પૂ રી જિંદગી જેમ એકના એક માણસથી માણસ કંટાળી જતો હોય છે, એકના એક બિબાઢાળ નોકરીથી પણ ઉબાઈ જવાતું હોય છે. ઘણું બધું આખી જિંદગી એકના એક બહુ બધું કરતો હોય છે માણસ. આ બધું એકના એક કર્યા રાખવું એ એની મજબૂરી કરતા જવાબદારી વધારે છે ? તમે તમારી જાતને પૂછશો તો પણ આ એકના એકનું લિસ્ટ તમને કાનમાં સંભળાશે. તો હવે કરવું શું ? મજા નથી આવતી તો પણ આ બધું એકના એક કરવું પડે છે. મને કે કમને કરવું તો પડે જ છે. તો પછી આનો ઉપાય શો ?
આનો જવાબ છે પરિવર્તન. બદલાવ. રોજિંદી એકના એક જિંદગીથી માણસ કંટાળી જાય એ સ્વાભાવિક છે. આ કંટાળાને દૂર કરવા થોડાક બદલાવ જિંદગીમાં જરૂરી થઈ પડે છે આ બદલાવ એટલે રોજ જે કરીએ છીએ એ ન કરીને કંઈક જુદું જ કરીએ. માણસ બીપી લૉ થાય તો દવાખાને જાય પણ મન લૉ થાય તો ??
અને એટલે જ કદાચ આપણે નોકરી- ધંધામાં રજાનો અવકાશ રાખીએ છીએ. મોટા ભાગે રવિવાર જલોકો વધુ પસંદ કરે છે. રજા વગર મજા નથી એવું લોકોને ખબર હોય છે, પણ રજામાં મજા કરતા મોટાભાગના લોકોને નથી આવડતું. સોમથી શનિ બીઝી રહીને જે માનસિક તણાવ મહેસુસ કરીએ છીએ એને દૂર કરીને તાજામાજા થવા જ આપણને રવિવાર મળે છે? સોમવારે નોકરી કે ધંધે જવાના નિસાસા ન પડે એટલે જ આ રવિવારે એવું કશુંક જાતમાં ઉમેરવાનું હોય છે. આપણા મગજની બેટરી ફૂલ થઈ જાય ને પાંચ દિવસ ચાલે આમ જોવા જઈએ તો રવિવાર એટલે ચાર્જર. મોબાઇલની જેમ ચાર્જ થઈને આપણે આપણો ઉપયોગ કરવાનો માણસે પોતાનો ઉપયોગ ક્યાં કેમ કરવો એ પણ શીખવું જરૂરી છે.
આપણો રવીવાર કે રજા એની મેળે ચાર્જ નથી થતાં. આપણા રવિવારને આપણે ચાર્જ કરવાનો છે. ચિંતન અને મનન આ બે મોટા ઉપકરણ છે. જાતને રિચાર્જ કરવાના રવિવારે થોડા ખાલી થઈ જવાનું હોય છે અને સાથોસાથ વધારે ભરાઈ જવાનું હોય છે. શું ખાલી કરવું ને શું ભરવું એની ગતાગમ જો માણસને ન પડે તો એનું માનવ હોવું પશુ જેવું જ કહેવાય. માત્ર ઢોરઢાંખરને જ આ ખબર નથી પડતી.
આપણે ત્યાં મોટે ભાગે રવિવારને રિચાર્જ કરવા આપણે બાગ-બગીચા, પ્રવાસ- પર્યટન, ગીત- સંગીત- ફિલ્મ તથા સગા-વહાલાની મુલાકાતે જઈએ છીએ. 'ક્યાંક જવાનો આનંદ ચહેરા ઉપર છલકતો હોય છે, ક્યાંક ફરીને આવ્યાની લાલિમા વળી કંઈક જુદી જ હોય છે. ઘણા બધા લોકો... હાશ આજે નોકરી નથી જવાનું એના આનંદમાં રવિવારે રોજના કરતા વહેલા ઉઠતા હોય છે ને કેટલાક આરામથી ઘોરતા હોય છે.'
કહેવાનો મતલબ રવિવારને ચાર્જર કહેવું હોય તો કહી શકાય. આ ચાર્જર એટલે માણસ ખુદ પોતે. પોતાના આનંદમાં મહત્તમ વધારો થાય એવું નવીન માણસે કરવું જોઈએ. નાના બાળક સાથે રમવું એની સાથે રમતા રમતા બાળક બની પોતાના બાળપણને વાગોળવું પોતાના પરિવારને ભરપુર સમય આપવો સાથે બેસીને એકબીજાની ખટ્ટીમીઠ્ઠી ફરિયાદો તથા યાદોની વહેંચણી કરવી, થોડા ગાંડા કાઢવા, થોડું રડી લેવું, થોડોક મનનો ઉભરો ઠાલવવો, સોરી અને થેન્ક્યુ બોલવું બધા સાથે મળીને ખિલખિલાટ હસી લેવું ઘણાય રસ્તા છે. જાતને રિ-ચાર્જ કરવાના. રવિવાર કે રજાનો સદ્ઉપયોગ કરવો એની કળા જેને હસ્તગત હોય છે ેતે સદાય આનંદમાં રહેતા શીખી જાય છે ? જે છે તે આ આનંદ જ છે. જીવનમાં જો આનંદ જ ગાયબ થઈ જશે તો માત્ર રવીવારની નહી આખા જીવતરની મજા બગડી જતી હોય છે. મોબાઇલ જેવા માણસમાં ચાર્જર અંદર જ છે. આ ચાર્જર જેને જડી જાય એની જય.ળ
- અંજના રાવલ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Mvzelr
ConversionConversion EmoticonEmoticon