'કેન્સર' નામ કઇ રીતે પડયું?

- કેન્સર સામેના યુદ્ધમાં જીતવા માટે ફક્ત સમયસર સારવાર કે દવા જ નહીં અન્ય કેટલાક પરિબળો પણ ખૂબ જ મહત્વની કામગીરી અદા કરે છે. જેમાં સૌથી મોટું પરિબળ હકારાત્મક મિજાજ છે

- 4 ફેબ્રુઆરી : કેન્સર ડે


કે ન્સર ખૂબ જ મર્યાદિત શક્તિ ધરાવે છે...

 તે પ્રેમને પાંગળો બનાવી શકતું નથી.

 તે આશાને ધ્વસ્ત કરી શકતું નથી.

 તે વિશ્વાસને ડગાવી શકતું નથી.

 તે શાંતિને ડહોળાવી શકતું નથી.

 તે મિત્રતાને તોડવામાં નિષ્ફળ રહે છે.

 તે યાદોને કચડી શકતું નથી.

 તે હિંમતને હંફાવી શકતું નથી.

 તે આત્મા પર આક્રમણ કરી શકતું નથી.

 તે શાશ્વત જીવનને ચોરી શકતું નથી.

 તે આપણા જુસ્સા સામે જીતી શકતું નથી. 

કેન્સર શું નથી કરી શકતું તે અંગે એક અંગ્રેજીમાં અજ્ઞાાાત કવિની રચનાનો આ ભાવાનુવાદ છે. કોઇપણ વ્યક્તિ ગમે તેટલી મજબૂત કેમ ન હો ડોક્ટર તેને જ્યારે એમ કહે કે, 'તમારા કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ છે...'ત્યારે તે થોડી ક્ષણો માટે માનસિક રીતે ચોક્કસ ભાંગી પડે છે.આ સમયે તે સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજા મુકરર થઇ ગયા બાદ જીવન જીવવા માટે 'રાષ્ટ્રપતિ' દયાની અરજી મંજૂર કરશે કે કેમ તેની રાહ જોતા કેદી જેવું અનુભવવા લાગે છે. 

વાત એમ છે કે, ૪ ફેબ્રુઆરીની ઉજવણી 'કેન્સર ડે' તરીકે કરવામાં આવે છે, જેમાં આ વર્ષની થીમ 'આઇ એમ એન્ડ આઇ વિલ' છે. કેન્સરનું નામ કઇ રીતે અને કોના દ્વારા પાડવામાં આવ્યું તે પાછળનો ઈતિહાસ રસપ્રદ છે. ઈ.સ.પૂર્વે ૪૬૦-૩૭૦માં ગ્રીસમાં હિપ્પોક્રેટ્સ નામના તબીબ હતા. ચિકિત્સા વિજ્ઞાાાનના પિતામહ એવા હિપ્પોક્રેટ્સ પાસે નોન અલ્સર ફોર્મિંગ ટયુમર અને અલ્સર ફોર્મિંગ ટયુમરના દર્દીઓ આવતા. હિપ્પોક્રેટ્સના ધ્યાનમાં આવ્યું કે આ ગાંઠનો આકાર કરચલાને વધુ મળતો આવે છે. ગ્રીસમાં કરચલાને 'કેસનોસ' તેમજ 'કેસનોમા' તરીકે ઓળખવામાં આવે છે. આમ, એ વખતે ગ્રીસમાં અત્યારના કેન્સર જેવી બિમારીને કેસનોસ તરીકે ઓળખવામાં આવતી. ઈ.સ. પૂર્વે ૨૮-૫૦માં રોમના સેલ્સસ નામના તબીબે આ કેસનોસનો લેટિન ભાષામાં અનુવાદ કરીને કેન્સર નામ આપ્યું હતું. આમ, અત્યારનું કેન્સર નામ આપવાનું શ્રેય સેલ્સને જાય છે. ઈ.સ. ૧૩૦-૨૦૦માં ગ્રીસના અન્ય એક તબીબ ગેલને આ પ્રકારની ટયુમર માટે ઓન્કોસ નામ આપ્યું. આ જ કારણ છે કે કેન્સરની સારવાર કરતા તબીબને ઓન્કોલોજીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. 

