ઠાસરાના ટાવર વિસ્તારમાં રોડના ધીમા કામને લઇને લોકોને હાલાકી


ઠાસરા, તા.3 ફેબ્રુઆરી 2021, બુધવાર

ઠાસરા નગરપાલિકા દ્વારા અઠવાડિયાથી આરંભાયેલા નગરના મુખ્ય માર્ગોમું સમારકામ પૂરું ન થતાં લોકોએ ત્રાસ ભોગવવાનો વારો આવ્યો છે. ઠાસરા શહેરના કેન્દ્ર સમાન ટાવર વિસ્તારમાં ખોદકામને લીધે સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. બાઈક કે ગાડી તો શું અત્યારે અહીંથી સાઈકલ પણ પસાર થઈ શકતી ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા રોડના ખોદકામને લીધે નગરજનોએ હાલાકી ભોગવવી પડી રહી છે. ટાવરથી પરબડી સુધીનો રસ્તો ખોદેલો હોવાથી લોકોનો કારોબાર અટકી ગયો હોવાની બૂમરાણ સ્થાનિકોમાં મચી છે. ઉપરથી સમારકામ સાવ મંથરગતિએ ચાલતું હોવાથી આ મુખ્ય વિસ્તારમાંથી વાહનો પસાર ન થઈ શકતાં હોવાની ફરિયાદ પણ ઊઠી છે. ટાવરથી મેઈન બજાર, જુમ્મા મસ્જિદ થઈ પરબડી સુધી જતો  રસ્તો જેસીબી મશીનથી ખોદી કઢાયો છે. આ સમારકામમાં પાઈપલાઈમાં ભંગાણ કરવાને લીધે ઠેરઠેર પાણીની રેલમછેલ પણ જોવા મળે છે. અઠવાડિયું થઈ ગયું હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂરું કરવામાં આવ્યું ન હોવાથી રોષની લાગણી ભડકી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oMXH2A
Previous
Next Post »