા અને ચોથા અધિકારમાં આ વિચારણા હૈયાંસોંસરવી ઉતરી જાય તેવી તીવ્રતાથી રજૂ થઈ છે. તે પૈકી આપણે હવે વિચારવિહાર કરવાનો છે દ્વિતીય અધિકાર પર.આ અધિકારમાં સ્ત્રી પ્રત્યેની (ઉપલક્ષણથી વિજાતીય પ્રત્યેની) મમતા-આસક્તિ ત્યાગવાનો ઉપદેશ છે. તો એમાં જ અંતર્ગતરૂપે રજૂ થયેલી દેહની અશુચિમયતા દ્વારા કાયાની મમતા ત્યાગવાનો ય નિર્દેશ છે.

એક ખાસ સ્પષ્ટતા કે પુરુષની સરખામણીએ સ્ત્રીમાં રૂપસૌંદર્ય-મોહક વાણી વિલાસ આકર્ષક દેહ છટા પ્રચૂર પ્રમાણમાં હોવાથી, ગ્રન્થકારે આ અધિકારમાં સ્ત્રીમમત્વત્યાગ માટે ક્યાંક કડક શબ્દપ્રયોગ પણ કર્યા છે. પરંતુ એનો આશય સ્ત્રીસૌંદર્ય પ્રત્યે વૈરાગ્ય દૃષ્ટિ વિકસ્વર કરવાનો જ છે, સ્ત્રીવર્ગ પ્રત્યે તિરસ્કારનો હરગિજ નથી. એટલે જ શાસ્ત્રોમાં ઠેર ઠેર એવા ઉલ્લેખો પણ મળે છે કે જેમાં સ્ત્રીઓ પ્રત્યે આદરભાવ- ગૌરવ પુરસ્કૃત થાય. જેમકે ચોવીશે ય જૈન તીર્થકર ભગવંતોનાં ધર્મશાસનની વિગતોમાં લગભગ એવા ઉલ્લેખો મળે છે. જેમાં શ્રમણોની- સાધુઓની સંખ્યા કરતાં શ્રમણીઓની- સાધ્વીજીની સંખ્યા અધિક હોય અને બાર વ્રતધારી શ્રાવકોની-પુરુષોની સંખ્યા કરતાં શ્રાવિકાઓની-સ્ત્રીઓની સંખ્યા અધિક હોય. આ ઉલ્લેખો દ્વારા સ્ત્રીઓ માટે એ ગૌરવપ્રદ નિર્દેશ મળે છે કે ધર્મઆરાધનામાં તેઓનું પ્રમાણ વિપુલ હોય છે. આ ઉપરાંત શાસ્ત્રો તીર્થકરપ્રભુની માતા માટે 'રત્નકુક્ષી' જેવા શબ્દપ્રયોગની નવાજેશ કરે છે, તો એજ શાસ્ત્રો પ્રભાતની પ્રતિક્રમણારાધનાની 'ભરહેસર' સજઝાયમાં મહાપુરુષોની સાથેસાથ મહાન સ્ત્રીઓનો ય સિલસિલાબદ્ધ ઉલ્લેખ કરે છે. આવા આવા ઉલ્લેખો એ પુરવાર કરે છે કે જૈન શાસ્ત્રો તે તે ગુણવત્તા-વિશેષતાઓના આધારે સ્ત્રીવર્ગનો પણ ચોક્કસ સમાદર કરે છે. આટલી સ્પષ્ટતા સાથે હવે આપણે વિચારીશું સ્ત્રીમમત્વત્યાગાધિકારના કેટલાક વિચારસ્ફુલિંગો.

સામાન્યપણે પદ્ધતિ આ નિહાળાય છે કે પહેલા બે વિજાતીય પાત્રો વચ્ચે મનનાં સ્તરે અવ્યક્ત પ્રણય પાંગરે, પછી એ વચનનાં સ્તરે વ્યક્ત થાય અને અંતે એ તનનાં સ્તરે પ્રવૃત્તિરૂપે પરિણમે. આમાં મનનાં સ્તરે સ્થિતિ હમણાં જણાવ્યું તેમ લગભગ અવ્યક્ત હોય છે. પરંતુ જ્યારે એ વચનનાં સ્તરે વ્યક્ત થાય ત્યારે એમાં સ્ત્રીની ભૂમિકા બહુ પ્રબળ અને મદહોશ કરી દે તેવી હોય છે. ગ્રન્થકારે એથી જ આ અધિકારના પ્રથમ શ્લોકમાં 'પ્રણયચારુગિરાસુ પ્રણયિનીષુ' શબ્દપ્રયોગ કર્યો છે. મતલબ કે પ્રણયની અવસ્થાએ રૂપસુંદરી સ્ત્રીઓનાં વચનકટાક્ષ એવાં કાતિલ હોય છે કે ભલભલા બુદ્ધિમાન વિવેકી પુરુષોનાં હૈયાં વિંધાઈ જાય અને એ તે ક્ષણોમાં બુદ્ધિ ભ્રષ્ટ-વિવેક ભ્રષ્ટ થઈને વર્તે. મોહ-મૂઢતા ત્યારે એ પુરુષનો પરિચયપર્યાય બની જાય.