કેન્સરના નિદાન માટે હાલ જે માધ્યમનો ઉપયોગ થયો છે તે પણ વર્ષો પુરાણો ઈતિહાસ ધરાવે છે. જેમકે, જર્મનીના સર્જન આલ્બર્ટ સેલ્મને સૌપ્રથમ ૧૯૧૩માં મેમોગ્રાફીનો વિચાર રજૂ કર્યો હતો. ઈ.સ. ૧૯૨૮માં ગ્રીસના જ્યોર્જ પેપાનિકોલાઉ દ્વારા 'પેપ સ્મીયર'ની શોધ કરવામાં આવી હતી. અત્યારે કેન્સરની સારવાર માટે ઉપયોગી એવી કિમોથેરાપીને ૧૯૪૬માં મંજૂરી અપાઇ હતી. કેન્સર એટલે જીવન કેન્સલ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ  એમ અગાઉ માની લેવામાં આવતું. પરંતુ હવે આપણા મેડિકલ સાયન્સે ખૂબ જ પ્રગતિ સાધી છે અને તેના કારણે કેન્સર સામેનો જંગ જીતવામાં ખાસ્સી સરળતા રહે છે. કેન્સર સામેના યુદ્ધમાં જીતવા માટે ફક્ત સમયસર સારવાર કે દવા જ નહીં અન્ય કેટલાક પરિબળો પણ ખૂબ જ મહત્વની કામગીરી અદા કરે છે. જેમાં સૌથી મોટું પરિબળ હકારાત્મક મિજાજ છે. 'મને કેન્સર છે, હવે મારું જીવન પૂરું થઇ ગયું?'એવા નકારાત્મક વિચારો કેન્સર કરતા પણ વધારે ઘાતકી પુરવાર થતા હોય છે. ૧૯૯૦ના દાયકાની અભિનેત્રી મનિષા કોઇરાલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ' મારો પણ એક જમાનો હતો, જ્યાં પણ હું પગ મૂકતી ત્યાં મારી એક ઝલક નિહાળવા માટે હજારો લોકો તૂટી પડતા હતા. કેટકેટલા યુવાનોની હું ડ્રીમ ગર્લ હતી અને તેમના બેડરૂમમાં મારા પોસ્ટર પણ હતા. મારી અદાઓથી ઘણા લોકો હૃદયની ધબકારો પણ ચૂકી જતા હતા. પરંતુ કહેવાય છે ને કે જીવનમાં બધું જ અસામાન્ય રીતે સમુસૂતરું ચાલતું હોય ત્યારે માની લેવું કે કશીક મોટી અણધારી આફત આવવાની છે. બસ, આવું જ કંઇક મારી સાથે બન્યું. મને કેન્સર હોવાનું નિદાન થયું અને કિમોથેરાપીની ત્રાસદાયક પીડામાંથી પસાર થવું પડયું. મારા વાળ ખરવા લાગ્યા. અચાનક જ ફેન્સની આંખોમાં પ્રેમનું સ્થાન સહાનૂભૂતિ લઇ લીધું. મારી પાસે બે જ વિકલ્પ હતા, રડી લેવું નહીં તો લડી લેવું. મેં બીજા વિકલ્પ પર પસંદગી ઉતારી 

અને  કેન્સરનો મેં સામનો કર્યો. આ બિમારીને લીધે હું મારા શરીર-જીવનની પ્રત્યેક પળ, સાચા સંબંધોનં  મહત્વ સમજવા લાગી અને આજે હું એક સારી વ્યક્તિ બની શકી છું.'

એક કિવંદતિ છે કે,જીવનને ઉત્સવની માફક ઉજવનારા નચિકેતને લેવા માટે યમરાજ આવ્યા હતા. મૃત્યુ નજીક હોવા છતાં નચિકેતના ચહેરા પર કોઇ જ ડર નહીં જોતાં યમરાજને આશ્ચર્ય થયું. આ સમયે નચિકેતે યમરાજને કહ્યું કે, 'તારા અસ્તિત્વનો નકાર કરવો એ જ તારું સન્માન છે, તને હાર આપવી સહજ છે. ષી જેવા આત્મજ્ઞાાાની જ નહીં પણ મારા જેવા સામાન્ય મનુષ્ય પણ તને હરાવી શકે છે. ' નચિકેતની આ દ્રઢતાની જોઇને યમરાજને પણ પાછીપાની કરવી પડી હતી. બસ, આપણી વચ્ચે કેટલાક લોકો 'નચિકેત' જેવા જ હોય છે. કેન્સરનું નિદાન થાય ત્યારે તેઓ ના કેવળ યમરાજ સાથે જાણે વાર્તાલાપ કરે છે બલ્કે તેને પોતાના મક્કમ મનોબળ વડે જીવનનો ઉત્સવ ઉજવવા માટે વધુ સમય પણ માગી લે છે. કેન્સરને મક્કમ મનોબળથી હરાવનારા આવા પ્રત્યેક 'નચિકેત'ને સલામ. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36E5l9v
Previous
Next Post »