 અરે ! આ તો આગામી ભવોનાં નુકસાનોની વાત થઈ. પરંતુ જો આ જન્મમાં ય વ્યક્તિ કારમી કામલાલસાવશ લગ્નબાહ્ય સંબંધો-પ્રણ્યત્રિકોણ જેવા સંબંધોમાં તણાય તો ઘણીવાર કલ્પનાબહારની પીડા-પ્રતારણા-પ્રાણાંત કષ્ટોમાં ફસાય. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો માલવપતિ મહારાજા મુંજની આ કરુણ દાસ્તાન ઃ

માલવદેશના વિશાલ સામ્રાજ્યનો સર્વસત્તાધીશ રાજા મુંજ જેવો રસિક હતો એવો જ શૂરવીર હતો. આ શૂરવીરતાનાં કારણે જ એણે સીમાવર્તી તૈલંગદેશના રાજા તૈલપને રણસંગ્રામમાં એક વાર નહિ, છ-છ વાર હરાવ્યો હતો. પરંતુ સ્વભાવની ઉદારતા-ભોળપણનાં કારણે એણે દરેક વિજ્ય પછી તૈલપને માફ કરી જીવતો જવા દીધો હતો. આ જ ઉદારતા મુંજને ભારે પડી ગઈ. સાતમીવારના યુદ્ધમાં મુંજ હારી ગયો અને તૈલપનાં સૈન્યના હાથમાં જીવતો પકડાયો ત્યારે તૈલપે કોઈ જ ઉદારતા દાખવ્યા વિના મુંજને રાજ કેદી બનાવી પોતાની સાથે લીધો અને કેદમાં એના પર કડક દેખરેખ રાખવાનું કાર્ય પોતાની સગી બહેન મૃણાલિનીને સુપરત કર્યું.

મુંજ ત્યારે ભલે રાજકેદી હતો. પરંતુ આખર એ રૂપમઢી દેહયષ્ટિ અને છટાદાર વ્યક્તિત્વ ધરાવતો હતો. અધૂરામાં પુરું એ શૃંગારરસમાં-સાહિત્યમાં નિષ્ણાત હતો. તો સામે પક્ષે મૃણાલિની બાળવિધવા હોવાથી પતિસુખ પામી ન હતી. કેદના એકાંતમાં બન્ને એકમેકના પ્રેમમાં-વાસનામાં લપેટાયા અને અંતે બધી મર્યાદા ઓળંગી ગયા. મૃણાલિનીના એકેક કટાક્ષવચન અને અંગભંગિમા પર મુંજ એ હદે ફિદા હતો કે પોતે માલવસમ્રાટ છે અને કેદમાંથી મુક્તિ પોતાનો પ્રથમ અગ્રતાક્રમ છે એ પણ એ વીસરી ગયો. મુંજની ગેરહાજરીમાં માલવસામ્રાજ્ય સંભાળતા મુંજના ભત્રીજા રાજાભોજે ઠેક કેદખાના સુધીની ગુપ્ત સુરંગ બનાવી મુંજને સહીસલામત ભગાવવાનો તખ્તો તૈયાર કર્યો ત્યારે મુંજને ખ્યાલ આવ્યો કે મારે અહીંથી વિદાય થવાનું છે. પણ રે બદનસીબ ! મૃણાલિનીનાં રૂપમાં-મીઠાં મદહોશ વચનોમાં આસક્ત રાજા મુંજે એ ગુપ્તવાત કહી દીધી અને પોતાની સાથે માલવ આવી જવાનો પ્રસ્તાવ મૃણાલિની સમક્ષ રજૂ કર્યો.

ચમકી ગયેલ મૃણાલિની એ સ્વાર્થી વિચાર કર્યો કે માલવમાં તો મુંજ અનેક રાણીઓ વચ્ચે મને ભૂલી જશે. એ અહીં કેદમાં જ રહે તો મારું ઇષ્ટ થાય. એણે અલંકારપેટી લઈ આવવાનો ગલત-વાયદો કરી રાજા તૈલપને આ કાવતરાના સમાચાર તત્કાલ આપ્યા. એનું પરિણામ એવું ભયંકર આવ્યું કે મુંજ અને મૃણાલિની, બન્નેમાંથી કોઈ કલ્પના ન કરી શકે. ક્રોધાંધ બની ગયેલ રાજા તૈલપે મુંજના હાથ-પગમાં જંઝીર પહેરાવી મુંજને પોતાની રાજધાનીમાં ઘરે ઘરે ભીખ મંગાવી પૂરેપૂરો અપમાનિત કર્યો. પૂરા સાત દિવસ આ રીતે ભીખ માંગવી અંતે મુજને હાથીના પગ નીચે કચડીને મારી નંખાવ્યો ! એ સાત દિવસની ભીખ દરમ્યાન કવિહૃદયી મુંજે સ્ત્રીલોલુપતાવશ પોતે કરેલી મૂર્ખતાને અલગ અલગ કાવ્યપંક્તિમાં હૈયું હચમચાવે તે રીતે રજૂ કરી હતી. આપણે એમાંની માત્ર એક કાવ્યપંક્તિ જોઈએ. મુંજરાજ એમાં જણાવે છે કે ઃ

ઇત્થીપસંગ મત કો કરો, થીય વિલાસ દુઃખપુંજ,

ઘર ઘર જિણે નચાવીયો, જિમ મક્કડ તિમ મુંજ.

સ્ત્રીનાં બાહ્ય રૂપસૌંદર્ય પર લોલુપ થઈને લગ્નબાહ્ય સમાજનિષિધ્ધ સંબંધોમાં તણાયા દ્વારા જીવનને તબાહ કરી નાંખવા તૈયાર અવિવેકી યુવાનો માટે આ ઘટના આંખ ઊઘાડી દે એવી છે. આવો, વિજાતીય માત્ર પ્રત્યે દૈહિક આકર્ષણથી મુક્ત થવા યાદ રાખીએ આપણે આ પ્રેરણાસૂત્ર કે ઃ 'દેહને રાગદશાથી જોશો તો એ મોહમાર્ગ બને... દેહને વૈરાગ્યદશાથી જોશો તો એ મોક્ષમાર્ગ બને.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k0S1kI
Previous
Next Post »